એકસ્ટ્રા અફેર

સાધુ-સંતોને મુલાયમની ત્રણ ફૂટની પ્રતિમા સામે વાંધો કેમ ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં કહેવાતા સાધુ-સંતો અને હિંદુવાદીઓને હિંદુઓને સ્પર્શતી સમસ્યાઓમાં બહુ રસ નથી પડતો. હિંદુઓને નડતા ને કનડતા મુદ્દે એ લોકો મોંમાં મગ ઓરીને બેસી રહે છે ને સાવ ફાલતુ મુદ્દાઓને હિંદુત્વ સાથે જોડીને હોહા કરી મૂકે છે. આ વિચિત્ર માનસિકતાનો તાજો નમૂનો સંગમ નગરી પ્રયાગરાજમાં મુલાયમસિંહ યાદવની પ્રતિમા મુકાઈ તેની સામે મચેલો કકળાટ છે.

સોમવારથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં સેક્ટર 16માં મુલાયમસિંહ યાદવ સ્મૃતિ સંસ્થાન નામની સંસ્થાની છાવણી આવેલી છે. સ્વાભાવિક રીતે જ આ છાવણી સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને મુલાયમભક્તોએ જ બનાવી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા માતા પ્રસાદ પાંડેએ શનિવારે લગભગ બેથી ત્રણ ફૂટ ઊંચી આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

મુલાયમસિંહ યાદવની આ પ્રતિમા સામે સાધુ-સંતોને વાંધો પડી ગયો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના હોદ્દેદારો સહિત અન્ય સાધુ-સંતોએ મહાકુંભમાં મુલાયમસિંહ યાદવની પ્રતિમાનો વિરોધ કરતાં કહ્યું કે, હિન્દુઓની પવિત્ર આસ્થાના પર્વ એવા મહાકુંભ મેળામાં મુલાયમસિંહ યાદવ જેવા હિન્દુ વિરોધી નેતાની પ્રતિમા હિન્દુઓનું અપમાન કરી રહી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીના કહેવા પ્રમાણે, મુલાયમસિંહ યાદવ હિન્દુ વિરોધી અને સનાતન વિરોધી વિચારધારા ધરાવતા હતા. મુલાયમસિંહની પ્રતિમા સ્થાપિત કરવાનો ઉદ્દેશ સમાજવાદી પાર્ટીની સરકારે હિન્દુઓની હત્યા કરી હતી એ ઘટનાની યાદ અપાવવાનો છે.

મહંત રવિ પુરીના કહેવા પ્રમાણે રામ મંદિર આંદોલન વખતે મુલાયમસિંહે શું કર્યું હતું એ બધા જાણે છે. હંમેશા હિન્દુ વિરોધી, સનાતન વિરોધી અને મુસલમાનોના હિતેચ્છુ રહેલા મુલાયમસિંહની પ્રતિમા મહાકુંભમાં મૂકીને હિંદુઓનું અપમાન કરાયું છે. જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ સહિત ઘણા બીજા સાધુ-સંતોએ મહંત રવિન્દ્ર પુરીના નિવેદનને સમર્થન આપ્યું છે. રામમંદિર આંદોલન વખતે મુલાયમસિંહ યાદવે મુસ્લિમો તરફીવલણ લીધું હતું એ ઈતિહાસ છે.

રવિન્દ્ર પુરીએ મુલાયમસિંહ યાદવ રામમંદિર આંદોલન વખતે ભજવેલી ભૂમિકાની યાદ અપાવી તેમાં 2 નવેમ્બર 1990ની કારસેવા સૌને યાદ છે. એ વખતે મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં સંગઠનોએ અયોધ્યામાં કારસેવાનું એલાન કરેલું. મુલાયમે હુંકાર કરેલો કે, અયોધ્યા મેં મેરી મરજી કે બિના પરિંદા ભી પર નહીં માર સકતા. કારસેવકો મુલાયમને થાપ આપીને અયોધ્યામાં ઘૂસી ગયેલા અને બાબરી મસ્જિદ સંકુલ તરફ આગળ વધતા હતા. ગિન્નાયેલા મુલાયમે એ વખતે કારસેવકો પર ગોળીઓ ચલાવડાવીને અયોધ્યાની ભૂમિને રક્તરંજિત કરી હતી. પોલીસના ગોળીબારમાં 17 લોકોનાં મોત થયાં હતાં.

આ ગોળીબારના કારણે મુલાયમસિંહ યાદવ હિંદુવાદીઓ માટે વિલન બની ગયા હતા અને લોકોએ 1991ની વિધાનસભામાં ચૂંટણીમાં મુલાયમને ઘરભેગા કરીને ભાજપને સ્પષ્ટ બહુમતી આપતાં કલ્યાણસિંહ યુપીમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. મુલાયમસિંહ માટે હિંદુવાદીઓએ મુલ્લા મુલાયમ જેવા શબ્દોનો ઉપયોગ પણ શરૂ કરેલો. હિંદુવાદીઓનો એક વર્ગ મુલાયમસિંહને કારસેવકો પર ગોળીબાર કરાવવા બદલ હજુય નફરત કર્યા કરે છે.

મુલાયમસિંહે જે કર્યું એ યોગ્ય નહોતું પણ એ વાતને મુલાયમસિંહ યાદવની પ્રતિમાના સ્થાપન સાથે જોડવાનો મતલબ નથી. તેનું કારણ એ કે, મુલાયમની પ્રતિમા મહાકુંભમાં કે ગંગા નદીના કિનારે કાયમી રીતે ઊભી કરાઈ નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા માતા પ્રસાદ પાંડેએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, મહાકુંભ પરિસરમાં મુલાયમસિંહ યાદવ સ્મૃતિ સેવા સંસ્થાને મૂકેલી પ્રતિમા મહાકુંભ પથી લખનઊમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવશે. મતલબ કે, 26 ફેબ્રુઆરીએ મહાકુંભ પૂરો થતાં જ આ પ્રતિમા પણ હટી જવાની છે. બીજું એ કે, સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલી સંસ્થાની છાવણીમાં આ પ્રતિમા સ્થાપિત કરાઈ છે. હવે કોઈ સંસ્થા પોતાની છાવણીમાં પોતાને ગમે તેની પ્રતિમા રાખે તેને હિંદુત્વ સાથે શું લેવાદેવા ? મહાકુંભમાં આવનારા 50 કરોડ લોકોમાંથી 50 હજાર લોકો પણ આ છાવણીમાં જવાના નથી કે પ્રતિમાને જોવાના નથી ત્યારે તેને વધારે પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે.

જો કે ખટકે એવી વાત એ છે કે, આપણા કહેવાતા સાધુ-સંતોને મુલાયમસિંહ યાદવની ત્રણ ફૂટની પ્રતિમા સામે વાંધો પડે છે પણ એ જ મુલાયમસિંહને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરનું મોટું સન્માન અપાયું ત્યારે આ બધા ચૂપ હતા.

આપણે ત્યાં દર વરસે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના વિકાસમા મહત્ત્વનું યોગદાન આપનારા લોકો માટેના પદ્મ એવોર્ડ્સનું એલાન થાય છે. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એ ત્રણ કેટેગરીમાં દેશના નાગરિકોને આ સન્માન અપાય છે. 2022માં મુલાયમસિંહ યાદવ ગુજરી ગયા પછી 2023માં મુલાયમસિંહ યાદવને મોદી સરકારે મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરી હતી.

મોદી સરકારે મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરી તેની પાછળ રાજકીય ગણતરી હતી. . ઉત્તર પ્રદેશમાં ભાજપે ઓબીસી મતબેંકમાં ઘૂસ મારવામાં સફળતા મેળવી છે પણ ઓબીસીમાં સૌથી મોટી મનાતી યાદવ મતબેંક હજુય સપા સાથે છે. ભાજપની નજર આ મતબેંક કબજે કરવા પર છે તેથી મુલાયમસિંહને પદ્મવિભૂષણની જાહેરાત કરી દેવાઈ હતી.

પદ્મવિભૂષણ ભારતમાં ભારતરત્ન પછી બીજા નંબરનું સૌથી મોટું નાગરિક સન્માન ગણાય છે. મુલાયમસિંહ યાદવને આ સન્માન મળ્યું ત્યારે કોઈ હિંદુવાદી નેતા કે સાધુ-સંત તેનો વિરોધ કરવા આગળ નહોતો આવ્યો. હિંદુઓની હત્યા કરનારા મુલાયમસિંહ યાદવને સન્માન આપીને મોદી હિંદુઓનું અપમાન કરી રહી છે એવું બોલવાની કોઈની હિંમત નહોતી ને હવે આ ત્રણ ફૂટની પ્રતિમા મુકાઈ તેમાં તેમને વાંધો પડી ગયો છે.

મોદી સહિતના ભાજપના નેતાઓએ તો મુલાયમસિંહના નિધન પર શોક વ્યક્ત કરવામાં અને તેમના તરફ આદર બતાવવામાં પણ કોઈ કસર નહોતી છોડી. નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિતના નેતા મુલાયમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા ને તેમની તારીફમાં મન મૂકીને વરસ્યા હતા. મુલાયમે કારસેવકો પર ગોળીઓ ચલાવડાવીને તેમની હત્યા કરાવી હતી એ મોદી, યોગી કે બીજા કોઈ ભાજપના નેતાને યાદ નહોતું. બલ્કે તેમણે તો મુલાયમસિંહ મહાન નેતા હોય એ રીતે ભરપેટ વખાણ કરેલાં. એ વખતે કોઈ હિંદુવાદી નેતા કે સાધુ-સંતને મુલાયમસિંહે કારસેવા વખતે ભજવેલી ભૂમિકા યાદ નહોતી, કોઈએ હિંદુ વિરોધી, સનાતન વિરોધી મુલાયમસિંહને આટલું બધું માન કેમ અપાઈ રહ્યું છે એ સવાલ નહોતો કર્યો ને અત્યારે બધાંને શૂરાતન ચડી ગયું છે.

આ દેશના હિંદુઓને મુલાયમની પ્રતિમા કરતાં વધારે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબી, ગુનાખોરી વગેરે નડે છે. આપણા સાધુ-સંતો એ વિશે ક્યારે બોલશે ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button