પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશમાંથી ભારતમાં આતંક ફેલાવી શકે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને ભગાડ્યા પછી નવી રચાયેલી મુહમ્મદ યુનુસની સરકાર એક તરફ ભારત તરફ આકરું વલણ અપનાવી રહી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના ખોળામાં બેસવા માંડી છે. નોબલ પ્રાઈઝ વિજેતા મુહમ્મદ યુનુસની સરકાર ભારત સાથેના સંબંધોમાં કાપ મૂકી રહી છે ત્યારે પાકિસ્તાનને અછોવાનાં કરી રહી છે. તેના ભાગરૂપે ઢાકાથી-ઈસ્લામાબાદ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ કરી દેવાઈ અને પછી પાકિસ્તાનીઓ માટે વિઝામાં પણ રાહત જાહેર કરી દેવાઈ.
હવે બાંગ્લાદેશના લશ્કરને પાકિસ્તાન આર્મીના અધિકારીઓ ટ્રેનિંગ આપવાના છે અને બાંગ્લાદેશ નેવી પાકિસ્તાન નેવી સાથે મળીને સંયુક્ત ક્વાયત પણ કરવાનું છે. પાકિસ્તાન દર 2 વર્ષે સાથી દેશો સાથે કવાયત કરે છે. આ વખતે 2025ના ફેબ્રુઆરીમાં કરાચી બંદરથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ નૌકાદળની સંયુક્ત કવાયત શરૂ થવાની છે. આ સંયુક્ત કવાયતને અમન-2025 નામ આપવામાં આવ્યું છે. .બાંગ્લાદેશ નેવી દોઢ દાયકા પછી પહેલી વાર આ ક્વાયતમાં જોડાશે.
બાંગ્લાદેશમાં જનરલ ઈરશાદનું શાસન હતું ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં લશ્કર સંયુક્ત ક્વાયત કરતાં હતાં. બેગમ ખાલીદા ઝિયાના શાસનમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો પણ શેખ હસીનાને પાકિસ્તાન માટે નફરત હતી. શેખ હસીનાના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશે પાકિસ્તાન આર્મીથી દૂર રહેવાનું પસંદ કરેલું ને કોઈ પણ ક્વાયતમાં ભાગ લીધો ન હતો. શેખ હસીના તો એ હદે પાકિસ્તાનનાં વિરોધી હતાં કે 2022માં પાકિસ્તાનના યુદ્ધ જહાજ તૈમૂરને ફ્યુઅલ ભરાવવા માટે ચટગાંવ બંદરે રોકાવાની મંજૂરી પણ આપી ન હતી. તૈમુરે ફ્યુઅલ ભરાવવા માટે છેક મ્યાનમાર સુદી લાંબું થવું પડેલું અને મ્યાનમારના ક્યોકફૂ પોર્ટ પર રોકાવું પડ્યું હતું.
શેખ હસીના પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સહકારની વિરુદ્ધ હોવાથી પાકિસ્તાનીઓ તેમનાથી દૂર ભાગતા હતા. આ કારણે જ પાકિસ્તાનીઓએ હસીનાને ઊથલાવવામાં સક્રિય ભૂમિકા ભજવી અને શેખ હસીના ખસ્યાં કે તરત જ પાકિસ્તાનીઓએ બાંગ્લાદેશમાં આવનજાવન શરૂ કરી દીધી. આઘાતની વાત એ છે કે, બાંગ્લાદેશની મુહમ્મદ યુનુસ સરકાર પણ પાકિસ્તાનની બગલમાં ભરાઈ રહી છે અને તેના ભાગરૂપે જ પાકિસ્તાની લશ્કર સાથે 53 વર્ષ પછી બાંગ્લાદેશ ફરી સંબંધો સ્થાપિત કરીને બેસી ગયું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ હમણાં બાંગ્લાદેશ ગયા ત્યારે યુનુસે શરીફને લાલ જાજમ પાથરીને આવકાર્યા હતા. આ યાત્રા દરમિયાન પાકિસ્તાન આર્મીના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ મોકલેલા બાંગ્લાદેશ આર્મીને ટ્રેનિંગના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ હતી. મિર્ઝાઓ નવેમ્બરમાં બાંગ્લાદેશને ટ્રેનિંગનો પ્રસ્તાવ મોકલ્યો હતો. યુનુસ તો લશ્કરની કઠપૂતળી છે તેથી બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ પ્રસ્તાવને સ્વીકાર્યો એટલે તેમણે પણ લીલી ઝંડી આપી દીધી.
યુનસે લીલી ઝંડી આપતાં જનરલ વકારે પાકિસ્તાન આર્મીને ટ્રેનિંગ માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન તો ટાંપીને જ બેઠું છે એટલે તરત કાર્યક્રમ બનાવી દેવાયો. આ કાર્યક્રમ પ્રમાણે, પાકિસ્તાન આર્મીના મેજર જનરલ રેન્કના અધિકારીની આગેવાનીમાં એક વિશેષ ટીમ 2025ના ફેબ્રુઆરીથી બાંગ્લાદેશી લશ્કરને તાલીમ આપશે. ફેબ્રુઆરીમાં શરૂ થનારી ટ્રેનિંગનો પ્રથમ તબક્કો મૈમનસિંહ કેન્ટોનમેન્ટમાં આર્મી ટ્રેનિંગ એન્ડ ડોક્ટ્રિન કમાન્ડ (અઝઉઈ) હેડક્વાર્ટર ખાતે યોજાવાનો છે ને આશ્ર્ચર્યજનક વાત એ છે કે, ટ્રેનિંગનો પહેલો તબક્કો એક વર્ષ સુધી ચાલવાનો છે. આર્મીમાં ભરતી કરાય ત્યારે પણ છ મહિનાની તાલીમ હોય છે ને છ મહિનામાં તો કોઈ પણ નવો નિશાળિયો સૈનિક તરીકે તૈયાર થઈ જાય. હવે બાંગ્લાદેશ આર્મી કંઈ નવા નિશાળિયાઓનું બનેલું તો છે નહીં કે તેને વરસ લગી તાલીમ આપવી પડે.
આ સંજોગોમાં પાકિસ્તાન આર્મીની એક વરસ લગી બાંગ્લાદેશમાં હાજરી ભારત માટે ખતરાની ઘંટડી છે. મહત્ત્વની વાત પાછી એ છે કે, આ વરસની તાલીમ પછી પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશ આર્મીના તમામ 10 કમાન્ડમાં તાલીમ આપવાની છે. હવે દરેક કમાન્ડમાં એક-એક વરસ તાલીમ આપે તો બાંગ્લાદેશમાં 10 વરસ લગી તો પાકિસ્તાન આર્મીના ધામા પાકા જ થઈ ગયા.
Also read: એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?
ભારત માટે ખતરાની ઘટંડી એ રીતે છે કે, મૈમનસિંહ કેન્ટોનમેન્ટ ભારતના મેઘાલયની એકદમ નજીક છે. ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોની એકદમ નજીક પાકિસ્તાની લશ્કરની ટુકડી હોય એ ભારતની સુરક્ષા સામે ખચરો જ કહેવાય. બીજું એ કે, પાકિસ્તાનના ઇરાદા પણ શંકાસ્પદ છે. પાકિસ્તાન ખરેખર બાંગ્લાદેશના આર્મીને ટ્રેનિંગ આપવા આવી રહ્યું છે કે, ભારતમાં ઘૂસાડવા માટે આતંકવાદી કેમ્પો બનાવવા આવી રહ્યું છે એ સવાલ છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન હુજીના આતંકવાદી કેમ્પો ધમધમતા જ હતા.
શેખ હસીનાએ આ કેમ્પોનો સફાયો કરી નાંખ્યો પછી એ બધા કેમ્પ મ્યાનમારમાં જતા રહેલા. આ આતંકવાદી કેમ્પોના કારણે ભારતની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થઈ ગયેલો તેથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી સૌથી પહેલી સર્જિકલ સ્ટ્રાઈક 2016માં મ્યાનમારમાં જ કરવી પડેલી. આ સર્જિકલ સ્ટ્રાઈક પછી આપણાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં આતંકવાદ બંધ થયો પણ હવે ફરી પાકિસ્તાનની એન્ટ્રી થતાં આ આતંકવાદ પાછો ભડકી શકે છે.
પાકિસ્તાન પાસે ભલે ખાવા માટે અનાજ ના હોય પણ ભારતમાં આતંકવાદ ફેલાવવા એ ગમે તે હદે જાય તેમ છે એ જોતાં આ ખતરાને નજરઅંદાજ ના કરી શકાય. બાંગ્લાદેશ આર્મીને ટ્રેનિંગ માટે બાંગ્લાદેશને પાકિસ્તાનથી દારૂગોળાના બે ક્ધસાઈનમેન્ટ મંગાવ્યા છે. બાંગ્લાદેશે 40 હજાર રાઉન્ડ દારૂગોળા, 2 હજાર રાઉન્ડ ટેન્ક દારૂગોળો અને 40 ટન આરડીએક્સ મંગાવ્યું છે પણ ખરેખર તેનો ઉપયોગ ટ્રેનિંગ માટે થશે કે ભારત સામે થશે એ શંકા છે.
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વધતી જતી નિકટતા ભારતના 80 કિમી પહોળા સિલિગુડી કોરિડોર એટલે કે ચિકન નેક સામે બહુ મોટો ખતરો ઊભો કરી શકે છે. આ કોરિડોર ભારતના ઉત્તર-પૂર્વનાં રાજ્યોને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. ભૂતાનનું ડોકલામ ચિકન નેક કોરિડોરની નજીક છે અને ચીનનો તેના પર ડોળો છે. પાકિસ્તાનની હાજરથી ચીનની મેલી મુરાદ પાર પડવામાં મદદ મળશે. બાંગ્લાદેશમાં પાકિસ્તાનના પ્રવેશ પછી ઉત્તર-પૂર્વના કટ્ટરપંથી જૂથો વધુ સક્રિય થશે અને ભારતમાં ઉત્તર-પૂર્વમાં મેથી મારશે. અત્યારે ઉત્તર-પૂર્વમાં શાંતિ છે પણ ભવિષ્યમાં સળગશે એ જોતાં ભારતે તેના માટે અત્યારથી વિચારવું જોઈએ.
બાંગ્લાદેશનું ભૌગોલિક સ્થાન ભારત માટે મહત્ત્વનું છે કેમ કે ભૂતાનનું ડોકલામ પણ ચિકન નેક કોરિડોરની નજીક છે. ચીન તેને કબજે કરવા માગે છે. બાંગ્લાદેશમાં યુનુસ સરકાર અને હવે પાક આર્મીના પ્રવેશ બાદ ચીન માટે સ્થિતિ અનુકૂળ છે.