રેખા શીલાના રસ્તે ચાલશે તો લાંબું ખેંચશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદે અંતે રેખા ગુપ્તાની શપથવિધિ થઈ ગઈ. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રેખા ગુપ્તાની સાથે પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહે પણ શપથ લેતાં દિલ્હીમાં ભાજપની ફૂલ કેબિનેટ કામ કરતી થઈ ગઈ છે. રેખા ગુપ્તાની શપથવિધિ સાથે એક રસપ્રદ વાત એ જોડાયેલી છે કે, રેખા ગુપ્તાએ દિલ્હીનાં સાતમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને દિલ્હીમાં સાત મુખ્ય પ્રધાનમાંથી ચાર મુખ્ય પ્રધાન મહિલા છે. રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય પ્રધાન બન્યાં છે અને દિલ્હી દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં પુરૂષો કરતાં મહિલા મુખ્ય પ્રધાનની સંખ્યા વધારે છે.
મદનલાલ ખુરાના દિલ્હીના પહેલા મુખ્ય પ્રધાન હતા. ખુરાના પછી સાહિબસિંહ વર્મા અને અરવિંદ કેજરીવાલ એમ કુલ ત્રણ પુરૂષ મુખ્ય પ્રધાન આવ્યા ત્યારે સુષમા સ્વરાજ, શીલા દીક્ષિત, આતિશી માર્લેના અને હવે રેખા ગુપ્તા એમ ચોથાં મહિલા મુખ્ય પ્રધાન આવ્યાં છે. આપણા દેશમાં લોકો માટે આ ગર્વની વાત કહેવાય. નાનું તો નાનું પણ આ દેશમાં એક રાજ્ય તો એવું છે કે જ્યાં મહિલાઓને મહત્ત્વ મળ્યું છે. રેખા ગુપ્તાની કેબિનેટના બાકીના સભ્યો પુરૂષો જ છે પણ તેમનાં ચીફ મહિલા છે એ સારું છે.
રેખા ગુપ્તા ભાજપના પિતૃ સંગઠમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પસંદગી મનાય છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે સંઘે રેખા ગુપ્તાનું નામ સૂચવ્યું હતું કે જેને ભાજપે સ્વીકારી લીધું છે. આ પહેલાં મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસને પણ સંઘના કહેવાથી જ ગાદી સોંપાઈ હતી એવું કહેવાય છે. આ વાત સાચી હોય તો નરેન્દ્ર મોદીએ સંઘ સામે શરણાગતિ સ્વીકારી લીધી કહેવાય. બાકી નરેન્દ્ર મોદી સંઘને ગણકારતા નહોતા. ગુજરાત સહિતનાં રાજ્યોમાં તો સંઘનું અસ્તિત્વ નામશેષ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓનો કોઈ ભાવ જ પૂછતું નથી ત્યાં લોકોના કામ કરાવી આપવાની તો વાત જ થાય એમ નથી.
નરેન્દ્ર મોદી 2014માં પોતાના કરિશ્મા પર જીત્યા હતા અને 2019માં પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના કારણે ઊભા થયેલા દેશપ્રેમના કારણે જીત્યા હતા. નરેન્દ્ર મોદીએ અમિત શાહને આગળ કરીને તોડફોડનું રાજકારણ અપનાવીને બીજી પાર્ટીઓમાંથી જીતી શકે એવા લોકોને લાવી લાવીને ભાજપ ભરી દીધો હતો. મોદી અને શાહ એવું જ માનવા લાગેલા કે, ભાજપની સફળતા પોતાને કારણે છે ને આ સફળતા કદી જવાની નથી પણ 2024ની લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ તેમને પોતાની તાકાતનો પરચો આપી દીધો.
સળંગ બે વાર સ્પષ્ટ બહુમતી મેળવનારા ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી અને ભાજપ 240 બેઠકો પર સમેટાયો પછી મોદીને કદાચ લાગ્યું હોય કે, આ રીતે અમિત શાહની રીતરસમોથી લાંબું નહી ખેંચી શકાય એટલે તેમણે સંઘની શરણાગતિ સ્વીકારી લીધી હોય એ શક્ય છે. સંઘની વિચારધારા અને વિશેષ તો તેની કાર્યપદ્ધતિ બહુ વખાણવા જેવી નથી. સંઘની સૌથી મોટી નબળાઈ મર્દાનગીનો અભાવ છે. કોઈ પણ મુદ્દે તડ ને ફડ કરીને મક્કમ વલણ લેવાનું આવે ત્યારે સંઘના નેતા પાણીમાં બેસી જાય છે. બહુ જૂની વાતો ના કરીએ તો પણ બાંગ્લાદેશ અને મણિપુરના હિંદુઓના મુદ્દા સામે જ છે. બંને ઠેકાણે હિંદુઓ મરી રહ્યા હતા ને સંઘ તમાશો જોઈ રહ્યો હતો.
બાંગ્લાદેશ તો બીજો દેશ છે એટલે મોદીનું ત્યાં કશું ના ઊપજે એ માની શકાય પણ કમ સે કમ ફૂંફાડો તો મારી શકાય કે નહીં ? સંઘ મોદી પાસે એટલું પણ ના કરાવી શક્યો કેમ કે સંઘ પોતે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી રહ્યો હતો. મણિપુર તો ભારતનું રાજ્ય છે ને મોદી સરકારની બંધારણીય ફરજ હિંદુઓને બચાવવાની હતી. શરમજનક વાત એ છે કે દોઢ વર્ષની હિંસા છતાં મોદી મણિપુર ના ગયા ને હજુ સુધી એક હરફ ઉચ્ચાર્યો નથી. સંઘ મણિપુરના હિંદુઓના મુદ્દે પણ ચૂપ બેસી રહ્યો. મોદીસાહેબ વિદેશોમાં ફરતા રહ્યા ને સંઘ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહેવા સિવાય કશું ના કરી શક્યો.મોદીએ સંઘ સામે શરણાગતિ સ્વીકારી હોય તો એ માટેનાં કારણો સ્પષ્ટ છે. એ જ રીતે રેખા ગુપ્તા સંઘની પસંદગી હશે તો એ માટેનાં કારણો હશે. આપણે એ કારણોની ચર્ચામાં નથી પડતા પણ રેખા ગુપ્તા દિલ્હીમાં ભાજપનો બીજો જે ફાલ છે તેના કરતાં બહેતર પસંદગી સાબિત થઈ શકે છે.
દિલ્હીમાં પ્રવેશ વર્મા સહિતના નેતા અતિશય આક્રમક છે કે જેમની પિન હિંદુત્વના મુદ્દા પર ચોંટેલી છે. એ લોકોનું રાજકારણ હિંદુ વર્સીસ મુસ્લિમમાં સમેટાયેલું છે તેથી તેમની પાસેથી દિલ્હીના ઉધ્ધારની અપેક્ષા ના રખાય. વિજેન્દ્ર ગુપ્તા સહિતના નેતા હાઈકમાન્ડના પપેટ છે તેથી વાત વાતમાં બધું ઉપર પૂછવા જવાના. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ ટાઈપના આ નેતાઓથી પ્રજાનું કશું ભલું ના થાય. એ લોકો પોતાની ખુરશી સાચવીને ખુશ રહ્યા કરે પણ તેમાં ભાજપનું કે દેશનું ભલું નથી.
રેખા ગુપ્તા પણ વર્તવાનાં તો ભાજપ હાઈકમાન્ડ અને સંઘના પપેટ તરીકે જ છે પણ છતાં તેમની પાસેથી એ રીતે આશા રાખી શકાય કે, તેમનું રાજકારણ સંઘર્ષનું છે તેથી સાવ હવામાં નહીં ઊંડે. રેખા ગુપ્તાએ વિદ્યાર્થી નેતા તરીકે અખિલ ભારતીય વિજ્યાર્થી પરિષદમાંથી પોતાની રાજકીયકારકિર્દીની શરૂઆત કરી હતી પણ બહુ મહેનત પછી સફળતા મળી છે. રેખા ગુપ્તા પહેલી જ વાર ધારાસભ્ય બન્યાં છે અને પહેલાં બે વાર ધારાસભ્યની ચૂંટણી હારી ચૂક્યાં છે. પહેલી વાર તે 11,000 મતોથી હારી ગયાં હતાં જ્યારે છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વંદના સામે સાડા ચાર હજાર મતોથી હારી ગયાં હતાં. આ કારણે તેમને એ વાતનો અહેસાસ હશે જ કે, માત્ર ઉપર બેઠેલા લોકોને ખુશ રાખવાથી રાજકારણમાં ટકાતું નથી પણ લોકોનાં કામ પણ કરવાં પડે છે. બાકી લોકો લાત મારીને તગેડી મૂકે છે. આ અહેસાસના કારણે એ લોકોનાં કામ કરશે એવી આશા રાખી શકાય.
દિલ્હીમાં રેખા ગુપ્તા પહેલાં જે ત્રણ મહિલા મુખ્ય પ્રધાન આવી તેમાંથી બે મુખ્ય પ્રધાનનો કાર્યકાળ બહુ ટૂંકો હતો. સુષમા સ્વરાજ 50 દિવસ ટકેલાં જ્યારે આતિશી ત્રણ મહિના ગાદી પર રહ્યાં. શીલા દીક્ષિત 15 વર્ષ ટક્યાં કેમ કે શીલાએ મેટ્રો સહિતની લોકોને ફાયદો કરાવનારી યોજનાઓ અમલમાં મૂકીને દિલ્હીની કાયાપલટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. રેખા પણ શીલાના રસ્તે ચાલશે તો લાંબું ખેંચશે.