ગંભીર પર દ્રવિડનો દેખાવ જાળવવાનું દબાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે અંતે ગૌતમ ગંભીરની નિમણૂક થઈ ગઈ. ટી ૨૦ વર્લ્ડકપ પછી રાહુલ દ્રવિડ વિદાય લેશે એ નક્કી હતું કેમ કે ટી ૨૦ વર્લ્ડ કપ સાથે જ હેડ કોચ તરીકેનો દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો અને દ્રવિડની હેડ કોચ તરીકે રહેવાની ઈચ્છા નહોતી. ટી ૨૦ વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં જ રાહુલ દ્રવિડે પોતાની કોચપદે નહીં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી હતી. તેમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ ટી ૨૦ વર્લ્ડકપ જીતી પછી તો રાહુલ દ્રવિડ કોચ તરીકે રહે એ વાતમાં માલ જ નહોતો.
ભારતીય કોચના માર્ગદર્શનમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતી હોય એવું પહેલી વાર બન્યું છે તેથી એક ઈતિહાસ રચીને દ્રવિડ પોતાની કારકિર્દીના સર્વોચ્ચ શિખરે છે. કોઈ પણ કોચ વર્લ્ડકપ જીતીને સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી પોતાની પરીક્ષા કરાવવાનું પસંદ ના કરે તેથી રાહુલ કોચ તરીકે ચાલુ નહીં જ રહે અને ટીમ ઈન્ડિયાએ નવા કોચ નિમવા પડશે એ પણ નક્કી હતું.ગૌતમ ગંભીર દ્રવિડનું સ્થાન લેશે એ પણ નક્કી હતું તેથી ગંભીરની પસંદગી જરાય આશ્ર્ચર્યજનક નથી.
ગંભીરે દોઢ મહિના પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ-૨૦૨૪માં ચેમ્પિયન બનાવ્યું ત્યારે જ કોચ તરીકે ગંભીરની પસંદગીનો તખ્તો ઘડાઈ ગયો હતો. ગંભીર આ વર્ષે કોલકાતા ફ્રેન્ચાઈઝીના મેન્ટર બન્યા અને આ વરસે જ કોલકાત્તા ચેમ્પિયન બન્યું. એ પહેલાં ગંભીર લખનઊ સુપર જાયન્ટ્સના મેન્ટર હતા અને તેમની મેન્ટરશિપ હેઠળ ગંભીર લખનઊ સુપર જાયન્ટ્સ સતત બે સિઝનમાં પ્લેઓફમાં ગઈ હતી. આ કારણે ગંભીરની પસંદગી નક્કી મનાતી હતી.
બોર્ડે ઔપચારિકતા નિભાવવા માટે હેડ કોચપદ માટે ગૌતમ ગંભીરનો ઈન્ટરવ્યુ લીધો હતો. એ ઈન્ટરવ્યુ કરતાં વધારે હેડ કોચ તરીકે પોતે કઈ રીતે કામ કરશે તેની શરતો સંભળાવવા માટે ગૌતમ ગંભીર બોર્ડના સભ્યોને મળ્યા હોય એવું વધારે લાગે છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનતાં પહેલાં ગંભીર ક્રિકેટ સલાહકાર સમિતિ ()ના સભ્યો અશોક મલ્હોત્રા, જતીન પરાંજપે અને સુલક્ષણ નાયકને મળ્યા હતા.
આ બધું ચાલતું હતું ત્યારે એવી વાત પણ ચાલેલી કે, ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ગૌતમ ગંભીર અને ડબલ્યુ.વી. રામન બંનેને નીમીને ડ્યુઅલ કોચનો નવો ક્ધસેપ્ટ અમલી બનાવાશે. ડબલ્યુ.વી. રામને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે સારી કામગીરી કરી હતી તેથી દ્રવિડની સાથે રામનને પણ તક અપાશે એવી વાતો ચાલી હતી પણ એ બધી વાતો વાતો જ સાબિત થઈ છે અને ગંભીરને ત્રણ વર્ષ માટે ટીમ ઈન્ડિયાના હેડ કોચનો કાંટાળો તાજ પહેરાવી દેવાયો છે. બોર્ડે કરેલી જાહેરાત પ્રમાણે ગંભીરનો કાર્યકાળ જુલાઈ ૨૦૨૭ સુધી ચાલશે.
ગંભીરનો ક્રિકેટર અને કેપ્ટન તરીકેનો રેકોર્ડ જબરદસ્ત પ્રભાવશાળી છે. ગંભીર એક ખેલાડી તરીકે ૨ વર્લ્ડ કપ જીતનારી ટીમનો હિસ્સો હતા અને કેપ્ટન તરીકે ૨ વાર આઈપીએલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવી. ગંભીરે મેન્ટર તરીકે પણ પોતાની ટીમને જીતાડી છે. ૨૦૦૭ના ટી ૨૦ વર્લ્ડકપ અને ૨૦૧૧ના વન ડે વર્લ્ડકપ બંનેની ફાઈનલમાં ગંભીર ભારતીય ટીમ માટે હાઈએસ્ટ સ્કોરર હતા.
૨૦૦૭ના ટી ૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં તો બાકીના બેટ્સમેન પાકિસ્તાનની બોલિંગ સામે નિષ્ફળ ગયેલા ત્યારે ગૌતમ ગંભીર એક છેડો સાચવીને કરેલી બેટિંગના કારણે ભારત સન્માનજનક સ્કોર કરી શક્યું અને જીત્યું હતું. ૨૦૧૭ની વર્લ્ડકપની શ્રીલંકા સામેની ફાઈનલમાં પણ સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ જેવા ધુરંધરો ઝડપથી આઉટ થયા પછી ગંભીરે પહેલાં વિરાટ કોહલી અને પછી મહેન્દ્રસિંહ ધોની સાથે જોરદાર પાર્ટનરશિપ કરીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી હતી. ગંભીર દબાણ વચ્ચે જબરદસ્ત ખિલતા ને ખેલતા તેથી તેમનામાં જબરદસ્ત ઝનૂન છે તેમાં બેમત નથી.
જો કે ખેલાડી તરીકે સારું રમવું અને કોચ તરીકે સારો દેખાવ કરવો બંનેમાં ફરક છે. ભારતીય ક્રિકેટમાં શ્રેષ્ઠ અને સૌથી લડાયક કેપ્ટનોમાં એક કપિલદેવ ભારતીય ટીમના કોચ તરીકે સાવ નિષ્ફળ ગયા હતા. રવિ શાસ્ત્રીનો દાખલો પણ નજર સામે છે. શાસ્ત્રી પણ ૧૯૮૩ની વર્લ્ડકપ વિજેતા ક્રિકેટ ટીમમાં મહત્ત્વનું યોગદાન આપનારા ખેલાડી હતા અને ૧૯૮૫ના બેન્સન એન્ડ હેજીસ મિનિ વર્લ્ડકપમાં તો ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ હતા પણ કોચ તરીકે ધરાર નિષ્ફળ ગયા. ત્રણ વર્લ્ડ કપમાં કારમી હાર, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ હાર, ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ હાર પછી શાસ્ત્રીએ બેઆબરૂ થઈને કોચપદ છોડવું પડેલું.
ગંભીર આઈપીએલમાં પણ સફળ કેપ્ટન છે પણ આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંને અલગ બાબતો છે. આઈપીએલ એક મનોરંજક ક્રિકેટ ટુર્નામેન્ટ છે ને તેમાં અલગ સ્ટ્રેટેજી હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અલગ સ્ટ્રેટેજી હોય છે.
ગંભીર પર રાહુલ દ્રવિડની વિરાસતને જાળવવાનું ભારે દબાણ પણ છે. દ્રવિડ ૨૦૨૧માં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા પછી શરૂઆતમાં બહુ સફળતા નહોતી મળી. ટીમ ઈન્ડિયા જે રીતે રમતી હતી એ જોતાં લાગતું હતું કે, દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ જીત વિના જ પૂરો થઈ જશે પણ દ્રવિડે છેલ્લે છેલ્લે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડીને પોતાની આબરૂ અને ક્રિકેટ ચાહકોનો વિશ્ર્વાસ બંને સાચવી લીધાં. દ્રવિડે વર્લ્ડકપ વિજેતા ટીમના કોચ તરીકે વિદાય લીધી છે તેથી ગંભીરે પણ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવી જ પડે ને તેનું દબાણ ગંભીર પર હશે. ભારતીય ટીમ વર્લ્ડકપ જીતી તેથી ક્રિકેટ ચાહકોને વર્લ્ડકપથી ઓછું કશું ખપશે જ નહીં તેથી એ દબાણ પણ ગંભીર પર હશે.
રોહિત શર્માની કેપ્ટનન્સીમાં ભારત ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ચેમ્પિયન બન્યું પછી હવે રોહિત શર્માને ભારતીય ટીમને વન-ડે અને ટેસ્ટમાં પણ આઈસીસી ટ્રોફી જીતાડવાની જવાબદારી અપાઈ છે. ૨૦૨૫માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ()માં પણ રોહિત શર્મા કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે ને ગંભીરની કોચ તરીકે પહેલી મોટી પસંદગી આ બંને ટુર્નામેન્ટમાં થશે. ગંભીર દબાણ હેઠળ સારી રમત રમી શકે છે પણ ભારતીય ટીમના કોચ તરીકે દબાણમાં કેવો દેખાવ કરે છે તેની ખબર આઈસીસીની આ બંને સ્પર્ધામાં થશે.
આશા રાખીએ કે, ગંભીર દબાણ હેઠળ ખિલવાની જૂની આદત ના ભૂલે અને ભારતને આ બંને સ્પર્ધામાં પણ ચેમ્પિયન બનાવે.