મોદી નહેરુની જેમ સર્વસ્વીકૃત નેતા નથી બની શક્યા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની તમામ બેઠકોનાં પરિણામ આવી ગયાં અને કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં તોડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપે બહુ કૂદાકૂદ કરી અને ૩૭૦ બેઠકો એકલા હાથે જીતીને સરકાર રચીશું એવા દાવા કરેલા પણ આ દાવા ફૂસ્સ થઈ ગયા પછી હવે ભાજપ સાથી પક્ષોના શરણે આવી ગયો છે.
ભાજપ એકદમ ઢીલો પડી ગયો છે અને બધી બેઠકો છોડીને સાથી પક્ષોને સાચવવામાં લાગ્યો છે તેનો પુરાવો એ પણ છે કે, મંગળવારે ભાજપના હેડક્વાર્ટર પર કહેવાતા વિજયોત્સવને મનાવવા માટે થયેલા કાર્યક્રમમાં એનડીએના નેતાઓનાં હોર્ડિંગ્સ લગાવાયાં હતાં. બાકી અત્યાર લગી ભાજપ નરેન્દ્ર મોદી સિવાય કોઈને નેતા જ ગણવા તૈયાર નહોતો. એનડીએના નેતાઓનાં પોસ્ટર ભાજપ હેડક્વાર્ટર પર લાગે તેની તો કલ્પના પણ થઈ નહોતી શકતી. ભાજપના કાર્યકરોને કરેલા સંબોધનમાં પણ જે.પી. નડ્ડાથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના બધાએ એનડીએની જીત છે એવું કહેવું પડ્યું.
ભાજપે સાથી પક્ષોને સાચવવાની ક્વાયત હજુ તમામ પરિણામો નહોતાં આવ્યાં એ પહેલાં જ શરૂ કરી દીધેલી. કૉંગ્રેસ સહિતના પક્ષો પણ આખેટ પર નીકળ્યા છે તેથી એ લોકો કોઈનો પણ સંપર્ક કરે એ પહેલાં ભાજપે તાત્કાલિક સાથી પક્ષોની બેઠક પણ બોલાવી લીધી હતી. ભાજપના નેતાઓ લોકસભાની ચૂંટણી પહેલાં જે ચંદ્રાબાબુ નાયડુને ટટળાવ્યા કરતા હતા ને મળવા પણ તૈયાર નહોતા એ ચંદ્રાબાબુને નરેન્દ્ર મોદી અને અમિત શાહે સામેથી ફોન કરીને દિલ્હી આવવા નોંતરું આપવું પડ્યું. નીતિશ કુમારને દિલ્હી આવવા માટે વીનવવા ખુદ સમ્રાટ ચૌધરીને મોકલવા પડ્યા. બીજા સાથી પક્ષોને પણ ભાજપે અછોવાનાં કરીને દિલ્હી બોલાવવા પડ્યા છે.
દિલ્હીમાં મળેલી એનડીએની બેઠકમાં સરકાર રચવાની મુદ્દે ચર્ચા થઈ છે અને તેનું શું પરિણામ આવે છે તેની એકાદ-બે દિવસમાં ખબર પડશે. એ વખતે તેની વાત કરીશું પણ એ પહેલાં આ ચૂંટણીનાં પરિણામોએ આપેલા એક બહુ મોટા સંકેતની વાત કરી લઈએ.
આ પરિણામોએ એક સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, ભાજપના નેતા અત્યાર સુધી તેમને જે રીતે અત્યાર સુધીના સૌથી વધારે લોકપ્રિય અને મહાનત્તમ વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતા હતા એવી તેમની લોકપ્રિયતા નથી. ભાજપના નેતા સતત નરેન્દ્ર મોદીની સરખામણી દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે કર્યા કરે છે. નહેરુએ આ ભૂલ કરી ને પેલી ભૂલ કરી ને મોદી હવે આ ભૂલોને સુધારી રહ્યા છે એવી વાતો કરે છે.
ચાપલૂસીમાં બે ડગલાં આગળ નીકળી ગયેલા ભાજપના ઘણા નેતાઓએ તો મોદીને મહાત્મા ગાંધી સાથે પણ સરખાવેલા છે. ચાપલૂસી કરનારમાં વિવેકબુદ્ધિ હોતી નથી તેથી તેમની વાત નથી કરતા પણ આ પરિણામોનો સ્પષ્ટ સંકેત એ છે કે, મોદી મહાત્મા ગાંધીની વાત તો છોડો પણ જવાહરલાલ નહેરુની બરાબરી પણ કરી શકે તેમ નથી. મોદી જવાહરલાલ નહેરુની જેમ સળંગ ત્રણ વાર સ્પષ્ટ બહુમતી મેળવીને જીતનારા વડા પ્રધાન નથી બની શક્યા. એ રીતે તો મોદી જવાહરલાલ કરતાં ઉણા ઉતર્યા જ છે પણ બીજી ઘણી રીતે પણ નહેરુની બરાબરી નથી કરી શક્યા.
મોદીએ તેમના દસ વર્ષના શાસનમાં ઘણા સારા નિર્ણયો લીધા અને ઘણાં સારાં કામ પણ કર્યાં પણ એ નહેરુની જેમ સમગ્ર દેશમાં સ્વીકૃત નેતા નથી બની શક્યા એ સ્પષ્ટ છે. નહેરુના વખતમાં કૉંગ્રેસ દેશનાં તમામ રાજ્યોમાં પ્રભાવ ધરાવતી હતી અને જીતતી હતી. મોદીના દસ વર્ષના શાસન પછી પણ હજુય ઘણાં રાજ્યો એવાં છે કે જ્યાં ભાજપનો ગજ વાગતો નથી.
પશ્ર્ચિમ બંગાળ, કેરળ, આંધ્ર પ્રદેશ તમિલનાડુ વગેરે રાજ્યોમાં ભાજપનું કશું ઉપજતું નહોતું ને હજુય ઉપજતું નથી. બંગાળમાં ભાજપે તોડફોડ કરીને મમતા બેનરજીની પાર્ટીના નેતાઓનો શંભુમેળો ભેગો કરેલો ને તેના જોરે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ૧૮ બેઠકો જીતી હતી. આ વખતે ભાજપ બંગાળમાં ૧૦ બેઠકો પર આવીને ઊભો રહી ગયો છે. મોદી બંગાળમાં મમતા સામે પોતે મેદાનમાં ઉતરેલા અને સંદેશખાલી સહિતના મુદ્દાઓને ચગાવવામાં કોઈ કસર નહોતી છોડી. મોદી પોતાના નામે ગેરંટીઓ આપતા હતા પણ એ ગેરંટીઓ કે મુદ્દા કશું પણ લોકોને આકર્ષી શક્યું નથી તેનો અર્થ એ થાય કે, બંગાળમાં એક નેતા તરીકે મોદીની સ્વીકૃતિ એટલી નથી જેટલી મમતા બેનરજીની છે.
તમિલનાડુ અને કેરળમાં તો હાલત બંગાળ કરતાં પણ વધારે ખરાબ છે. તમિલનાડુમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અન્નમલાઈએ પૂરી તાકાત લગાવી દીધેલી અને મોદી સતત તેમના પડખે હતા. મોદીએ ડીએમકે સનાતન ધર્મ વિરોધી હોવાથી માંડીને પરિવારવાદી હોવા સુધીના પ્રહાર મોદીએ કરેલા. તમિલનાડુના લોકોને મોદીની આ વાત પસંદ નથી આવી કેમ કે તમિલ પ્રજામાં મોદીની કોઈ સ્વીકૃતિ જ નથી.
કેરળમાં પણ એવી જ સ્થિતિ છે. કેરળમાં ભાજપનો કોઈ ઉમેદવાર લોકસભામાં ચૂંટાયો હોય એવું પહેલી વાર બન્યું છે. ભાજપ તેની વધાઈઓ ખાઈ રહ્યો છે પણ તેનો યશ મોદીને કે ભાજપને જતો નથી. કેરળમાં ભાજપના પહેલા સાંસદ તરીકે ચૂંટાયેલા સુરેશ ગોપી દક્ષિણની ફિલ્મોના લોકપ્રિય એક્ટર છે. દક્ષિણની તમામ ભાષાની અઢીસોથી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુરેશ ગોપી ભાજપના નામે ચૂંટાવા માટે છેલ્લા ૧૦ વર્ષથી મથતા હતા. એક વાર લોકસભાની ને એક વાર વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયેલા ને હવે ત્રીજા પ્રયત્ને સફળ થયા છે. સુરેશ પોતાની તાકાત પર સફળ થયા છે ને તેનો મતલબ સ્પષ્ટ છે કે કેરળમાં પણ મોદીના નામનો કોઈ પ્રભાવ નથી. મોદીએ નહેરુની જેમ સળંગ ત્રીજી વાર વડા પ્રધાન બની શકે છે ને કદાચ નહેરુ કરતાં વધારે વર્ષ વડા પ્રધાનપદે રહે એવું પણ બને પણ માત્ર સત્તામાં ટકી રહેવાથી મહાનત્તમ કે લોકપ્રિય નથી બનાતું. નીતિશ કુમાર છેલ્લાં ૨૦ વર્ષથી બિહારના મુખ્ય પ્રધાન છે પણ માત્ર એ કારણે એ મહાનતમ મુખ્ય પ્રધાન નથી બની જતા. માત્ર ચૂંટણી જીતીને સત્તા હાંસલ કરવાથી કોઈ મહાનત્તમ નથી બની જતું. મહાનત્તમ બનવા માટે ઈતિહાસ રચવા પડે છે, અમીટ છાપ છોડવી પડે છે. આશા રાખીએ કે, ભાજપના નેતા આ વાત સમજશે ને મોદીને નહેરુકરતાં મહાન સાબિત કરવાના ઉધામા છોડી દેશે.