એકસ્ટ્રા અફેર

ખાતાંની ફાળવણીમાં પણ મોદીએ જોખમ લેવાનું ટાળ્યું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી મોરચા સરકારમાં ખાતાંની ફાળવણી કરી દીધી અને મંત્રીઓની પસંદગીની જેમ ખાતાંની ફાળવણીમાં પણ મોદીએ કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે. મોદી કેબિનેટમાં ૩૦ કેબિનેટ રેન્કના મંત્રી છે અને તેમાંથી ૫ મંત્રી સાથી પક્ષોના છે. આ મંત્રીઓને મોદી કયાં ખાતાં ફાળવે છે તેના પર તો સૌની નજર હતી જ પણ સાથે સાથે ભાજપના ટોચના નેતાઓને કયાં ખાતાં અપાય છે એ જાણવામાં પણ સૌને રસ હતો.

ચંદ્રાબાબુ નાયડુએ અમિત શાહને ગૃહ મંત્રાલય નહીં આપવા સહિતની શરતો મૂકી હોવાની વાતો ચાલી તેના કારણે ખાતાંની ફાળવણી અંગે ભારે ઉત્સુકતા સર્જાયેલી પણ મોદીએ ખાતાંની ફાળવણી કરી પછી સ્પષ્ટ થઈ ગયું કે આ વાતોમાં કોઈ દમ નથી.

મોદીએ કરેલા ફાળવણીમાં મનસુખ માંડવિયા, ગજેન્દ્રસિંહ શેખાવત અને જ્યોતિરાદિત્ય સિંધિયાના મંત્રાલયને બાદ કરતાં કોઈ મોટા ફેરફાર નથી. ભાજપના પાંચ દિગ્ગજ મંત્રીઓનાં ખાતાં યથાવત્ રખાયાં છે. રાજનાથ સિંહને સંરક્ષણ, અમિત શાહને ગૃહ અને સહકાર, નિર્મલા સીતારામનને નાણાં અને અને કોર્પોરેટ બાબતો, નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે અને એસ. જયશંકરને પાછા વિદેશ મંત્રી બનાવી દેવાયા છે.

નડ્ડાએ કેબિનેટમાં વાપસી કરી પછી તેમને જૂનું મંત્રાલય પાછું અપાયું તેમાં માંડવિયા વેતરાયા છે. ૨૦૧૪ની કેબિનેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નડ્ડાને આરોગ્ય મંત્રી બનાવ્યા હતા. નડ્ડા ૨૦૧૯માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનતાં મંત્રીમંડળમાંથી જતા રહેલા. પાંચ વર્ષ પછી તેમણે આરોગ્ય મંત્રી તરીકે પુનરાગમન કર્યું છે.

ભાજપના સેક્ધડ કેડરના નેતાઓમાં ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ, અશ્ર્વિની વૈષ્ણવને રેલવે મંત્રી, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા પીયૂષ ગોયલને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ફરી આપી દેવાયાં છે. હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલય તથા ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય પાછાં મળ્યાં છે. નવા મંત્રી બનેલા ભાજપના બે ધુરંધર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓમાંથી શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય જેવાં દમદાર ખાતાં મળ્યાં છે તો મનોહરલાલ ખટ્ટરને આવાસ અને શહેરી બાબતો અને ઊર્જા મંત્રી બનાવાયા છે.

મોદીએ જેમનાં ખાતાં બદલ્યાં તેમાં મનસુખ માંડવિયા સૌથી મોટા નુકસાનમાં છે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા ફાયદામાં છે. માંડવિયા પાસે છેલ્લી સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવાં દમદાર ખાતાં હતાં. આ ખાતાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને આપી દેવાયાં છે ને લટકામાં રસાયણ અને ખાતર મંત્રી પણ બનાવાયા છે. માંડવિયાને અપાયેલું શ્રમ અને રોજગાર મંત્રાલય પ્રમાણમાં નબળું છે. માંડવિયાને યુવા બાબતો અને રમતગમત મંત્રી પણ બનાવાયા છે પણ એ પણ નબળું મંત્રાલય કહેવાય. પહેલાં અનુરાગ ઠાકુર પાસે આ મંત્રાલય હતું કે જે રાજ્ય કક્ષાના મંત્રી હતા એ જોતાં માંડવિયા બંને બાજુ નુકસાનમાં છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે પહેલાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય હતું. તેના બદલે ટેલિકોમ્યુનિકેશન જેવું વજનદાર ખાતું મળ્યું છે.

સાથી પક્ષોના મંત્રીઓમાં સૌથી વધારે ફાયદામાં કુમારસ્વામી છે કે જેમને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય મળ્યાં છે. જેડીએસના લોકસભામાં બે જ સભ્યો હોવા છતાં કુમારસ્વામીને દમદાર મંત્રાલય આપી દેવાયું છે. જેડીયુના રાજીવ રંજન સિંહ ઉર્ફે લલનસિંહને પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બનાવાયા છે. આ મંત્રાલયો પણ બહુ મોટાં છે તેથી જેડીયુ પણ ફાયદામાં છે. ટીડીપીના રામમોહન નાયડુને સિધિયાનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય જ્યારે જિતનરામ માંઝીને માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રી અપાયાં છે. માંઝી પોતાની પાર્ટીના એકલા સાંસદ હોવા છતાં મોટું મંત્રાલય રહીને ફાયદામાં રહ્યા છે. ચિરાગ પાસવાનને તેમના પિતાએ વરસો લગી સંભાળ્યું એ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય પાછું અપાયું છે કે જે તેમના કાકા પશુપતિ પારસ પાસે હતું.

રાજ્ય કક્ષાના સ્વતંત્ર મંત્રીઓમાં અર્જુનરામ મેઘવાલને કાયદા અને ન્યાય મંત્રાલય પાછું મળ્યું છે એ વજનદાર ખાતું છે પણ સાથી પક્ષોના બંને મંત્રી જ્યંત ચૌધરી (આરએલડી) અને પ્રતાપરાવ જાધવ (શિવસેના)ને સાવ હલકાં ખાતાં આપીને ફોસલાવી દેવાયા છે. આરએલડીના તો બે જ સાંસદ છે પણ શિવસેનાના સાત સાંસદ હોવા છતાં ના કેબિનેટ મંત્રાલય મળ્યું ને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલામાં પણ સાવ હલકું મંત્રાલય મળ્યું એ આશ્ર્ચર્યજનક છે.

ગુજરાતનો આ મંત્રીમંડળમાં ફરી દબદબો છે કેમ કે બધા મંત્રીઓને દમદાર ખાતાં મળ્યાં છે. અમિત શાહ ફરી એક વાર કેન્દ્રીય મંત્રી અને સહકાર મંત્રી બન્યા છે. શાહ ૨૦૧૯માં પણ ગૃહ મંત્રી હતા ને પછી નવું બનાવાયેલું સહકાર મંત્રાલય અપાયેલું. મોદી ૩.૦માં ફરી ગૃહ અને સહકાર મંત્રાલય મળતાં શાહનો દબદબો યથાવત્ છે.

મંત્રીમંડળમાં સૌથી જુનિયર કેબિનેટ મંત્રી સી.આર. પાટીલને જલ શક્તિ મંત્રાલયની કમાન આપવામાં આવી છે. અત્યાર સુધી ગજેન્દ્રસિંહ શેખાવત આ મંત્રાલય સંભાળતા હતા પણ કશું ઉખાડી શક્યા નહોતા તેથી પાટીલ પાસે પોતાનો પાવર બતાવવાની જોરદાર તક છે. ભારતમાં વોટર મેનેજમેન્ટ બહુ મોટી સમસ્યા છે એ જોતાં પાટીલ ધારે તો ઘણું કરી શકે તેમ છે.

મનસુખ માંડવિયાને મોદી કેબિનેટમાં આરોગ્ય સ્વાસ્થ્ય મંત્રાલય સંભાળવા માટે આપવામાં આવ્યું હતું. હવે માંડવિયા શ્રમ અને રોજગાર મંત્રાલય અને યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયની કમાન સંભાળશે. મોદીએ માંડવિયાને નવા મજૂર કાયદાના અમલ માટે પસંદ કર્યા છે તેથી તેમનું મહત્ત્વ ઘટ્યું નથી પણ મંત્રાલયનું વજન ઘટ્યું છે. આપણા બહુ જૂના મજૂર કાયદામાં ફેરફાર કરીને ભારત સરકારે ચાર નવા લેબર કોડ બનાવ્યા છે. આ લેબર કોડ હજી સુધી લાગુ થઈ શક્યા નથી કેમ કે યુનિયનો સહિત ઘણાંનો વિરોધ છે. માંડવિયા માટે એ રીતે કપરું કામ છે.

ગુજરાતનાં એક માત્ર મહિલા મંત્રી નીમુબેન બાંભણિયા માટે જે મળે એ સોનાનું હતું ને તેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. પ્રહલાદ જોશીના હાથ નીચે નીમુબેન કામ કરશે ને અનુભવ મેળવશે. ૫૮ વર્ષીય નીમુબેન બાંભણિયા ભાવનગરમાં ૨ વખત મેયર રહી ચૂક્યાં છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રહી ચૂકેલાં નીમુબેન તો પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાતાં જ મંત્રી બની ગયાં છે તેથી તેમના માટે તો વકરો એટલો નફો જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button