એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: રોહિત-વિરાટ અશ્વિનમાંથી પ્રેરણા લે તો સારું

-ભરત ભારદ્વાજ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનએ ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ ડ્રોમાં ગઈ પછી પ્રેસ કૉન્ફરન્સમાં રોહિત શર્માની સાથે અશ્વિન હાજર થયો ત્યારે સૌને આશ્ચર્ય થયેલું કેમ કે અશ્વિન ત્રીજી ટેસ્ટમાં રમનારી ઈલેવનમાં નહોતો.

અશ્વિનએ પ્રેસ કૉન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરીને સૌને વધારે મોટું અને અણધાર્યું આશ્ર્ચર્ય આપી દીધું. અશ્વિનએ જાહેરાત કરી છે કે, પોતે ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે અને ભારતીય ટીમ સાથે ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ ને બુધવાર તેનો છેલ્લો દિવસ હતો.

ભારતમાં ક્રિકેટરો જલદી ખસતા નથી તેથી અશ્વિનની નિવૃત્તિ સૌને આંચકાજનક લાગે છે, પણ અશ્ર્વિનએ યોગ્ય સમયે આ નિર્ણય લીધો છે. ગૌરવભેર નિવૃત્તિનો અશ્વિનનો નિર્ણય સમયસરનો છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી તેને સતત નિષ્ફળતા મળતી હતી. એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ અશ્વિનની છેલ્લી ટેસ્ટ હતી ને તેમાં અશ્વિનનું પ્રદર્શન સામાન્ય હતું. પહેલી ઈનિંગમાં ૨૨ ને બીજી ઈનિંગમાં સાત રન કરનારા અશ્વિનને ફાસ્ટ બોલરોની પિચ પર એક જ વિકેટ મળી હતી. મિશેલ માર્શ તેનો છેલ્લો શિકાર હતો. પહેલી ટેસ્ટમાં અશ્વિનને તક નહોતી મળી, પણ એ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં અશ્વિનનો દેખાવ બહુ સાધારણ હતો.

અશ્વિનએ ભારતની પિચો પર અત્યંત ખતરનાક ગણાય છે, પણ ન્યૂ ઝીલૅન્ડ સામેની શ્રેણીમાં અશ્વિન સાવ સામાન્ય પુરવાર થયો હતો. ન્યૂ ઝીલૅન્ડના સેન્ટનર અને એજાઝ પટેલે ભારતને રગદોળી નાખેલું ત્યારે ભારતીય સ્પિન બોલિંગનો કર્ણધાર અશ્ર્વિન ન્યૂ ઝીલૅન્ડના બેટ્સમેન સામે સાવ સામાન્ય બોલર હોય એવું લાગતું હતું. ન્યૂ ઝીલૅન્ડ સામેની આખી શ્રેણીમાં અશ્વિનનએ ૧૮ રનના શ્રેષ્ઠ સ્કોર સાથે છ ઇનિંગ્સમાં માત્ર ૫૧ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ સામે જબરદસ્ત સદી ફટકાર્યા પછી અશ્ર્વિન સાવ બેટિંગ જ ભૂલી ગયો હોય એ રીતે આખી સીરિઝમાં રમ્યો હતો.

ન્યૂ ઝીલૅન્ડ સામે બોલિંગમાં પણ અશ્વિન ૪૧.૨૨ની નબળી સરેરાશ સાથે અને ૬૩ રનમાં ૩ વિકેટના શ્રેષ્ઠ ફિગર સાથે માત્ર નવ વિકેટ લઈ શક્યો હતો. અશ્વિન ભારતની પિચો પર પોતાનો ચરખો ચલાવીને હરીફ ટીમને ધરાશાયી કરવા માટે જાણીતો છે, પણ તેની કારકિર્દીમાં પહેલી વાર એવું બન્યું કે, ઘરઆંગણે શ્રેણીમાં એક પણ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી શક્યો ન હતો.

ઈનિંગમાં એક-બે વિકેટ લેવી એ અશ્વિનની પ્રતિષ્ઠાને અનુરૂપ નહોતું એ જોતાં તેને કદાચ એ વખતે જ ખ્યાલ આવી ગયેલો કે, હવે આપણા શ્રેષ્ઠ દિવસો પૂરા થઈ ગયા છે અને હવે નિવૃત્તિ લેવાનો વિકલ્પ જ શ્રેષ્ઠ છે. બહુ લાંબું વિચાર્યા વિના અશ્વિનએ આ નિર્ણય અમલમાં મૂકીને બહુ સારું કર્યું.

અશ્વિનની છેલ્લી બે સીરિઝ ભલે સારી ના ગઈ, પણ તેના કારણે તેની મહાનતા ઓછી થતી નથી. ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન ક્રિકેટરોમાં તેનું નામ લેવું પડે એવી તેની કરિયર છે જ. તેમાં પણ ટેસ્ટમાં તો અશ્વિનની કક્ષાનો અનિલ કુંબલે સિવાય બીજો બોલર નથી આવ્યો. આંકડાની રીતે જોઈએ તો અશ્વિનએ ભારતને અત્યાર સુધીમાં કપિલદેવ પછીનો શ્રેષ્ઠ ઑલરાઉન્ડર ગણવો પડે એવો દેખાવ છે. અશ્વિનએ ૧૦૬ ટેસ્ટમાં ૨૫.૯૨ રનની એવરેજથી ૩૫૦૩ રન બનાવ્યા અને કુલ ૬ ટેસ્ટ સદી ફટકારી છે.

બોલિંગમાં તો વૈશ્ર્વિક સ્તરે તેને મહાન સ્પિનરોમાં એક ગણવો પડે એવો તેનો રેકોર્ડ છે. આર. અશ્વિનએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૬ મૅચમાં ૫૩૭ વિકેટ લીધી છે. મતલબ કે, દરેક ટેસ્ટ મૅચ દીઠ ૫ વિકેટથી વધારેની અશ્વિનની એવરેજ છે. વિશ્ર્વ ક્રિકેટમાં મહાન મનાતા ઘણા બોલરોની પણ પ્રતિ ટેસ્ટ ૫ વિકેટની એવરેજ નથી હોતી એ જોતાં આ રેકોર્ડ બહુ સારો કહેવાય.
અશ્વિનએ ૩૭ વાર એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે અને ૮ વખત ટેસ્ટમાં ૧૦ વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વાર ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. મુરલીધરને ૬૭ વખત ઈનિંગમાં પાંચ વિકેટ લીધી છે. અશ્વિન શેન વોર્ન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે.

ભારતમાં કોઈ બોલરનો રેકોર્ડ આવો જોરદાર નથી અને વિશ્ર્વ ક્રિકેટમાં બહુ ઓછા બોલરોનો રેકોર્ડ અશ્વિન જેવો છે. અશ્વિન ભારત વતી ટેસ્ટ મૅચમાં બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેનાથી આગળ માત્ર અનિલ કુંબલે છે કે જેમણે ૬૧૯ વિકેટ લીધી છે. અશ્વિનએ ત્રણેય ફોર્મેટમાં ૨૮૭ મૅચ રમીને ૭૬૫ વિકેટ લીધી ને તેમાંથી ૧૫૬ વિકેટ વન ડે મૅચોમાં અને ૭૨ વિકેટ ટી-૨૦માં લીધી છે. અશ્વિન ૧૧૬ વન ડે અને ૬૫ ટી-૨૦ મૅચ રમ્યો એ જોતાં મૅચદીઠ એક કરતાં વધારેનો રેકોર્ડ સારો જ કહેવાય.

ભારતમાં દક્ષિણ ભારતીય ક્રિકેટરો ગૌરવ સાથે નિવૃત્ત થઈ જવામાં માને છે. ટીમ માટે તમે અળખામણા થઈ જાઓ અને પછી ધક્કા મારીને કાઢવા પડે એવી સ્થિતિ પેદા થાય એ પહેલાં નિવૃત્ત થઈ જવામાં ગૌરવ છે એ વાત મોટા ભાગના ક્રિકેટરો સમજતા નથી. કપિલદેવ જેવા મહાન ક્રિકેટરને પણ આ વાત સમજાઈ નહોતી ને છેલ્લે છેલ્લે રિચર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે કપિલદેવે રમ્યા કર્યું તેમાં તેમની આબરૂ પણ ઝંખવાયેલી. સામે સુનિલ ગાવસકરે પરફેક્ટ ટાઈમિંગ સાથે નિવૃત્તિ લઈને એક ઉદાહરણ સ્થાપિત કરેલું.

સુનિલ ગાવસકરના જ બનેવી ગુંડપ્પા વિશ્ર્વનાથ મહાન બેટ્સમેન હતા, પણ છેલ્લે છેલ્લે સાવ ફ્લોપ જતા ને ધક્કા મારીને કાઢવા પડે એવી સ્થિતિ આવી ગયેલી તેમાંથી બોધપાઠ લીધો હોય કે ગમે તે પણ છેલ્લી ટેસ્ટમાં પાકિસ્તાન સામે ૯૬ રનની માસ્ટર ક્લાસ ઈનિંગ અને ૧૯૮૭ના વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે તોફાની સદી ફટકારીને ગાવસકરે વિદાય લીધી હતી. ગાવસકર પછીની પેઢીના ખેલાડીઓમાં સચિન તેંડુલકર સહિતના કેટલાક ખેલાડી ગૌરવભેર વિદાય થયા, પણ ગાવસકરને સૌથી વધારે અનુસર્યા છે દક્ષિણ ભારતીય ખેલાડીઓ.

Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?

ભારતના સૌથી સફળ બોલર અનિલ કુંબલેએ અશ્વિનની જેમ જ આ રીતે અચાનક નિવૃત્તિ જાહેર કરીને વિદાય લીધી હતી. રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, જવગલ શ્રીનાથ, વેંકટેશ પ્રસાદ વગેરે મહત્ત્વનું યોગદાન આપનારા મહાન ખેલાડીઓ, પણ અળખામણા થાય એ પહેલાં નિવૃત્તિ જાહેર કરીને વિદાય થઈ ગયા. કુંબલે અને દ્રવિડે તો કોચ તરીકે પણ યોગ્ય સમયે વિદાય લઈને ગૌરવ જાળવ્યું અને રવિચંદ્રન અશ્વિન એ પરંપરા નિભાવી છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી અશ્વિન પાસેથી પ્રેરણા લે એવી આશા રાખીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button