એકસ્ટ્રા અફેર

રણવીર આણિ મંડળીને પાઠ ભણાવવો જરૂરી


એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવનારા પોતાને બધાથી ઉપર માને છે. એ લોકો એમ જ માને છે કે, પોતાને આ પ્લેટફોર્મ મળ્યું છે એટલે પોતાને મનફાવે એવા લવારા કરવાનો ને જીભે ચડે એ ભસી નાખવાનો અધિકાર મળી ગયો છે. આ ભ્રમમાં ને ભ્રમમાં એ લોકો એવી વાતો કરે છે કે જે સાંભળીને તેમની બુદ્ધિ વિશે તો શંકા જાગે જ પણ તેમને પસંદ કરનારાં લોકોની બુદ્ધિ અને ટેસ્ટ વિશે પણ શંકા જાગે. આવી શંકા પેદા કરનારો તાજો દાખલો જાણીતા યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાનો છે.

યુ ટ્યુબ પર કોમેડિયન તરીકે જાણીત થયેલા સમય રૈના ને તેના જેવા લખોટાઓ સોશિયલ મીડિયા પર ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ નામનો શો ચલાવે છે. આ શો ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે કેમ કે ભારતમાં નવરાઓની કમી નથી.
ખેર, આ દેશનું બંધારણ તેમને ગમે એ બકવાસ જોવાની છૂટ આપે છે તેથી તેની સામે વાંધો ના લઈ શકાય પણ આ શોના જજ એવા રણવીર અલાહાબાદિયાએ એક સ્પર્ધકને કરેલો સવાલ ચોક્કસ વાંધો લેવા જેવો છે. અલાહાબાદિયાએ સવાલ કરેલો કે, તમે તમારા માતાપિતાને આખી જિંદગી સેક્સ કરતાં જોવાનું પસંદ કરશો કે તેને રોકવા માટે એકવાર તેમાં સામેલ થશો?

આ શો કોમેડીનો છે ને આ સવાલ સાથે કોમેડીને શું લેવાદેવા છે એ ખબર નથી પણ પોતાને સોશિયલ મીડિયાના ખાંસાહેબો માનતા લોકોની આ માનસિકતા છે. એ લોકોને એવું લાગે જ છે કે, પોતાને ગમે તે બોલવાનો અધિકાર છે એટલે આ સવાલ પૂછી લીધો. આ સવાલ સામે ભારે હોહા થઈ અને પોલીસ ફરિયાદ થઈ પછી અલાહાબાદિયાની ફાટી ગઈ. અલાહાબાદિયાએ આ નિવેદન બદલ માફી માગી છે.

અલાહાબાદિયાનો દાવો છે કે, કોમેડી પોતાનું જોનર નથી એટલે પોતાને શું કહેવું એ ખબર નહોતી. લખોટા, કોમેડી તારું જોનર નથી તેથી તને કોમેડી કરતાં ના આવડે એ સમજી શકાય પણ શું બોલવું તેનું તો ભાન હોય કે નહીં?

વાસ્તવમાં સોશિયલ મીડિયાના કહેવાતા સ્ટારની આ સમસ્યા છે. તેમને પોતાનું જોનર હોય કે ના હોય, શું બોલવું તેનું ભાન જ નથી. તેના કારણે ભારતમાં સોશિયલ મીડિયા ગંદકી અને જૂઠાણાંનો અડ્ડો બની ગયું છે. કોમેડી કરનારાંને મનમાં ઓવું છે કે, ગંદી વાતો કરો, અશ્ર્લીલતા ફેલાવો તો લોકપ્રિય થવાય છે એટલે કોમેડીના શોમાં તો નરી અશ્ર્લીલતા જ પિરસાય છે. રાજકારણ કે કરંટ અફેર્સને લગતા શોમાં બેફામ જૂઠાણાં ફેલાવાય છે. આ તો બે જોનરની વાત કરી પણ તમામ જોનરમાં આ જ સ્થિતિ છે.

ગયા વર્ષે દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત નેશનલ ક્રિએટર ઍવૉર્ડમાં નરેન્દ્ર મોદીએ રણવીર અલાહાબાદિયાને ઍવૉર્ડ આપ્યો હતો એ વાતને યાદ કરીને ઘણાં લોકો મોદીની પણ ટીકા કરી રહ્યા છે. આ ટીકા વાહિયાત છે. રણવીર અલાહાબાદિયાને મોદીએ ગયા વર્ષે ઍવૉર્ડ આપેલો ને હવે અલાહાબાદિયા ગંદી કોમેન્ટ કરે તો તેમાં મોદી શું કરે?અલાહાબાદિયાએ પહેલાં ખરાબ કોમેન્ટ કરી હોય કે ગંદકી ફેલાવી હોય ને છતાં મોદીએ તેને ઍવૉર્ડ આપીને સન્માન કર્યું હોય તો તેની ટીકા કરી શકાય પણ અત્યારે ફેલાવેલી ગંદકી માટે મોદીની ટીકા કઈ રીતે કરી શકાય? મોદીએ તેના યોગદાન માટે ઍવૉર્ડ આપેલો. હવે રણવીરને સફળતા ન પચી અને ગમે તેવો બકવાસ કરવા માંડ્યો તેની સાથે મોદીને કંઈ લેવાદેવા નથી.

Also read:

જે લોકો ટીકા કરે છે તેમણે એક વાત યાદ રાખવા જેવી છે કે, રણવીર સામે એફઆઈઆર પણ ભાજપ શાસિત આસામમાં જ નોંધાઈ છે અને ભાજપ શાસિત મહારાષ્ટ્રે જ તેની સામે પગલાં લેવાનું એલાન કર્યું છે. ભારતમાં દરેક વાતને રાજકીય રંગ આપવાની ફેશન ચાલી રહી છે તેનું આ પરિણામ છે પણ આ મુદ્દો રાજકારણથી પર છે. આ મુદ્દો અશ્ર્લીલતાને લગતો છે ને તેને એ રીતે જોવો જોઈએ, કોઈને વણજોઈતા આ વિવાદમાં ઢસડ્યા વિના જેમણે માનસિક વિકૃત્તિ રજૂ કરી છે તેમની ટીકા કરવી જોઈએ, બીજા કોઈની નહીં.

ભાજપ બે કામ કરી શકે છે. પહેલું કામ રણવીર અલાહાબાદિયા અને તેના જેવા હલકાઓની આખી ટોળીને આકરામાં આકરી સજા થાય ને એક દાખલો બેસે એ જોવું જોઈએ. અલાહાબાદિયાની જેમ બીજા કોઈને પોતાના અંદરની ગંદકીની ઊલટી બહાર કરવાની ઈચ્છા ના થાય એવો ફફડાટ પેદા થાય એવી સજા આ ટોળકીને કરવી જોઈએ. ભારતમાં ડંડો ના ચલાવો ત્યાં સુધી કોઈની અક્કલ ઠેકાણે આવતી જ નથી તેથી ધાક બેસાડવી જરૂરી છે.

સમય રૈનાની એક બીજી પણ ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે કે જેમાં એ કહે છે કે, કોઈ વ્યક્તિ પોર્ન શૂટ કરવા માંગતો હોય તો તેને પણ અમારા શોમાં મોકલો, બહુ મજા આવશે, પૂરા ઈન્ટરનેટ ફટ જાયેગા. રૈના તો એવું પણ કહે છે કે, કોમેડી કરનારની કોઈ જવાબદારી નથી કેમ કે કોમેડી કરનાર કંઈ નૈતિકતાના પાઠ ભણાવાવ માટે નથી આવતો. રૈના જેવા લોકોનો આ ભ્રમ દૂર કરવો જરૂરી છે. બે-ચાર વર્ષ જેલની હવા ખાશે એટલે કોમેડી કરનારની શું જવાબદારી છે તેનું તરત ભાન થઈ જશે. ભાજપે એ પણ કરવું જોઈએ એ કે, સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવા કાયદો બનાવવો જોઈએ. સોશિયલ મીડિયા પર કેવો એંઠવાડ અને ગંદકી પિરસાય છે તેની વાત પહેલાં કરી જ દીધી છે પણ તેને રોકી નથી શકાતી કેમ કે આપણે ત્યાં એ અંગેના આકરા કાયદા નથી. ભાજપે એ કાયદા પણ બનાવવા જોઈએ કે જેથી આ એંઠવાડની ગંધથી તો બચી શકાય.

આપણે ત્યાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને નામે જે ધૂપ્પલો ચાલે છે તેમાં સોશિયલ મીડિયા અને યુટ્યૂબરોનું છે. કોઈ આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને પોતાની ક્રિયેટિવિટી દુનિયા સામે રજૂ કરે તેની સામે કોઈને વાંધો નથી ને વાંધો હોવો પણ ના જોઈએ પણ ક્રિયેટિવિટીના નામે ગંદકી ફેલાવાય એ પણ ના ચાલે. સોશિયલ મીડિયાનો વ્યાપ અને પ્રભાવ બહુ વધારે છે એ જોતાં તેને નિયંત્રણમાં ના રખાય તો તેનાં ખરાબ પરિમામો સમાજ અને રાષ્ટ્ર બંનેએ ભોગવવાં પડે. આ સ્થિતિ પેદા થાય એ પહેલાં જાગવું જરૂરી છે, કાયદા બનાવવા
જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button