એકસ્ટ્રા અફેર

મણિપુરમાં શાંતિ કરાર મોદી સરકારની મુત્સદ્દીગીરીને આભારી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા વચ્ચે કેન્દ્ર સરકાર અને યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (ઞગકઋ) વચ્ચે શાંતિ કરાર થતાં મણિપુરમાં શાંતિ સ્થપાશે એવી આશા જાગી છે. યુએનએલએફ અને ભારત સરકાર વચ્ચે થયેલા શાંતિ કરારની જાહેરાત કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું કે, પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવા માટે મોદી સરકારે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (ઞગકઋ) સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરતાં મણિપુરનું સૌથી જૂનું સશસ્ત્ર જૂથ ઞગકઋ હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા સંમત થયું છે.

અમિત શાહે એ કરારને ઐતિહાસિક ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શું શું થયું તેની ગાથા પણ માંડી છે. તેની વાત કરતા નથી કેમ કે તેમાં ભલીવાર નથી પણ આ કરાર ઐતિહાસિક છે તેમાં બેમત નથી. મણિપુરમાં ચાલી રહેલી હિંસામાં યુએનએલએફની ભૂમિકાને જોતાં યુએનએલએફ હથિયાર હેઠાં મૂકે તો હિંસા ચોક્કસ રોકાશે. બાકી મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી હિંસા શરૂ થઈ અને નવેમ્બર પતી ગયો છતાં હિંસા રોકાતી જ નથી.

લગભગ સાત મહિનાથી વધુ સમયથી સતત ચાલતી હિંસામાં ૨૦૦થી વધારે લોકો હોમાઈ ચૂક્યાં છે અને કેટલાં લોકો આ હિંસામાં ઘાયલ થયાં તેનો તો હિસાબ જ નથી. સાત મહિનાની હિંસામાં કેટલાં ઘર સળગાવી દેવાયાં ને માલ-મત્તાને કેટલું નુકસાન થયું તેનો પણ કોઈ હિસાબ જ નથી. અબજો રૂપિયાનું નુકસાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે અને આખું મણિપુર ઠપ્પ થઈ ગયું છે. નેશનલ મીડિયા મે મહિનાની શરૂઆતમાં મણિપુરની હિંસાના સમાચાર આપતું પણ રોજ રોજ હિંસાના સમાચાર આપીને મીડિયા પણ થાક્યું છે તેથી હિંસાના સમાચાર આવતા નથી પણ હજુ હિંસા અટકી નથી. લોકોની તકલીફો હજુ ચાલુ જ છે.

યુએનએલએફ સાથેના શાંતિ કરાર લોકોની તકલીફો દૂર કરશે એવી આશા રાખી શકાય કેમ કે મણિપુરની હિંસામાં સૌથી વરવી ભૂમિકા યુએનએલએફની હતી. યુએનએલએફ મણિપુરમાં હથિયારો ઉઠાવીને મણિપુરને સ્વતંત્ર કરવા માટે લડતું સૌથી જૂનું સંગઠન છે અને સૌથી મોટું સગઠન પણ છે. ૧૯૬૪માં સ્વતંત્ર મણિપુર માટે હથિયારો ઉઠાવીને ભારત સામે જંગની શરૂઆત કરનારુ યુએનએલએફ સશસ્ત્ર બગાવત કરીને સક્રિય થતાં અન્ય સંગઠનો પણ બન્યાં અને મણિપુરમાં આતંકવાદની શરૂઆત થઈ.

મણિપુરમાં હિંસા અને અશાંતિ સામાન્ય બની ગયાં, છાસવારે તોફાનો થવા લાગ્યાં તેથી કેન્દ્ર સરકારે ૧૯૮૦માં મણિપુરમાં અફસ્પા લાગુ કરી દીધો હતો, સમગ્ર રાજ્યને અશાંત જાહેર કરીને આતંકી સંગઠનોનો સફાયો કરવા માટે છેલ્લાં પાંચ દાયકાથી ઝુંબેશ ચાલતી હતી પણ યુએનએલએફનો સફાયો કરી શકાતો નહોતો કેમ કે યુએનએલએફને આદિવાસીઓનું સમર્થન હતું. ત્રણેક હજાર સશસ્ત્ર સૈનિકો ધરાવતા યુએલએનએફના આતંકીઓ હિંસા આચર્યા પછી પહાડો અને જંગલોમાં સરકી જતા તેથી તેમને સાફ કરવા અઘરા હતા.

મણિપુરમાં હમણાં ભડકેલી હિંસામાં પણ આ સંગઠને સૌથી વરવી ભૂમિકા ભજવી હતી. મણિપુરની હિંસા વખતે તોફાનીઓની સાથે આતંકી સંગઠનોનાં લોકો પણ ભળી ગયેલા. યુએનએલએફ કાર્યકરો તેમાં સૌથી વધારે હતા. લોકો ઝઘડવામાં વ્યસ્ત હતા તેનો લાભ ઉઠાવીને યુએનએલએફએ શસ્ત્રો અને કારતૂસો પર હાથ મારેલો.

યુએનએલએફના અચાનક હુમલા કરવામાં ટ્રેઈન્ડ લોકો પોલીસ સ્ટેશનો, પોલીસ ટ્રેઈનિંગ કૉલેજ અને ઈન્ડિયન રીઝર્વ (બટાલિયન)માં ઘૂસીને શસ્ત્રો અને કારતૂસો ઉઠાવી ગયેલા. મણિપુરમાં હિંસા શરૂ થઈ ત્યારથી આ ક્રમ ચાલુ હતો ને અલગ અલગ રેડમાં દોઢથી બે હજારથી વધારે અત્યાધુનિક એસોલ્ટ રાઇલ અને પંદર હજારથી વધારે કારતૂસોની ઉઠાંતરી થયેલી. સામાન્ય માણસને એસોલ્ટ રાઇફલ કે કારતૂસમાં રસ ના હોય તેથી એ લોકો ઉઠાવી ગયા હોય તો પણ અંતે તો આતંકી સંગઠનો પાસે જ પહોંચતાં હતાં. યુએનએલએફ સામ્યવાદી વિચારધારાને વરેલું સંગઠન હોવાથી ચીન પાસેથી તેને સહાય મળતી હોવાની પણ આશંકા હતી. આ કારણે યુએનએલએફ સૌથી ખતરનાક મનાતું હતું. હવે તેણે જ પોતાના હથિયાર હેઠા મૂકવાનો નિર્ણય કર્યો છે તેથી ઐતિહાસિક નિર્ણય કહેવાય જ.

યુએનએલએફ છ દાયકાની લડત પછી હથિયાર હેઠાં મૂકવા તૈયાર થયું એ માટે મોદી સરકારની મુત્સદ્દીગીરીને પણ સલામ મારવી જોઈએ. મણિપુરની હિંસા મેઈતેઈ સમુદાયનો અનુસૂચિત જનજાતિ (એસટી)માં સમાવેશ કરવાની પ્રક્રિયા ઝડપથી કરવાના હાઈ કોર્ટના આદેશ સામે થઈ રહેલા વિરોધને કારણે શરૂ થયેલી પણ તેના મૂળમાં મેઈતેઈ સમુદાય અને આદિવાસીઓ વચ્ચે વરસોથી ચાલતો સંઘર્ષ જવાબદાર હતો. આ લડાઈમાં હિંદુ વર્સીસ ક્રિશ્ર્ચિયન પરિબળ પણ ઉમેરાયેલું કેમ કે મેઈતેઈ સમુદાયનાં બહુમતી લોકો હિંદુ ધર્મ પાળે છે જ્યારે બહુમતી આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે.

મણિપુરમાં હિંદુ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ લગભગ સરખું છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે, રાજ્યમાં ૪૨ ટકા લોકો હિંદુ છે તો ૪૧ ટકા ખ્રિસ્તી ધર્મ પાળે છે. મેઈતી સમુદાય મુખ્યત્વે ઇમ્ફાલ વેલી વિસ્તારમાં રહે છે જ્યારે ખ્રિસ્તી ધર્મ પાળનારાં મોટા ભાગના આદિવાસીઓ પહાડી વિસ્તારોમાં રહે છે.

મેઈતેઈ અને આદિવાસીઓ બંનેનાં પોતપોતાનાં સશસ્ત્ર સંગઠનો છે. આ સંગઠનો એકબીજા પર હુમલા કરતાં હતાં. તેમાં કેન્દ્રીય દળો અને પોલીસ પણ અલગ અલગ છાવણીમાં વહેંચાઈ ગયેલી. બીએસએફ આદિવાસીઓની તરફેણ કરતી હોવાનો મેઈતેઈ સમુદાયનો આક્ષેપ હતો જ્યારે પોલીસ મેઈતેઈ સમુદાયનાં સંગઠનોને છાવરતી હોવાનો આદિવાસીઓનો આક્ષેપ હતો.

કેન્દ્ર સરકારે આદિવાસીઓને ઠંડા પાડવા માટે મઈતેઈ સમુદાય સાથે જોડાયેલાં ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવીને વિશ્ર્વાસનું વાતાવરણ પેદા કર્યું. કેન્દ્ર સરકારે પીપલ્સ લિબરેશન આર્મી, યુનાઇટેડ નેશનલ ફ્રન્ટ, મણિપુર પીપલ્સ આર્મી પર તેમના પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ સંગઠનો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને શાંતિને હણતાં હોવાનો આરોપ મૂકીને તેમના પર પ્રતિબંધ મૂકી દેવાતાં યુએનએલએફ સહિતનાં આદિવાસી સંગઠનો કૂણાં પડ્યાં ને તેનું પરિણામ શાંતિ કરારમાં આવ્યું.

આશા રાખીએ કે, આ શાંતિ કરારથી મણિપુરમાં સાચે જ શાંતિ સ્થપાય. મણિપુર ટચૂકડું રાજ્ય છે પણ સરહદે આવેલું વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું રાજ્ય હોવાથી ત્યાં શાંતિ જરૂરી છે. બાકી ચીન જેવા આપણા દુશ્મનો તેનો ફાયદો ઉઠાવીને આપણી એકતા સામે ખતરો ઊભો કરી દેશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button