બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે નુકસાનકારક
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બાંગ્લાદેશમાં છેલ્લા બે મહિનાથી ચાલતા અનામત વિરોધી આંદોલનના કારણે અંતે વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું છે અને દેશ છોડીને ભાગવું પણ પડ્યું છે. બહેન રેહાના સાથે બાંગ્લાદેશના લશ્કરી વિમાન દ્વારા રાજધાની ઢાકાથી ભાગેલાં શેખ હસીના સોમવારે મોડી રાત્રે દિલ્હી પહોંચી ગયાં અને સેફ હાઉસમાં ઘૂસી ગયાં. હસીના પોતાને બચાવવા માટે નિકળી ગયાં પણ બાંગ્લાદેશને ભડકે બળતું છોડી ગયાં છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધી હિંસક થયેલા વિરોધ પ્રદર્શનમાં ૩૦૦ લોકોનાં મોત થયા છે અને હિંસા હજુ રોકાઈ રહી નથી એ જોતાં હજુ બીજાં કેટલાંનો ભોગ લેવાશે એ ખબર નથી.
બાંગ્લાદેશમાં શેખ હસીના સામે જે વિરોધ હતો એ જોતાં એ જીવતાં બહાર નિકળ્યાં એ જ બહુ મોટી વાત છે. બાંગ્લાદેશના લશ્કરે ખરેખર શેખ હસીના પર મોટો ઉપકાર કર્યો છે કે તેમને પરિવાર સહિત બાંગ્લાદેશમાંથી બહાર કાઢી દીધાં. બાકી હસીના સામેના આક્રોશને જોતાં ૧૯૭૫નું પુનરાવર્તન થાય એવા પૂરા સંજોગો હતા.
હસીના બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનનાં દીકરી છે. બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવા માટે સફળ આંદોલન ચલાવનારા મુજીબુર રહેમાન બાંગ્લાદેશનું ૧૯૭૧માં સર્જન થયું ત્યારે પહેલા પ્રમુખ અને પછી પહેલા વડા પ્રધાન બન્યા હતા. રહેમાને પાકિસ્તાન તરફી લશ્કરને કાબૂમાં રાખવા પોતાના વફાદાર લોકોનું સશસ્ત્ર સંગઠન જતિયા રખ્ખી બાહિની બનાવેલું. બાંગ્લાદેશની સ્થાપનાના પછી લશ્કર અને જતિયા રખ્ખી બાહિની વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયેલો પણ શેખ મુજીબની લોકપ્રિયતા બહુ હોવાથી બાંગ્લાદેશના લશ્કરી વડા શફીકુલ્લાહ શેખ મુજીબ સામે કશું કરતા નહોતા. એ વખતે પણ પાકિસ્તાની લશ્કરે તેમને બહુ ઉશ્કેરેલા પણ શફીકુલ્લાહ બગાવત કરતાં ડરતા હતા.
પાકિસ્તાની લશ્કર અને મુજીબના વિરોધીઓએ શફીકુલ્લાહને બાજુ પર મૂકીને નાયબ લશ્કરી વડા ઝીયા ઉર રહેમાનને સાધીને ૧૯૭૫માં લશ્કરી બળવો કરાવી દીધો. લશ્કરના જુનિયર લેવલના ૧૫ અધિકારી હથિયારો સાથે મુજીબના ઘરમાં ઘૂસી ગયા. શેખ મુજીબ, તેમનાં પત્નિ, ત્રણ દીકરા, બે પૂત્રવધૂ ઉપરાંત ભાઈઓના પરિવારો, પર્સનલ સ્ટાફ વગેરે સહિત ૩૫ લોકોની હત્યા કરી દેવાયેલી. બળવા વખતે હસીના, હસીનાના પતિ વાઝિદ, હસીનાની શેખ રેહાના તેમજ હસીનાનાં બે સંતાન સજીબ અને સાઈમા યુરોપ ફરવા ગયેલાં તેથી બચી ગયેલાં.
પરિવારની હત્યાના સમાચાર મળ્યા પછી હસીનાએ પરિવાર સાથે પશ્ર્ચિમ જર્મનીમાં બાંગ્લાદેશી રાજદૂતના ઘરમાં આશ્રય લીધેલો. હસીનાએ જર્મનીથી ઈન્દિરા ગાંધીને ફોન કર્યો. ઈન્દિરા ગાંધીએ રાજકીય આશ્રયની ઓફર કરતાં હસીનાનો આખો પરિવાર છ વર્ષ સુધી દિલ્હીમાં રહેલો. ૧૯૮૧માં ઝિયા ઉર રહેમાનની હત્યા પછી હસીના અવામી પાર્ટીનાં પ્રમુખ બન્યાં અને આખો પરિવાર બાંગ્લાદેશ પાછો જઈ શકેલો.
આ વખતે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉજ-ઝમાને સૌજન્ય બતાવીને શેખ હસીનાને ચેતવી દીધાં અને સલામત બહાર કાઢી દીધાં. બાકી લોકોનાં ટોળાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી જ ગયાં છે. આ ટોળાના હાથે હસીના તથા તેમનો પરિવાર ચડી ગયો હોત તો શું થઈ ગયું હોત એ કહેવાની જરૂર નથી.
બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે સારી નથી. શેખ હસીના ભારતતરફી વલણ ધરાવતાં હોવાથી છેલ્લાં કેટલાંક વરસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બન્યા હતા. બાંગ્લાદેશ એશિયામાં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. ભારત બાંગ્લાદેશમાં વરસે ૧૪ અબજ ડોલરની આસપાસ નિકાસ કરે છે અને લગભગ ૨ અબજ ડોલરની આયાત કરે છે. ભારત બાંગ્લાદેશ સાથેના વેપારમાં ફાયદામાં છે ને સાથે સાથે બાંગ્લાદેશ પણ ફાયદામાં છે કેમ કે ભારતથી જતી ચીજો પર બાંગ્લાદેશનું અર્થતંત્ર ચાલે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છ હજારથી વધારે ચીજોનો વેપાર થાય છે પણ મુખ્ય વેપાર કોટન, પેટ્રોલિયમ અને કઠોળ-દાળનો છે. બાંગ્લાદેશ છેલ્લાં કેટલાંક વરસોમાં રેડીમેઈડ કપડાં અને હોઝિયરીના ગ્લોબલ હબ તરીકે ઊભર્યું છે. બાંગ્લાદેશ રેડીમેઈડ કપડાંના સૌથી મોટા ઉત્પાદકોમાં એક છે. અમેરિકા અને યુરોપના દેશોમાં બાંગ્લાદેશનાં તૈયાર શર્ટ, ટી શર્ટ, ટ્રાઉઝર્સ સહિતનાં તૈયાર કપડાંની થોકબંધ નિકાસ થાય છે. એ માટેનો કાચો માલ ભારતથી જાય છે.
ભારતમાંથી દર વરસે લગભગ ૩ અબજ ડોલર કોટન યાર્ન, કાચું રૂ સહિતની ચીજો બાંગ્લાદેશમાં ઠલવાય છે. તેમાંથી શર્ટ, પેન્ટ સહિતનાં રેડીમેડ ગાર્મેન્ટ્સ બનાવીને બાંગ્લાદેશ અમેરિકા અને યુરોપના દેશોમાં ઠાલવે છે અને ચીનને હંફાવી રહ્યું છે. લગભગ બે કરોડ લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે કે જેમાં મોટા ભાગની મહિલાઓ છે. ભારતની નિકાસમાં દાળ-કઠોળ પણ દોઢ અબજ ડોલરની આસપાસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પણ દોઢ અબજ ડોલર જેટલી છે.
ભારતની આ નિકાસને મોટો ફટકો પડશે. બલકે બાંગ્લાદેશમાં હિંસાની અસર ભારત સાથેના વેપાર પર પડવા જ માંડી છે કેમ કે માર્ચમાં પૂરા થયેલા વરસમાં નિકાસ ઘટીને ૧૧ અબજ ડોલર થઈ છે. હસીના ચૂંટણી જીત્યાં ત્યારથી જ હિંસા શરૂ થઈ ગયેલી તેથી વેપાર પર અસર પડી છે. અનામત આંદોલન પછી આ અસર વધારે તીવ્ર બની. ભારત અને દક્ષિણ એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટ પેટ્રાપોલમાં લાંબા સમયથી આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. તેની બાંગ્લાદેશ સાથેના વેપાર પર અસર પડી છે અને ભારતને આશરે રૂપિયા ૧૫૦ કરોડનું નુકસાન થયું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પેટ્રાપોલ અને બેનાપોલ સરહદો દ્વારા વાર્ષિક વેપાર રૂ. ૩૦,૦૦૦ કરોડની આસપાસ છે. આ વેપાર ઠપ્પ જેવો જ થઈ ગયો છે. બાંગ્લાદેશમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે તેના કારણે સંપર્કો તૂટ્યા તેના કારણે પણ વેપારને ફટકો પડ્યો છે.
ભારતે હજુ વધુ નુકસાન વેઠવા તૈયાર રહેવું પડશે કેમ કે વચગાળાની સરકાર પણ હિંસા રોકી શકશે કે કેમ તેમાં શંકા છે. બીજું એ કે, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડે ત્યારે ત્યારે ત્યાંના લોકો આશરો મેળવવા માટે ભારત તરફ વળે છે. ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારા વધી જાય છે. ભારત અને બાંગ્લાદેશની સરહદ બહુ લાંબી છે. બાંગ્લાદેશને અડીને ત્રિપુરા, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને પશ્ર્ચિમ બંગાળ એટલાં રાજ્યો છે ને ગમે ત્યાંથી ઘૂસણખોરી થઈ શકે છે. અત્યારે બીએસએફના જવાનો સરહદ પર
સંપૂર્ણ રીતે એલર્ટ છે અને ભારતીય સેના પણ એલર્ટ છે છતાં થોડાક ઘૂસણખોરો ઘૂસી જ જવાના કે જે ભારત માટે માથાનો દુ:ખાવો બનશે.