એકસ્ટ્રા અફેર

નેતાજીની હત્યા નહેરુએ કરાવેલી એ વાત કોણ માને?


એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં કેટલાક લોકો સાવ મોં-માથા વિનાની વાતો કરીને વણજોઈતા વિવાદો ઊભા કરવામાં માહિર છે. કોઈ પણ પ્રકારના આધારે કે પુરાવા વિના જીભે ચડે એ લવારો કરીને મીડિયામાં પબ્લિસિટી મેળવવાની તેમને આદત હોય છે. ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી આ જમાતના નેતા છે કે જે છાસવારે કંઈક ને કંઈક મોં-માથા વિનાની વાત કર્યા જ કરે છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી ભારતના નાગરિક નથી ત્યાંથી માંડીને જયલલિતાની અંગત જીંદગી વિશે બકવાસ કરી ચૂકેલા સુબ્રમણ્યમ સ્વામીએ હવે સુભાષચંદ્ર બોઝના મૃત્યુ મુદ્દે આવી જ વાત કરી છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝની 23 જાન્યુઆરીએ જન્મજ્યંતિ હતી એટલે સુરતના બારડોલીમાં ‘રન ટુ રિમેમ્બરન્સ સુભાષ સંગ્રામ’ ટાઈટલ હેઠળ દોડ સહિતના કાર્યક્રમમાં સુબ્રમણ્યમ સ્વામી મુખ્ય મહેમાન તરીકે પધારેલા. આ કાર્યક્રમમાં ડો. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનું તાઈવાનમાં મૃત્યુ થયું જ નહોતું પણ તેમની બહુ પાછળથી હત્યા કરાઈ હતી. સ્વામીના દાવા પ્રમાણે, સુભાષબાબુની હત્યામાં જવાહરલાલ નહેરુનો હાથ હતો. તાઈવાનમાં કોઈ વિમાન દુર્ઘટના થઈ નથી એ વાતને અમેરિકાએ પણ સમર્થન આપ્યું હતું. તેના પરથી સ્પષ્ટ છે કે, તાઈવાનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું નહોતું પણ નહેરુ સરકારે આ વિગતો દબાવી રાખી હતી.

સ્વામીના દાવા પ્રમાણે તો જવાહરલાલ નહેરુના પ્રાઈવેટ સેક્રેટરીએ નિવેદન આપ્યું હતું કે, 1945માં નહેરુએ તેમને બ્રિટિશ વડાપ્રધાનને પત્ર લખવા બોલાવ્યા હતા. આ પત્રમાં સુભાષચંદ્ર બોઝ જીવિત હોવાની અને તેમના કબજામાં હોવાની વાત નહેરુએ લખાવી હતી.

સ્વામીએ જવાહરલાલ નહેરુને તો લપેટ્યા જ છે પણ હાલની નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. સ્વામીના કહેવા પ્રમાણે, રશિયા પાસેથી નેતાજીના કહેવાતા મૃત્યુ અંગેના દસ્તાવેજો મગાવવાની જરૂર છે અને સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે સત્ય બહાર લાવવાની જરૂર છે. ડો. સ્વામીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને રશિયા સહિતના દેશો પાસેથી નેતાજીના મૃત્યુ અંગે મળેલા તમામ દસ્તાવેજો જાહેર કરવાની માગ કરી છે અને આ મુદ્દે કોઈપણ સાથે ડિબેટ કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.

સ્વામી સાવ નવરા છે તેથી ગમે તેની સાથે ડીબેટ કરવા તૈયાર થઈ જાય તેમાં નવાઈ નથી પણ તેમની સાથે ડીબેટ કરવાનો મતલબ નથી કેમ કે આ ડીબેટ પાણી વલોવીને માખણ કાઢવાની ક્વાયતથી વધારે કંઈ નથી. સ્વામી ડીબેટમાં આ બધી જ વાતો કરવાના છે ને સરકારે દસ્તાવેજો જાહેર કરવા જોઈએ એ ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડવાના છે પણ ક્યા દસ્તાવેજોમાં સુભાષબાબુ ગુજરી ગયા નહોતા એવું લખેલું છે તેની તેમને ખબર નથી. ખબર હોય તો તેની ફોડ પાડીને વાત કરતા નથી. એ પોતે જે વાત કરે છે એ સાવ અધ્ધરતાલ છે ને ક્યા પુરાવાના આધારે એ આ બધો બકવાસ કરે છે એની પણ કોઈને ખબર નથી.

સ્વામી સાચા હોય તો તેમણે બીજો બધો બકવાસ કરવાના બદલે લોકો સામે પુરાવા મૂકવા જોઈએ. માનો કે પુરાવા નથી તો અમેરિકાએ તાઈવાનમાં કોઈ વિમાની દુર્ઘટના થઈ જ નહોતી એવું કોણે કહ્યું તેનું નામ જાહેર કરવું જોઈએ કે આ માહિતીનો સ્રોત જાહેર કરવો જોઈએ. સ્વામી પાસે ના કોઈ પુરાવા છે, ના કોઈ સ્રોત છે તેના પરથી લાગે છે કે તેમને તુક્કો સૂઝ્યો એ તેમણે વહેતો કરી દીધો.

સ્વામીની વરસોથી નહે-ગાંધી ખાનદાન પર પિન ચોંટેલી છે તેથી નહેરુ-ગાંધી ખાનદાન વિશે એ ગમે તેવા દાવા કર્યા કરે છે, નિવેદનો આપ્યા કરે છે ને કેસો પણ કર્યા કરે છે પણ અત્યાર સુધીનો રેકોર્ડ એ વાતનો પુરાવો છે કે, સ્વામી પાસે નક્કર કંઈ પણ ઓછું છે ને હોહા કરાવાવ માટે થૂંક વધારે ઉડાડે છે. નહેરુએ નેતાજીની હત્યા કરાવેલી એવો દાવો નહેરુ-ખાનદાન તરફના તેમના દ્વેષથી પ્રેરિત હોઈ શકે છે.

સ્વામી આવી વાતો કરે છે કેમ કે તેમને ખબર છે કે સુભાષબાબુનાં મોતની વાતમાં લોકોને રસ પડે છે. સુભાષબાબુનાં મોત અંગેનું સસ્પેન્સ કદી બહાર આવ્યું નહીં ને આજે પણ એક રહસ્ય છે. સુભાષબાબુનાં મોત વિશે જાતજાતની વાતો થતી રહી છે. સૌથી પ્રચલિત માન્યતા એવી છે કે સુભાષબાબુ 1945માં જાપાન બીજા વિશ્વ યુધ્ધમાં હારી ગયું પછી એ સિંગાપોરથી તાઈવાન જતા હતા ને રસ્તામાં તેમનું પ્લેન તૂટી પડ્યું તેમાં તેમનું અવસાન થયું.

આ માન્યતા જાપાન સરકારના સત્તાવાર નિવેદનના આધારે બંધાઈ છે. આ નિવેદન પ્રમાણે સુભાષબાબુ 18 ઓગસ્ટ 1945ના રોજ તાઈવાન જવા નિકળ્યા પછી તેમનું પ્લેન તૂટી પડેલું. નેતાજી ખરાબ રીતે દાઝી ગયેલા ને તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયેલા. અહીં થોડાક કલાક પછી નેતાજી મોતને ભેટ્યા ને ત્યાં જ તેમના અગ્નિસંસ્કાર કરાયેલા. તેમનાં અસ્થિને એ પછી ટોકયો મોકલાયાં ને પછી રેન્કોજી મંદિર મોકલાયેલાં. નેતાજીનો પરિવાર આ વાત માનવા તૈયાર નહોતો તેથી તેમણે અસ્થિ ના સ્વીકાર્યાં ને આજેય એ અસ્થિ ત્યાં જ છે.

નેતાજીના પરિવાર તથા તેમના મિત્રોને આ આખી વાત વાર્તા જ લાગેલી ને તેમણે કેટલાક વિચારવા જેવા વાંધા ઉઠાવેલા. આ પૈકી સૌથી મોટો મુદ્દો એ હતો કે નેતાજીની સાથે પ્લેનમાં તેમના કોઈ નજીકના સાથીને ચડવા નહોતા દેવાયા. જે લોકો ચોવીસે કલાક નેતાજી સાથે રહેતા એ લોકોને પણ રવાના કરી દેવાયા હતા. એ જ રીતે નેતાજીના શરીરનાં અંતિમ દર્શન માટે પણ તેમની નજીકની કોઈ વ્યક્તિને નજીક નહોતી જવા દેવાઈ.

આ પ્લેન તૂટી પડ્યું તેના કે નેતાજી ઘાયલ થયા તેના કોઈ ફોટા જ ઉપલબ્ધ નથી. નેતાજીના મૃતદેહના પણ ફોટા ઉપલબ્ધ નથી ને તેમનું કોઈ ડેથ સર્ટિફિકેટ પણ ઈશ્યુ કરાયું નથી. નેતાજીએ જાપાનને બ્રિટિશ સેના સામે લડવામાં તન,મન, ધનથી મદદ કરેલી તે જોતાં એ બ્રિટિશ લશ્કરના હાથે ના ઝડપાય એટલા માટે જાપાન સરકારે નેતાજીનું પ્લેન તૂટી પડ્યું ને તેમનું મોત થયું તેવી વાર્તા બનાવીને જાપાન સરકારે તેમને સલામત જગાએ મોકલી આપ્યા હોય એવું બની શકે.

નેતાજી રશિયામાં કેદ રહેલા ને આઝાદી પછી ભારત આવીને બનારસમાં ગુમનામી બાબાના નામે સાધુના વેશમાં રહેલા. નહેરુની અંતિમયાત્રામાં એ હાજર રહેલા એવી વાતો પણ ચાલેલી. નેતાજી વિશે બીજી પણ બહુ વાતો ચાલી પણ ના કદી નેતાજી સામે આવ્યા કે ના કદી એ જીવે છે એ અંગેના પુરાવા બહાર આવ્યા. આ કારણે નેતાજીના મોતનું રહસ્ય કદી ના ઉકેલાયું. આ રહસ્ય કદી ઉકેલાશે કે નહીં એ ખબર નથી ને સ્વામી જેવા નેતા તેનો જ ફાયદો ઉઠાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button