મોદી-શાહ શેરોમાં ઉછાળાની વાત કરે એ વ્યાજબી ના જ કહેવાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીનાં પરિણામ ચાર જૂને જાહેર થયાં ને ભાજપની કારમી હાર થઈ ત્યારે કરોડો ભક્તોનાં દિલ તો તૂટી ગયેલાં જ પણ શેરબજાર પણ તૂટી ગયેલું. શેરબજારના સેન્સેક્સમાં ચાર જૂને એક જ દિવસમાં ૬,૧૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયેલો અને રોકાણકારોના ૩૦ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયેલું.
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શેરબજારના કડાકાને મોટું કૌભાંડ ગણાવ્યું છે એ તેમની બાલિશતા છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ ભરીને દાવો કર્યો કે, લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલના પછીના દિવસે શેરબજારમાં તેજી આવી ને લોકોએ મોટા પ્રમાણમાં શેર ખરીદી લીધા કેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે, ચૂંટણી પછી શેરબજારમાં જોરદાર તેજી આવશે. લોકોએ તેમના ભરોસે શેર ખરીદી લીધા પણ પરિણામના દિવસે શેરબજાર તૂટ્યું તેમાં સામાન્ય રોકાણકારોને ૩૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાહુલે આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસની માંગ કરી છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો આ આક્ષેપોનો જવાબ આપે એવી અપેક્ષા ના જ રખાય કેમ કે એ લોકો તો કોઈને જવાબ આપવામાં માનતા જ નથી. તેમાં ને તેમાં ૩૦૩ લોકસભા બેઠકો પરથી ૨૪૦ બેઠકો પર આવી ગયા. ખેર, એ મુદ્દો અલગ છે પણ મોદી-શાહના બદલે પિયૂષ ગોયલ જવાબ આપવા હાજર થઈ ગયા છે. પિયૂષ ગોયલે હાસ્યાસ્પદ વાત કરી છે કે, રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં વિપક્ષની હારના આઘાતમાંથી હજુ બહાર નીકળી શક્યા નથી.
ગોયલના કહેવા પ્રમાણે, પોતાની હતાશા છૂપાવવા રાહુલ હવે માર્કેટના લોકોનો કોન્ફિડેન્સ ઘટાડી રહ્યા છે અને રોકાણકારોમાં ડર ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે અને આખી દુનિયાની નજર તેના પર છે ત્યારે આવી વાતો ના કરવી જોઈએ. ગોયલે તો જેપીસીની માગને પણ પાયાવિહોણી ગણાવીને સવાલ કર્યો છે કે, કૉંગ્રેસે તેમના શાસનકાળમાં બજારો કેવી રીતે તૂટતાં હતાં તેની સ્પષ્ટતા કરવી જોઈએ. ગોયલના કહેવા પ્રમાણે, માર્કેટમાં વધઘટ સામાન્ય છે ત્યારે તેને કૌભાંડ ના ગણાવી શકાય.
ગોયલે બીજી વાહિયાત વાત એ કરી કે, કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા મોરચાને સરસાઈ મળી રહી હોવાનું શરૂઆતના ટ્રેન્ડમાં બતાવાયું ત્યારે માર્કેટ ગબડી ગયું હતું. તેના પરથી સાબિત થાય છે કે જનતા અને રોકાણકારો કૉંગ્રેસ પર ભરોસો કરતા નથી. ફરી મોદી સરકાર આવશે એવું લાગ્યું પછી રોકાણકારોનો વિશ્ર્વાસ વધ્યો છે અને શેરબજાર પાછું નોર્મલ થવા માંડ્યું છે.
માર્કેટમાં વધઘટ સામાન્ય છે એવી ગોયલની વાત સાચી છે પણ એક્ઝિટ પોલ પછી અને પરિણામના દિવસે જોવા મળેલી વધઘટ સામાન્ય નહોતી. લોકસભાની ચૂંટણીમાં પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું પછી ટીવી ચેનલોએ બહાર પાડેલા એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને ૪૦૦ કરતાં વધારે બેઠકો મળશે એવી આગાહી કરાઈ હતી.
ભાજપ પણ પોતાની તાકાત પર સ્પષ્ટ બહુમતી મેળવીને ૩૧૦ જેટલી બેઠકો મેળવશે એવી આગાહી કરાયેલી. આ આગાહીના કારણે ત્રીજી જૂને શેરબજાર ખૂલ્યું ત્યારે ચોતરફી તેજી હતી અને લેવાલી જ લેવાલી હતી. ત્રીજી જૂને સેન્સેક્સમાં ૨,૫૦૭ પોઈન્ટનો તોતિંગ વધારો નોંધાયો હતો અને સેન્સેક્સ ૭૫ હજારને પાર થઈ ગયો હતો.
નિફ્ટીમાં પણ ૮૦૦ કરતાં વધારે પોઈન્ટનો વધારો થયેલો ને મિડ-કેપ નિફ્ટીમાં તો એવી જબરદસ્ત તેજી જોવા મળી હતી કે, નિફ્ટી કરતાં પણ વધારે ઉછાળો નોંધાયો હતો. ચાર જૂન ને મંગળવારે પરિણામો જાહેર થયાં એ સાથે જ સેન્સેક્સ ૬,૧૦૦ પોઈન્ટ તૂટી જતાં છેલ્લા કેટલાય દિવસોની તેજી ધોવાઈ ગઈ હતી ને રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવેલો.
શેરબજારમાં જે અસર જોવા મળી એ એક્ઝિટ પોલની હતી કેમ કે એક્ઝિટ પોલમાં સાવ ખોટા દાવા કરીને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને ૩૫૦ કરતાં વધારે બેઠકો અને ભાજપને ૩૦૦થી વધારે બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરાયેલી. આ આગાહીનો મતલબ એ થતો હતો કે, દેશમાં પાંચ વર્ષ સુધી રાજકીય સ્થિરતા રહેશે ને રાજકીય સ્થિરતા રહે ત્યારે શેરબજાર વધતું જ હોય છે. આ બહુ સામાન્ય વાત છે ને એ સંજોગોમાં રોકાણકારોના ૩૦ લાખ કરોડ ધોવાઈ ગયા તેના માટે એક્ઝિટ પોલ જવાબદાર છે.
અલબત્ત રાહુલ ગાંધી કહે છે એ વાત પણ સાવ મોં-માથા વિનાની નથી જ. અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ નહીં પણ નિર્મલા સીતારમણને પણ પરિણામો જાહેર થયાં એ પહેલાંના ૨૦ દિવસના ગાળામાં શેરબજારમાં જોરદાર તેજી આવવાની છે એવી વાતો કરી હતી. અમિત શાહે ૧૩ મે, ૨૦૨૪ના રોજ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં લોકોને ચાર જૂન પહેલાં શેર ખરીદી લેવાની સલાહ આપી હતી.
નરેન્દ્ર મોદીએ ૧૯ મેના રોજ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કરેલો કે, અમે ૨૫ હજાર પોઈન્ટથી યાત્રા શરૂ કરેલી અને અત્યારે ૭૫ હજાર પર પહોંચ્યા છીએ. ચાર જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ભારતનું સ્ટોક માર્કેટ એ હદે વધશે કે શેરબજારોના પ્રોગ્રામિંગવાળા થાકી જશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પણ ૩૦ મેના રોજ સીએનએન-ન્યુઝ ૧૮ને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કરેલો કે, ચાર જૂને ભાજપ માટે જોરદાર પરિણામો આવશે અને શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળશે.
આ વાત અસામાન્ય છે કેમ કે મોદી, શાહ કે નિર્મલા આ દેશની સરકારમાં બેઠેલા લોકો છે. એ લોકો શેરબજારના દલાલોની જેમ ચાર જૂને શેરોમાં જોરદાર તેજી આવશે એવી વાત કઈ રીતે કરી શકે? એ લોકોનું કામ દેશ ચલાવવાનું છે કે, શેરબજારમાં ક્યારે તેજી આવશે તેની આગાહીઓ કરવાનું છે?
જોકે આ નિવેદનો જીતનો આત્મવિશ્ર્વાસ બતાવવા માટે કર્યા હતા તેવું લાગે છે. એ જે હોય તે સરકારમાં બેસેલી વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.