એકસ્ટ્રા અફેર

સજાતીય લગ્નોને ભારતમાં કોઈ કાળે માન્યતા ના મળે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં સજાતીય સંબંધો સંવેદનશીલ મુદ્દો છે તેથી આ મામલે કશું પણ થાય તો તરત તેની ચર્ચા શરૂ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે સજાતીય લગ્નોને કાયદેસર નહીં કરવાના ચુકાદા અંગે ફેરવિચારણા કરવાની માગણી કરતી તમામ અરજીઓ ફગાવી દીધી એ સાથે જ આ મુદ્દો ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે 17 ઓક્ટોબર, 2023ના રોજ આપેલા ચુકાદામાં સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા ના આપી શકાય એવો ચુકાદો આપ્યો હતો.

આ ચુકાદા પર ફેરવિચારણા કરવાની માગ કરતી ઢગલાબંધ અરજીઓ થઈ હતી, પણ સુપ્રીમે સાફ ઈનકાર કરીને આ પ્રકરણ પર પડદો પાડી દીધો છે. આ ચુકાદો પણ પાંચ જજની બેંચે જ આપ્યો છે ને તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, રેકોર્ડમાં કોઈ ખામી છે નહીં તેથી આ અરજીઓ ટકી શકે તેમ નથી. તેના કારણે સુપ્રીમ કોર્ટ સામે નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે કેમ કે સુપ્રીમ કોર્ટે જ પહેલાં સજાતીય એટલે કે સમલૈંગિક સંબંધોને કાયદેસરતા આપેલી ને હવે સુપ્રીમ કોર્ટ સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા નથી આપી રહી.

જોકે સુપ્રીમ કોર્ટનું વલણ એકદમ બરાબર છે. સુપ્રીમ કોર્ટે 2023માં ચુકાદો આપેલો ત્યારે જ કહી દીધેલું કે, સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા આપવાનું અમારા હાથમાં નથી. ભારતમાં લગ્ન અંગેના કાયદામાં એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનાં લગ્નને જ માન્યતા છે, બે સ્ત્રી કે બે પુરુષ લગ્ન કરે એવા સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને માન્યતા નથી. આ માન્યતા જોઈતી હોય તો તેના માટે કાયદો બદલવો પડે ને કાયદો બદલવાનું કામ અમારું નથી પણ સંસદનું છે.

સુપ્રીમ કોર્ટનું કામ બંધારણીય જોગવાઈઓના અર્થઘટનનું છે અને સરકાર કે વહીવટી તંત્રનાં કૃત્યો દ્વારા બંધારણની કોઈ જોગવાઈનો ભંગ તો નથી થતો ને એ જોવાનું છે. સુપ્રીમ કોર્ટે એ જ ભૂમિકા ભજવીને સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા નથી આપી. સુપ્રીમ કોર્ટે પોતાની મર્યાદા પણ જણાવી દીધી ને સ્પષ્ટ કરી દીધું કે, પોતે બંધારણની ઉપરવટ ના જઈ શકે. ભારતનું બંધારણ સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસર ના ગણતું હોય તો સુપ્રીમ કોર્ટને તેને કાયદેસરતા આપવાનો અધિકાર નથી. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ સામે નારાજગી વ્યક્ત કરવાનો અર્થ નથી.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતાનો છેલ્લો રસ્તો પણ બંધ થઈ ગયો છે એ સ્પષ્ટ છે કેમ કે કેન્દ્ર સરકાર કોઈ સંજોગોમાં સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા આપવાનો ખરડો પસાર કરવાની નથી. સજાતીય લગ્નોને માન્યતાનો મુદ્દો પાંચ જજની બંધારણીય બેંચને સોંપાયો ત્યારે જ કેન્દ્ર સરકારે સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નનો વિરોધ કરીને તેને માન્યતા આપવાનો ઈનકાર કરી દીધો હતો.

કેન્દ્ર સરકારની દલીલ હતી કે, તમામ ધર્મોમાં લગ્નનું સામાજિક મહત્ત્વ છે. હિંદુ, મુસ્લિમ સહિત તમામ ધર્મમાં લગ્નને સંસ્કાર માનવામાં આવે છે ને તેમની લાગણીને ધ્યાનમાં રાખીને સમલૈંગિક લગ્નોને માન્યતા ના મળવી જોઈએ. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સમલૈંગિક લગ્નનો અને સજાતીય દંપતીઓને બાળકો દત્તક આપવાનો પણ વિરોધ કર્યો હતો. કેન્દ્રની એફિડેવિટમાં એ મુદ્દા પર ભાર મુકાયો હતો કે, સમલૈગિંક લગ્ન ભારતીય પરંપરાથી વિરુદ્ધ છે. ભારતીય પરંપરા અને સામાજિક વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ પતિ-પત્ની તરીકે રહે ને તેમનાથી બાળકો પેદા થાય એ પ્રકારની છે. સમલૈગિંક સંબંધો ધરાવતાં યુગલોનાં બાળકો આ વ્યવસ્થા પ્રમાણે નથી હોતાં તેથી આ લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે ના કહેવાય. સમલૈંગિક લગ્નથી ઉછેરાતાં બાળકોની તુલના ભારતીય પરિવારમાં પતિ-પત્નીને જન્મેલાં બાળકોની સાથે કરી શકાય નહીં.

કેન્દ્ર સરકારે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, સુપ્રીમ કોર્ટને સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો કોઈ અધિકાર જ નથી. આ અંગે નિર્ણય લેવો સંસદનું કામ છે તેથી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવાથી દૂર રહેવું જોઈએ. આ વાત બિલકુલ સાચી હતી ને ખુદ સુપ્રીમ કોર્ટે પોતે આ વાત સ્વીકારી લીધી હતી એ જોતાં સજાતીય લગ્નને માન્યતાના મુદ્દે 2023માં જ પડદો પડી ગયેલો. સજાતીય લગ્નોના સમર્થકોને સુપ્રીમ કોર્ટ પાસે આછીપાતળી આશા હતી, પણ હવે એ પણ પતી ગઈ છે.

Also read: એકસ્ટ્રા અફેર: રોહિત-વિરાટ અશ્વિનમાંથી પ્રેરણા લે તો સારું

કેન્દ્ર સરકારે જે વલણ લીધું એ પણ યોગ્ય છે કેમ કે આ દેશના જનમતથી ચૂંટાયેલી સરકારને કેવા કાયદા બનાવવા અને કાયદામાં કેવા સુધારા કરવા એ નક્કી કરવાનો અધિકાર છે. મોદી સરકાર પોતાના આ અધિકારનો ઉપયોગ કરીને સજાતીય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરતા ના આપવા માગતી હોય તો તેની ટીકા ના કરી શકાય. કેન્દ્ર સરકારનું આ વલણ બદલાવાનું નથી કેમ કે કોઈ ધર્મ સજાતીય લગ્નોની તરફેણ કરતો નથી અને બહુમતી લોકોની ધાર્મિક લાગણી સજાતીય લગ્નોની વિરુદ્ધ હોય ત્યારે કોઈ પણ સરકાર બહુમતી પ્રજાને નારાજ કરવાનું જોખમ ના જ ઉઠાવે. જોકે કેન્દ્ર સરકારનું વલણ હાથીના ચાવવાના જુદા ને બતાવવાના જુદા જેવું છે તેનો ઈનકાર ના કરી શકાય. તેનું કારણ એ કે, ભારતમાં સજાતીય સંબંધો ગુનો નથી, બંધ બારણે ચાલતા સજાતીય સંબંધો કાયદેસર રીતે માન્ય છે, પણ સજાતીય લગ્ન માન્ય નથી. લગ્નનો આધાર જ બે વ્યક્તિ વચ્ચેના સંબંધ છે, પણ તેને માન્યતા નથી અપાતી.

આ વિરોધાભાસ મુદ્દે કેન્દ્ર સરકારે દલીલ કરેલી કે, દેશના દરેક નાગરિકને પ્રેમ કરવાનો અને તેને વ્યક્ત કરવાનો અધિકાર છે. આ અધિકારમાં કેન્દ્ર સરકાર દખલ કરતી નથી, પણ તેનો અર્થ એ નથી કે તેમને લગ્ન કરવાની મંજૂરી આપવી જોઈએ. કેન્દ્રનું કહેવું હતું કે, સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની માગ શહેરી એલિટ ક્લાસની છે અને સામાન્ય લોકોને તેની સાથે કંઈ લેવાદેવા નથી.

મોદી સરકારે સ્પેશિયલ મેરેજ એક્ટનો હવાલો આપીને કહેલું કે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં સ્ત્રી અને પુરુષના લગ્નનો ઉલ્લેખ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવામાં આવશે તો સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવાનો હેતુ નષ્ટ થશે અને તેની અસર સમગ્ર સમાજ પર પડશે. આ દલીલ કરીને કેન્દ્ર સરકારે વિરોધ કર્યો પછી સુપ્રીમ કોર્ટે આ મામલો પાંચ જજની બંધારણીય બેંચને સોંપ્યો હતો. કેન્દ્રની દલીલોમાં દમ નહોતો, પણ સુપ્રીમ કોર્ટ પાસે કાયદો બદલવાનો અધિકાર જ નથી તો એ શું કરી શકે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button