એકસ્ટ્રા અફેર

દાઉદ સાથે સંબંધ, પ્રફુલ્લ પટેલ ‘પવિત્ર’ થઈ ગયા?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ સાથે સાઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે. ભાજપે એનસીપીના અજિત પવાર ગ્રુપ સાથે તાજા તાજા જોડાયેલા નવાબ મલિકના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અજિત પવારના જ બીજા સાથી પ્રફુલ્લ પટેલની દાઉદ ઈબ્રાહીમ ગેંગના ઈકબાલ મિર્ચી સાથેની નિકટતા અંગે ભાજપની ચૂપકીદી સામે સવાલ કરેલા.

ભાજપે વળતો પ્રહાર કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નાસિકના નેતા સુધાકર બડગુજરના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંકળાયેલા સલીમ કુત્તા સાથેની નિકટતાનો મુદ્દો ચગાવી દીધો ને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સલીમ કુત્તા અને સુધાકર બડગુજરના સંબંધોની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) રચવાની જાહેરાત પણ કરી નાખી.
સલીમ કુત્તા અને સુધાકર બડગુજરની નિકટતાની વાત ભાજપના ધારાસભ્ય નીતીશ રાણે લઈ આવ્યા છે. સલીમ કુત્તા ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો સાથી છે અને ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં તેને આજીવન કારાવાસની સજા થઈ છે. સલીમ કુતા હમણાં પેરોલ પર બહાર આવ્યો છે. રાણેનો દાવો છે કે, નાસિક શિવસેનાના નેતા સુધાકર બડગુજરે સલીમ કુત્તાના માનમાં પાર્ટી રાખેલી ને તેમાં સલીમ કુત્તા સાથે સાથે ડાન્સ પણ કરેલો.

નીતીશ રાણેએ વિધાનસભામાં એવો ફોટો પણ બતાવ્યો કે જેમાં પાર્ટીમાં બડગુજર અને સલીમ કુત્તા સાથે ડાન્સ કરતા હોય. રાણેના કહેવા પ્રમાણે તો તેમની પાસે આ પાર્ટીનો વીડિયો પણ છે. રાણેનું કહેવું છે કે, સલીમ કુતા પેરોલ પર બહાર છે તેની ખુશીમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નેતાઓ તેની સાથે પાર્ટી કરી રહ્યા છે એ શરમજનક કહેવાય ને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. રાણેની માગણીમાં ભાજપના બીજા નેતા પણ જોડાયા છે ને તેમણે બડગુજરની ધરપકડની માગણી કરી છે.

શિવસેનાએ આ વાતોને બકવાસ ગણાવી છે. બડગુજરે તાત્કાલિક નાસિકમાં એક પ્રેસ કોન્ફરન્સને બોલાવીને દાવો કર્યો હતો કે યોગ્ય માહિતી મેળવ્યા વિના આક્ષેપો કરાયા છે અને વીડિયો સાથે છેડછાડ કરીને ડાન્સનો વીડિયો બનાવાયો છે. શિવસેનાનાં નેતા સુષ્મા અંધારે તો વળી નવી વાત લઈ આવ્યાં છે કે, બડગુજરનો વીડિયો મોર્ફ કરેલો છે અને વાસ્તવમાં આ પાર્ટીમાં ભાજપના નેતા ગિરિશ મહાજન હાજર હતા. ભાજપમાં દમ હોય તો ગિરિશ મહાજન સામે તપાસ કરાવવી જોઈએ.

મહારાષ્ટ્ર સરકારે બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ શું તપાસ કરશે એ ખબર નથી પણ આ મામલો ગંભીર છે તેમાં બેમત નથી. દાઉદ ઈબ્રાહીમ ભારતનો દુશ્મન છે ને ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ મુંબઈને તબાહ કરવા કરાયા હતા. આ તબાહી વેરનાર દેશનો ગદ્દાર કહેવાય ને તેને સાથ આપનારા બધા ગદ્દાર કહેવાય. સલીમ કુત્તા તેમાંથી એક છે કેમ કે સલીમ બોમ્બ બ્લાસ્ટના કેસમાં આરોપી છે. આ સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે જૂથના બડગુજરના સલીમ સાથે સંબંધો હોય તો તેને ઉઠાવીને તાત્કાલિક જેલમાં નાખવો જ જોઈએ.

સરકારે હજુ તપાસ સમિતિ બનાવી છે ને એ ક્યારે તપાસ કરશે તેની ખબર નથી પણ એ પહેલાં સલીમ અને બડગુજરનો ડાન્સ કરતો વીડિયો જાહેર કરાવો જોઈએ. રાણેએ પોતાની પાસે બડગુજર સલીમ સાથે ડાન્સ કરે છે એવો વીડિયો હોવાનો દાવો કર્યો છે. આ દાવો સાચો હોય તો રાણેએ તાત્કાલિક આ વીડિયો મીડિયાને આપીને બડગુજરનો અસલી ચહેરો લોકો સામે ખુલ્લો કરવો જોઈએ કેમ કે આ મામલો દેશ સાથે ગદ્દારી કરનારા લોકો સાથે સંબંધોનો છે.

બડગુજર સામે તપાસ થતાં થશે ને તપાસમાં કંઈ નીકળશે તો કોર્ટ તેનો ફેંસલો કરશે પણ રાણે પાસે ખરેખર સાચો વીડિયો હોય તો તેમણે એ વીડિયો જનતાની અદાલતમાં મૂકવો જોઈએ અને આ દેશ તરફની વફાદારી સાબિત કરવી જોઈએ. રાણે આ વીડિયો જાહેર ના કરે તો સમજવું કે એ ફેંકાફેંક કરે છે અથવા તેમની દાનત ખોરી છે. દેશ કરતાં ઉપર કશું હોતું નથી. દેશની સુરક્ષાના મુદ્દે ના રાજકારણ રમાવું જોઈએ કે ના બીજા કોઈ દાવપેચ થવા જોઈએ. આશા રાખીએ કે, રાણે આ વાત સમજશે ને વીડિયો જાહેર કરીને દેશની સેવા કરશે.

મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવીને સારું કર્યું છે પણ આ ટીમ પાસે બડગુજરની સાથે સાથે બીજા લોકોના દાઉદ સાથેના કનેક્શનની તપાસ પણ કરાવવી જોઈએ. બડગુજરના તો દાઉદ સાથે સીધા સંબંધો નથી પણ મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ સાથે સીધા સંબંધો ધરાવનારા નેતા પણ છે ને તેમની તપાસ પણ થવી જોઈએ. આ સંબંધોના આક્ષેપ ભાજપે પોતે જ કરેલા એ જોતાં ભાજપ પણ દેશ તરફ વફાદારી બતાવે એ જરૂરી છે.

હમણાં ભાજપે દાઉદ સાથે સાઠગાંઠના કેસમાં જેલભેગા થયેલા નવાબ મલિકનો મુદ્દો ચગાવ્યો છે. મલિક જામીન પર છૂટ્યા પછી અજિત પવારની એનસીપીના ધારાસભ્યો સાથે વિધાનસભામાં બેઠા પછી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પત્ર લખીને મલિકને સત્તાધારી મોરચાથી દૂર રાખવા કહ્યું છે. ફડણવીસે આ પત્ર જાહેર કર્યો પછી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફડણવીસને ટેકો આપ્યો છે. એકનાથ શિંદેએ મુંબઈના ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ કેસના સૂત્રધાર દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધો રાખવા બદલ નવાબ મલિકને ગદ્દાર ગણાવેલા. શિંદેનું કહેવું છે કે, તેમનું વલણ હજુ બદલાયું નથી ને પોતે મલિકને ગદ્દાર જ માને છે તેથી ભાજપના વલણને પોતાનો પૂરેપૂરો ટેકો છે.

ફડણવીસ અને શિંદે બંનેનું વલણ યોગ્ય છે પણ એ બંને પ્રફુલ્લ પટેલના મુદ્દે ચૂપ છે. અજીત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે દાઉદ ઈબ્રાહીમના સાથી ઈકબાલ મોહમ્મદ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચી સાથે જમીનનો સોદો કર્યાનો મુદ્દો ૨૦૧૯માં ભાજપે જ ચગાવેલો. ભાજપે દાવો કરેલો કે, પ્રફુલ્લ પટેલની કંપની મિલેનિયમ ડેવલપર્સે વરલીમાં સીજે હાઉસ નામે ૧૫ માળની બિલ્ડિંગ બનાવેલી તેમાં મિર્ચી ભાગીદાર હતો. મિર્ચી પણ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સામેલ હતો.

આ સંજોગોમાં પ્રફુલ્લ પટેલના મિર્ચી સાથેના સંબંધોની તપાસ પણ થવી જ જોઈએ કે પછી પ્રફુલ્લ પટેલ ભાજપ સાથે બેઠા એટલે પવિત્ર થઈ ગયા છે એટલે તેમને કંઈ ના કરાય?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button