NEET ફરી નહીં લેવાય, ભ્રષ્ટાચાર સામે આ કેવું ઝીરો ટોલરન્સ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
દેશભરની મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ફરીથી લેવાશે કે નહીં એ સવાલનો જવાબ અંતે મળી ગયો કેમ કે સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે અને આ નિર્ણય જાહેર કરવા માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી.
જો કે તેનો અર્થ નથી કેમ કે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ૨૪ જુલાઈથી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય જાહેર કરશે એ ટેક્નિકાલિટી હશે ને તેના કારણે નીટની પરીક્ષા ફરી લેવાવાની નથી તેથી આ પ્રકરણ પર પડદો પડી ગયો છે.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચે ચુકાદો આપ્યો છે કે, પેપર લીકના નક્કર પુરાવા વિના અમે ફરી પરીક્ષા અંગે નિર્ણય ન આપી શકીએ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આંચકાજનક છે કેમ કે નીટ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં ૭ રાજ્યોમાં ૫૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ છતાં સુપ્રીમ કોર્ટ એવું કહી રહી છે કે, પુરાવા વિના અમે ફરી પરીક્ષાનો આદેશ ના આપી શકીએ.
સીબીઆઈના રિપોર્ટ મુજબ પેપર લીક સવારે ૮:૦૨ થી ૯:૨૩ વચ્ચે થયું હતું જ્યારે બપોરે ૧૦ થી ૧૨ દરમિયાન વિદ્યાર્થીઓએ પેપર વાંચીને જવાબો યાદ કર્યા હતા. સીબીઆઈ તપાસમાં બળી ગયેલાં પ્રશ્ર્નપત્રો મળી આવ્યા હતા. પેપર લીક થયું એ ઓએસિસ સ્કૂલના સીસીટીવી ફૂટેજ પણ છે કે જેમાં સવારે ૮:૦૨ વાગ્યે એક માણસ ટ્રક લઈને આવે છે અને આ પેપર સોલ્વર્સને આપે છે. ૮ સોલ્વર પૈકીના દરેક સોલ્વરને ૨૫ પ્રશ્ર્નો આપવામાં આવ્યા હતા. હવે પેપર લીકના વધારે નક્કર પુરાવા બીજા શું જોઈએ ?
સવાલ એ છે કે, પેપર લીકના નક્કર પુરાવા નથી તો આટલાં બધાં લોકોને સીબીઆઈ પકડી પકડીને જેલમાં કેમ ધકેલી રહી છે? સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે, અત્યારે અમે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને અલગ કરી શકીએ છીએ. તપાસ દરમિયાન ગુનેગારોની ઓળખ થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ વિદ્યાર્થી આ છેતરપિંડીમાં સંડોવાયેલો જણાશે તો તેને પ્રવેશ મળશે નહીં. મતલબ કે, ગુનો બન્યો છે અને પરીક્ષામાં ગરબડ થઈ છે એ સુપ્રીમ કોર્ટ સ્વીકારે છે પણ છતાં તેને પેપર લીક થઈ ગયું હોવાના પુરાવા દેખાતા નથી.
બીજું એ કે, સુપ્રીમ કોર્ટ ગરબડ કરનારા વિદ્યાર્થીઓને કઈ રીતે શોધશે? સીબીઆઈ જે કહેશે એ જ તેણે માનવાનું છે અને સીબીઆઈ સરકારનો પાળેલો પોપટ છે. એ જોતાં જેમણે ખરેખર ભ્રષ્ટાચાર કર્યો હશે તેમનાં નામ પણ સરકાર ના પાડશે તો સીબીઆઈ નહીં આપે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ પાસે પુરાવા મેળવવાનો બીજો કોઈ રસ્તો છે ખરો? બિલકુલ નથી.
સુપ્રીમ કોર્ટે આ દેશના લાખો તેજસ્વી વિદ્યાર્થીઓને નિરાશ કરી દીધા છે તેમાં કોઈ શંકા નથી. એ લોકો ન્યાયની આશામાં સુપ્રીમ કોર્ટમાં ગયેલા પણ સુપ્રીમ કોર્ટે પણ સરકાર જેવું વલણ લઈ લીધું. આઘાત તો એ જોઈને લાગે કે, શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે જ કહેલું કે, પરીક્ષાની પવિત્રતા ભંગ થયાનું લાગશે તો અમને ફરી પરીક્ષા યોજવાનો આદેશ આપતાં જરાય વિચાર નહીં કરીએ.
નીટ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં ૭ રાજ્યોમાં ૫૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ પેપર લીકના મુખ્ય આરોપી શશિકાંત પાસવાનની ૨૦ જુલાઈએ પટનાથી ધરપકડ કરી એ પહેલાં બીજા ઘણા આરોપી જેલભેગા થઈ ચૂક્યા છે. પાસવાન જમશેદપુરની એનઆઈટીનો બી.ટેક. થયેલો છે. રાજસ્થાનના ભરતપુર મેડિકલ કૉંલેજમાં એમબીબીએસના બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. બીજા વર્ષનો વિદ્યાર્થી કુમાર મંગલમ બિશ્ર્નોઈ અને પ્રથમ વર્ષનો વિદ્યાર્થી દીપેન્દ્ર શર્મા ૫ મેના રોજ પરીક્ષા વખતે હજારીબાગમાં હાજર હતા અને પેપર સોલ્વર તરીકે કામ કરતા હતા.
આ તો ત્રણ વિદ્યાર્થીનાં ઉદાહરણ આપ્યાં પણ આવા બીજા પણ સંખ્યાબંધ લોકો હશે કે જે હજુ પકડાયા નહીં. તપાસ આગળ વધતી જશે તેમ તેમ પકડાતા જશે ને એ કેટલાં લોકો હશે એ ખબર નથી. હવે જે પરીક્ષાને લગતા કૌભાંડમાં ૫૩ લોકોની ધરપકડ કરાઈ હોય અને હજુ બીજા જેલભેગા થાય એવી શક્યતા હોય એ પરીક્ષા શંકાથી પર હોઈ શકે ખરી? કમનસીબે આ દેશની સુપ્રીમ કોર્ટને લાગે છે કે, આ પરીક્ષામાં થયેલા ભ્રષ્ટાચારને કારણે બહુ વધારે વિદ્યાર્થીઓને નુકસાન નથી થયું. સુપ્રીમ કોર્ટ આ દેશમાં ન્યાયતંત્રમાં સર્વોચ્ચ છે ને ધણીનો ધણી ના હોય એ હિસાબે સુપ્રીમ કોર્ટે કહી દીધું પછી કોઈ ગમે તે કહે, કંઈ ચાલવાનું નથી.
મોદી સરકાર તો પહેલાં જ કોઈ ભ્રષ્ટાચાર થયો નથી એવી રેકર્ડ વગાડ્યા કરે છે ને પરીક્ષા ફરીથી લેવાની તરફેણમાં જ નહોતી તેથી કેન્દ્ર સરકાર પાસેથી તો કોઈ અપેક્ષા જ નથી. આ સંજોગોમાં નીટ પરીક્ષામાં ભ્રષ્ટાચાર થયો છે એ જાણવા છતાં કશું થાય એવી અપેક્ષા રાખવા જેવી નથી. મોદી સરકારના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તો ચોરી પર સિનાજોરી કરીને વિપક્ષોને માફી માગવા કહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાન નીટના ભ્રષ્ટાચારને છાવરવામાં સૌથી મોખરે હતા. પ્રધાને ગાજી ગાજીને કહેલું કે, પેપર ફૂટ્યું નથી ને કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની કોઈ ભૂલ જ નથી. હવે જે માણસ આખા દેશની સામે બેશરમ બનીને આવું જૂઠાણું બોલી શકે એ માણસ નફ્ફટ બનીને વિપક્ષોને માફી માગવાની માગણી કરે એ સાંભળીને જરાય આઘાત નથી લાગતો.
નીટ પરીક્ષા મુદ્દે મોદી સરકારે લીધેલા વલણે ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકારના ચાવવાના જુદા ને બતાવવાના જુદા છે તેનો ભાંડો પણ દુનિયા સામે ફોડી દીધો છે. મોદી સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની વાતો કરે છે અને જે પરીક્ષામાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તે પરીક્ષા ફરીથી લેવા માટે તેણે પૂરી તાકાત લગાવી દીધી. ભ્રષ્ટાચારને છાવરવા માટે આ સરકારે પોતાના મંત્રીને મેદાનમાં ઉતારી દીધા ને હજુ સુધી ભ્રષ્ટાચાર કરનારા કોઈ અધિકારી સામે કોઈ પગલાં નથી લીધાં. આ ભ્રષ્ટાચાર સામે ક્યા પ્રકારનું ઝીરો ટોલરન્સ છે?