રામમંદિર નિર્માણને દેશની આઝાદી સાથે શું લેવાદેવા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત છેલ્લા કેટલાક સમયથી પોતાનાં નિવેદનો દ્વારા સતત વિવાદમાં રહ્યા કરે છે. ભાગવત કોઈ વાર એકદમ સારી ને સાચી વાત કહી નાખે છે તો ક્યારેક એકદમ મોં-માથા વિનાની વાત કરી નાખે છે. પોતે કરેલા નિવેદનોનો છેદ ઉડાવી દેતી વાતો પણ ભાગવત કર્યા કરે છે. થોડાંક વરસો પહેલાં તેમણે હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની અપીલોને બકવાસ ગણાવીને કહેલું કે, સંતાનો પેદા કર્યા કરવા એ જ માણસનું કામ નથી કેમ કે સંતાનો તો જાનવરો પણ પેદા કરે છે. થોડા દિવસ પહેલાં તેમણે એ વાતનો છેદ ઉડાવીને દરેક દંપતીએ ઓછામાં ઓછાં ત્રણ બાળકો પેદા કરવાં જોઈએ એવી બકવાસ વાત કરી નાંખેલી.
આ વાતના થોડા દિવસ પહેલાં તેમણે વળી એવી વાત કરેલી કે, હિંદુઓએ દરેક મસ્જિદની નીચે મંદિર ના શોધવાં જોઈએ. તેના કારણે બખેડો થઈ ગયેલો ને એ બખેડો શમ્યો નથી ત્યાં તેમણે હવે એવું કહી દીધું છે કે, અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે દેશને સાચી આઝાદી મળી હતી. ભાગવતે પોષ શુકલ દ્વાદશીને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઊજવવાની અપીલ કરીને કહેલું કે, સદીઓથી દુશ્મનોના હુમલાનો સામનો કરી રહેલા ભારતની સ્વતંત્રતાની સાચી પ્રતિષ્ઠા એ દિવસે થઈ હતી.
ભાગવતે 13 જાન્યુઆરીએ ઈન્દોરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતમાં પહેલાં સ્વતંત્રતા હતી પણ પ્રતિષ્ઠિત નહોતી થઈ. ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો તેથી રાજકીય આઝાદી મળી ગઈ હતી. આપણું ભારતીય બંધારણ ઘડવાનું આપણા હાથમાં આવી ગયું, આપણે એક લેખિત બંધારણ પણ બનાવ્યું. દેશના ‘સ્વ’માંથી બહાર આવે એવા ચોક્કસ વિઝન દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ અનુસાર આ લેખિત બંધારણ બનાવવામાં આવ્યું હતું પણ પછી બંધારણ એ પ્રમાણે ચાલ્યું નહીં તેથી આપણાં બધાં સપનાં સાકાર થઈ ગયાં છે એવું કઈ રીતે માની લઈએ?
ભાગવતે બીજી પણ વાતો કરી છે ને એ બધી વાતો માંડવાનો અર્થ નથી પણ આ નિવેદનના કારણે કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓને સંઘ અને ભાગવતની ટીકા કરવાની તક મળી ગઈ છે. રાહુલે ભાગવતના નિવેદનને રાજકીય રંગ આપીને દાવો કર્યો છે કે, મોહન ભાગવત કહી રહ્યા છે કે 1947માં ભારતને સાચી આઝાદી મળી ન હતી. મોહન ભાગવતની આ ટિપ્પણી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું તેમજ દરેક ભારતીય નાગરિકનું અપમાન છે. ભાગવતની ટિપ્પણી આપણા બંધારણ પર હુમલા સમાન છે.
રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, મોહન ભાગવત દર બે-ત્રણ દિવસે પોતાનાં નિવેદનો દ્વારા દેશને સ્વતંત્રતા ચળવળ અને બંધારણ વિશે શું વિચારે છે એ કહેતા રહે છે પણ હમણાં તેમણે જે કહ્યું એ તો દેશદ્રોહ છે કારણ કે તેમના નિવેદનનો અર્થ એ છે કે બંધારણની કોઈ માન્યતા નથી. રાહુલના કહેવા પ્રમાણે, ભાગવતના મતે અંગ્રેજો સામે આઝાદીની લડાઈનું કોઈ મહત્ત્વ નથી. મોહન ભાગવતે આવાં નિવેદનો અન્ય કોઈ દેશમાં આપ્યાં હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત અને તેમની સામે કેસ પણ ચલાવવામાં આવ્યો હોત. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ પણ આ વાતમાં સૂર પુરાવ્યો છે ને હોહા કરી મૂકી છે.
ભાગવતના નિવેદનમાં સાચી આઝાદીવાળો ભાગ બકવાસ છે એ સ્વીકારવું જોઈએ પણ બંધારણ વિશે ભાગવતે કહેલી વાત સાચી છે. તેની વાત પછી કરીશું પણ પહેલાં દેશને આઝાદીની વાત કરી લઈએ. આ દેશને 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી ને એ સાચી આઝાદી જ હતી. આ દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, ભારતને એક નવી ઓળખ મળી, ભારતનાં લોકોને પોતાના શાસકોને ચૂંટવાનો અધિકાર મળ્યો એ સ્વતંત્રતા જ છે ને એ સ્વતંત્રતાના આધારે આ દેશ બનેલો છે, આ દેશની ઓળખ ઊભી થઈ છે.
ભાગવત જેને સાચી આઝાદી ગણાવે છે તેનો અર્થ શું થાય એ ખબર નથી પણ ભગવાન રામના મંદિરના નિર્માણને આઝાદી સાથે જોડવાની વાત વાહિયાત કહેવાય. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે જ્યારે દેશની આઝાદી લોકોના આત્મા સાથે જોડાયેલો મુદ્દો છે. હિંદુઓને રામમંદિરના નિર્માણ માટેનો અધિકાર આ આઝાદીના કારણે જ મળ્યો અને આ આઝાદીના કારણે રચાયેલી અદાલતે હિંદુઓને રામ જન્મભૂમિ પાછી આપી એ વાત આ દેશના દરેક હિંદુએ યાદ રાખવી જોઈએ. આ દેશનાં લોકોએ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે, આ દેશનો દરેક નાગરિક પોતાની મરજી પ્રમાણે રહેવા અને બોલવા મુક્ત છે એ પણ 15 ઓગસ્ટ, 1947ના રોજ મળેલી આઝાદીના કારણે જ શક્ય બન્યું છે.
ભાગવત જે સાચી આઝાદીની વાત કરે છે એવી બકવાસ વાત પહેલાં પણ ઘણાં કરી ચૂક્યાં છે. કંગના રણૌત ભાજપની સાંસદ નહોતી ત્યારે તેણે લવારો કરેલો કે, દેશને અસલી આઝાદી 2014માં મળી જ્યારે 2017માં મળેલી આઝાદી તો ભીખ હતી. મતલબ કે, નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા પછી જ દેશને સાચી આઝાદી મળી છે. આવી જ વાતો બીજાં ઘણાં લોકો કરી ચૂક્યાં છે ને એ વાતોનો અર્થ નથી.
અલબત્ત ભાગવત જે વાતો કરે છે તેના કારણે આઘાત નથી લાગતો કેમ કે સંઘ પાસેથી બીજી અપેક્ષા ના રખાય. દેશ આઝાદ થયો ત્યારે સંઘે દેશના બંધારણને કે દેશના રાષ્ટ્રધ્વજ તિરંગાને સ્વીકાર્યો નહોતો. આ સંજોગોમાં સંઘ 15 ઓગસ્ટ, 1947ની આઝાદીને પણ સાચી આઝાદી તરીકે ના સ્વીકારે તો તેમાં કંઈ આશ્ચર્યજનક નથી.
મોહન ભાગવતે દેશના બંધારણ વિશે જે વાત કરી તેમાં ઘણી બધી સચ્ચાઈ છે. દેશની બંધારણ સભાએ બનાવેલા બંધારણમાં પછીથી ઘણી તોડમરોડ કરાઈ ને રાજકીય ફાયદા માટે બંધારણની જોગવાઈઓ જ મજાકરૂપ બની જાય એવા સુધારા પણ કરાયા. ઉદાહરણ તરીકે બંધારણે દેશના તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો પણ ધર્મના આધારે પર્સનલ લો બનાવીને તેનો છેદ ઉડાવી દેવાયો. દેશના તમામ નાગરિકોને સમાન તકનો અધિકાર અપાયો પણ જ્ઞાતિના આધારે અનામત દાખલ કરીને તેની પણ ઐસીતૈસી કરી નખાઈ. આવાં સંખ્યાબંધ ઉદાહરણ આપી શકાય. આ પાપ કોઈ એક પક્ષે નહીં પણ બધાંએ કર્યું. જે પક્ષ વધારે વર્ષ સત્તામાં રહ્યો તેના નામે વધારે પાપ છે, બાકી કોઈ દૂધે ધોયેલા નથી.