એકસ્ટ્રા અફેર

પૂજા અને અભિષેક, સિવિલ સર્વિસીસ પણ શંકાના દાયરામા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નું પેપર ફૂટી ગયું તેના કારણે દેશની મેડિકલ કોલેજોમાં થતાં એડમિશન શંકાના દાયરામાં છે જ ત્યાં હવે મહારાષ્ટ્ર કેડરની વિવાદાસ્પદ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર પૂજા ખેડકરના કારણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાતી સિવિલ સર્વિસિસની પરીક્ષા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.
ટ્રેઈની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરનું પુણેમાં પોસ્ટિંગ હતું કે જ્યાં તેણે પોતાના માટે અલગ ઓફિસ, ઓફિશિયલ કાર અને પોતાની ખાનગી કાર પર લાલ બત્તી લગાવવાની ગેરકાયદેસર માગણીઓ કરતાં ચર્ચામાં આવી હતી. પૂજા આ બધી સુવિધાઓ માટે હકદાર ન હોવા છતાં સુવિધાઓ માગતી હતી તેમાં ફરિયાદ થતાં કેન્દ્ર સરકારે તેના વ્યવહારની તપાસ માટે એક વ્યક્તિની સમિતિની રચના કરી હતી. આ સમિતિ બે અઠવાડિયામાં પોતાનો અહેવાલ રજૂ કરવાની છે પણ એ પહેલાં બીજી ચોંકાવનારી વિગતો બહાર આવી.

આ વિગતો પ્રમાણે પૂજા ખેડકર ક્રીમી લેયરમાં આવતી હોવા છતાં ઓબીસી ક્વોટા હેઠળ સિવિલ સર્વિસીસની પરીક્ષાના મેરિટમાં આવીને આઈએએસ બની છે. પૂજા ખેડકરે લોકોમોટિવ ડિસએબિલિટી હોવાનું જૂઠાણું ચલાવીને દિવ્યાંગોને મળતી અનામતનો લાભ પણ લીધો છે. પૂજા ખેડકરના વ્યવહાર પર વિવાદ પછી તેની વિકલાંગતા પર સવાલ ઉઠાવવામાં આવતાં તેની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી.

દિવ્યાંગોમાં કાયમી ખોડખાંપણ અને લોકોમોટિવ ડિસએબિલિટી એમ બે પ્રકાર છે. પૂજા ખેડકર દ્વારા યુપીએસસીને દિવ્યાંગતા અંગે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તેમાં દાવો કરાયો હતો કે, તેની બંને આંખોમાં ઓછી દૃષ્ટિ છે અને વિઝનમાં ૪૦ ટકા વિકલાંગતા છે. આ ઉપરાંત માનસિક બીમારી અને બ્રેન ડિપ્રેશનના નામે ૨૦ ટકા વિકલાંગતા હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું. અહમદનગર જિલ્લા હોસ્પિટલના મેડિકલ બોર્ડે પૂજા ખેડકરને ૨૦૧૮માં વિઝ્યુઅલ ડિસેબિલિટી સર્ટિફિકેટ અને ૨૦૨૧માં મેન્ટલ ડિસેબિલિટી સર્ટિફિકેટ આપ્યું હતું. પૂજાએ ભ્રષ્ટાચાર કરીને આ સર્ટિફિકેટ લીધું હોવાનું કહેવાય છે.

પૂજા ખેડકરે ઓબીસી અનામતના લાભ પણ ખોટી રીતે લીધાનું મનાય છે. પૂજાના પિતા દિલીપ ખેડકર મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત અધિકારી છે અને વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજા ખેડકરે યુપીએસસીમાં પોતાને નોન ક્રિમિલિયર ઓબીસી બતાવીને આ ક્વોટાનો લાભ લીધો પણ તેના પિતાએ ચૂંટણીના સોગંદનામામાં પોતાની સંપત્તિ ૩૦ કરોડ જાહેર કરી હતી. પૂજાની પોતાની સંપત્તિ પણ કરોડોમાં છે જ્યારે નોન-ક્રીમ લેયરમાં ૮ લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો જ આવી શકે.

પૂજાની માતા પણ સરપંચ છે એ જોતાં પૂજા નોન ક્રિમિલિયર કેટેગરીમાં આવે છે છતાં ઓબીસી તરીકે આઈએએસ બની ગઈ. પૂજાએ એક ઈન્ટરવ્યૂમાં વાહિયાત દાવો કરતાં કહ્યું હતું કે, તે પોતાના પિતાથી અલગ રહે છે. પૂજા અત્યારે પિતાથી અલગ રહેતી હોય એવું બને પણ સિવિલ સર્વિસીસની પરીક્ષા આપતી વખતે તેના પિતાની જ આવક ગણાય એ જોતાં પૂજા નોન ક્રિમિ લેયરમાં હોવાની શક્યતા વધારે છે.

સવાલ એ છે કે, આ બધી વાતોની ચકાસણી પહેલાં કેમ ના કરાઈ ? યોગાનુયોગ બીજા એક આઈએએસ અધિકારી અભિષેક સિંઘ પણ ખોટું દિવ્યાંગતા સર્ટિફિકેટ રજૂ કરવાના વિવાદમાં ફસાયા છે. ૨૦૧૦ની બેચના યુપીના આઈએએસ અધિકારી અભિષેક સિંઘ પણ દિવ્યાંગ નહીં હોવા છતાં પીડબલ્યુડી ક્વોટાનો લાભ લઈને આઈએએસ અધિકારી બની ગયા હોવાનો વિવાદ ઊભો થયો છે. અભિષેક સિંઘ યુપી બેચના આઈએએસ અધિકારી છે અને તેમના પિતા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. અભિષેક સિંઘ પણ પૂજાની જેમ. ગુજરાત વિધાનસભાની નવેમ્બર, ૨૦૨૨ની ચૂંટણી વખતે પોતાની હરકતોના કારણે અભિષેક સિંઘ પણ સૌની નજરે ચડી ગયા હતા.

અભિષેક સિંઘને ચૂંટણી પંચે ગુજરાતમાં ઓબ્ઝર્વર તરીકે નિમ્યા હતા. એ વખતે અભિષેકે પોતાની સત્તાવાર રીતે મળેલી કાર સાથે સ્ટાઈલમાં ફોટા પડાવીને ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા. ચૂંટણી પંચે તાત્કાલિક પગલાં ભરીને અભિષેકને ગુજરાતની ઓબ્ઝર્વરની ફરજમાંથી મુક્ત કરીને યુપી રવાના કરી દીધા હતા.

અભિષેકે એ પછી આઈએએસની નોકરી છોડી દીધી અને એક્ટર બની ગયા, અભિષેક એ વખતે જ વેબ સિરીઝ દિલ્હી ક્રાઈમ ૨માં કામ કરતા હોવાથી શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા હતા. સળંગ ૮૨ દિવસ સુધી હાજર જ નહોતા થયા. તેના પગલે યોગી આદિત્યનાથ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. અભિષેકે પણ ખોટી રીતે પર્સન્સ વિથ ડિસએબિલિટી (પીડબલ્યુડી) ક્વોટાનો લાભ લીધો હોવાનો વિવાદ ચગ્યો છે.

અભિષેક સોશિયલ મીડિયા પર જીમના અને ફિટનેસ ટ્રેઈનિંગના ફોટા મૂકે છે તેથી લોકોએ તેમના દિવ્યાંગ હોવા સામે સવાલ ઉઠાવ્યો છે. પૂજા ખેડકરને તો દિવ્યાંગ અને ઓબીસી વિવાદના પગલે પાછી મસૂરી આઈએએસ ટ્રેઈનિંગ સેન્ટરમાં બોલાવી લેવાઈ છે પણ અભિષેક તો સિવિલ સર્વિસીસ જ છોડી ચૂક્યા છે ત્યારે તેમનું શું કરાશે એ મોટો સવાલ છે. પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરી દેવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે એકેડમીમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી ઘોરતું યુપીએસસી પણ પૂજા ખેડકર સામેની તપાસમાં જોડાયું છે કેમ કે આ વિવાદ મોટો થઈ જતાં છૂટકો નથી. યુપીએસસીએ મહારાષ્ટ્ર સરકારને એક પત્ર લખીને પૂજા ખેડકરના તમામ સર્ટિફિકેટ માગ્યા છે. પૂજા ખેડકરના જ્ઞાતિ પ્રમાણપત્રથી લઈને દિવ્યાંગતા સર્ટિફિકેટ સુધીના ડોક્યુમેન્ટ ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.

યુપીએસસીની હરકત આઘાતજનક છે કેમ કે કોઈ પણ વ્યક્તિ સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરે પછી તેનાં સર્ટિફિકેટના વેરીફિકેશનની જવાબદારી યુપીએસસીની છે. યુપીએસસીએ પહેલાં વેરીફિકેશન કર્યા વિના જ પૂજા ખેડકરને ક્લીયર કરી દીધાં તેનો મતલબ એ થયો કે, પૂજાના
કેસમાં ભ્રષ્ટાચાર થયો છે અને યુપીએસસી પોતે શંકાના દાયરામાં છે.

દેશના ટોચના અધિકારી પસંદ કરવા માટે લેવાતી સિવિલ સર્વિસિસની પરીક્ષા શંકાથી પર હોવી જોઈએ પણ પૂજા અને અભિષેકના કિસ્સા દર્શાવે છે કે, આ પરીક્ષાઓમાં પણ ગરબડ થઈ છે. આ સ્થિતિ દેશ માટે અને યુપીએસસી બંને માટે શરમજનક કહેવાય. આપણે એક પરીક્ષાને ભ્રષ્ટાચારથી મુક્ત રાખી નથી શકતા. પૂજા અને અભિષેક તો છીંડે ચડેલાં ચોર છે તેથી તેમની ચર્ચા છે પણ આ રીતે કેટલાં લોકો ખોટાં સર્ટિફિકેટ આપીને ખોટી રીતે અનામતનો લાભ લઈને સિવિલ સર્વિસીસ પાસ કરી ગયાં હશે એ વિચારવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button