એકસ્ટ્રા અફેર

ટીમ ઈન્ડિયાનું ઘોડું આ વખતે દોડે એવી પ્રાર્થના કરો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા ટી ૨૦ વર્લ્ડ કપમાં ફાઈનલનો તખ્તો તૈયાર છે અને આજે ભારત વર્સિસ સાઉથ આફ્રિકાની ટક્કર થવાની છે. સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને રીતસર મસળી નાંખીને પહેલી સેમી ફાઈનલ જીતેલી. ભારત પણ તેનું જ પુનરાવર્તન કરીને ટી ૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. કેપ્ટન રોહિત શર્માની અડધી સદીની મદદથી સન્માનજનક સ્કોર ઊભો કર્યા પછી અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગની મદદથી ભારતે ટી ૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ૬૮ રને વિજય મેળવ્યો હતો. ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ૧૬.૪ ઓવરમાં ૧૦૩ રનમાં ઓલઆઉટ થઇ જતાં ભારત જીતી ગયું. ભારત હવે ૨૯ જૂન ને શનિવારે એટલે કે આજે દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ટકરાશે.

સેમિ ફાઈનલમાં ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે હતી તેથી ભારતીય ક્રિકેટ ચાહકોના જીવ અધ્ધર હતા કેમ કે ઈંગ્લેન્ડ ટી ૨૦ વર્લ્ડ કપનું ડીફેન્ડિંગ ચેમ્પિયન છે અને અણધાર્યું કરવા માટે જાણીતી છે. છેક ૨૦૧૫ સુધી એક પણ મોટી ટુર્નામેન્ટ નહીં જીતી શકેલું ઈંગ્લેન્ડે છેલ્લા એક દાયકામાં જોરદાર ધાક ઊભી કરી છે અને ઉપરાછાપરી વર્લ્ડકપ છે. ક્રિકેટનું જનક મનાતું ઈંગ્લેન્ડના નામે ૨૦૧૫ લગી એક પણ વર્લ્ડકપ નહોતો પણ પછી ઈંગ્લેન્ડ વન ડે અને ટી ૨૦ બંને ફોર્મેટની ચેમ્પિયન ટીમ બની ગઈ.

ઈંગ્લેન્ડની ટીમ ૨૦૧૫ના વન-ડે વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાં ફેકાઈ ગઈ હતી. આ જ ટીમ ૨૦૧૫ પછી ૨ વખત વર્લ્ડ ચેમ્પિયન બની. ઈંગ્લેન્ડ દરેક વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરે છે. ૨૦૧૬માં ભારતમાં રમાયેલા ટી૨૦ વિશ્ર્વ કપમાં ઈંગ્લેન્ડે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો તો ૨૦૧૭માં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં સેમિ ફાઈનલમાં પહોંચી હતી. ૨૦૧૯માં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવી પહેલી વખત વનડે વર્લ્ડ કપ જીત્યો અને ૨૦૨૨માં ટી ૨૦ વર્લ્ડકપ પણ જીત્યો હતો.

ભારતીયો એ કારણસર પણ ચિંતામાં હતા કે ૨૦૨૨ના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડે આપણને ટી ૨૦ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી શરમજનક પરાજય આપેલો. ભારત સામે ૧૦ વિકેટથી ધમાકેદાર જીત સાથે ઈંગ્લેન્ડે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે પહેલાં બેટિંગ કરતાં ૧૬૮ રન બનાવ્યા હતા પણ આ સ્કોરને ઈંગ્લેન્ડે ફક્ત ૧૬ ઓવરમાં જ પાર પાડી દીધો હતો.

ભારત માટે શરમજનક વાત એ હતી કે, ભારત ઈંગ્લેન્ડની એક પણ વિકેટ પાડી શક્યું નહોતું ને ૧૦ વિકેટે હારી ગયેલું. ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ બિલકુલ ઊતરતી કક્ષાની સામાન્ય લેવલ જેવી જોવા મળી. એલેક્સ હેલ્સ અને જોસ બટલરે ભારતીય બોલિંગનાં છોતરાં કાઢી નાખીને પહેલી વિકેટની ભાગીદારીમાં નોટઆઉટ ૧૭૦ રન બનાવ્યા હતા. બટલર અને હેલ્સે ટી ૨૦ વર્લ્ડકપમાં એક નવો રેકોર્ડ બનાવીને ભારતના ઘા પર મીઠું ભભરાવ્યું હતું. યોગાનુયોગ પહેલાં બેટિંગ કરતાં ભારતે ૨૦૨૨ જેટલો જ સ્કોર ખડકીને ૧૭૦ રન બનાવેલા તેથી ઈંગ્લેન્ડ આ વખતે પણ એ ઈતિહાસ દોહરાવી ના દે તેની સૌને ચિંતા હતી પણ ભારતના સદનસીબે એવું ના થયું. બલ્કે ભારતે ૨૦૨૨ના વર્લ્ડકપની હારનો બદલો લઈને ઈંગ્લેન્ડને ઘરભેગું કર્યું અને વટભેર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

જો કે ભારત ફાઈનલમાં આવી ગયું પછી પણ ક્રિકેટ ચાહકોને ચિંતા તો છે જ કેમ કે છેલ્લાં કેટલાંક વરસોથી આપણું ઘોડું દશેરાએ જ દોડતું નથી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ૨૦૧૧માં વર્લ્ડકપ જીત્યો પછી ભારત આઈસીસીની કોઈ મોટી સ્પર્ધા નથી જીત્યું. ૨૦૧૧ પછી ૨૦૧૫, ૨૦૧૯ ને ૨૦૨૩માં વનડે મેચોનો વર્લ્ડકપ રમાયો પણ આપણે જીત્યા નથી. ૨૦૧૩માં ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી આઈસીસીની કોઈ મોટી ટુર્નામેન્ટ નથી જીતી. ૨૦૦૭માં વર્લ્ડકપ જીત્યા પછી ટી-૨૦ ની કોઈ પણ મોટી સ્પર્ધા ભારત જીત્યું નથી. આઈસીસીની મોટી સ્પર્ધાઓમાં ભારત છેક લગી પહોંચીને પાણીમાં બેસી જાય એવું વારંવાર બન્યું છે.

૨૦૧૪ના ટી ૨૦ વર્લ્ડકપમાં શ્રીલંકા સામે ફાઈનલમાં આપણે શરમજનક રીતે હારી ગયેલા. ફાઈનલમાં આપણે માત્ર ૧૩૦ રન કરેલા. ૨૦૧૫ના વર્લ્ડકપમાં આપણી ટીમ સેમિ ફાઈનલમાં પહોંચીને ઓસ્ટ્રેલિયા સામે ભૂંડી રીતે હારી ગયેલી. વર્લ્ડકપમાં અસલી જંગ સેમિ ફાઈનલમાં હતો ને દશેરાએ જ આપણું ઘોડું નહોતું દોડ્યું. એ પછી ૨૦૧૬ના ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં આપણે વધારે શરમજનક રીતે હારેલા. સેમિ ફાઈનલમાં આપણી ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સામે હતી ને ૧૯૪ રનનો સ્કોર ખડક્યા પછી વેસ્ટ ઈન્ડિઝે આપણને હરાવીને નાક વાઢી લીધેલું. આપણે ઘરઆંગણે રમતા હતા ને છતાં જીતી ના શક્યા તેનાથી શરમજનક વાત બીજી કોઈ ના કહેવાય. ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં તો આપણે પાકિસ્તાન સામે હારીને સાવ નાક વઢાવી નાખેલું. પાકિસ્તાનની ટીમને આપણે લીગ મેચમાં સાવ આસાનીથી હરાવેલી પણ ફાઈનલમાં પાકિસ્તાને આપણને સાવ મસળી નાંખ્યા. આપણા ક્રિકેટરોએ બેશરમ બનીને ‘તું જા હું આવુ છું’ કરીને વરઘોડો કાઢ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની સહિતના આપણા કહેવાતા સુપરસ્ટાર્સ સાવ વાહિયાત શોટ્સ મારીને આઉટ થયા તેમાં આપણા નામે શરમજનક હાર લખાઈ ગઈ હતી.

૨૦૧૯ના વર્લ્ડ્કપની સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૨૩૧ રન જેવો મામૂલી સ્કોર આપણે ચેઝ નહોતા કરી શક્યા. કોહલી સહિતના ટોપ ઓર્ડરે ધોળકું ધોળ્યું તેમાં આપણે શરમજનક રીતે હારેલા. ૨૦૧૯માં જ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પણ બેજવાબદારીભરી બેટિંગ કરીને કોહલીની ટીમ હારી ગયેલી. એ પછી ગયા વરસે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આ ઈતિહાસ દોહરાવાયેલો.

૨૦૨૧ના વર્લ્ડકપમાં લીગ મેચમાં પાકિસ્તાન સામે હારીને આપણે ઘરભેગા થયેલા. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો આપણો રેકોર્ડ તૂટી ગયેલો. છેલ્લે ભારત ગયા વરસે વન ડે મેચોના વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચેલું પણ ખરાબ રીતે હારી ગયેલું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે મેચોના વર્લ્ડકપની ફાઈનલમાં રોહિત શર્માની ભારતીય ટીમ ધોળકું ધાળીને ઓસ્ટ્રેલિયા સામે શરમજનક રીતે હારી ગઈ હતી.

૨૦૨૩નો વર્લ્ડકપ ભારતમાં રમાતો હતો તેથી ભારત માટે સારી તક હતી. ધોનીએ ૨૦૧૧મા ઘરઆંગણે વર્લ્ડકપ રમાયો તેનો ફાયદો લઈને ભારતને ચેમ્પિયન બનાવ્યું એ રીતે રોહિત શર્મા પણ ભારતને ચેમ્પિયન બનાવશે એવું સૌને લાગેલું. ભારતે લીગ સ્ટેજમાં અને સેમિ ફાઈનલમાં જોરદાર દેખાવ કરીને જીત મેળવી તેના કારણે લોકોને પાકો ભરોસો હતો કે ભારત જીતશે પણ ભારતનું ઘોડું દશેરાએ જ નહોતું દોડ્યું. પેટ કમિન્સની ટીમ સામે ભારતે એકદમ શરણાગતિ સ્વીકારી લીધી હતી ને હારી ગયા હતા.

આ રેકોર્ડના કારણે ભારતીય ચાહકોને ચિંતા થવી સ્વાભાવિક છે પણ આશા રાખીએ કે આ વખતે રોહિત શર્માની ટીમ જીવ પર આવીને રમશે અને ચેમ્પિયન બનીને જ પાછી આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button