એકસ્ટ્રા અફેર

ઓવૈસીને ગેરલાયક ઠેરવવાથી અહમ સંતોષાય, બીજું કંઈ નહીં

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકેની નવી ઈનિંગ શરૂ કરતાં જ બખેડો શરૂ કરી દીધો છે. પચીસ જૂને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ પણ સાંસદ તરીકે શપથ લીધા હતા. ઓવૈસી શપથ પહેલાં બિસ્મિલ્લાહ બોલ્યા અને પછી ઉર્દૂમાં શપથ લીધા હતા. મોટા ભાગના મુસ્લિમો કંઈ પણ સારું કામ કરતાં પહેલાં બિસ્મિલ્લાહ બોલતા હોય છે તેથી તેની સામે કોઈએ વાંધો ના લીધો પણ શપથ લીધા પછી ઓવૈસી જે બોલ્યા તેના કારણે બખેડો થઈ ગયો.

ઓવૈસીએ ‘જય ભીમ, જય મીમ, જય તેલંગણા, જય પેલેસ્ટાઈન અને તકબીર, અલ્લાહુ અકબર’ એ ચાર નારા ધીમા પણ બધાંને સંભળાય એવા અવાજે બોલ્યા હતા. ઓવૈસીના નારા સાંભળીને ભાજપના ઘણા સાંસદો ઉકળી ઉઠ્યા અને સંસદમાં જ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ બાદ પ્રોટેમ સ્પીકર મહેતાબે ઓવૈસીના શબ્દોને રેકોર્ડમાંથી હટાવવાનો આદેશ આપી દીધો પણ ભાજપના સાંસદોએ ઓવૈસીને સાંસદપદેથી ગેરલાયક ઠેરવવાની માગણી સાથે હોહા ચાલુ રાખી. ઓવૈસીએ પેલેસ્ટાઈન તરફ વફાદારી બતાવીને સાંસદ તરીકેના નિયમનો ભંગ કર્યો હોવાના દાવા સાથે ભાજપના સાંસદો મચી પડ્યા છે.

સંસદની બહાર પણ આ મુદ્દો ગાજી રહ્યો છે. ભાજપના જી. કિશન રેડ્ડીએ સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’નો નારો લગાવવાને ગૃહના નિયમોની વિરુદ્ધ ગણાવીને ઓવૈસીની ટીકા કરી છે કે, ભારતમાં રહેતા હોવા છતાં ઓવૈસી ’ભારત માતા કી જય’ બોલતા નથી એ શરમજનક કહેવાય. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ બંધારણની કલમ ૧૦૨ ની જોગવાઈઓ પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, હાલના નિયમો મુજબ અસદુદ્દીન ઓવૈસીને વિદેશી રાજ્ય એટલે કે પેલેસ્ટાઈન પ્રત્યે વફાદારી દર્શાવવા બદલ લોકસભાના સભ્યપદથી અયોગ્ય ઠેરવી શકાય છે.

ઓવૈસી સામે ગૃહમાં જય પેલેસ્ટાઈન નારો લગાવવા બદલ રાષ્ટ્રપતિને ફરિયાદ કરીને સંસદસભ્યપદ રદ કરવાની માગ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે કે, અસદુદ્દીન ઓવૈસીએ બંધારણની કલમ ૧૦૨ અને ૧૦૩નો ભંગ કર્યો હોવાથી તેમનું સંસદસભ્યપદ રદ કરી દેવું જોઈએ. ઓવૈસીને ‘વિદેશ પ્રત્યે નિષ્ઠા દર્શાવવા’ માટે લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે.

ભાજપના નેતા આ બધી હોહા કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર આ મામલે બહુ ઉત્સાહિત નથી. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સધિયારો આપ્યો છે કે, ઓવૈસીની ટિપ્પણીઓના સંદર્ભમાં ગૃહના નિયમો શું છે તેની તપાસ કરાશે પણ આપણી પેલેસ્ટાઈન કે બીજા કોઈ દેશ સાથે કોઈ દુશ્મની નથી. કોઈ સભ્ય શપથ લેતી વખતે બીજા દેશની પ્રશંસા કરતા નારા લગાવે એ યોગ્ય છે કે નહીં એ માટે આપણે નિયમો તપાસવા પડશે. રિજિજુની વાત પરથી સ્પષ્ટ છે કે, મોદી સરકાર આ મુદ્દાને બહુ મહત્ત્વ આપવા માગતી નથી. પ્રોટેમ સ્પીકરે પહેલાં જ ઓવૈસીના શબ્દોને રેકોર્ડમાંથી કાઢી નાંખ્યા છે ને તેનાથી કમ સે ભાજપ હાઈકમાન્ડને સંતોષ છે.

ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દાને બહુ મહત્ત્વ આપવા નથી માગતો તેનાં કારણો પણ સમજવા જેવાં છે. ભાજપના નેતા બંધારણની કલમ ૧૦૨ અને ૧૦૩નો હવાલો આપીને ઓવૈસીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાની માગ કરી રહ્યા છે પણ વાસ્તવમાં કલમ ૧૦૨ હેઠળ ગેરલાયક ઠેરવી શકાય એવું કશું ઓવૈસીએ કર્યું નથી.

ભારતીય બંધારણની કલમ ૧૦૨ હેઠળ સાસંદને ગેરલાયક ઠેકવવાની જોગવાઈઓ કરાઈ છે. આ જોગવાઈ પ્રમાણે, કોઈ સાંસદ ભારત સરકાર કે કોઈ રાજ્ય સરકારના લાભના હોદ્દા પર હોય તો ઓફિસ ઓફ પ્રોફિટના નિયમ હેઠળ તેમને ગેરલાયક ઠેરવી શકાય છે. કોઈ વ્યક્તિ નાદારી નોંધાવે તો પણ તેને ગેરલાયક ઠેરવી શકાય છે. સાંસદ ભારતનો નાગરિક નથી એવું સાબિત થાય કે પછી સ્વેચ્છાથી બીજા દેશની નાગરિકતા લીધી હોય કે કોઈ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા ધરાવતા હોય કે તેને અનુસરતા હોય.

ઓવૈસીને આ છેલ્લા નિયમ પ્રમાણે ગેરલાયક ઠેરવવાની માગ કરાઈ છે. આ નિયમ પ્રમાણે, કોઈ વ્યક્તિ ભારત સિવાય કોઈ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા રાખે તો તેને સંસદની સદસ્યતાથી અયોગ્ય જાહેર કરી શકાય. પણ આ નિયમ ઓવૈસીને લાગુ નથી પડતો. આ જોગવાઈમાં અનુપાલન અને નિષ્ઠા એ બે શબ્દો વપરાયેલા છે પણ જય પેલેસ્ટાઈન બોલવા માત્રથી ઓવૈસીની નિષ્ઠા પેલેસ્ટાઈન સાથે છે કે ઓવૈસી પેલેસ્ટાઈનને અનુસરે છે એવું સાબિત ના થાય. પોતાને ગેરલાયક ઠેરવવા સામે ઓવૈસી સુપ્રીમ કોર્ટમાં જાય તો ઓવૈસી બીજા દેશ તરફ નિષ્ઠા ધરાવે છે એવું કોઈ રીતે સાબિત ના કરી શકાય. કોઈ દેશ તરફ નિષ્ઠા ધરાવવી એ બહુ વ્યાપક અર્થઘટન સાથેના શબ્દો છે. એક નારો બોલવાથી એ સાબિત ના થાય.

બીજું એ કે, ઓવૈસી ભારત તરફ નિષ્ઠા નથી ધરાવતા એવું પણ સાબિત નથી થતું એ જોતાં ભાજપના નેતા હોહા કરે તેનાથી કશું વળવાનું નથી. બહુ બહુ તો લોકસભાના સ્પીકર ઓવૈસીના શબ્દો સામે વાંધો લઈને ફરી શપથ લેવાનું કહી શકે. અલબત્ત પ્રોટેમ સ્પીકરે પહેલાં જ રેકર્ડમાંથી શબ્દો કઢાવી દીધા છે એ જોતાં સ્પીકર તેમનું ગૌરવ જાળવવા એવું પણ ના કરે એવી પ્રબળ શક્યતા છે.
ઓવૈસીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાથી કોઈ ફાયદો પણ નથી થવાનો. હૈદરાબાદ લોકસભા બેઠક ઓવૈસીનો ગઢ છે ને ઓવૈસી ફરી ત્યાંથી સરળતાથી ચૂંટાઈ આવશે. ભાજપે છેલ્લી ચૂંટણીમાં ઓવૈસીને હરાવવા બહુ ધમાધમ કરેલી. માધવી લતા નામનાં કહેવાતાં હિંદુવાદી બહેનને ઉતારીને ભાજપ એવા દાવા કરતો હતો કે, આ વખતે ઓવૈસી હારી જશે પણ માધવીબેન જ ૩.૩૦ લાખ મતે હારી ગયાં. આ સંજોગોમાં ઓવૈસીને ગેરલાયક ઠેરવવાથી અહમ સંતોષવા સિવાય બીજું કશું સાબિત ના થાય ને આ અહમ સંતોષવા દેશની તિજોરી પર પેટાચૂંટણીનો બોજ ના નાંખી શકાય.

ઓવૈસી પેલેસ્ટાઈનની જય બોલાવે તેનાથી ભારતને કોઈ ફરક પણ પડતો નથી કેમ કે ભારત પેલેસ્ટાઈનની વિરુદ્ધ નથી એવું મોદી સરકારે પોતે કહ્યું છે. ઓવૈસી પાકિસ્તાન કે ચીનની જય બોલ્યા હોત તો વાત અલગ હતી પણ જે દેશને મોદી સરકાર પોતે દુશ્મન નથી માનતી એ દેશની જય બોલાવવાના મુદ્દાની ચૂંથ કરવાની શું જરૂર?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો