મુલાયમે મુસ્લિમ મતો માટે કારસેવકોને મરાવડાવેલા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યાં અયોધ્યામાં રામમંદિર ચળવળ દરમિયાન કારસેવકો પર મુલાયમસિંહ યાદવે કરેલા ગોળીબારનો મુદ્દો ફરી ચગ્યો છે. ૩૦ ઑક્ટોબર ૧૯૯૦ની કારસેવા વખતે મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. એ વખતે અયોધ્યામાં કારસેવા માટે ભેગા થયેલા કારસેવકો પર મુલાયમસિંહ યાદવના આદેશથી ગોળીબાર કરાયેલો ને તેમાં સત્તાવાર રીતે ૧૬ કારસેવકોનાં મોત થયેલાં. તેના કારણે હિંદુઓ મુલાયમસિંહને મુલ્લા મુલાયમ તરીકે સંબોધીને ગાળો દેતા થઈ ગયેલા. મુલાયમે કારસેવકો પર ગોળીઓ ચલાવડાવીને અયોધ્યાની ભૂમિને રક્તરંજિત કરી હતી.
આ વાત ત્રણ દાયકા કરતાં પણ વધારે જૂની છે પણ પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ મુલાયમે કારસેવકો પર ગોળીઓ ચલાવડાવી એ મુદ્દો ઊભો થયો છે અથવા ઊભો કરાયો છે. મુલાયમસિંહના નાના ભાઈ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શિવપાલ યાદવે આ મામલે મુલાયમસિંહના નિર્ણયનો બચાવ કર્યો છે. શિવપાલ યાદવે એવું કહ્યું છે કે, રામ ભક્તો હિંસા કરી રહ્યા હતા તેથી બંધારણની રક્ષા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. અયોધ્યામાં યથાસ્થિતિ જાળવી રાખવાનો કોર્ટનો આદેશ હોવા છતાં ભાજપના રામ ભક્તોએ હિંસાનો આશરો લેતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો પણ ભાજપ જૂઠાણાં ચલાવીને મુલાયમને બદનામ કરે છે.
શિવપાલ યાદવે તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને પણ ભાજપનો કાર્યક્રમ ગણાવીને કહ્યું છે કે, આ કાર્યક્કમ સંતો દ્વારા થવો જોઈતો હતો પણ ભાજપ અને સંઘે આખા કાર્યક્રમને કબજે કરી લીધો છે. ભાજપે શંકરાચાર્ય અને સનાતનીઓનું અપમાન પણ કર્યું છે ને આ અપમાન આખો દેશ જોઈ રહ્યો છે. તેનું પરિણામ ભાજપે ભોગવવું પડશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધૂરા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે તેની કિંમત પણ ભાજપ ચૂકવશે.
શિવપાલના બચાવ પછી ભાજપ પણ મેદાનમાં આવી ગયો છે અને સમાજવાદી પાર્ટીને રામ વિરોધી ગણાવીને પ્રહારો શરૂ કરી દીધા છે. ભાજપનું કહેવું છે કે, સમાજવાદી પાર્ટીએ ખરેખર તો કારસેવકો પર ગોળીઓ ચલાવી એ માટે પ્રાયશ્ર્ચિત કરવું જોઈએ પણ શિવપાલ યાદવ તેનો બચાવ કરી રહ્યા છે.
ભાજપે બીજી ઘણી વાતો કરી છે ને એ બધી વાતો માંડવાનો અર્થ નથી પણ મુલાયમસિંહ યાદવે બંધારણની રક્ષા કરવા કે કાયદો-વ્યવસ્થા જાળવવા કારસેવકો પર ગોળીઓ ચલાવડાવી હતી એ વાત અત્યંત હાસ્યાસ્પદ છે. રામમંદિર મુદ્દે ભલે અત્યારે બધાં એવું ડહાપણ ડહોળતાં હોય કે, આ મુદ્દે રાજકારણ ના રમવું જોઈએ પણ રામમંદિરનો મુદ્દો રાજકીય જ છે અને બધા પક્ષો આ મુદ્દે રાજકારણ રમ્યા છે.
રાજકારણીઓ સૂફિયાણી વાતો કરીને ભલે રામમંદિરના મુદ્દાને લોકોની આસ્થા સાથે જોડતા હોય પણ તેમના માટે તો આ મુદ્દો રાજકારણનો જ હતો. ભાજપ, કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી બધાં માટે આ રાજકીય મુદ્દો હતો ને આજે પણ છે. ભાજપે હિંદુ મતોને પોતાની તરફ વાળવા તેનો ઉપયોગ કર્યો ને સમાજવાદી પાર્ટી તથા કૉંગ્રેસે મુસ્લિમ મતો માટે તેનો વિરોધ કર્યો. આ સંજોગોમાં મુલાયમને બંધારણના રક્ષણહાર ગણાવવાની વાત ગધેડાને પણ તાવ આવી જાય એવી છે.
રામમંદિરના મુદ્દાને રાજકીય બનાવવા બદલ ભાજપ પર દોષારોપણ કરાય છે પણ વાસ્તવમાં તેને રાજકીય મુદ્દો કૉંગ્રેસે બનાવ્યો. ભાજપ તો ચિત્રમાં જ નહોતો ત્યારે ૧૯૮૪માં કોંગ્રેસના નેતા દાઉદયાલ ખન્નાએ અયોધ્યામાં સરયબ નદીના કિનારે સંતોનું સંમેલન બોલાવીને રામમંદિરના નિર્માણ માટેની ચળવળ શરૂ કરાવેલી. યોગી આદિત્યનાથના ગુરુ મહંત અવૈદ્યનાથ એ બેઠકમાં હાજર હતા. અવૈદ્યનાથ હિંદુવાદી નેતા હતા, સાંસદ હતા પણ ભાજપમાં નહોતા. વાસ્તવમાં ઈન્દિરા ગાંધી ૧૯૮૫માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે રામમંદિરના મુદ્દાનો ઉપયોગ કરવા માગતા હતાં પણ ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા થતાં ચિત્ર બદલાઈ ગયું.
ઈન્દિરાની હત્યાની સહાનૂભૂતિના મોજા પર લડાયેલી ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ કૉંગ્રેસને ૫૪૫માંથી ૪૧૪ બેઠકો જીતાડીને બીજા બધા પક્ષોને સાફ કરી દીધા હતા. ભાજપની હાલત સૌથી ખરાબ હતી કેમ કે ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. ભાજપ પોતાનું અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારતો હતો. ભાજપ પાસે કોઈ મુદ્દો નહોતો ત્યાં સુપ્રીમ કોર્ટે ૧૯૮૫માં શાહબાનો કેસમાં ચુકાદો આપ્યો કે, મુસ્લિમ મહિલાને તલાક આપ્યા પછી પણ તેના પતિએ ભરણપોષણ આપવું જ પડે. મુસ્લિમ કટ્ટરવાદીઓએ દેકારો કરી નાંખ્યો. કોર્ટ મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે એવા આક્ષેપોનો માર ચાલ્યો એટલે તેમને રીઝવવા રાજીવ ગાંધીએ આ ચુકાદાને બદલી નાંખતો કાયદો બનાવી દીધો.
રાજીવના આ નિર્ણયે હિંદુઓને નારાજ કરી દીધા. કૉંગ્રેસ મુસ્લિમોના પગોમાં આળોટે છે એવી વાતો ચાલી ને તેનો લાભ લેવા ભાજપ કૂદી પડ્યો. વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનો રામમંદિરના નિર્માણ માટેની લડતમાં સક્રિય હતાં પણ રાજકીય પીઠબળ નહોતું. સંઘના કહેવાથી તેમણે ભાજપને આ મુદ્દો ઉપાડવા કહ્યું. ભાજપે આ મુદ્દો ઉપાડ્યો ને આખા દેશમાં રામમય માહોલ કરવા માંડ્યો. અડવાણીએ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણના બહાને હિન્દુવાદની લહેર પશ્ર્ચિમ અને ઉત્તર ભારતમાં ઊભી કરી દીધી.
આ લહેર પ્રબળ ના બને એટલે રાજીવે વળતો દાવ ખેલીને ૧૯૮૬માં રામ જન્મભૂમિ મંદિરના દરવાજા ખોલાવી દીધા. ૧૯૮૬માં રામ જન્મભૂમિ મંદિરનાં તાળાં ખોલાયાં પછી શિલાન્યાસ અને કારસેવાના ઉપરાછાપરી કાર્યક્રમો થયા ને ૧૯૮૭માં રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ પણ થયો. આ શિલાન્યાસ વિવાદાસ્પદ બાંધકામની બાજુની જમીનમાં કરાયો ત્યારે રાજીવ સરકારના ગૃહ પ્રધાન બુટાસિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન એન.ડી. તિવારી આ શિલાન્યાસમાં હાજર હતા. શિલાન્યાસના પગલે દેશમાં કેટલાંક ઠેકાણે તોફાનો પણ ફાટી નીકળેલાં. તેના કારણે મુસ્લિમો નારાજ થયા છે એવું માનીને કૉંગ્રેસે પીછેહઠ કરી તેથી ભાજપે રામ જન્મભૂમિ મંદિરનો મુદ્દો હાઈજેક કરી લીધો. ભાજપ હિંદુત્વની લહેર પર તાકાતવર બન્યો તેથી મુસ્લિમો નારાજ થયા તેનો લાભ લેવા મુલાયમસિંહ યાદવે રામમંદિર વિરોધી વલણ અપનાવ્યું હતું અને કારસેવકો પર ગોળીઓ ચલાવડાવી હતી.
શિવપાલ મુલાયમના ભાઈ હોવાથી તેમનો બચાવ કરે પણ તેના કારણે ઈતિહાસ નથી બદલાતો.