એકસ્ટ્રા અફેર

ઉત્તરાખંડ જ નહીં, આખા દેશમાં સમાન સિવિલ કોડ જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઉત્તરાખંડ વિધાનસભામાં અંતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ખરડો રજૂ કરી દેવામાં આવ્યો. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ વિધાનસભામાં રજૂ કરેલા ખરડામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના બદલે કોમન સિવિલ કોડ (CCC) શબ્દો વાપરવામાં આવ્યા છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરડાનું નામ ભલે ગમે તે હોય પણ તેની જોગવાઈઓ શું છે એ મહત્ત્વનું છે. આ ખરડામાં તમામ ધર્મનાં લોકો માટે વિવાહ, તલાક, ગુજારા-ભથ્થું, વારસાઈ અને દત્તક લેવાને લગતી બાબતોમાં એકસરખા નિયમો લાગુ પડશે એવી જોગવાઈ કરાઈ છે. સાથે સાથે બીજા પણ કેટલાક ફેરફાર કરાયા છે.

ઉત્તરાખંડમાં સમાન સિવિલ કોડ રજૂ કરાયો એ વાત મોટી કહેવાય કેમ કે ભારતમાં ઉત્તરાખંડ સમાન સિવિલ કોડનો કાયદો બનાવવાની દિશામાં આગળ વધી રહેલું પહેલું રાજ્ય છે. ગોવામાં અત્યારે સમાન સિવિલ કોડ છે પણ એ પહેલાંના પોર્ટુગીઝ શાસનની દેન છે. આઝાદ ભારતમાં સમાન સિવિલ કોડને લગતો કાયદો ઉત્તરાખંડમાં પહેલી વાર બની રહ્યો છે. આ કાયદો બંધારણીય જોગવાઈઓની કસોટી પર સુપ્રીમ કોર્ટમાં ખરો ઉતરીને ટકશે કે નહીં એ ખબર નથી પણ અત્યારે તો ઈતિહાસ રચાઈ ગયો છે.

ભાજપનો સમાન સિવિલ કોડ સંપૂર્ણપણે સમાન સિવિલ કોડ નથી કેમ કે તેના દાયરામાંથી આદિવાસીઓને બહાર રખાયા છે. કે ઉત્તરાખંડમાં રહેતી કોઈપણ જનજાતિને સમાન સિનિલ કોડ લાગુ નહીં પડે. ઉત્તરાખંડમાં થારૂ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી સમુદાય એમ પાંચ અનુસૂચિત જનજાતિ છે. આ કોઈ આદિવાસી સમુદાયને આ કાયદો લાગુ નહીં પડે.

જો કે સૌથી રસપ્રદ વાત એ છે કે, કૉંગ્રેસે આ ખરડાનો વિરોધ નહીં કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ વિધાનસભાના વિપક્ષના નેતા યશપાલ આર્યે જાહેરાત કરી છે કે કૉંગ્રેસ વિધાનસભામાં રજૂ કરાયેલા સમાન નાગરિક સંહિતા બિલની વિરુદ્ધ નથી. આર્યે પાણીમાંથી પોરા કાઢતા હોય તેમ બીજા વાંધા કાઢ્યા છે પણ સમાન સિવિલ કોડનો વિરોધ કર્યો નથી. સમાન સિવિલ કોડ વરસોથી ભાજપના એજન્ડામાં છે જ્યારે કૉંગ્રેસ પહેલેથી તેની વિરુદ્ધ રહી છે. હવે અચાનક કૉંગ્રેસે તેનો વિરોધ નહીં કરવાનું એલાન કર્યું એ આશ્ર્ચર્યજનક કહેવાય પણ રાજકારણ નેતાઓ પાસે ધાર્યું ના હોય એવું બધું કરાવતું હોય છે. સમાન સિવિલ કોડના કિસ્સામાં પણ એ જ નિયમ લાગુ પડે છે. સમાન સિવિલ કોડનો મુસ્લિમો પણ વિરોધ કરે છે તેથી હિંદુઓ સમાન સિવિલ કોડની તરફેણમાં છે. કૉંગ્રેસ સમાન સિવિલ કોડનો વિરોધ કરે તો તેની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત બને ને લોકસભાની ચૂંટણીમાં તેનું તપેલું ચડી જાય તેથી કૉંગ્રેસે સમાન સિવિલ કોડનો વિરોધ પડતો મૂકવો પડ્યો છે.

જો કે અસદુદ્દીન ઓવૈસીને એવી કોઈ મજબૂરી નડતી નથી તેથી તેમણે ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા સમાન સિવિલ કોડને લગતા ખરડાને મુસ્લિમો વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું છે. ઓવૈસીનું કહેવું છે કે સમાન સિવિલ કોડ દ્વારા મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ઓવૈસીએ આદિવાસીઓને સમાન સિવિલ કોડના દાયરામાંથી બહાર રાખવા સામે પણ વાંધો લઈને મુદ્દો ઉઠાવ્યો છે કે, અનુસૂચિત જનજાતિઓ એટલે કે આદિવાસીઓને આ ખરડાના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે તો પછી તેને યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે કહી શકાય?
ઓવૈસીની વાત સાચી છે પણ ઓવૈસીની જેમ ભાજપની પણ પોતાની રાજકીય મજબૂરીઓ છે. ભાજપ ઉત્તરાખંડમાં આદિવાસીઓને સમાન સિવિલ કોડના કાયદાથી પર ના રાખે તો આદિવાસીઓ ભડકે, સામે લોકસભાની ચૂંટણી છે ત્યારે ભાજપને એ પરવડે તેમ નથી તેથી ભાજપે સમાન સિવિલ કોડ આદિવાસીઓને લાગુ ના પાડ્યો. સાથે સાથે સંકેત પણ આપી દીધો કે, દેશમાં કોઈ પણ ભાજપ શાસિત રાજ્યમાં સમાન સિવિલ કોડ લાગુ કરાશે ત્યારે આદિવાસીઓને તેનાથી બહાર જ રખાશે.

ભાજપે આદિવાસીઓને સમાન સિવિલ કોડના કાયદાથી બહાર રાખીને કશું ખોટું કર્યું નથી. કૉંગ્રેસે દેશના બંધારણે આપેલા સમાનતાના અધિકારનો સંપૂર્ણ ભંગ કરીને મુસ્લિમો સહિતના સમુદાયો માટે પર્સનલ લો બનાવ્યા હતા. કૉંગ્રેસ મુસ્લિમોના મત માટે એ ખેલ કર્યો ને ઓવૈસી અત્યારે પણ એ જ કરી રહ્યા છે ત્યારે ભાજપ પોતાની મતબેંકને ધ્યાનમાં રાખીને વર્તે તેમાં કશું ખોટું નથી. દેશની વસતીમાં આદિવાસીઓનું પ્રમાણ સાત-આઠ ટકાથી વધારે નથી એ જોતાં પણ ભાજપનો નિર્ણય બરાબર છે. દેશની બાકીની નેવું ટકાથી વધારે વસતી માટે સમાન કાયદા લાગુ પાડીને ભાજપ બંધારણે આપેલા સમાનતાના અધિકારનું પાલન કરી રહ્યો છે. ભાજપનો પોતાનો રાજકીય સ્વાર્થ છે પણ રાજકીય સ્વાર્થને ખાતર પણ બંધારણનું પાલન કરાતું હોય તો કશું ખોટું નથી.

ઉત્તરાખંડના સમાન સિવિલ કોડની કેટલીક જોગવાઈઓ વખાણવા લાયક છે. જેમ કે દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે અને દરેકને દત્તક લેવાનો અધિકાર મળશે. બાળક અનાથ હોય તો દત્તક લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે. પત્નીનું મૃત્યુ થાય અને તેના માતા-પિતાનો કોઈ આધાર ન હોય તો તેમના ભરણપોષણની જવાબદારી તેના પતિની રહેશે એ જોગવાઈ પણ સારી છે. માતા-પિતાની સંપત્તિ ઉપર દીકરીઓનો સમાન અધિકાર હશે. અત્યારે હિંદુઓમાં એ કાયદો છે પણ બીજા ધર્મનાં લોકોમાં નથી.

નવા કાયદામાં લિવ ઇન રિલેશનશિપ માટે રજિસ્ટ્રેશન ફરજીયાત કરાવાયું છે અને રજિસ્ટ્રેશનની સમાપ્તિ પણ નોંધવામાં આવશે. સમયગાળા દરમિયાન બાળકનો જન્મ થાય છે, તો તેના હિતોનું રક્ષણ કરવું પડશે અને તેને માતા-પિતાના નામ પણ આપવા પડશે.

આ ઉપરાંત સૌથી મહત્ત્વની બે જોગવાઈ એ છે કે, છોકરીઓની લગ્નની ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવામાં આવશે જેથી તેઓ લગ્ન પહેલા ગ્રેજ્યુએટ થઈ શકે. સાથે સાથે બહુપત્નિત્ત્વ પર પણ પ્રતિબંધ આવશે. આ બંને કાયદા મહિલાઓની સામાજિક સુરક્ષા માટે મહત્ત્વના છે. આ સિવાય તમામ ધર્મ અને જ્ઞાતિઓમાં લગ્નની ઉંમર ૧૮ વર્ષ હશે, લગ્ન નોંધણી ફરજિયાત કરાશે, કોર્ટ સિવાય તમામ પ્રકારના છૂટાછેડા પર પ્રતિબંધ રહેશે, પુર્નલગ્ન માટે કોઈપણ પ્રકારની શરત (હલાલા, ઈદ્દત વગેરે) પર પ્રતિબંધ રહેશે વગેરે નિયમો પણ સારા છે.

ઉત્તરાખંડમાં પહેલ કરાઈ છે પણ વાસ્તવમાં સમાન સિવિલ કોડ આખા દેશમાં જરૂરી છે કેમ કે પર્સનલ લોના નામે મહિલાઓનું શોષણ થયું છે, અત્યાચાર થયા છે. આ શોષણ, આ અત્યાચાર હવે બંધ થવા જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button