મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત ભારતના નહીં અમેરિકાના ફાયદામાં

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા સમાપ્ત થઈ ગઈ અને ધારણા પ્રમાણે જ આ યાત્રામાંથી ભારત માટે ફાયદાકારક કશું નક્કર નિપજ્યું નથી. ભારત માટે સૌથી મહત્ત્વનો મુદ્દો ભારતના માલસામાન પર અમેરિકા કેટલો ટેરિફ લાદે છે તેનો હતો અને નરેન્દ્ર મોદી સાથે ડોનલ્ડ ટ્રમ્પની બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરીને કશુંક નક્કર કરાશે એવો આશાવાદ હતો પણ ટ્રમ્પે મોદી સાથેની બેઠકના બે કલાક પહેલાં જ અમેરિકાના માલસામાન પર ટેરિફ લાદનારા દેશોના માલસામાન પર એટલા જ પ્રમાણમાં ટેરિફ લાદવાનું એલાન કરીને સ્પષ્ટ કરી દીધું કે, આ મુદ્દે કોઈ વાતચીત તે સમાધાનને અવકાશ જ નથી.
ટ્રમ્પે પહેલાં જ રેસિપ્રોકલ ટેરિફ એટલે કે અમેરિકાના માલસામાન પર ટેરિફ લાદનારા દેશોના માલસામાન પર એટલા જ પ્રમાણમાં ટેરિફ લાદવાની નીતિની જાહેરાત કરી જ છે. હવે મોદી આવે કે જિનપિંગ આવે કે બીજું કોઈ આવે, આ નીતિ બદલાવાની નથી. ટ્રમ્પની આ જાહેરાત પછી ખરેખર તો મોદી અને ટ્રમ્પ મળે કે ના મળે, કોઈ ફરક જ નહોતો પડવાનો કેમ કે ભારતનાં હિતો સચવાવાનો મુદ્દો જ પતી ગયો હતો. એ પછી બેઠકમાં જે વાત થવાની હતી એ અમેરિકાને કઈ રીતે વધારે ફાયદો થઈ શકે તેના પર થવાની હતી ને એવું જ થયું.ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર ખાધ ઘટાડવા માટે અમેરિકા પાસેથી ભારત વધારે પ્રમાણમાં ક્રૂડ અને ઓઈલ ખરીદે એ માટે મોદીને તૈયાર કરી દીધા. સાથે સાથે અમેરિકા ભારતને એફ-35 જેટ ફાઈટર સહિતનાં ડીફેન્સ ઈક્વિપમેન્ટ આપશે એવી જાહેરાત પણ કરી દીધી. આ બંને મોટી જાહેરાતો છે ને તેના કારણે અમેરિકાને ફાયદો થવાનો છે. ભારતને નહીં.
અમેરિકાના પ્રમુખપદે શપથ લીધા પછી ટ્રમ્પે કેનેડા, મેક્સિકો, કોલંબિયા અને ચીન પર ટેરિફ લાદી દીધા હતા. ભારત અત્યાર સુધી ટ્રમ્પના ટેરિફ પગલાંથી બચી ગયું હતું પણ ટ્રમ્પે મોદીની યાત્રા વખતે એ કસર પણ પૂરી કરી દીધી. ટ્રમ્પના ટેરિફથી બચવા માટે ભારતે ઘણી અમેરિકન વસ્તુઓ પર ટેરિફ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં ભારતે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ જેમ કે 1600 સીસીથી ઓછા એન્જિનવાળી મોટરસાયકલ, ઉપગ્રહો માટે ગ્રાઉન્ડ ઇન્સ્ટોલેશન અને સિન્થેટિક ફ્લેવરિગ એસેન્સ પરના કર ઘટાડ્યા છે. આ સિવાય મહત્તમ ટેરિફનો રેટ પણ 150 ટકાથી ઘટાડીને 70 ટકા કરીને આપણે અમેરિકાના પગમાં આળોટી ગયેલા છતાં ટ્રમ્પે તેની દરકાર કર્યા વિના રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરીને ભારતની નિકાસને તો ફટકો માર્યો જ હતો ને તેમાં આ બે નવા ફટકા છે. ભારતમાં મોદીભક્તિમાં લીન એક વર્ગ એવો છે કે જે એક જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, અમેરિકાએ ચીની ઉત્પાદનો પર ટેરિફ લાદી તેનાથી અમેરિકન બજારમાં ભારતીય વસ્તુઓનું વેચાણ વધશે. એ લોકોની દલીલ છે કે, ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન જ્યારે ચીન સાથે ટેરિફ યુદ્ધ શરૂ થયું ત્યારે ભારત અમેરિકા સાથેના વ્યાપારમાં વિશ્વમાં ચોથા ક્રમનો સૌથી મોટો લાભાર્થી દેશ હતો.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન સહિતનાં સંગઠનોની દલીલ છે કે, યુએસ દ્વારા લદાનારા ટેરિફથી અમેરિકાના હરીફ એવા ચીન અને તેના દક્ષિણ કોરિયા અને જાપાન જેવા વેપારી ભાગીદારોને સૌથી વધારે અસર કરશે પણ ભારતને ફાયદો થશે કારણ કે તેને યુએસ બજારમાં ચીન જેવા દેશોની કંપનીઓ તરફથી ઓછી સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ ઉપરાંત જે કંપનીઓની ફેક્ટરીઓ ચીન અને ભારત બંનેમાં છે તેમને ભારતમાં વધુ ઓર્ડર મળવાનું શરૂ થશે.આ વાતો ગધેડાને તાવ આવે એવી છે. સૌથી પહેલી વાત તો એ કે, ભારત અમેરિકાના બજારમાં માલ વેચવામાં ચીન, જાપાન કે દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે સ્પર્ધામાં જ નથી. ચીન અમેરિકામાં દર વરસે 450 અબજ ડૉલરની નિકાસ કરે છે ને ભારતની નિકાસ માંડ 75 અબજ ડૉલરની છે. જાપાનની નિકાસ 141 અબજ ડૉલરની હતી ને સાઉથ કોરિયાની નિકાસ 116 અબજ ડૉલરની હતી. જાપાન અને સાઉથ કોરિયા પર તો અમેરિકાએ કોઈ ટેરિફ લાદ્યા નથી તેથી તેમને તો કોઈ અસર થવાની નથી પણ ચીનના ભોગે આપણને ફાયદો થવાની વાત જ બકવાસ છે.
ચીન સાથે આપણે ક્વોલિટી કે ક્વોન્ટિટી કોઈ રીતે સ્પર્ધામાં નથી. ચીન જે સસ્તા ભાવે અમેરિકાને માલ ધાબડે છે એ ભાલે માલ ધબાડવાની આપણામાં તાકાત જ નથી. આપણે ચીનથી કાચો માલ લાવીને વસ્તુઓ બનાવીએ છીએ ને અમેરિકા સહિતના દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ પછી ચીનથી સસ્તો માલ કઈ રીતે આપી શકીએ ? બીજું એ કે, આપણી પાસે ટેકનોલોજીની તાકાત નથી ને અમેરિકાને જે વધારે પ્રમાણમાં જોઈએ છે એ માલ બનાવવાની પણ તાકાત નથી. આ સંજોગોમાં અમેરિકાનાં ટેરિફ નિયંત્રણોથી ચીનને નુકસાન ને ભારતને ફાયદો થશે એવી વાતો ભક્તિ કરવા માટે બરાબર છે પણ વાસ્તવવાદી નથી.
ભારતે ખરેખર તો દુનિયાના બીજા દેશોના જેવા સ્પર્ધાત્મક બનવાની જરૂર છે. કમનસીબે એવું થયું નથી. ભારતને આત્મનિર્ભર બનાવવાની અને મેઈક ઈન ઈન્ડિયાની વાતો બહુ થાય છે પણ ખરેખર એ દિશામાં કશું નક્કર થતું નથી. ભારતીય લશ્કરે હમણાં ભારતની કંપનીઓને અપાયેલો 400 ડ્રોનનો ઓર્ડર કેન્સલ કર્યો. આ ડ્રોન સરહદે તૈનાત કરાયેલાં ત્યારે એક ડ્રોન તો ઉડ્યું જ નહીં કેમ કે ચીને હેક કરી લીધેલું. બીજું ડ્રોન ભારતમાં ઊડીને દુશ્મન દેશો પર નજર રાખવાના બદલે પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયું કેમ કે ડ્રોન ચીનના પાર્ટ્સથી બનાવેલાં હતાં. હવે ડ્રોન જેવી સાવ સામાન્ય પ્રોડક્ટ બનાવવા માટે પણ આપણે ચીન જેવા દેશો પર નિર્ભર હોઈએ તો પછી મેઈક ઈન ઈન્ડિયાની વાતનો કોઈ અર્થ નથી.
આ સ્થિતિ બધાં ક્ષેત્રોમાં છે. ભારત વિશ્વગુરૂ બની રહ્યું હોવાના ફાંકા બહુ મરાય છે પણ આપણે હજુ વિકસિત દેશોના શિષ્ય બનવાની લાયકાત પણ કેળવી શક્યા નથી. ખાલી વાતો કરવાના બદલે ભારતે સાયન્સ, ટેકનોલોજી, ઈનોવેશન વગેરેમાં બહુ મહેનત કરવાની જરૂર છે. ચીનથી તૈયાર માલ લાવીને એલેમ્બલ કરીને ફાંકા મારવાના બદલે જાતે બધું બનાવી શકીએ તો અમેરિકા સહિતના દેશોને નમાવી શકીએ, બાકી આપણી કોઈ કિમત નથી.