એકસ્ટ્રા અફેર

સંદેશખાલીમાં હિંદુ સ્ત્રીઓ પર રેપ, કેન્દ્ર ચૂપ કેમ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ પશ્ર્ચિમ બંગાળમાં ફરી હિંસા-ધમાલ શરૂ થઈ છે અને આ વખતે કેન્દ્રસ્થાને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાનું સંદેશખાલી છે. સંદેશખાલીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના ગુંડા બળજબરીથી હિંદુઓની જમીનો પચાવી પાડે છે અને હિંદુ સ્ત્રીઓની જાતીય સતામણી કરે છે એવા આક્ષેપો સાથે મહિલાઓ ઘણા દિવસોથી દેખાવો કરી રહી છે. ભાજપે આ મુદ્દાને ઉઠાવી લીધો અને વિધાનસભામાં ધમાલ કરી મૂકી. ભાજપના નેતા સંદેશખાલીમાં પણ ઊતરી પડ્યા છે.

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ આ મુદ્દે હોબાળો મચાવી દેતાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી, અગ્નિમિત્રા પોલ, મિહિર ગોસ્વામી, બંકિમ ઘોષ, તાપસી મંડલ અને શંકર ઘોષ એમ ભાજપના છ ધારાસભ્યને અસંસદીય વર્તનના આરોપસર વિધાનસભાના બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના ભાજપના નેતાઓએ સંદેશખાલી પહોંચીને તૃણમૂલ કોંગ્રેસની સરકાર મુસ્લિમ ગુંડાઓને છાવરી રહી છે એવા આક્ષેપો સાથે ધમાધમી કરી મૂકી છે. બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ પણ આ મામલામાં કૂદ્યા છે અને સંદેશખાલી મુદ્દે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. બોઝ પોતે પણ સંદેશખાલી પહોંચી ગયા અને લોકોને મળીને તેમની ફરિયાદો સાંભળીને મમતા સરકારને ઝાટકી નાખી છે.

મમતા બેનરજી તો પોતાનો વાંક હોય તો પણ નમતું જોખવામાં કે ઝૂકવામાં માનતાં જ નથી. એટેક ઈઝ ધ બેસ્ટ ડીફેન્સ એ સિદ્ધાંતમાં માનતાં મમતાએ પણ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને મેદાનમાં ઉતારી દીધા છે. મમતા બેનરજીના ઈશારે રાજ્યપાલ બોઝ સંદેશખાલી પહોંચ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ હાથમાં બેનર લઈને તેમની સામે દેખાવો કર્યા.

મમતા બેનરજીએ પશ્ર્ચિમ બંગાળ મહિલા પંચનાં ચેરપર્સન લીના ગંગોપાધ્યાયને પણ સંદેશખાલીમાં ઉતારી દીધાં કે જેમણે મહિલાઓની જાતીય સતામણીની વાતોને વાહિયાત ગણાવી છે. પોલીસે પણ અત્યાર લગી બળાત્કારની કે જાતીય સતામણીની કોઈ ફરિયાદ નહીં મળી હોવાનો રાગ આલાપવા માંડ્યો છે તેથી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના સામસામા મોરચા મંડાઈ ગયા છે, રાજકીય રીતે સંદેશખાલી હોટ ટોપિક બની ગયું છે.

દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં બબાલની શરૂઆત ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ પર હુમલાથી થયેલી. ઈડીની ટીમ રાશન સ્કેમમાં તૃણણૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા ગઈ ત્યારે તેના પર હુમલો થયેલો. શેખ શાહજહાંના સમર્થક એવા ૩૦૦થી વધારે લોકોના ટોળાએ ઈડીની ટીમને ઘેરી લઈને હુમલો કરી દેતાં ઈડીની ટીમ માંડ માંડ જીવ બચાવીને ભાગી શકી હતી. શેખ શાહજહાં સામે ઈડીએ ફરિયાદ નોંધાવી છે પણ બંગાળ પોલીસને તેને પકડવામાં રસ નથી તેથી તેને ફરાર જાહેર કરી દીધો છે.

ભાજપે એ વખતે જ શેખ શાહજહાંની ગુંડાગીરીનો મુદ્દો ઉઠાવેલો. ભાજપનું સમર્થન મળતાં મહિલાઓ પણ મેદાનમાં આવી. મહિલાઓએ શેખ શાહજહાં અને તેના સમર્થકો પર જાતીય સતામણી અને બળજબરીથી જમીન હડપ કરવાનો આક્ષેપ મૂકીને તેમની ધરપકડની માગ સાથે આંદોલન શરૂ કરી દીધું. મહિલાઓએ શેખ શાહજહાંની ધરપકડની તો માગ કરી જ છે પણ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સામે પણ મોરચો માંડ્યો છે. મહિલાઓએ તૃણણૂલ કોંગ્રેસના નેતા શિવ પ્રસાદ હજારાના ખેતરો અને ફાર્મ હાઉસમાં આગ લગાવી દીધી હોવાનું પણ કહેવાય છે.

આ ઘટનાક્રમ તો ઠીક છે. આ બધી બાબતો રાજકીય અને કાયદો-વ્યવસ્થા સાથે સંકળાયેલી છે પણ સ્મૃતિ ઈરાનીએ કરેલા આક્ષેપો ગંભીર છે. સ્મૃતિ ઈરાનીનો દાવો છે કે, સ્થાનિક પત્રકારોએ પોતાને કહ્યું છે કે, સંદેશખાલીમાં પછાત મનાતી માછીમાર, ખેતમજૂર, દલિત જ્ઞાતિની હિંદુ મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના ગુંડા નિયમિત રીતે બળાત્કાર ગુજારે છે.

શેખ શાહજહાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓનો સરદાર છે અને તેના ગુંડા હિંદુઓનાં ઘરોમાં ઘૂસી જાય છે, હિંદુઓમાં કઈ મહિલાઓ યુવાન અને સુંદર છે તેની માહિતી મેળવીને શેખ શાહજહાં સુધી પહોંચાડે છે. એ પછી તૃણમૂલ કોંગ્રેસના ગુંડા હિંદુઓનાં ઘરોમાં ઘૂસીને સ્ત્રીઓને હવસનો શિકાર બનાવે છે. હિંદુ પુરૂષો પ્રતિકાર કરે તો તેમને ધમકાવીને બેસાડી દેવાય છે. હિંદુ પુરૂષોને એવું કહેવામાં આવે છે કે, તમે આ સ્ત્રીઓના નામ માત્રના પતિ છો, બાકી વાસ્તવિક રીતે તમારો તેમના પર કોઈ અધિકાર નથી. આ સ્ત્રીઓ અમારા ભોગવવા માટે છે તેથી ચૂપચાપ બધું જોયા કરો.

સ્મૃતિ ઈરાનીનો દાવો અત્યંત ગંભીર જ નહીં પણ આઘાતજનક પણ છે. આ દાવો સાચો હોય તો સંદેશખાલીમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું છે જ નહીં એ સાબિત થાય છે. આ રીતે સ્ત્રીઓને તેમનાં ઘરોમાં ઘૂસીને ગુંડાઓ સાથે શરીર સંબંધ બાંધવાની, તેમની હવસ સંતોષવાની ફરજ પડાતી હોય તો સંદેશખાલીમાં જંગલ રાજ જ પ્રવર્તે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સંદેશખાલીમાં સભ્ય સમાજનું અસ્તિત્વ જ નથી ને હવસખોર હેવાનો જ વસે છે એવું કહેવામાં પણ કંઈ ખોટું નથી.

સ્મૃતિ ઈરાનીએ કરેલા આક્ષેપોને પોલીસ અને બંગાળ મહિલા પંચ બંનેએ નકાર્યા છે. આ સંજોગોમાં સ્મૃતિએ તેમના આક્ષેપોના સમર્થનમાં પુરાવા મૂકવા જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓના બળાત્કારનો સતત ભોગ બની રહેલી મહિલાઓને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત આપવી જોઈએ.

સ્મૃતિ કેન્દ્રીય મંત્રી છે અને ભાજપનાં ટોચનાં નેતા છે એ જોતાં માત્ર આક્ષેપો કરવાના બદલે આ આક્ષેપો સાચા છે એ સાબિત કરવાની પણ તેમની ફરજ છે. વોટ્સએપ યુનિવર્સિટી પર ચાલતી ફેંકાફેંક સ્ટાઈલની વાતો કરીને એ છટકી ના શકે કેમ કે સવાલ હિંદુ સ્ત્રીઓની આબરૂનો છે, તેમના આત્મગૌરવનો છે, તેમના સ્વમાનનો છે.

સ્મૃતિના આક્ષેપો સાચા હોય તો કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ અને મમતા બેનરજી સરકારને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. જે સરકાર સ્ત્રીઓની રક્ષા ના કરી શકતી હોય, હવસખોરોથી તેમને બચાવી ના શકતી હોય એ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.

આ આક્ષેપો સાચા ના હોય તો ? તો ભાજપ માટે શરમજનક કહેવાય. રાજકીય ફાયદા માટે હિંદુ સ્ત્રીઓની ઈજ્જતના મુદ્દાને ઉછાળવાની હરકત બદલ સ્મૃતિ સામે પગલાં લેવાં જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button