વન નેશન, વન ઈલેક્શન: ભેંસ ભાગોળે, છાસ છાગોળે…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે વન નેશન, વન ઈલેક્શન અંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનાવવામાં આવેલી કમિટી દ્વારા આપવામાં આપેલા રિપોર્ટને મંજૂરી આપી દીધી એ સાથે જ આપણે ત્યાં ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ જેવો માહોલ થઈ ગયો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળની આ સમિતિએ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં માર્ચમાં વન નેશન, વન ઇલેક્શન’ પર પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો અને હજુ તો કેન્દ્ર સરકારે આ ભલામણોનો સ્વીકાર કર્યો છે ત્યાં તો મીડિયાએ ક્યા રાજ્યની વિધાનસભાની ચૂંટણી કેટલી વહેલી યોજાશે ને ક્યાં ક્યાં શું થશે તેના પતંગ ચગાવવાના શરૂ કરી દીધા છે.
મોદી સરકાર સંસદના શિયાળુ સત્રમાં વન નેશન વન ઈલેક્શન અંગે ખરડો લાવશે એવી વાતો પણ વહેતી થઈ ગઈ છે. આ ખરડામાં શું હશે તેની વાતો પણ ચાલવા માંડી છે. વન નેશન, વન ઈલેક્શનમાં આખી વાત દેશભરમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પણ ચૂંટણી એક સાથે કરાવવાની છે તેથી ખરડામાં કેન્દ્રસ્થાને એ જ વાત હશે એ અટકળનો વિષય જ નથી પણ બીજું શું હશે તેની પણ અટકળો ચાલી રહી છે. રામનાથ કોવિંદના નેતૃત્વવાળી સમિતિએ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી થઈ જાય પછી ૧૦૦ દિવસની અંદર જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે તેથી મોદી સરકાર તેનો પણ અમલ કરી નાખશે એવા દાવા પણ થઈ રહ્યા છે.
આ દાવા વહેલા છે કેમ કે રામનાથ કોવિંદ સમિતિ રચાઈ ત્યારે દેશમાં રાજકીય માહોલ અલગ હતો જ્યારે અત્યારે રાજકીય સમીકરણો અલગ છે. એ વખતે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હતી અને મોદી સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવવાની પણ કોઈની તાકાત નહોતી. અત્યારે મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી અને ચંદ્રાબાબ નાયડુ તથા નીતીશ કુમાર જેવા સાથીઓની કાંખઘોડી પર સરકાર ઊભેલી છે. આ સંજોગોમાં ખરડામાં શું હશે એ તો પછીની વાત છે પણ પહેલાં તો ખરેખર ખરડો શિયાળુ સત્રમાં રજૂ થશે કે કેમ એ વિશે જ અવઢવ છે.
માનો કે શિયાળુ સત્રમાં ખરડો રજૂ થઈ ગયો તો પણ મોદી સરકાર જે રીતે ઈચ્છે છે એ રીતે જ પાસ થશે કે કેમ તેમાં શંકા છે. મોદી સરકાર વકફ એક્ટમાં ફેરફાર કરવા માટેનો ખરડો લાવી તેનું ઉદાહરણ આપણી નજર સામે જ છે. મોદી સરકાર અત્યાર લગી કોઈને ગણકારતી જ નહોતી પણ પહેલી વાર વિપક્ષોની માગ સામે ઝૂકીને વકફ એક્ટમાં સુધારાનો ખરડો સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને સોંપવો પડ્યો. તેનું કારણ એ કે, ભાજપ પાસે લોકસભા ને રાજ્યસભા બંનેમાં સ્પષ્ટ બહુમતી નથી ને મોદી સરકાર કોઈ પણ ખરડો સંસદમાં પાસ કરાવવા માટે સાથી પક્ષો પર નિર્ભર છે.
વન નેશન વન ઈલેક્શનને લગતો ખરડો તો બંધારણીય સુધારાને લગતો હોવાથી મોદી સરકારને માત્ર સાથી પક્ષોના જ નહીં પણ વિપક્ષોના સહકારની પણ જરૂર પડશે કેમ કે બંધારણીય સુધારાના ખરડાને પસાર કરવા માટે સંસદનાં બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી જોઈએ અને દેશનાં અડધાથી વધારે રાજ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી સાથે ખરડાને બહાલી મળવી જોઈએ.
હાલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચની છે જ્યારે મહાનગરપાલિકાઓ અને પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફેરફાર ના થાય પણ તેમની મુદતોમાં ફેરફાર થશે. રામનાથ કોવિંદ સમિતિએ આ બધું કરવા માટે ૧૮ બંધારણીય સુધારાઓની ભલામણ કરી છે.
ભારતમાં બંધારણીય સુધારા ત્રણ પ્રકારે થાય છે. પહેલા સુધારામાં સંસદમાં સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. બીજા પ્રકારના સુધારામાં સંસદમાં બે તૃતીયાંશ એટલે કે સ્પેશિયલ મેજોરિટી જોઈએ જ્યારે ત્રીજા પ્રકારના સુધારામાં સંસદ દ્વારા સ્પેશિયલ બહુમતી ઉપરાંત દેશની અડધોઅડધ વિધાનસભાની બહાલી જોઈએ. રામનાથ કોવિંદ કમિટીએ બે નવી જોગવાઈઓ ઉમેરવાની ભલામણ કરી છે કે જેના માટે સંસદની સાદી બહુમતી ચાલશે એવું તેમનું માનવું છે. બીજા ઘણા બંધારણીય સુધારા સંસદમાં સાદી બહુમતીથી પસાર કરી શકાય છે કોવિંદ કમિટીના મતે તો મોટા ભાગના સુધારા સાદી બહુમતીથી કરી શકાય તેમ છે તેથી વન નેશન વન ઈલેક્શનનો અમલ અઘરો નથી.
અલબત્ત આ કોવિંદ સમિતિનો મત છે પણ બંધારણીય નિષ્ણાતોનો મત અલગ છે. તેમના મતે ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર માટેના મોટા ભાગના બંધારણીય સુધારાઓને વિધાનસભાની બહાલીની જરૂર પડશે જ. ભાગ્યે જ કોઈ એવા સુધારા હશે કે જેમને રાજ્યની વિધાનસભાઓ દ્વારા બહાલીની જરૂર નહીં પડે. આ સંજોગોમાં મોદી સરકારે વિપક્ષોને સાથે લેવા જ પડશે ને કૉંગ્રેસ સહિતના વિપક્ષોનું વલણ જોતાં એ લોકો મોદી સરકારને વન નેશન વન ઈલેક્શનના ખરડામાં સાથ આપે એવી શક્યતા ઓછી છે.
રામનાથ કોવિંદ સમિતિએ આ મુદ્દે ૬૨ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી હતી અને જે રાજકીય પક્ષો તરફેણમાં હતા તેમની સલાહ લીધી હતી. ભાજપ સહિતના ૩૨ પક્ષોએ એક દેશ, એક ચૂંટણીના વિચારને ટેકો આપ્યો હતો જ્યારે ૧૫ પાર્ટીઓ તેની વિરુદ્ધમાં હતી. ૧૫ પક્ષો એવા હતા જેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
મોદી સરકાર માટે તકલીફ એ છે કે, તેના જ કેટલાક સાથી પક્ષોનું વલણ સ્પષ્ટ નથી. કેન્દ્રની એનડીએ સરકારમાં ભાજપ ઉપરાંત ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી, નીતીશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાનની એલજેપી(આર) મુખ્ય પક્ષો છે. જેડીયુ અને એલજેપી (આર) વન નેશન, વન ઈલેક્શન માટે તૈયાર છે પણ ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ, સીપીએમ અને બસપા સહિત ૧૫ પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત ૧૫ પક્ષોએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
આ સંજોગોમાં ભાજપે સૌથી પહેલાં તો ખરડો રજૂ કરવા માટે પોતાના સાથી પક્ષ ટીડીપીને જ મનાવવો પડશે. ટીડીપી માની જાય તો પણ કામ નહીં ચાલે કેમ કે બે તૃતીયાંશ બહુમતી માટે વિપક્ષોનો સાથ પણ જોઈએ. આ માહોલમાં વન નેશન, વન ઈલેક્શનના હાલ પણ વકફ સુધારા એક્ટ જેવા થાય અને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને સોંપવો પડે એવી શક્યતા વધારે છે.