એકસ્ટ્રા અફેર

રાજકોટ અગ્નિકાંડ, અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રાજકોટમાં શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ૨૪ લોકોનાં મોત થયા એ ઘટનાએ આખા દેશને ખળભળાવી મૂક્યાં છે. આ આગમાં અત્યાર સુધીમાં ૨૪ લોકોનાં મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે પણ મૃત્યુઆંક વધશે જ. આગમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયાં છે એ જોતાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. શનિવાર હોવાથી ટીઆરપી મોલમાં ભીડ વધારે હતી. બહાર કાળઝાળ ગરમી હોવાથી લોકો મોલના એસીની ઠંડક માણવા ઊમટી પડેલાં ને તેમાં પણ મોટા ભાગનાં બાળકો હતાં તેથી નાનાં નાનાં બાળકો ભીષણ આગમાં મરી ગયાં.

આ બાળકોની સાથે આવેલાં તેમનાં માતા-પિતામાંથી પણ ઘણાં ભોગ બની ગયાં છે. એકદમ નાની ને સાંકડી જગામાં બનાવાયેલાં ગેમ ઝોનમાંથી બહાર નિકળવું શક્ય નહોતું તેથી ઘણાં ધુમાડાના કારણે ગૂંગળાઈને મરી ગયાં. મોત પહેલાં બાળકોની ચીસોથી આખો મોલ ગાજી ઊઠેલો પણ તેમને કોઈ બચાવનારું જ નહોતું. આ ગેમ ઝોનમાં ૩૦-૪૦નો સ્ટાફ હતો પણ આગ લાગતાં જ આખો સ્ટાફ નાનાં બાળકોને ભગવાન ભરોસે છોડીને ફરાર થઈ ગયો. યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમ ઝોનના સંચાલકો હતા. ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સહિતના બધા કારભારીઓ પણ ફરાર થઈ ગયા છે.

આગ ક્યાં કારણોસર લાગી એ ખબર નથી પણ આગ લાગી તેની માત્ર ૧૦ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના કારણે ગેમ ઝોનમાં હાજર લોકોને બહાર નિકળીને ભાગવાનો મોકો પણ ના મળ્યો. આ આગ એટલી ભીષણ હતી કે, લગભગ દસ કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા ને આખું આકાશ ધુમાડાથી ભરાઈ ગયેલું. ગેમ ઝોનની અંદર તો વધારે ખરાબ હાલત હતી. આઠ જેટલા ફાયર ફાઈટરે આગ બુઝાવી પછી ગેમ ઝોનની અંદર લાશો જ લાશો દેખાતી હતી ને ગેમ ઝોનના બદલે સ્મશાનમાં આવી ગયાં હોય એવો માહોલ થઈ ગયેલો. મૃતદેહો એ હદે બળી ગયા છે કે, માતા-પિતા પણ પોતાનાં બાળકોની લાશોને ઓળખી ન શકે. ડીએનએ ટેસ્ટ પછી જ મૃતદેહોની ઓળખ થઈ શકશે ને તેના પરથી જ આગ કેવી ભીષણ હશે તેનો ખ્યાલ આવી જશે.

આપણે ત્યાં આવી કોઈ ઘટના બને પછી અચાનક જ તંત્ર સફાળું જાગે છે ને તેની બધી સંવેદના પણ એક સાથે જાગી જાય છે. અત્યાર સુધી ના કર્યું એ બધું કરવા માંડે છે. આ કિસ્સામાં પણ એવું જ થયું છે. રાજકોટનો ગેમ ઝોન ફાયર એનઓસી વિના જ ચાલતો હતો ને અત્યાર સુધી કોઈએ તેની તપાસ કરવાની તસ્દી સુધ્ધાં નહોતી લીધી. આગકાંડના પગલે સફાળા જાગેલા તંત્રે આખા રાજ્યમાં ગેમ ઝોન બંધ કરવાનું ફરમાન કરી દીધું છે. સાથે સાથે આખા રાજ્યમાં ચાલતા ગેમ ઝોનમાં ક્યાં ક્યાં ફાયર એનઓસી નથી તેની તપાસ પણ શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિત ઠેકઠેકાણે તંત્ર દોડતું થઈ ગયું છે ને ફરી ફરીને તપાસ કરી રહ્યું છે. ફાયર સેફ્ટી સહિતના તમામ મુદ્દે તમામ ગેમ ઝોનની તપાસ થશે ત્યાર બાદ જ કોઈ પણ ગેમ ઝોન ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે એવું એલાન પણ સરકાર દ્વારા કરી દેવાયું છે.

રાજકોટની ગેમ ઝોનના આગકાંડે પાંચ વર્ષ પહેલાંના સુરતના તક્ષશિલાકાંડની યાદ તાજી કરી દીધી છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં બપોરે લાગેલી આગમાં ૧૮ વિદ્યાર્થીનાં મોત નિપજ્યાં હતાં. આ આગ લાગવાના કારણે ક્લાસીસ એટેન્ડ કરી રહેલાં ૩૦થી ૩૫ લોકો ફસાયાં હતાં. આગ લાગતાં ઉપરના માળેથી બાર વિદ્યાર્થીઓએ નીચે પડતું મૂક્યું હતું પણ નીચે પડનારા વિદ્યાર્થીઓમાંથી ચારનાં મોત નિપજ્યાં હતાં. બીજા ૧૪ લોકો મળીને કુલ ૧૮ વિદ્યાર્થીનાં મોત થયાં હતાં.

આ ઘટના પછી પણ આપણું તંત્ર સફાળું જાગી ગયું હતું. એ વખતે વિજય રૂપાણી મુખ્ય પ્રધાન હતા. રૂપાણીએ સરથાણામાં ટ્યુશન કલાસમાં લાગેલી આગની દુર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને સૂચના આપી હતી. આગ લાગવાની ઘટનાનાં કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડિંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપૂર્ણ તપાસ સ્થળ પર જઇને કરીને ત્રણ દિવસમાં અહેવાલ આપવા આદેશ આપેલો.

આ બધી તપાસ થઈ ને તેનાં તારણો પણ બહાર પડાયેલાં પણ કશું ના થયું. સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે ઝુંબેશ શરૂ કરાઈ હતી પણ એ છતાં રાજકોટ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા નહોતી તેના પરથી સ્પષ્ટ છે કે, આ ઝુંબેશ નાટકથી વધારે કંઈ નહોતું.

અત્યારે જે થઈ રહ્યું છે એ પણ નાટક જ છે કે જેથી લોકોને લાગે કે, સરકારી તંત્ર કંઈક કરી રહ્યું છે. તંત્રમાં બેઠેલાં લોકોને ખબર છે કે, થોડા દિવસ આ નાટક કરવાનું છે કેમ કે થોડાં દિવસ પછી લોકો બધું ભૂલી જવાનાં છે. એ પછી બધે ફરી ફરીને ફાયર સેફ્ટીની સવલત છે કે નહીં તેની તપાસ કરવાની નથી. નવી ઘટના ના બને ત્યાં સુધી પછી જલસા જ કરવાના છે. ફરી ક્યાંક આગકાંડ થશે ત્યાં સુધી લોકોને ફાયર એનઓસી કે બીજું કશું યાદ આવવાનું નથી.

રાજકોટના આગકાંડથી સરકારમાં બેઠેલાં લોકોને ખરેખર દુ:ખ થયું હોય તો તેણે આ આગકાંડ પછી સર્વેનાં ને એવા બધાં નાટકો કરવાના બદલે આ ગેમ ઝોન જે વિસ્તારમાં આવતો હોય ત્યાંના અધિકારીઓને લાત મારીને તગેડી મૂકવા જોઈએ. કોઈ પણ નવી બિલ્ડિંગ બને તેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરાઈ છે કે નહીં તે જોવાની જેમની જવાબદારી હતી એ લોકો ગેમ ઝોનના સંચાલકો જેટલા જ દોષિત છે. સરકાર તેમને પણ આરપી બનાવીને તેમની સામે કેસ કરવો જોઈએ અને સજા કરાવવી જોઈએ.

આપણે ત્યાં સરકારી તંત્રમાં બેઠેલા લોકો તગડા પગાર લે છે પણ તેમની કોઈ જવાબદારી નથી. તેના કારણે એ લોકો લાંચ ખાઈ ખાઈને કાયદા કે નિયમોનું પાલન નહીં કરનારાંને છાવરે છે. આ જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત