એકસ્ટ્રા અફેર

રતન ટાટા જેવો આદર બહુ ઓછા ઉદ્યોગપતિઓને મળ્યો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશના લીજેન્ડરી ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે ૮૬ વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. રતન ટાટાને સોમવારે અચાનક બ્લડ પ્રેશરમાં ઘટાડો થવાને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પહેલાં તેમના નિધનની અફવા પણ ફેલાઈ હતી.

રતન ટાટાને હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા છતાં રતન ટાટાએ આ અફવાને રદિયો આપ્યો હતો. રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે, હું ઠીક છું અને મારી વૃદ્ધાવસ્થાને કારણે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી.

રતન ટાટાને પોતાને પણ એ વખતે અંદાજ નહીં હોય કે મોત તેમની આસપાસ આંટા મારી રહ્યું છે અને બહુ જલદી તેમને પોતાની સાથે લઈ જશે. સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટના ત્રણ જ દિવસમાં રતન ટાટાએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી.

રતન ટાટાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના દિવસે મુંબઈમાં થયો હતો. સુરતમાં જન્મેલા નવલ ટાટાના પુત્ર રતન ટાટા નાના હતા ત્યારે જ તેમના માતા-પિતાના ડિવોર્સ થઈ ગયેલા તેથી રતન નવલ ટાટા પોતાનાં દાદી નવજબાઈ પાસે મોટા થયા હતા. રતન ટાટાનાં માતા સૂની ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાનાં ભત્રીજી હતાં જ્યારે તેમના પિતા નવલ ટાટા મૂળ ટાટા પરિવારના નહોતા પણ રતનજી ટાટાએ તેમને દત્તક લેતાં નવલ ટાટા પરિવારમાં આવ્યા હતા.

રતન ટાટા અમેરિકાથી ભણીને આવ્યા પછી ટાટા ગ્રુપમાં જોડાયા હતા અને ખોટ કરતી નેલ્કોને નફો કરતી કરીને તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી પછી જેઆરડી ટાટાને તેમનામાં રસ પડ્યો હતો. જેઆરડીએ રતનને ટાટા ગ્રુપનું સુકાન સોંપવાનું નક્કી કર્યું ત્યારે રૂસી મોદી સહિતના જૂના જોગીઓનો વિરોધ સહન કરવો પડ્યો હતો. જો કે જેઆરડીએ બધા વિરોધને અવગણીને રતન ટાટાને ટાટા ગ્રુપની કમાન સોંપી પછી રતન ટાટાએ પાછું વળીને જોયું નહીં.

રતન ટાટા ૨૧ વર્ષ સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. આ ૨૧ વર્ષમાં ટાટા ગ્રુપની આવક ૪૦ ગણી વધી અને નફો ૫૦ ગણો વધ્યો. રતન ટાટાને ભારતની સૌથી પહેલી સ્વદેશી કાર ઈન્ડિકા બનાવવાનું શ્રેય જાય છે. ભારતમાં એ પહેલાં જે પણ કાર બનતી એ બધી વિદેશી ટેકનોલોજીથી બનતી હતી. રતન ટાટાએ ૧૯૯૦ના દાયકામાં ભારતમાં પહેલી સ્વદેશી કાર બનાવવાનું નક્કી કર્યું પછી પોતે ટાટાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં જઈને પોતાના એન્જિનિયર્સ સાથે મળીને કાર બનાવવાનું શરૂ કર્યું. ટાટાએ પોતે રસ લઈને અને મહેનત કરીને ઈન્ડિકા બનાવીને ભારતમાં કાર ઉત્પાદન ઈન્ડસ્ટ્રીની શિકલ જ બદલી નાખી અને ટાટાને કાર ઉત્પાદનમાં દેશની ટોચની કંપની બનાવી.

રતન ટાટાનું એક સપનું દેશનાં સામાન્ય લોકોને પણ પરવડે એવી માત્ર ૧ લાખ રૂપિયામાં વેચી શકાય એવી કાર બનાવવાનું હતું. ટાટાએ નેનો કાર દ્વારા આ સપનું પણ પૂરું કર્યું હતું. ૨૦૦૮માં રતન ટાટાએ દુનિયાની સૌથી સસ્તી એવી માત્ર ૧ લાખ રૂપિયામાં જ મળી શકે તેવી નેનો મોટરકારનું નિર્માણ ગુજરાતમાં સાણંદ પાસે શરૂ કરીને ઈતિહાસ રચી દીધો હતો. સામાન્ય માનવીને પણ પોસાય તેવી કાર બનાવવાનું ટાટાનું સપનું ગુજરાતની મોદી સરકારના શાસનમાં પૂરું થયું.

નેનો કાર બહુ સફળ ના થઈ અને અત્યારે બંધ પણ થઈ ગઈ છે પણ ટાટાએ નેનો કાર બનાવીને સાબિત કર્યું હતું કે, તમે દૃઢ નિશ્ર્ચય કરો તો ગમે તે કામ પાર પાડી શકો છો. રતન ટાટાએ બહુ વરસો પહેલાં જ દુનિયામાં ઈલેક્ટ્રિક કારનું માર્કેટ ઝડપભેર મોટું થશે એ જોઈ લીધેલું તેથી ટાટાની કાર્સને ઈલેક્ટ્રિક બનાવવાની દિશામાં પગલાં ભરવા માંડેલાં. આજે ટાટા ગ્રુપ ભારતમાં ઈલેક્ટ્રિક કારના ઉત્પાદનમાં સૌથી આગળ છે તેનો યશ રતન ટાટાના વિઝનને જાય છે.

ટાટા ગ્રુપ પહેલેથી ગ્લોબલ હતું પણ રતન ટાટાએ તેની પાંખોને વિસ્તારી. રતન ટાટાએ લેન્ડ રોવર અને જગુઆર જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ ટાટાના ખાતામાં ઉમેરી. આ ઉપરાંત કોરસ જેવી મોટી કંપનીને ટેકઓવર કરાવીને સ્ટીલ ઉત્પાદનમાં ટાટાની તાકાત વધારી. ટાટા ટીએ ટેટલી જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડને હસ્તગત કરી.

રતન ટાટા વિશે એક બહુ ઓછી જાણીતી વાત એ છે કે, ૨૦૦૪માં રતન ટાટાએ ઐતબાર નામની ફિલ્મ બનાવીને ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવ્યું હતું. વિક્રમ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક સાયકોલોજિકલ થ્રિલર ઐતબાર ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુએ અભિનય કર્યો હતો.

ટાટાએ જતિન કુમાર, ખુશરૂ બાધા અને મનદીપસિંહ સાથે મળીને આ ફિલ્મ બનાવી હતી. ૧૯૯૬ની હોલીવુડ ફિલ્મ ફિયરથી પ્રેરિત ઐતબારમાં મોટા મોટા સ્ટાર અને સસ્પેન્સફુલ પ્લોટ હોવા છતાં ફિલ્મ ચાલી નહોતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી. રૂપિયા ૯.૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ નિર્માણની દુનિયામાં ટાટાનું પહેલું અને છેલ્લું સાહસ હતું. ટાટાએ ફરી ફિલ્મ નિર્માણમાં ઝંપલાવવાની હિંમત ના કરી.

રતન ટાટાએ ટાટા ગ્રુપનું ચેરમેનપદ છોડ્યું પછી સાયરસ મિસ્ત્રી ચેરમેન બન્યા હતા. સાયરસની પસંદગી રતન ટાટાએ જ કરી હતી છતાં સાયરસ સાથે તેમને સંઘર્ષ થયો તેના કારણે ટાટાની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. ટાટા ગ્રુપ છોડ્યું હોવા છતાં રતન ટાટા ગ્રુપની કામગીરીમાં દખલ કરતા હોવાના આક્ષેપ પણ થયા હતા. રતન ટાટા જેવા વિરાટ વ્યક્તિત્વ ધરાવતા ઉદ્યોગપતિ આવી નાની નાની વાતોમાં પડે એ વાત તેમના ચાહકોને પણ આઘાત આપનારી લાગી હતી.

સદનસીબે ટાટા પછી ટાટા ગ્રુપથી અલગ થઈ ગયા ને પાછલી જિંદગીમાં નવું કરવાની ધગશ ધરાવતા યુવકોનાં સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરીને યુવકને પ્રોત્સાહન આપતા હતા. રતન ટાટાના કારણે ઘણાં સ્ટાર્ટ અપ્સ પગભર થઈ શક્યાં. સ્નેપડીલ, ટીબોક્સ, કેશકરોડોટકોમ, ડોગસ્પોટ સહિતની નવી નવી કંપનીઓમાં રોકાણ કરીને ટાટાએ તેમને પ્રોત્સાહન આપ્યું હતું. ટાટાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં દાન પણ કર્યાં હતાં.

રતન ટાટાએ ભારતીયોના હૃદયમાં જે સ્થાન મેળવ્યું એવું સ્થાન બહુ ઓછા ઉદ્યોગપતિ મેળવી શકે છે. ભારતનાં લોકો માટે આદરપાત્ર રતન ટાટા ભલે આપણી વચ્ચેથી વિદાય થયા પણ આ દેશનાં લોકો તેમને ભૂલી નહીં શકે.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker