એકસ્ટ્રા અફેર

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ૧૯૪૦ના દાયકામાં સ્થગિત

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પાકિસ્તાનમાં ગમે તે રાજકારણી હોય કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલો માણસ હોય , ભારત વિરોધી માનસિકતા છોડી શકતો નથી તેથી જમ્મુ અને કાશ્મીર મુદ્દે હળાહળ જુઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાની કોઈ તક જવા દેતો નથી. પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ એસેમ્બલીની ચૂંટણીના કારણે વચગાળાની સરકાર રચાઈ છે. પાકિસ્તાનની આ વચગાળાની અથવા તો રખેવાળ સરકારના વિદેશ પ્રધાન તરીકે જલીલ અબ્બાસ જિલાની છે. જિલાની રાજકારણી નથી પણ ભૂતપૂર્વ રાજદ્વારી છે પણ આ બધા કહેવાતા પાકિસ્તાનીઓના માનસમાં ભારત વિરોધી ઝેર ભરેલું છે તેથી જિલાની પણ રાજકારણીઓની જ ભાષા બોલે છે.

જિલાની હમણાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ ગયેલા. જિલાનીની હાજરીમાં પાકિસ્તાની દૂતાવાસમાં કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી ને એ ટાણે જિલાનીએ ભારત સામે ભરપૂર ઝેર ઓક્યું. જિલાનીના દાવા પ્રમાણે, ભારતે જમ્મુ-કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે અને ભારત લશ્કરી તાકાતથી જમ્મુ-કાશ્મીર પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જિલાનીના કહેવા પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરનાં લોકો ભારતના લશ્કરનો પૂરી બહાદુરીથી સામનો કરીને લડી રહ્યાં છે અને શહીદ પણ થયાં છે.

જિલાનીએ કાશ્મીરમાં ભારતીય અત્યાચારનો સામનો કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે એવા શહીદોને શ્રધ્ધાંજલિ આપીને દાવો કર્યો કે, ભારત કાશ્મીરીઓની ઈચ્છાને દબાવવામાં નિષ્ફળ રહ્યું છે અને તેમના બલિદાનને ઈતિહાસમાં યાદ કરવામાં આવશે. જિલાનીએ એવું ડહાપણ પણ ડહોળ્યું કે, જમ્મુ અને કાશ્મીર સમસ્યાનો ઉકેલ યુએન સિક્યુરિટી ઠરાવો અને કાશ્મીરીઓની ઈચ્છા મુજબ આવશે ત્યારે જ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થપાશે.

જિલાનીએ જમ્મુ અને કાશ્મીરની ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદીની વાત પણ કરી નાંખી. જિલાનીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આગળ આવીને જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનનો વિરોધ કરવા અપીલ પણ કરી નાંખી. જિલાનીએ પાંચ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ લેવાયેલા ભારત સરકારના નિર્ણયને પાછો ખેંચાવીને કાશ્મીરમાં કલમ ૩૭૦ ફરીથી લાગુ કરવા માટે દબાણ લાવવા પણ અપીલ કરી છે.

જિલાનીની હાજરીમાં જમ્મુ અને કાશ્મીરના વીડિયો બતાવાયા કે જેમાં જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા ગુજારાતા અત્યાચારના કારણે લોકોની દુર્દશા થયાનો દાવો કરાયો. આ દુર્દશાનું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. જિલાનીની વાતમાં નવું કશું નથી કેમ કે પાકિસ્તાનના નેતાઓ વરસોથી આ રેકર્ડ વગાડ્યા કરે છે. શબ્દો અલગ અલગ હોય છે પણ વાત આ જ હોય છે.

પાકિસ્તાનના રખેવાળ વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે પણ ગયા મહિને આ જ રેકર્ડ વગાડી હતી. નરેન્દ્ર મોદી સરકારે પાંચ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરીને જમ્મુ અને કાશ્મીરને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું તેની સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩ અરજીઓ થઈ હતી. પાંચ જજોની બેંચે તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરીને ૧૧ ડિસેમ્બરે કલમ ૩૭૦ની નાબૂદીના નિર્ણયને માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો.

કકરે આ ચુકાદાને ત્રણ દિવસ પછી ડહાપણ ડહોળેલું કે, કલમ ૩૭૦ની નાબૂદીને માન્ય રાખીને ભારતીય સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે પ્રેરિત ચુકાદો આપ્યો છે પણ અમે કાશ્મીરના લોકો માટે નૈતિક, રાજકીય અને રાજદ્વારી સમર્થન ચાલુ રાખીશું. કાશ્મીર પાકિસ્તાનની નસમાં છે. કાશ્મીર વિના પાકિસ્તાન શબ્દ અધૂરો છે. પાકિસ્તાન અને કાશ્મીરના લોકો વચ્ચે ખાસ સંબંધ છે. રાજકારણથી પર રહીને આખું પાકિસ્તાન કાશ્મીરીઓને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે એ મુદ્દે તેમની સાથે ઊભું છે.

કકર અને જિલાનીએ જે કંઈ લવારા કર્યા તેનો સાર એ છે કે, પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરનું પૂંછડું છોડવાનું નથી ને ભારત સામે ઝેર ઓકવાનું પણ ચાલુ રાખશે. આ વાતમાં પણ કશું નવું નથી કેમ કે આ વાતો આપણે વરસોથી સાંભળીએ છીએ. તેનું કારણ એ કે, પાકિસ્તાનીઓ જૂના જમાનામાં સ્થગિત થઈ ગયા છે. એ લોકો હજુય ૧૯૪૦ અને ૧૯૫૦ના જમાનામાં જીવે છે જ્યારે ભારત ૨૦૨૪માં પહોંચી ગયું છે એ વાતનો તેમને અંદાજ જ નથી.

પાકિસ્તાનીઓ હજુય યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવનાં ગાણાં ગાય છે પણ એ બધા છરાવો ક્યારના કચરાટોપલી ભેગા થઈ ગયા છે. ૧૯૭૧ના યુદ્ધ વખતે ભારતીય લશ્કરના જવાનોએ પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકોને બંદી બનાવ્યા ને તેમને છોડાવવા માટે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ મોંમાં તરણું લઈને ભારત સાથે સિમલા કરાર કર્યા ત્યારે જ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષી થઈ ગયેલો. યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ કે કોત્રણ પણ ત્રીજા પક્ષની ભૂમિકા હવે રહેતી નથી એવું પાકિસ્તાને જ લખી આપેલું. પાકિસ્તાનના હલકા રાજકારણી પોતે લખી આપેલું પણ, યાદ રાખવા તૈયાર નથી હજુય યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની રેકર્ડ વગાડ્યા કરે છે.

બીજું એ કે, જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારતના કબજા હેઠળનો પ્રદેશ તો મુદ્દો જ નથી. મુદ્દો તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)નો છે. વિવાદાસ્પદ પ્રદેશ કાશ્મીરનો એ ત્રીજા ભાગનો હિસ્સો છે કે જેણે પાકિસ્તાને લશ્કરી એડી નીચે દબાવી રાખ્યો છે. ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં તો લોકો ભારતના નાગરિકો તરીકે રહે છે, મતદાન કરે છે ને સરકાર પણ ચૂંટે છે. તેમને ભારત સામે વાંધો જ નથી. એ લોકો ભારતના નાગરિકો છે ને તેમના વતી બોલવાનો પાકિસ્તાનને નહીં પણ બીજા કોઈને અધિકાર જ નથી. જમ્મુ અને કાશ્મીરનાં લોકો પણ ભારતીય જ છે. ભારતમાં લોકશાહી છે તેથી તેમને પણ પોતાની સમસ્યાએ વિશે બોલવાનો અધિકાર છે ને તેનો એ ઉપયોગ કરે છે. તેમના વતી બીજા કોઈએ ચમચો હલાલવાની જરૂર નથી.

પાકિસ્તાન જેમને જમ્મુ અને કાશ્મીરના શહીદો ગણાવે છે એ બધા વાસ્તવમાં કાશ્મીરીઓના હત્યારા છે. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતાં ભારતીય લશ્કરના કે જમ્મુ અને કાશ્મીર પોલીસના હાથે મરેલા લોકો માટે કાશ્મીરી શબ્દ પણ ના વાપરી શકાય. પાકિસ્તાન તેમને પોષે છે ને પંપાળે છે તેથી તેમના મોત પર તેણે આંસુ સારવાં જ પડે પણ કાશ્મીરીઓ તેમના મોત પર આંસુ સારતાં નથી કેમ કે તેમને વાસ્તવિકતા ખબર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો