નિકમની નિમણૂક સામે વાંધો, ડાહી સાસરે જાય નહીં…
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલા ઉજ્જવલ નિકમની ફરી વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવતાં વિવાદ ઊભો થઈ ગયો છે. મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાનો કેસ લડીને ખ્યાતિ મેળવનારા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ચૂંટણી હાર્યાના દસ જ દિવસ બાદ ૧૭ કેસમાં વિશેષ સરકારી વકીલ નિમવામાં આવ્યા તેની સામે કૉંગ્રેસે વાંધો લીધો છે. ચૂંટણી લડતા પહેલા તેમણે મહારાષ્ટ્રના વિશેષ સરકારી વકીલ તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું ને ચૂંટણી હારતાં જ પાછા એ હોદ્દા પર બેસાડી દેવાયા છે.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ નાના પટોલેનું કહેવું છે કે, ઉજ્જવલ નિકમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે ભાજપના સભ્ય છે. કોઈ રાજકીય પક્ષની સભ્ય એવી વ્યક્તિની સરકારી વકીલ તરીકે નિમણૂક ના કરી શકાય તેથી નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે ફરી નિમણૂક કરીને ખોટો દાખલો બેસાડવામાં આવી રહ્યો છે. સરકાર આ બાબતે ફેર વિચારણા કરીને નિકમની નિમણૂક રદ કરે એવી માગણી પણ કૉંગ્રેસે કરી છે.
ઉજ્જવલ નિકમનું કહેવું કે, પોલીસ અને પીડિતોએ કરેલી વિનંતીને પગલે મને ૧૭ કેસ સોંપવામાં આવ્યા છે. હું આરોપીઓ અને ગુનેગારો સામે લડતો આવ્યો છું. કૉંગ્રેસ સહિતના વિપક્ષો મારી નિમણૂક સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે, વિપક્ષો ગુનેગારો સાથે ઊભા છે અને તેમના હિતોનું રક્ષણ કરી રહ્યા છે? નિકમે એવો દાવો પણ કર્યો કે, હું રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય અને સરકારી વકીલ હોય એવો હું એકલો વકીલ નથી. બીજા ઘણા જાણીતા વકીલ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવા છતાં સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલ તરીકે હાજર થાય છે.
ઉજ્જવલ નિકમે જે ખુલાસો કર્યો છે એ વ્યાજબી છે કેમ કે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી વ્યક્તિ સરકારી વકીલ ના બની શકે એવો કોઈ નિયમ નથી. પોલીસ અને પીડિતોએ કરેલી વિનંતીને પગલે મને ૧૭ કેસ સોંપવામાં આવ્યા છે એવી ઉજજવલ નિકમની દલીલ બકવાસ કહેવાય કેમ કે સરકારી વકીલની નિમણૂક કંઈ મ્યુઝિકલ શો નથી કે લોકો વન્સ મોર કહે એટલે સિંગર પાછો આવીને ગીત ગાવા માંડે. સરકારી વકીલની નિમણૂક ગંભીર પ્રક્રિયા છે ને એ માટેના નિયમો છે. આ નિયમો પ્રમાણે નિમણૂક કરવાની હોય ને તેમાં પોલીસ કે પીડિતો શું કહે છે એ જરાય મહત્ત્વનું નથી. આ સંજોગોમાં ઉજ્જવલ નિકમે પીડિતો કે પોલીસનો હવાલો આપ્યો એ ગેરવ્યાજબી છે પણ ઉજ્જવલ વકીલની નિમણૂક નિયમ પ્રમાણે છે ને કોઈ કાયદાનો ભંગ થયો નથી તેથી તેની સામે વાંધો ના લઈ શકાય.
નિકમની નિમણૂક સામે વાંધો કરીને કૉંગ્રેસ પાણીમાંથી પોરા કાઢી રહી છે અને સાથે સાથે બેવડાં ધોરણોનું પ્રદર્શન પણ કરી રહી છે. કૉંગ્રેસની સરકાર હતી ત્યારે ભૂતકાળમાં કેટલા કૉંગ્રેસી નેતાઓને સરકારી વકીલ બનાવ્યા તેનું લિસ્ટ બનાવવા બેસીશું તો ગણ્યા ગણાય નહીં એટલાં નામો થઈ જશે. કપિલ સિબ્બલથી માંડીને અભિષેક મનુ સિંઘવી સુધીના કૉંગ્રેસીઓ ભૂતકાળમાં સરકારી વકીલ તરીકે કોર્ટમાં હાજર થયા જ છે.
અત્યારે પણ જે રાજ્યોમાં કૉંગ્રેસની સરકારો છે એ રાજ્યોના સરકારી વકીલો તરીકે હાઈ કોર્ટે કે સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલ તરીકે અભિષેક મનુ સિંઘવી સહિતના કૉંગ્રેસીઓ હાજર રહે જ છે. અભિષેક મનુ સિંઘવી પણ રાજ્યસભાની ચૂંટણી હારી ચૂક્યા છે ને તેમના પર તો વરસોથી કૉંગ્રેસનો થપ્પો લાગેલો છે. આ સંજોગોમાં મહારાષ્ટ્ર સરકાર ખોટો દાખલો બેસાડી રહી છે એ વાત જ વાહિયાત છે. એકનાથ શિંદેની સરકાર તો કૉંગ્રેસે સ્થાપેલી પરંપરાને જ અનુસરી રહી છે ને કૉંગ્રેસ ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એ રીતે વર્તી રહી છે.
શિંદેની સરકારે નિકમને થાળે પાડવા પાછા સરકારી વકીલ બનાવવા પડ્યા છે એ વાસ્તવિકતા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા સીટ પરથી પૂનમ મહાજનની ટિકિટ કાપીને ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા હતા. આતંકવાદ વિરોધી કેસો લડવા માટે જાણીતા નિકમની રાષ્ટ્રવાદી વકીલ તરીકેની ઈમેજ હોવાના કારણે એ જીતી જશે એવો ભાજપને ભરોસો હતો પણ ભાજપની ભરોસાની ભેંસે પાડો જણ્યો. કૉંગ્રેસે આ બેઠક માટે મુંબઈ કૉંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડને ઉમેદવાર બનાવ્યાં હતાં ને વર્ષા ગાયકવાડે નિકમને ૧૬ હજાર મતે હરાવીને નિકમની રાજકીય કારકિર્દી શુરુ હોને સે પહલે હી ખતમ કરી નાખતાં નિકમ પાછા નવરા થઈ ગયા તેથી તેમને કામ અપાવવા માટે સરકારી વકીલ બનાવી દેવાયા છે.
નિકમની નિમણૂકમાં લાગવગશાહી તો ચાલી જ છે તેથી નૈતિકતાની રીતે આ નિમણૂક યોગ્ય નથી પણ અત્યારે નૈતિકતાને પૂછે છે કોણ ? સરકારી વકીલોની નિમણૂકો આ રીતે જ થાય છે ને દરેક પક્ષના નેતાલોગ સરકારી વકીલ બને જ છે તેથી એકલા નિકમ પાસેથી નૈતિકતાની અપેક્ષા ના રાખી શકાય.
બીજુ એ કે, રાજકારણી તરીકે નિકમ ભલે ના ચાલ્યા પણ વકીલ તરીકે તો એ સક્ષમ છે જ ને અત્યારે સુધી સરકારી વકીલ તરીકે તેમણે પોતાની કાબેલિયત પુરવાર પણ કરી છે. ચૂંટણી લડતા પહેલા તેમણે મહારાષ્ટ્રના વિશેષ સરકારી વકીલ તરીકે ઘણા ગુનેગારોને સજા અપાવી હતી ને સફળ સરકારી વકીલ સાબિત થયા હતા.
રસપ્રદ વાત એ છે કે, નિકમને સૌથી પહેલાં સરકારી વકીલ કૉંગ્રેસની સરકારે બનાવ્યા હતા. નિકમ ૧૯૯૩માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સરકારી વકીલ બન્યા ત્યારે મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસની સરકાર હતી. મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા હુમલાના કેસમાં આતંકી અજમલ કસાબને ફાંસીની સજા થઈ તેના કારણે નિકમ દેશભરમાં જાણીતા બન્યા પણ એ સિવાય પણ બીજા ઘણા કેસોમાં તેમણે ગુનેગારોને સજા અપાવડાવી છે.
ઉજ્જવલ નિકમે તેમની ૩૦ વર્ષની કારકિર્દીમાં ૬૨૮ કેદીઓને આજીવન કેદની સજા અપાવી છે અને ૩૭ ગુનેગારોને ફાંસીની સજા અપાવી છે. આવો ટ્રેક રેકોર્ડ ધરાવતા નેતાને માત્ર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાના કારણે સરકારી વકીલ ના બનાવાય એ યોગ્ય નથી. કૉંગ્રેસે આ વાત સમજવી જોઈએ ને રાજકીય દૃષ્ટિકોણથી પર થઈને વિચારવાની ટેવ પાડવી જોઈએ. બધી બાબતોમાં રાજકારણ ઘુસાડવાના બદલે ક્યારેક સમાજનું વ્યાપક હિત પણ વિચારવું જોઈએ.