નવી પેન્શન સ્કીમ, વાર્યા ના વળે એ હાર્યા વળે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કિસ્સામાં આ કહેવત બિલકુલ સાચી પડી છે. લોકસભાની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે તૂટીને ત્રણ થઈ ગયેલા પણ ભાજપના નેતા એટલા તોરમાં હતા કે તેમની વાત સાંભળવા જ તૈયાર નહોતા. લોકસભાની ચૂંટણીમાં ભાજપ હાર્યો ને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં તો મોદી સરકાર સરકારી કર્મચારીએનાં પગોમાં આળોટી ગઈ છે.
મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)ને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારે પડ્યા તોય ટંગડી ઊંચી રાખવા માટે ભલે યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) નામ અપાયું હોય પણ આ યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) જૂની પેન્શન યોજનાનું જ સુધારેલું સ્વરૂપ છે. મતલબ કે, નવી બોટલમાં જૂનો દારૂ છે.
આ યોજના ૧ એપ્રિલ, ૨૦૨૫ થી અમલમાં આવશે અને કેન્દ્રના રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આપેલી માહિતી પ્રમાણે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમથી ૨૩ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યોજના લાગુ થશે એટલે રાજ્ય સરકારોએ પણ જખ મારીને આ યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)નો અમલ કરવો જ પડશે તેથી તમામ સરકારી કર્મચારીઓને આ યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)નો લાભ મળશે.
આ યોજના હેઠળ કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા ૨૫ વર્ષ સુધી કામ કર્યું હોય તો નિવૃત્તિ પહેલા નોકરીના છેલ્લા ૧૨ મહિનાના મૂળ પગારના ૫૦ ટકા પેન્શન તરીકે આપવામાં આવશે. જૂની પેન્શન યોજનામાં છેલ્લા પગારનો અડધો પગાર પેન્શન તરીકે મળતો ને નવી યોજનામાં એ જ જોગવાઈ છે. જે સરકારી કર્મચારીઓને ૧૦ વર્ષની સેવા પૂરી કરી હોય તેમને પણ ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.
નવી યોજના પ્રમાણે, કોઈ પેન્શનર મૃત્યુ પામે તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ સમયે મળતા પેન્શનના ૬૦ ટકા મળશે. જૂની અને નવી પેન્શન યોજનાના સ્થાને યુનિફાઇડ પેન્શન સ્કીમ લાવવામાં આવી છે પણ નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઈટી ઉપરાંત એકસાથે ચૂકવણીનો લાભ પણ લઈ શકાશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ (ગઙજ)માં રહેવું કે યુનિફાઈડ પેન્શન સ્કીમ (ઞઙજ)માં જોડાવું એ નક્કી કરવાની છૂટ અપાઈ છે. યોજના શરૂ થવા આડે હજુ સાતેક મહિના બાકી છે એ જોતાં કર્મચારીઓ પાસે કઈ યોજનામાં જોડાવું એ નક્કી કરવા માટે પૂરતો સમય છે. ૨૦૦૪ પછી શરૂ કરાયેલી એનપીએસ યોજના હેઠળ નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ લેવાનો વિકલ્પ અપાશે.
મોદી સરકારે લોકસભાની ચૂંટણીમાં મળેલી પીઠેહઠના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે એ સ્પષ્ટ છે પણ ભાજપના નેતા હજુ સફાઈમાંથી હાથ બહાર કાઢતા નથી. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જાણે આ સરકાર લોકોની વાતો સાંભળીને બધું કરતી હોય એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરીને હોંશિયારી મારી છે કે, સરકારી કર્મચારીઓએ રાષ્ટ્રીય પેન્શન યોજનામાં કેટલાક ફેરફારોની માગ કરી હતી તેથી વડા પ્રધાન મોદીએ કેબિનેટ સચિવ ટીવી સોમનાથનના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ વિવિધ સંસ્થાઓ અને લગભગ તમામ રાજ્યો સાથે ૧૦૦ થી વધુ બેઠકો યોજી હતી. તેના આધારે નવી પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
વૈષ્ણવે સફાઈ ઠોકી છે કે, વડા પ્રધાન મોદી અને વિપક્ષની કામ કરવાની રીતમાં ઘણો ફરક છે. વિપક્ષો જૂની પેન્શન યોજનાના નામે રાજકારણ રમે છે જ્યારે તેનાથી વિપરીત પીએમ મોદી ચર્ચામાં વધુ માને છે. આ કારણે જ ભારતીય રિઝર્વ બેંક અને વિશ્ર્વ બેંક સહિત દરેક સાથે ચર્ચા કર્યા બાદ સમિતિએ યુનિફાઇડ પેન્શન સ્કીમની ભલામણ કરી છે અને કેન્દ્રીય કેબિનેટે આ યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે.
મોદી સાહેબ કેવી ચર્ચામાં માને છે એ આખી દુનિયાએ જોયું છે. મોદી સરકારે પોતાના મળતિયા બિઝનેસમેનોને ફાયદો કરાવવા માટે બનાવેલા ત્રણ કૃષિ કાયદા સામે જગતના તાત કહેવાતા ખેડૂતોએ આંદોલન છેડ્યું ત્યારે સવા વરસ લગી ખેડૂતો ટાઢ, તડકો, વરસાદ વગેરે સહન કરીને ખુલ્લામાં પડ્યા રહ્યા હતા પણ મોદી સાહેબ પાસે ચર્ચાની વાત તો છોડો પણ એ ખેડૂતો વિશે બે શબ્દ બોલવાનો સમય નહોતો.
લોકોને બતાવવા માટે મોદી સાહેબ બે-ચાર મહિને પોતાન ટટ્ટુ જેવા મંત્રીઓને ખેડૂતોને મળવા મોકલી દેતા પણ મોદી સાહેબે કદી ખેડૂતોને બોલાવીને ચર્ચા કરી નહોતી. આ દેશમાં કરોડો ખેડૂતોનાં હિતોનો સવાલ હતો ને મોદી સાહેબ પાસે ચર્ચાનો સમય નહોતો ને અત્યારે વૈષ્ણવ મોદી સાહેબ ચર્ચામાં માને છે એવી ગોળી ગળાવવા બેઠા છે એ વાત કોણ માને?
વૈષ્ણવ વિપક્ષો જૂની પેન્શન યોજના પર રાજકારણ રમી રહ્યા હોવાનું ડહાપણ ડહોળી રહ્યા છે પણ સાહેબ એક વાત નથી કહેતા કે, પેન્શન યોજનાને રાજકારણનો મુદ્દો ભાજપ સરકારે જ બનાવ્યો છે.
ભાજપની સરકારે હુંકાર કરીને કહેલું કે, સરકારી કર્મચારીઓ ગમે તે કહે પણ જૂની પેન્શન યોજનાનો અમલ કદી નહીં થાય.
કૉંગ્રેસ શાસિત રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી ત્યારે ભાજપવાળા ડહાપણ ડહોળતા હતા કે, જૂની પેન્શન યોજના લાગુ કરીને કૉંગ્રેસની સરકારો તિજોરી ખાલી કરી રહી છે. નવી પેન્શન યોજના જ દેશના ફાયદામાં છે. ભાજપવાળા એ વખતે લોકોને જૂની પેન્શન યોજના કેમ દેશ માટે ફાયદાકારક નથી તેનું જ્ઞાન પિરસતા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવાથી દેશની તિજોરી પર કેટલો બોજ પડશે તેનો હિસાબ ગણાવતા હતા ને હવે જૂની પેન્શન યોજના લાગુ કરીને વિપક્ષો રાજકારણ રમતા હોવાનો આક્ષેપ કરે છે. બેશરમી અને નફફટાઈ તો કોઈએ ભાજપના નેતાઓ પાસેથી શીખવી જોઈએ.
ભાજપે આ બધું કરવું પડે છે કેમ કે, દસ વર્ષ લગી ભાજપે પ્રજાની વાત સાંભળી જ નહીં. મોદી સાહેબને ઠીક લાગ્યું એ નીતિ ને તેમના ચમચાઓને ગમ્યા એ કાયદા એ રીતે રાજ ચલાવ્યું. દસ વરસ લગી આ રીતે કરેલી મનમાનીની હિસાબ લોકોએ લોકસભાની ચૂંટણીમાં કરી નાંખ્યો એટલે ભાજપના નેતાઓની ફેં ફાટી ગઈ છે. ને ફેં લગી ફટને તો ખૈરાત લગી બટને થઈ રહ્યું છે. શરૂઆત સરકારી કર્મચારીઓને ખેરાતથી થઈ છે ને સબ કા નંબર આયેગા, ધીરે ધીરે.