રાષ્ટ્રવાદ જરૂરી કે જ્ઞાતિવાદની સંકુચિત માનસિકતા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં ચૂંટણી આવે ત્યારે જ એવાં નાટકો થાય છે કે જે જોઈને હસવું કે રડવું એ જ ખબર ના પડે. આવા જ નાટકના ભાગરૂપે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતામાં ક્ષત્રિય મહાકુંભ યોજાઈ ગયો કે જેમાં ભાજપને હરાવી શકે એવા ઉમેદવારોને ક્ષત્રિયો મત આપશે એવા હાકલાપડકારા થયા.
ગુજરાતમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણી દૂભાવતું નિવેદન કર્યું તેના વિરોધમાં ક્ષત્રિય સમાજ મચી પડ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ પરસોત્તમ રૂપાલાને નહીં ખસેડે ત્યાં લગી ક્ષત્રિય સમાજ આંદોલન બંધ નહીં કરે ને લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એવી ચીમકી ક્ષત્રિય સમાજે આપી છે.
યુપીનો ક્ષત્રિય મહાકુંભ પણ આ સંદર્ભમાં જ યોજાયેલો એવી વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. આખા દેશમાં ક્ષત્રિય સમાજ એક થઈને ભાજપને હરાવવા મચી પડવાનો છે એવી વાતો પણ વહેતી કરાઈ છે પણ આ મહાકુંભને રૂપાલાના વિવાદ સાથે કંઈ લેવાદેવા નથી. યુપીના ક્ષત્રિયોને જુદાં કારણસર પેટમાં દુ:ખે છે તેથી પોતાનાં રોદણાં રડવા તેમણે આ મહાકુંભનું આયોજન કરી નાંખ્યું.
કિસાન મજદૂર સંગઠનના પ્રમુખ ઠાકુર પૂરણસિંહ આ મહાકુંભના પ્રણેતા છે. પૂરણસિંહ ૧૫ માર્ચથી પશ્ર્ચિમ યુપીના દરેક ગામમાં ફરીને ઠાકુર સમુદાયને ભાજપ સામે એક કરવા માટે પ્રચાર કરી રહ્યા હતા ને એ પ્રયત્નોના પરિણામ સ્વરૂપ આ મહાકુંભ યોજાયો. હવે આ ઠાકુર પૂરણસિંહ કોણ એવું ના પૂછતા કેમ કે મોટા ભાગના ક્ષત્રિયોને પણ તેમના વિશે ખબર નહીં હોય.
આ મહાકુંભમાં ભાજપની નેતાગીરીને બેફામ ગાળો દેવામાં આવી અને ભાજપને હરાવવા માટે એક થવાનું આવાહન કરાયું. આ મહાકુંભમાં ક્ષત્રિય સમાજના કહેવાતા નેતાઓએ એલાન કર્યું કે, જે ભાજપને હરાવશે, ક્ષત્રિય સમાજ તેને જ મત આપશે. રાજપૂત સમાજનાં જુદાં જુદાં સંગઠનોના આ મહાકુંભમાં આક્ષેપ કરાયો છે કે, ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે. ક્ષત્રિય સમાજના નેતાઓને લોકસભા ચૂંટણીમાં ટિકિટ નથી આપવામાં આવી રહી અને સાથે સાથે સંગઠનમાં પણ ક્ષત્રિય સમાજની અવગણના કરાઈ રહી છે. તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભાજપ સામે નારાજગી છે અને તેની કિંમતરૂપે ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભારે નુકસાન ભોગવવું પડશે.
આ મહાકુંભમાં હરિયાણા, પંજાબ, દિલ્હી, પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા હોવાનો દાવો કરીને આખા દેશનો ક્ષત્રિય સમાજ એક થઈને ભાજપને હરાવશે એવી શેખચલ્લી જેવી વાતો પણ કરાઈ.
હવે આગામી ૧૬ એપ્રિલે સરધનામાં આવી જ ક્ષત્રિય સ્વાભિમાન મહાપંચાયતનું આયોજન કરાયું છે ને બીજે ઠેકાણે પણ આવી જ મહાપંયાચતો થવાની છે તેથી મીડિયામાં થોડા દિવસો લગી આ મુદ્દો ગાજ્યા કરશે પણ સવાલ એ છે કે, આ પ્રકારની હરકતોની ખરેખર અસર થતી હોય છે ખરી?
બિલકુલ થતી નથી.
આ પ્રકારનાં આયોજનો કરનારા કઈ દુનિયામાં જીવે છે તેની તેમને જ ખબર પણ એ લોકોને ખબર જ નથી કે દુનિયા બદલાઈ ગઈ છે. પહેલાં લોકો સમાજના નામે દોરવાતા પણ હવે લોકોને ખબર પડી ગઈ છે કે, સમાજના નામે ઝંડો ઉઠાવનારા ખરેખર તો સમાજનું નહીં પણ પોતાનું જ ભલું કરવા નીકળ્યા છે. તેમના પોતાના છૂપા એજન્ડા છે ને છૂપી મહત્વાકાંક્ષાઓ છે કે જેને પાર પાડવા આ લોકો આ બધાં નાટકો કરે છે. પોતાના છૂપા એજન્ડા ના હોય તો જેમનામાં ખુલ્લેઆમ બહાર આવવાની હિંમત ના હોય એવા લોકોના છૂપા એજન્ડા ને છૂપી મહત્વાકાંક્ષાઓને પાર પાડવા માટે આ બધી ભવાઈઓ ભજવાય છે. આ કહેવાતા નેતાઓના સ્વાર્થ, સત્તાલાલસા વગેરે સમાજના કહેવાતા ભલાની ઝુંબેશ સાથે જોડાયેલાં હોય છે. આ બધું સફળ થાય તો તેમાં સમાજનું ભલું થતું નથી, ભલું થાય તો ઝંડો લઈને નીકળેલા ચાર ચૌદશિયાઓ અને તેમના પરિવારોનું થાય છે.
યુપીમાં ક્ષત્રિય મહાકુંભના નામે જે નાટક થઈ રહ્યું છે તેના મૂળમાં પણ આ જ કારણો છે કેમ કે એ લોકો જે વાતો કરી રહ્યા છે એ બિલકુલ હાસ્યાસ્પદ છે. આ મહાકુંભના આયોજકોના કહેવા પ્રમાણે, ક્ષત્રિય સમુદાયમાં ભાજપ પ્રત્યે ગુસ્સો છે કેમ કે અમારા સમાજની તમામ માગણીઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી છે. ભલા માણસ કઈ માગણીને નજરઅંદાજ કરી એ તો કહો? ક્ષત્રિય વંશ અને મહાપુરુષોના ઈતિહાસને વિકૃત કરવામાં આવી રહ્યો છે, ઠાકુરવાદ અંગે બનાવટી વાતો ફેલાવવામાં આવી રહી છે પણ ભાજપ આઈટી સેલ મૌન છે. રામ મંદિર ટ્રસ્ટમાં શ્રી રામના વંશજોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સૂર્યવંશી ક્ષત્રિયોની સદંતર અવગણના કરવામાં આવી હતી છે. આ રીતે મજબૂત ક્ષત્રિય નેતાઓના રાજકીય અસ્તિત્વને ભૂંસી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે એ પ્રકારની વાતો કરાઈ છે.
આ પ્રકારની વાતોમાં આ દેશમાં મુસ્લિમો અને અગ્રેજો કેમ આટલાં વરસો રાજ કરી ગયા તેનો જવાબ છે. આપણે એકવીસમી સદીમાં પણ જ્ઞાતિની સંકુચિતતામાંથી બહાર નથી આવી શકતા તો અગિયારમી સદીના આપણા પૂર્વજો તેનાથી પર હોય એવી તો આશા પણ ક્યાંથી રાખી શકાય? હિંદુઓ આ જ્ઞાતિવાદના ગંદવાડના કારણે સદીઓ લગી ગુલામ રહ્યા તોય હજુ અક્કલ આવતી નથી.
સમાજના નામે ચાલતાં આવાં નાટકો સંકુચિત માનસિકતાનો પણ વરવો નમૂનો છે ને ખરેખર તો રાષ્ટ્રવાદ, દેશપ્રેમની વિરુદ્ધ છે. સરકાર કોઈ પણ કામ કરે તો એ આખા દેશનાં લોકોને ધ્યાનમા રાખીને કરતી હોય છે ને દેશના તમામ વર્ગને તેનો ફાયદો થતો હોય છે.
સરકાર ફલાણી જ્ઞાતિને ફાયદો થાય ને ઢીંકણી જ્ઞાતિને ના થાય એવું માનીને થોડું કામ કરે. સરકાર માટે દેશનાં તમામ લોકો સરખાં હોવાં જોઈએ ને આપણા માટે પણ દેશનાં તમામ લોકો સરખાં હોવાં જોઈએ. તેના બદલે આ તમારી જ્ઞાતિ પહેલી ને બીજા બધા પછી એવી માનસિકતાને પોષવામાં આવી રહી છે. આ બધું જોતાં આ નાટકો કરનારાંને જાહેરમાં ફટકારવા જોઈએ કેમ કે એ લોકો પોતાના સ્વાર્થ અને સત્તાલાલસાને સંતોષવા માટે સામાન્ય લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પોષવાના બદલે જ્ઞાતિવાદની સંકુચિત માનસિકતાને પોષે છે.