એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : મોદીની વાત સાવ સાચી, પાકિસ્તાન શાંતિથી ના રહે તો ગોળી ખાવી જ પડશે

-ભરત ભારદ્વાજ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થઈ ગયો હોય પણ બંને દેશના નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજુ બંધ થયું નથી. ભારતે યુદ્ધ ટાળવા માટે યુદ્ધવિરામ સ્વીકારી લીધો પણ પોતાના આક્રમક તેવર છોડ્યા નથી. આર્મી ચીફથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના દેશના તમામ નેતા પાકિસ્તાનને સતત ચીમકીઓ આપ્યા જ કરે છે.

મોદી હમણાં ગુજરાત આવેલા ને એક રેલી દરમિયાન તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપતાં કહ્યું હતું કે, ભારત પર ખરાબ નજર નાખશે તેને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે અને તેની કિંમત તેમણે ચૂકવવી જ પડશે. મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે સુખેથી જીવો અને શાંતિથી રોટી ખાઓ નહીંતર પછી અમારી ગોળી ખાવી પડશે.

મોદીના નિવેદનથી પાકિસ્તાનને મરચાં લાગી ગયાં છે અને પાકિસ્તાને સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, નરેન્દ્ર મોદીની હિંસા અંગેની વાત અશોભનિય છે અને ન્યૂક્લિયર પાવર ધરાવતા દેશના નેતાને આ શોભતું નથી. પાકિસ્તાનના કહેવા પ્રમાણે, મોદીનું નિવેદન માત્ર નફરત ફેલાવતું નથી પણ દક્ષિણ એશિયાની પ્રાદેશિક શાંતિ માટે પણ જોખમી છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ પણ અમને ધમકી આપવામાં આવશે તો અમે પણ એનો વળતો જવાબ આપીશું.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નથી, આગાહી કરાઈ છે…

પાકિસ્તાને સાવ બકવાસ કરતાં એવું પણ કહ્યું કે, ભારત સરકાર આવાં નિવેદનો કરીને જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય લશ્કર દ્વારા થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન પરથી દુનિયાનું ધ્યાન બીજી તરફ વાળવા માગે છે. પાકિસ્તાને પોતાને શાંતિના સમર્થક ગણાવતાં કહ્યું કે, પાકિસ્તાન યુએનનાં પીસ મિશનમાં હંમેશાં મોખરે રહ્યું છે અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પાકિસ્તાને ભારતને સુફિયાણી સલાહ પણ આપી છે કે, ભારત ખરેખર આતંકવાદ અંગે ચિંતિત હોય તો તેણે તેના દેશમાં વધતી જતી બહુમતીવાદ, ધાર્મિક અસહિષ્ણુતા અને લઘુમતીઓ સામેના અન્યાય પર ધ્યાન આપવું જોઈએ.

પાકિસ્તાનનું નિવેદન અને તેની વાતો તેના દોગલાપણાના નાદાર નમૂના છે. પાકિસ્તાનના ચાવવાના અને બતાવવાના સાવ જુદા જુદા છે તેનો આ નિવેદન મોટો પુરાવો છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવીને લોકોની લાશો ઢાળે તેમાં તેને કશું ખોટું લાગતું નથી પણ મોદી ગોળી મારવાની વાત કરે તેમાં તો પાકિસ્તાન સૂફિયાણી વાતો પર ઊતરી આવ્યું છે.

પાકિસ્તાનને ભલે મરચાં લાગ્યાં પણ મોદીએ પાકિસ્તાન સામે કરેલા નિવેદનમાં કશું ખોટું નથી. ભારત સરકારના વડા તરીકે મોદી માટે દેશની અને દેશનાં લોકોની સુરક્ષા સૌથી મહત્ત્વની છે ને પાકિસ્તાન દેશની સુરક્ષા ને શાંતિને ડહોળે તો તેનો જવાબ ગોળીથી જ આપવો પડે, બીજો કોઈ રસ્તો જ નથી. ભારતને શાંતિમાં રસ છે પણ એ શાંતિ પાકિસ્તાન ડહોળે ને ભારત કશું ના કરે એવી આશા પાકિસ્તાન ના રાખી શકે. પાકિસ્તાન અશાંતિ ફેલાવે તેનો જવાબ ગોળીથી પણ મળે ને પાકિસ્તાન ફાટીને ધુમાડે જાય તો બૉમ્બથી પણ મળે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સત્યપાલ મલિક સામે કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ?

પાકિસ્તાન મોદીના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવે છે એ હાસ્યાસ્પદ છે. ભારતની પ્રજાએ ચૂંટેલી સરકારના વડા તરીકે ભારતની સુરક્ષા કરવી એ મોદીની જવાબદારી છે. તેના માટે કંઈ પણ કરવું પડે એ કરવું એ મોદીની નૈતિક ફરજ છે ને મોદી એ જ ફરજ બજાવી રહ્યા છે. તેમાં ઉશ્કેરણી ક્યાંથી આવી ? આ ઉશ્કેરણી નથી પણ હુંકાર છે ને 150 કરોડની પ્રજા વતી મોદીને આ હુંકાર કરવાનો પૂરો અધિકાર છે. મોદીએ શું બોલવું ને શું ના બોલવું તેની સલાહ પાકિસ્તાને આપવાની જરૂર નથી.

પાકિસ્તાન ભારતમાં નિર્દોષોનાં લોહી રેડે, આતંકવાદ ફેલાવે તો તેના જવાબમાં ગોળી જ મળશે એવું મોદીનું નિવેદન એક દેશના વડાને શોભે એવું જ છે. બાકી, પાકિસ્તાન ભારત સાથે શાંતિથી રહે અને આતંકવાદ ના ફેલાવે તો ભારતને તેને કશું કરવામાં જરાય રસ નથી. ભારતે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવી પડે કેમ કે પાકિસ્તાને ભારતના પહલગામમાં નિર્દોષ લોકોનાં લોહી વહાવ્યાં. પહલગામમાં આતંકવાદી હુમલો ના થયો હોત તો ભારત પાકિસ્તાન સામે કશું કરવાનું નહોતું પણ પાકિસ્તાને સામેથી કારણ આપ્યું અને હવે ડહાપણ ડહોળે છે.

પાકિસ્તાન ખરેખર દક્ષિણ એશિયામાં શાંતિ ઈચ્છતું હોય તો તેણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનું બંધ કરવું જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અશાંતિનું કારણ જમ્મુ અને કાશ્મીરનો આતંકવાદ જ છે. પાકિસ્તાન આ આતંકવાદ બંધ કરી દે તો બંને દેશો વચ્ચેનો ઉગ્રતા આપોઆપ ખતમ થઈ જાય. પાકિસ્તાન દુનિયાના એક ખૂણામાં પડ્યું પડ્યું સબડ્યા કરે તો પણ ભારતને તેની તરફ જોવાની ફુરસદ પણ નથી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાજકીય પક્ષોની એકતા આભાસી સાબિત થઈ…

પાકિસ્તાનની વાતો ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવી છે. પાકિસ્તાન ભારતમાં લઘુમતીઓની હાલત વિશે સુફિયાણી વાતો કરે છે પણ પોતાના દેશમાં લઘુમતીઓની શું હાલત છે એ વિશે તેણે વિચારવું જોઈએ. પાકિસ્તાનમાંથી લઘુમતી સમુદાયના લોકો અત્યાચારોથી ત્રાસીને ભાગી રહ્યા છે ને બીજા દેશોમાં આશરો લે છે કે પછી થાકીને ધર્માંતરણ કરી લે છે.

ભારતમાં સ્થિતિ તેનાથી બિલકુલ ઊલટી છે. ભારતમાં મુસ્લિમો સહિતની તમામ લઘુમતીઓ સંપૂર્ણ સલામત છે અને બહુમતી તથા લઘુમતી એક થઈને રહે છે. પાકિસ્તાને પહલગામમાં કરેલા આક્રમણ સામે વિરોધ દર્શાવવા અને પાકિસ્તાનને ઝાટકવા માટે આ દેશના મુસ્લિમો પણ હિંદુ અને બીજા સમુદાયના લોકો સાથે ખભેખભા મિલાવીને રસ્તા પર ઉતર્યા હતા.

ભારતે પાકિસ્તાન સામે કરેલી લશ્કરી કાર્યવાહીનો અવાજ કર્નલ સોફિયા કુરેશી બનેલી ને વિદેશમાં પાકિસ્તાનના આતંકવાદ સામેના ભારતના વિરોધનો ઝંડો અસદુદ્દીન ઓવૈસી જેવા મુસ્લિમ સાંસદો ઊંચકીને ચાલે છે. ભારતમાં બહુમતીવાદ હાવી થઈ રહ્યો છે, અસહિષ્ણુતા વધી રહી છે એ બધી વાતો ભારત સામેના કુપ્રચારનો ભાગ છે. પાકિસ્તાન અને તેના પીઠ્ઠુઓ ભારતના મુસ્લિમોમાં અસંતોષ ઊભો કરવા માટે આ કુપ્રચાર ફેલાવે છે પણ ભારતના મુસ્લિમો સમજદાર છે. એ લોકો આ પ્રકારની વાતો કે કુપ્રચારથી ભરમાતા નથી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : માયાવતીને ભત્રીજા સિવાય બીજાને કમાન સોંપવી ના પરવડે…

પાકિસ્તાને ભારતને સલાહ આપવાના બદલે પોતાનું ઘર સાચવવું જોઈએ અને પોતાના દેશમાં લઘુમતીઓને સાચવવી જોઈએ. આ દેશની લઘુમતી કે બીજા કોઈની પણ તેણે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ભારત પોતાના નાગરિકોની અને સરહદો બંનેની સુરક્ષા કરવા સક્ષમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button