એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : રાજકીય પક્ષોની એકતા આભાસી સાબિત થઈ…

-ભરત ભારદ્વાજ

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે ભારતીય લશ્કરે કરેલી કાર્યવાહી મુદ્દે દેશના રાજકીય પક્ષોએ બતાવેલી એકતા આભાસી સાબિત થઈ છે. ભારતીય આર્મીએ હાથ ધરેલાં ઓપરેશન સિંદૂરને તમામ વિપક્ષોએ વધાવ્યું હતું અને વખાણ્યું પણ હતું. એ વખતે આખો દેશ એક છે એવું લાગતું હતું પણ વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓપરેશન સિંદૂર પહેલાં પાકિસ્તાનને જાણ કરાઈ હતી એવું નિવેદન કર્યું તેમાં બબાલ થઈ ગઈ છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ નિવેદન સામે સવાલો કર્યા તેનાથી અકળાઈને ભાજપે રાહુલ ગાંધીને મીરજાફર ગણાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટર મૂક્યાં. સામે કૉંગ્રેસે જયશંકરને જયચંદ ગણાવીને પોસ્ટર મૂકતાં પોસ્ટર વોર જામી છે. આ પોસ્ટર વોરની વાત કરતાં પહેલાં જેના કારણે બબાલ શરૂ થઈ એ જયશંકરનું નિવેદન શું છે એ જાણવું જરૂરી છે. જયશંકરે ચાર દિવસ પહેલાં કહેલું કે, ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં અમે પાકિસ્તાનને મેસેજ મોકલ્યો હતો કે અમે આતંકવાદીઓનાં ઠેકાણાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી રહ્યા છીએ. ભારત પાકિસ્તાની આર્મી પર હુમલો કરી રહ્યું નથી તેથી પાકિસ્તાન આર્મી આ કાર્યવાહીમાં દખલ ન કરે અને અલગ રહે એવો વિકલ્પ તેની પાસે છે. જયશંકરનું કહેવું છે કે, પાકિસ્તાન આર્મીએ ભારતની સારી સલાહ ન લેવાનું પસંદ કર્યું.

આ નિવેદન અંગે બબાલ થઈ પછી સ્પષ્ટતા કરાયેલી કે, જયશંકર તો ઈન્ડિયન આર્મીના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પાકિસ્તાની આર્મીના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાને કરેલા ફોન કોલનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

7 મેના રોજ રાત્રે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં નવ આતંકવાદી અડ્ડા પર હુમલો કર્યા પછી લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ કાશિફ અબ્દુલ્લાને કહ્યું હતું કે, ભારતે સાવધાનીપૂર્વક પસંદ કરેલાં આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો છે અને લશ્કરી સ્થળો પર હુમલો કર્યો નથી. પાકિસ્તાનને સંદેશ મોકલવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન વાતચીત કરવા માગતું હોય તો ભારત વાતચીત કરવા તૈયાર છે.

રાહુલ ગાંધીએ આ વાતન પકડી લીધી અને દાવો કર્યો કે, ભારતે પાકિસ્તાનને હુમલો કરી રહ્યા હોવાની જાણ કરી તેથી પાકિસ્તાનને હુમલાનો જવાબ આપવાનો સમય મળી ગયો. પાકિસ્તાને આ સમયનો ઉપયોગ હાફીઝ સઈદ અને મસૂદ અઝહર સહિતના ટોચના આતંકવાદીઓને બીજે ખસેડવા માટે કર્યો તેથી ભારત તેમને મારી ના શક્યું. એટલું જ નહીં પણ પાકિસ્તાને હુમલો કરી રહેલાં ઈન્ડિયન એરફોર્સમાં ફાઈટર પ્લેનને ટાર્ગેટ કરીને તેમને પણ તોડી પાડ્યાં તેથી ભારતને મોટો ફટકો પડ્યો.

રાહુલની માગણી છે કે, ભારત સરકારે ઓપરેશન સિંદૂરમાં કેટલાં પ્લેન ગુમાવ્યાં તેની વિગતો છૂપાવવાના બદલે જાહેર કરવી જોઈએ કેમ કે દેશને એ જાણવાનો અધિકાર છે. રાહુલે તો આક્રમણ પહેલાં દુશ્મન દેશને જાણ કરવાની રણનીતિ સામે પણ સવાલ ઉઠાવીને આ કૃત્યને દેશ સાથે ગદ્દારી ગણાવ્યું છે અને અપરાધ ગણાવ્યો છે.

ભાજપને આ વાત માફક ના આવી તેથી ભાજપના નેતા અમિત માલવિયાએ રાહુલને ટાર્ગેટ કરીને બે પોસ્ટર રિલીઝ કર્યા. એક પોસ્ટરમાં રાહુલ ગાંધીનો ચહેરો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે મિક્સ કરાયો છે. બીજા પોસ્ટરમાં રાહુલ ગાંધી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની પીઠ પર ઊભા રહીને સવાલ કરી રહ્યા છે અને ભાજપે રાહુલને નવા યુગના મીરજાફર ગણાવ્યા છે.

મીરજાફર ભારતમાં ગદ્દારીનું પ્રતિક મનાય છે. મોગલ સેનાપતિ મીરજાફરે 1757માં પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સાથે હાથ મિલાવીને બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા સાથે ગદ્દારી કરી હતી. મીર જાફરે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ખાનગીમાં સોદો કરી નાખેલો. યુદ્ધ શરૂ થતાં પહેલાં મીરજાફર પોતાના સૈનિકો સાથે અંગ્રેજો સાથે ભળી જતાં સિરાજ-ઉદ-દૌલા હારી ગયો અને ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો.

અંગ્રેજોએ આ ગદ્દારીના બદલામાં મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો. રાહુલને મીરજાફર સાથે સરખાવાતાં કૉંગ્રેસને લાગી આવ્યું અને કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ વળતું પોસ્ટર બહાર પાડીને વિદેશ મંત્રી એસ જયશંકરને જયચંદ ગણાવી દીધા. આ પોસ્ટરમાં નરેન્દ્ર મોદીને પણ બતાવાયા છે. જયશંકર પાકિસ્તાનને સલામત રહેવા કહે છે ને મોદી બેકગ્રાઉન્ડમાં તેમને આ વાત જોરથી રહેવા કહે છે એવું પોસ્ટરમાં દર્શાવાયું છે.

ભાજપ અને કૉંગ્રેસનું આ પોસ્ટર યુદ્ધ ક્યારે અટકશે એ ખબર નથી પણ આ પોસ્ટર યુદ્ધે ભારતીય રાજકારણની હલકી માનસિકતા છતી કરી દીધી છે. આ વાત કોઈ એક પક્ષની નથી પણ બધા પક્ષોની છે. રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો અયોગ્ય નથી કેમ કે દુશ્મન દેશ પર હુમલો કરતાં પહેલાં તેને જાણ કરવી મૂર્ખામી જ કહેવાય. ભારતે પહલગામ હુમલાના 10 દિવસ પછી હુમલો કર્યો તેના કારણે પાકિસ્તાનને પૂરતી તૈયારી કરવાનો સમય મળી જ ગયો હતો. બાકી હતું તે હુમલા પહેલાં ભારતે તેમને ચેતવણી આપી દીધી.

રાહુલે સવાલ ઉઠાવ્યા પછી વિદેશ મંત્રાલયે એવી સ્પષ્ટતા કરી છે કે, વિદેશ મંત્રી જયશંકરે તો એવું કહ્યું હતું કે કાર્યવાહીની શરૂઆતમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી. હવે વાતને એવી રીતે રજૂ કરવામાં આવી રહી છે કે જાણે પાકિસ્તાનને ઓપરેશન પહેલાં જાણ કરવામાં આવી હોય. રાહુલ ગાંધી દ્વારા હકીકતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને અમે તેનો વિરોધ કરીએ છીએ.

વિદેશ મંત્રાલયનો બચાવ ખોટો છે કેમ કે વીડિયોમાં જયશંકર સ્પષ્ટ રીતે કાર્યવાહી પહેલાં બે દેશોના ડીજીએમઓ વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ કરે છે. રાહુલે સવાલ ઉઠાવ્યા એ દેશના હિતમાં છે ને તેના કારણે તેમને દેશના ગદ્દાર ગણાવવા કે મીરજાફ કહેવા એ પણ ખોટું છે. આપણો મોટો દુશ્મન પાકિસ્તાન છે પણ ભાજપ પાકિસ્તાનને કોરાણે મૂકીને રાહુલને દેશના દુશ્મન ચિતરે કે પાકિસ્તાનના એજન્ટ ગણાવે એ સાવ ખોટું જ છે.

કૉંગ્રેસ પણ જયશંકરને ગદ્દાર ગણાવે એ યોગ્ય નથી. પહલગામ હુમલા પહેલાં અને પછી પણ વ્યૂહાત્મક રીતે ઘણી ભૂલો થઈ છે પણ તેના કારણે કોઈને વ્યક્તિગત રીતે ગદ્દાર કહેવા યોગ્ય નથી. જયશંકર વિદેશ મંત્રી છે, આખી સરકાર નથી એ જોતાં તેમને નિશાન બનાવવા જરાય યોગ્ય નથી. જો કે મુખ્ય મુદ્દો દેશની એકતાનો અને રાજકીય સ્વાર્થને બાજુ પર મૂકવાનો છે. કમનસીબે આપણા રાજકારણીઓ એવું મોટું મન નથી ધરાવતા.

આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : ભારત પાકિસ્તાનના ભુક્કા બોલાવી દેવા સક્ષમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button