એકસ્ટ્રા અફેર

ગુજરાત કૉંગ્રેસના નેતાઓનો બળાપો, સબ કુછ લૂટાકર હોશ મેં……….

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કૉંગ્રેસે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી તેની સામે કૉંગ્રેસના નેતાઓએ જ જાહેરમાં બળાપો કાઢવા માંડ્યો છે. મજાની વાત એ છે કે, આ બળાપો સૌથી વધારે ગુજરાત કૉંગ્રેસના નેતા કાઢી રહ્યા છે અને કૉંગ્રેસ હાઈકમાન્ડની ઐસીતૈસી કરીને ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગેરહાજર રહેવાના નિર્ણયની ઝાટકણી પણ કાઢી રહ્યા છે. આ બળાપાની શરૂઆત ગુજરાતમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ કરી પછી તેમાં અંબરીશ ડેર અને હેમાંગ રાવલ સહિતના બીજા નેતા પણ જોડાયા છે. આ નેતાઓનું કહેવું છે કે, ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને રાજકીય મુદ્દો બનાવવાથી કૉંગ્રેસે દૂર રહેવું જોઈતું હતું.

ગુજરાત કૉંગ્રેસના નેતાઓમાં અચાનક જ કૉંગ્રેસ હાઈકમાન્ડ સામે બોલવાની હિંમત ક્યાંથી આવી ગઈ એ સવાલ સૌને થઈ રહ્યો છે પણ તેની વાત કરતાં પહેલાં કૉંગ્રેસના નેતાઓએ શું કહ્યું છે તેની વાત કરી લઈએ. પોરબંદરના ધારાસભ્ય એવા અર્જુન મોઢવડિયાએ તો લખ્યું છે કે, ભગવાન રામ દેશનાં કરોડો લોકોની આસ્થા અને વિશ્ર્વાસનો સ્રોત છે ત્યારે ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભારતનાં લોકોની શ્રદ્ધા અને વિશ્ર્વાસનો વિષય છે. આ સંજોગમાં કૉંગ્રેસે આ પ્રકારનો રાજકીય નિર્ણય લેવાથી દૂર રહેવાની જરૂર હતી.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેરે પણ એવી જ વાત કરી છે કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ અમારા પૂજનીય દેવતા છે તેથી સ્વાભાવિક રીતે જ વરસોથી ભારતના અગણિત લોકો આ ભગવાન રામના મંદિર તથા મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ સાથે જોડાયેલા છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે તો હાઈકમાન્ડના નિર્ણયની વિરુદ્ધ જ સૂર કાઢીને કહ્યું છે કે, મને ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવાનું નિમંત્રણ મળ્યું હોત તો હું ચોક્કસ ગયો હોત.

આ નેતાઓના બળાપા સામે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એવી ચોખવટ કરી છે કે, કૉંગ્રેસ હાઈકમાન્ડે ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવાનું નિમંત્રણ એટલે ના સ્વીકાર્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય હજુ પૂરું થયું નથી તેથી આ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા હિંદુ શાસ્ત્રો પ્રમાણે નથી. શંકરાચાર્યો પણ આ વાત કરી ચૂક્યા છે ને એટલે જ કૉંગ્રેસ હાઈકમાન્ડે ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવાનું નિમંત્રણ મળવા છતાં હાજર નહીં રહેવાનો નિર્ણય લેવો પડ્યો છે.

શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ તરીકે હાઈકમાન્ડના બચાવની કામગીરી બજાવી એ બરાબર છે પણ તેમની વાતમાં સત્ય નથી. ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનો નિર્ણય જાહેર કરતી વખતે કૉંગ્રેસે જે નિવેદન બહાર પાડ્યું તેમાં ક્યાંય એવો ઉલ્લેખ છે જ નથી કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય હજુ પૂરું થયું નથી તેથી આ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા હિંદુ શાસ્ત્રો પ્રમાણે નથી એટલે કૉંગ્રેસના નેતા તેમાં ગેરહાજર રહેવાના છે પણ આ કાર્યક્રમ ભાજપ અને સંઘનો હોવાથી કૉંગ્રેસના નેતા હાજર નહીં રહે એવું સ્પષ્ટ કારણ અપાયું છે.

જયરામ રમેશના બે ફકરાના નિવેદનમાં સ્પષ્ટ લખાયેલું છે કે, ધર્મ એ અંગત બાબત છે પણ લાંબા સમયથી ભાજપ અને સંઘ અયોધ્યાના રામમંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવીને બેસી ગયાં છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું કામ પૂરું થયું નથી પણ રાજકીય ફાયદા ખાતર ભાજપ અને સંઘ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ફાયદા માટે ભાજપ અને સંઘ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરી રહ્યાં છે. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું કૉંગ્રેસ સન્માન કરે છે. ભગવાન રામને આદર્શ માનનારા કરોડો હિંદુઓની શ્રધ્ધાનું પણ કૉંગ્રેસ સન્માન કરે છે અને આ સન્માનને ધ્યાનમાં રાખીને જ મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે.

જયરામ રમેશે સત્તાવાર રીતે આપેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે ને તેમાં અધૂરા મંદિરનો ઉલ્લેખ છે પણ હિંદુ શાસ્ત્રોક્ત પ્રમાણે અધૂરા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ના થઈ શકે એવું છે જ નહીં. કૉંગ્રેસ પોતાના બચાવ ખાતર હવે આ વાત કરી રહી છે.

ખેર, કૉંગ્રેસને પોતાને ગમ્યું એ કારણ આપીને ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો ને એ નિર્ણય યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય આ દેશના મતદારો કરશે પણ ગુજરાત કૉંગ્રેસમાં આ નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો એ સૂચક છે ને તેનાં કારણો સમજવા જેવાં છે.

ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લા લગભગ ત્રણ દાયકાથી સત્તાની બહાર છે. ૧૯૮૫માં વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી કૉંગ્રેસ એક પણ ચૂંટણી જીતી નથી ને ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપની સરકાર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપે વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો અને કૉંગ્રેસને સાવ સાફ કરી નાંખી ને તેનું કારણ હિંદુત્વ છે.

ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણોના કારણે હિંદુત્વની લહેર ઊભી થઈ તેને કૉંગ્રેસીઓ પારખી શક્યા નહોતા. નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતનાં રમખાણો ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને રોકીને કારસેવકોને જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારાયા તેના પગલે ફાટી નીકળેલાં પણ કૉંગ્રેસ કારસેવકોની હત્યા પર ચૂપ રહી ને રમખાણોમાં માર્યા ગયેલા મુસ્લિમો પર આંસુ સારવા બેઠી તેમાં તેનું નામું નંખાઈ ગયું.

કૉંગ્રેસના આ વલણે હિંદુઓના મોટા વર્ગમાં કૉંગ્રેસ માટે નફરતની લાગણી પેદા કરી દીધી છે. તેના કારણે કૉંગ્રેસ ગમે તેટલી મહેનત કરે તો પણ જીતી જ શકતી નથી. અર્જુન મોઢવડિયા સહિતના નેતા આ વાત સમજ્યા છે. તેમને લાગે છે કે, કૉંગ્રેસે હિંદુ વિરોધી વલણ અપનાવીને ભૂલ કરી છે. આ ભૂલ ના દોહરાવાય એટલે રામમંદિરના મુદ્દે હિંદુઓની લાગણી સચવાય એવાં નિવેદનો આપે છે પણ હવે બહુ મોડું થઈ ગયું છે. મોઢવડિયા આણિ મંડળીની હાલત સબ કુછ લૂટાકર હોશ મેં આયે તો ક્યા કિયા જેવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો