મુસેવાલા વિવાદ, નેતાઓએ કાગનો વાઘ કર્યો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના નેતા અને પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલાની ૨૦૨૨માં પંજાબના માનસામાં હત્યા થઈ ત્યારે જેવી હોહા મચેલી એવી જ હોહા મુસેવાલાનાં માતા ચરણ કૌરે બાળકને જન્મ આપતાં મચી છે. મુસેવાલાની માતા ચરણ કૌરે ૧૭ માર્ચે આઈવીએફ ટેકનિક દ્વારા બાળકને જન્મ આપ્યો ત્યારે મુસેવાલાના ચાહકો અને સમર્થકોએ તેની ઉજવણી કરી હતી. આ ઉજવણી પૂરી થાય એ પહેલાં તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ સરકારને પત્ર લખીને નવજાત બાળકના જન્મ અંગે રિપોર્ટ માગતા વિવાદ થઈ ગયો છે. રાજકારણીઓ પણ આ વિવાદમાં કૂદતાં એક નવજાત બાળકના જન્મનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગાજવા માંડ્યો છે.
કોઈને સવાલ થશે કે, ચરણ કૌરે બાળકને જન્મ આપ્યો તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને શું લેવાદેવા અને શાનો વિવાદ? આ સવાલનો જવાબ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટમાં છે. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટ હેઠળ ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ઈંટઋ) ટેકનિક દ્વારા બાળક પેદા કરવા માટે, મહિલાની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ પણ મુસેવાલાની માતા ચરણ કૌર ૫૮ વર્ષનાં છે.
ચરણ કૌર ૫૦ વર્ષ કરતાં વધારેની ઉંમરે આઈવીએફ ટેકનિક દ્વારા ગર્ભવતી થયાં અને બાળકને જન્મ આપ્યો તેથી તેમણે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટનો ભંગ કર્યો છે.. કેન્દ્ર સરકારે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટના ઉલ્લંઘન અંગે તપાસ કર્યા પછી આ કાયદાનો ભંગ કર્યો હોવાનું જણાય તો કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ સરકારને પત્ર લખીને તપાસ કરવા કહ્યું એ કાનૂની પ્રક્રિયા છે. તેમાં કશું ખોટું નથી પણ મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને પોતાને પરેશાન કરાઈ રહ્યા છે એવા આક્ષેપ કર્યા તેમાં આ મુદ્દો મોટો બની ગયો છે. બલકૌર સિંહે આક્ષેપ મૂક્યો છે કે, નવજાત બાળકના કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવા અંગે વહીવટીતંત્ર તેમને સતત પરેશાન કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન ભગવંત માન પોતાને જેલમાં મોકલવા માગે છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને મુસેવાલા પંજાબમાં લોકપ્રિય હતો તેથી તેના નામે પબ્લિસિટી ચરી ખાવા રાજકારણીઓ કૂદી પડતાં બલકૌર સિંહના આક્ષેપોનો મુદ્દો મોટો બની ગયો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વાડિંગે આક્ષેપ કર્યો છે કે, ભગવંત માન કદાચ એકમાત્ર એવા પંજાબી છે જેમણે હજુ સુધી બલકૌર સિંહને તેમના નવજાત પુત્રના જન્મ પર અભિનંદન આપ્યા નથી. કૉંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવાએ ભગવંત માન સરકારના નિવેદનને બેશરમીની હદ ગણાવીને કહ્યું છે કે, સમગ્ર પંજાબ અને દુનિયાભરના લોકો બાળકના જન્મની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ભગવંત માન સરકાર પરિવારને પરેશાન કરી રહી છે એ નીચતાની પરાકાષ્ટા છે. મજાની વાત એ છે કે, ભાજપે પણ ભગવંત માન સરકાર મુસેવાલાના પરિવાર પાસે બાળકના જન્મ અંગે દસ્તાવેજો માગીને સાવ નીચતા પર ઉતરી છે એવો આક્ષેપ કર્યો છે.
ભારતમાં રાજકારણીઓ કોઈ પણ મુદ્દાનો કઈ રીતે કાગનો વાઘ કરી શકે છે તેનું આ ઘટના ઉદાહરણ છે. બલકૌર સિંહ રાજકારણી નથી પણ મુસેવાલા કૉંગ્રેસનો નેતા બની ગયેલો તેથી બલકૌર સિંહ કૉંગ્રેસના નેતાઓના સંપર્કમાં હશે જ. આ કારણે બલકૌર સિંહે વીડિયો મેસેજ મૂકીને પોતાને પરેશાન કરાય છે એવો આક્ષેપ કર્યો એ કૉંગ્રેસના નેતાના ભેજાની પેદાશ હોવાની પૂરી શક્યતા છે.
બલકૌર આ નેતાઓની વાતોમાં આવી ગયા પણ વાસ્તવમાં આ ઘટના બહુ સામાન્ય છે અને મુસેવાલાના પરિવાર પાસે કાયદાના ભંગ બદલ જવાબ માગવામાં આવે તેમાં કશું ખોટું નથી. ભારતમાં આઈવીએફ ટેક્નોલોજી દ્વારા ગર્ભ ધારણ કરવાને લગતો આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ (અછઝ) ૨૦૨૧માં લાગુ કરવામાં આવ્યો છે.
આ કાયદા અનુસાર, દેશમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ મહિલા આઈવીએફ ટેકનિક દ્વારા ગર્ભ ધારણ કરી શકતી નથી. આ કાયદાના ચુસ્ત અમલ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરની રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરી છે. તેના તાબા હેઠળ તમામ રાજ્યોમાં પણ રેગ્યુલેટરી ઓથોરિટીઝની રચના કરવામાં આવી છે. આ ઓથોરિટી એઆરટી એક્ટને લગતા તમામ કેસો પર નજર રાખે છે. આઈવીએફ ટેક્નોલોજી દ્વારા ગર્ભ ધારણ કરવામાં મદદ કરતી તમામ હૉસ્પિટલોએ આ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને પોતાની મદદથી ગર્ભ ધારણ કરનારી મહિલાઓની તમામ વિગતો રેગ્યુલેટરી ઓથોરિટીને આપવી પડે છે. તેના આધારે કાયદાનો ભંગ થયો હોય તો રેગ્યુલેટરી ઓથોરિટી તપાસ કરાવીને પગલાં ભરી શકે છે.
ચરણ કૌરના કિસ્સામાં હૉસ્પિટલે આપેલી માહિતીના આધારે રેગ્યુલેટરી ઓથોરિટીએ તપાસનો આદેશ આપ્યો હોઈ શકે છે. હૉસ્પિટલે વિગતો છૂપાવી હોય તો પણ આ કાયદાને જાણનાર તમામ લોકોને કાયદાનો ભંગ થયો હોવાની ખબર પડે એવી હાલત છે. મીડિયાએ મુસેવાલાનાં માતાની ઉંમર ૫૮ વર્ષ હોવા છતાં આઈવીએફના આધારે માતા બન્યાં એવું ગાઈ વગાડીને કહ્યું પછી રેગ્યુલેટરી ઓથોરિટીએ સક્રિય થવું જ પડે એવી હાલત થઈ ગઈ. ઓથોરિટી કશું ના કરે ને કાલે કોઈ કોર્ટમાં કેસ કરી દે તો ઓથોરિટીના અધિકારીઓને બૂચ વાગી જાય તેથી તેમણે નોટિસ આપવી જ પડે તેમ હતી.
આ કેસમાં કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈને વાંધો લઈ શકે તેમ છે. મુસેવાલાનું સાચું નામ શુભદીપ હતું. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરે પોતાના નવજાત બાળકનું નામ પણ શુભદીપ રાખ્યું છે. શુભદીપ મુસેવાલાએ ૨૦૨૨માં કૉંગ્રેસની ટિકિટ પર પંજાબ વિધાનસભાની માનસા બેઠક પરથી ચૂંટણી લડી ત્યારે માતા ચરણ કૌરે કવરિંગ ઉમેદવાર તરીકે એફિડેવિટ કરી હતી. આ એફિડેવિટમાં ચરણ કૌરે પોતાની ઉંમર ૫૬ વર્ષ દર્શાવી હતી તેથી અત્યારે તેમની ઉંમર ૫૮ વર્ષ છે. આ એફિડેવિટના આધારે કોઈ કોર્ટમાં અરજી કરી નાંખે તો જવાબ આપવો ભારે પડી જાય.
સિધ્ધુ પોતાનાં માતાપિતાનું એક જ સંતાન હતો તેથી તેના મોતથી તેનાં માતા-પિતાને લાગેલા આઘાતની કલ્પના કરી શકાય. આ આઘાતને ભરવા બલકૌરસિંહ અને કરણ કૌર ફરી માતા-પિતા બન્યાં. તેમની લાગણી સમજી શકાય એવી છે. એ માટે તેમનાથી અજાણતાં કાયદાનો ભંગ થયો તો તેના માટે કાયદાકીય પ્રક્રિયા થાય તો તેના માટે તેમણે તૈયાર પણ રહેવું જોઈએ.