માયાવતી કાંશીરામ ના બની શક્યાં, વંશવાદી નિકળ્યાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તર પ્રદેશમાં મહત્ત્વનું રાજકીય પરિબળ મનાતા બહુજન સમાજ પાર્ટીમાં માયાવતી પછી કોણ એ સવાલ લાંબા સમયથી પૂછાતો હતો. રવિવારે માયાવતીએ આ સવાલનો જવાબ આપીને પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય વારસ જાહેર કરી દીધા. રવિવારે લખનઊમાં મળેલી બસપાના ટોચના નેતાઓની બેઠકમાં માયાવતીએ આકાશ પોતાનો રાજકીય વારસ હશે એવું એલાન કરી દીધું. આકાશ આનંદ માયાવતીના ભાઈ આનંદ કુમારનો દીકરો છે અને આનંદ કુમાર અત્યારે બસપાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ છે જ્યારે આકાશ આનંદ રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર છે.
આકાશ આનંદને માયાવતીએ પોતાનો રાજકીય વારસ જાહેર કર્યો એ સમાચાર મોટા છે કેમ કે લોકસભાની ચૂંટણીને ગણીને ચારેક મહિના જ બચ્યા છે ત્યારે જ માયાવતીએ આ એલાન કર્યું છે પણ આશ્ચર્યજનક નથી. વાસ્તવમાં પાંચ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૯ના જાન્યુઆરીમાં જ માયાવતીએ આકાશ આનંદ પોતાનો રાજકીય વારસ બનશે તેનો સંકેત આપી દીધેલો. માયાવતીએ એ વખતે જ બસપામાં ‘ભતીજા’ની એન્ટ્રીનો તખ્તો તૈયાર કરી નાખેલો. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને બસપા જોડાણ કરીને લડેલાં તેથી અખિલેશ માયાવતીને બુઆ એટલે કે ફોઈ કહેતો હતો. આકાશ આનંદ અખિલેશ યાદવની જેમ રાજકીય સ્વાર્થને ખાતર બની બેઠેલો ભત્રીજો નહોતો પણ માયાવતીનો સાચો ભત્રીજો હતો ને તેને માયાવતીએ બસપાનો રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર ને તેના પિતા આનંદ કુમારને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવ્યા તે વખતે જ નક્કી થઈ ગયેલું કે, આકાશ ગમે ત્યારે માયાવતીની જગા લેશે.
માયાવતીએ એ વખતે એલાન કરેલું કે, એ પોતાના ભત્રીજા આકાશને બસપાના અભિયાનમાં સામેલ કરશે ને તેને શીખવાની તક આપશે. માયાવતી વંશવાદને પોષી રહ્યાં છે એવી ટીકા થઈ તેના જવાબમાં માયાવતીએ કહેલું કે, પોતાના નાના ભાઈ આનંદ કુમાર અને તેના પરિવારે ૨૦૦૩થી બસપા માટે ઘણાં બલિદાન આપ્યાં છે એ જોતાં તેના દીકરાને બસપામાં તક મળે તેમાં કશું ખોટું નથી. માયાવતીના નિવેદન પરથી જ બસપાના નેતાઓને ભાવિનો સંકેત મળી ગયેલો. હવે બરાબર પાંચ વર્ષ પછી એ સંકેત વાસ્તવિકતામાં પરિણમ્યો છે. ૬૭ વર્ષનાં માયાવતી હવે પોતાની રાજકીય લીલા સંકેલશે કે નહીં એ ખબર નથી પણ હવે તેમની લીલા તેમનો પરિવાર આગળ ધપાવશે એ નક્કી થઈ ગયું છે.
બસપામાં અત્યારે માયાવતી સર્વેસર્વા છે ને એ તેમની અંગત જાગીર બની ગયેલી છે. આ અંગત જાગીર તેમને કાંશીરામ પાસેથી મળેલી. માયાવતી દેશનાં ટોચનાં રાજકારણી છે પણ તેમની અંગત જીંદગી વિશે લોકો બહુ ઓછું જાણે છે. માયાવતીએ કાંશીરામનો હાથ પકડીને કઈ રીતે દેશનાં ટોચનાં મહિલા રાજકારણી બનવા સુધીની સફર તય કરી તેની મોટા ભાગનાં લોકોને ખબર નથી તેથી સૌથી પહેલાં તો એ સફર વિશે જાણવું જરૂરી છે.
માયાવતી ૧૫ જાન્યુઆરી, ૧૯૫૬ના રોજ નવી દિલ્હીના દલિત પરિવારમાં જન્મ્યાં હતાં. તેમના પિતા પ્રભુદાસ પોસ્ટ ઓફિસમાં કર્મચારી હતા જ્યારે માતા ગૃહિણી હતાં. એ વખતના મોટા ભાગના પરિવારોની જેમ માયાવતીને કુલ છ ભાઈ અને બે બહેનો છે. માયાવતી સરકારી સ્કૂલમાં ભણ્યાં ને આગળ આવ્યાં છે. ૧૯૭૫માં કાલિંદી કોલેજમાંથી બી.એ. થયાં પછી માયાવતીએ એલ.એલ.બી. કર્યું એ પછી બી.એડ. કરીને શિક્ષિકા બન્યાં હતાં.
માયાવતી દિલ્હીમાં ઈન્દરપુરી જે. જે. કોલોનીની સ્કૂલમાં ભણાવતાં હતાં અને સાથે સાથે સિવિલ સર્વિસીસની તૈયારી કરતાં હતાં ત્યારે કાંશીરામ સાથે મુલાકાત થઈ. કાંશીરામ યુનિયન લીડર તરીકે જાણીતા હતા તેથી પોસ્ટલ કર્મચારી પ્રભુદાસના પરિવાર સાથે ઘરોબો હતો. ૧૯૭૭માં કાંશીરામ તેમના ઘરે આવ્યા ત્યારે તેમણે માયાવતીને શિક્ષિકા બનવા બદલ વખાણીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.
માયાવતી કાંશીરામથી ભારે પ્રભાવિત થયાં હતાં તેથી સંપર્ક વધાર્યો ને પછી તેમની સાથે જ જોડાઈ ગયાં. આ જોડાણના કારણે માયાવતી દેશનાં ટોચનાં મહિલા રાજકારણી બની શક્યાં. કાંશીરામ પોતે પરિવારને છોડીને દલિતોના ઉધ્ધાર માટે મચી પડેલા. ૧૯૮૪માં તેમણે બસપાની સ્થાપના કરીને દેશના રાજકારણને બદલવાનું શરૂ કર્યું. પહેલી ચૂંટણીમાં તેમને બહુ સફળતા નહોતી મળી પણ પછી ધીરે ધીરે સફળતા મળવા માંડી. ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધીમાં તો બસપા યુપીના રાજકારણમાં મહત્વનું પરિબળ બની ગઈ હતી. કાંશીરામને સત્તામાં રસ નહોતો તેથી તેમણે માયાવતીને રાજકીય વારસ બનાવ્યાં અને તેના કારણે બસપા સરકાર રચી શકી ત્યારે માયાવતી મુખ્યમંત્રી બન્યાં. માયાવતી યુપી જેવાં મોટાં રાજ્યમાં કુલ ચાર વાર મુખ્યમંત્રી બન્યાં છે ને આ સિદ્ધિ નાની નથી.
માયાવતી કાંશીરામની સાથે રહ્યાં પણ કમનસીબે કાંશીરામ જેવા ના બની શક્યાં. પંજાબમાં કાંશીરામનો પોતાનો પરિવાર હતો પણ કાંશીરામે પરિવારવાદને પોષીને બસપામાં તેમને આગળ કરવાના બદલે માયાવતી સહિતના નેતાઓને આગળ કર્યાં. માયાવતી કાંશીરામ સાથે હતાં ત્યારે એ પણ એ જ રસ્તે આગળ વધી રહ્યાં હોય એવું લાગતું હતું. માયાવતીને કુલ છ ભાઈ અને બે બહેનો છે પણ માયાવતી સાથે તેમના સંબંધો બહુ ગાઢ નહોતા રહ્યા. માયાવતી વરસોથી કાંશીરામ સાથે જોડાઈ ગયેલાં તેથી પરિવાર સાથે બહુ નથી રહ્યાં. સૌથી નાના ભાઈ આનંદ કુમાર સાથે માયાવતીને સંબંધો રહ્યા. એ પોતાના દીકરા આકાશ સાથે બસપામાં ૨૦૧૭માં જોડાયાં હતાં પણ એ સિવાય માયાવતીના પરિવાર સાથે ગાઢ સંબંધો નહોતા.
આ સંજોગોમાં માયાવતી પણ કાંશીરામની જેમ કોઈ તેજતર્રાર નેતાને બસપા સોંપી જશે એવું લાગતું હતું પણ તેના બદલે માયાવતી વંશવાદી નિકળ્યાં. આખી જિંદગી કોંગ્રેસના વંશવાદની ટીકા કરનારાં માયાવતીએ પણ ભત્રીજાને રાજકીય વારસ બનાવ્યો.
માયાવતીના મનમાં પરિવારને પાર્ટી સોંપવાનું વરસોથી ચાલતું હશે કેમ કે માયાવતીએ બસપામાં કોઈ નેતાને મોટા જ ના થવા દીધા. એક જમાનામાં કાંશીરામ બસપાના સર્વેસર્વા હતા પણ માયાવતી તેમની સાથે હતાં તેથી બસપાની વાત નીકળે ત્યારે માયાવતીનો ઉલ્લેખ પણ કાંશીરામની સાથે જ થતો. કાંશીરામની વિદાય પછી બસાપા પર માયાવતીએ સંપૂર્ણ કબજો કરીને બીજા કોઈ નેતાને આગળ જ ના આવવા દીધા. બસપામાં માયાવતી સિવાય બીજા ક્યા નેતા છે તેની જ લોકોને ખબર ના રહે એવી હાલત થઈ ગઈ. બસપા પર કબજો કરવો એ માયાવતીના વંશવાદી એજન્ડાનો જ ભાગ હશે એવું લાગે છે.