એકસ્ટ્રા અફેર

મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ, ઠેકેદારો-નેતાઓ ચૂપ કેમ ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓના ભરણપોષણના અધિકાર અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, કોઇ પણ મુસ્લિમ મહિલા છૂટાછેડા લીધા બાદ પોતાના પતિ પાસેથી ભરણપોષણ માગી શકે છે અને સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલાઓને પણ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. આ ચુકાદાએ 1985ના શાહબાનો કેસના ચુકાદાની યાદ અપાવી દીધી છે કેમ કે આ કેસ બિલકુલ શાહબાનો કેસ જેવો જ છે. સાથે સાથે એ અહેસાસ પણ કરાવી દીધો છે કે, ભારત 4 દાયકામાં બહુ બદલાયું છે અને 2024 એ 1985 નથી.

શાહબાનો કેસના ચુકાદા સામે મુસ્લિમોના કહેવાતા આગેવાનોએ હોહા કરી મૂકીને રાજીવ ગાંધીની સરકારને ઘૂંટણિયે પાડીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો બદલતો કાયદો પસાર કરાવ્યો હતો. એ વખતે રાજકારણીઓ પણ મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં સુપ્રીમ કોર્ટ દખલગીરી નહીં કરે એવો બકવાસ કરતા હતા.

અત્યારે 2024મા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કોઈ ચૂં કે ચાં કરતું નથી. આ ચુકાદાની વિરુદ્ધ કોઈ એક હરફ નથી ઉચ્ચારી રહ્યું. મુસ્લિમોના બની બેઠેલા આગેવાનો તો બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા જ છે પણ નેતાઓ પણ ચૂપ છે.

ભારતમાં આ ફરક કેમ આવ્યો તેની વાત કરીશું પણ એ પહેલાં આ કેસ અને શાહબાનો કેસ શું હતા તેની વાત કરી લઈએ. આ કેસમાં તેલંગાણાના મોહમ્મદ અબ્દુલ સમદે 2017માં તેની પત્નીને છૂટાછેડા આપ્યા પછી ઇદ્દતના સમય સુધી મહિને 15 હજાર ભરણપોષણ આપેલું પણ પછી ભરણપોષણ આપવા તૈયાર નહોતો. તેની પત્નીએ સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણપોષણની માગ
કરી હતી.

ફેમિલી કોર્ટે પત્નીની અરજી મંજૂર રાખીને મહિને 20 હજાર રૂપિયા ભરણપોષણ મંજૂર કરેલું, પતિએ ફેમિલી કોર્ટના નિર્ણયને તેલંગાણા હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇ કોર્ટમાં અબ્દુલે દલીલ કરી હતી કે, મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે પોતે ભરણપોષણ આપવા બંધાયેલો નથી. મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, 1986 હેઠળ મુસ્લિમ પુષ ઇદ્દતના સમય સુધી જ ભરણપોષણ આપવા બંધાયેલો છે અને કોઈ કાયદો તેને એ પછી ભરણપોષણ આપવાની ફરજ ના પાડી શકે. છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણપોષણની માગ કરતી અરજી કરવાનો અધિકાર નથી કેમ કે મુસ્લિમ મહિલાને પણ પર્સનલ લો જ લાગુ પડે છે.

સુપ્રીમ કોર્ટમાં ભારે દલીલો પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ માસિહની બેંચે ચુકાદો આપ્યો છે કે, સીઆરપીસીની કલમ માત્ર પરિણીત મહિલાઓ જ નહીં પણ તમામ મહિલાઓને લાગુ પડે છે. કોઇ મુસ્લિમ મહિલાએ છૂટાછેડા લઇ લીધા હોય તો તે પણ કલમ 125 હેઠળ ભરણપોષણ માગી શકે છે. મુસ્લિમ મહિલાઓ માટે 1986માં અમલમાં આવેલો ધાર્મિક કાયદો સીઆરપીસીની સેક્યુલર કલમ 125થી ઉપર નથી એ જોતાં મુસ્લિમ મહિલા આ બંનેમાંથી જે પણ કાયદા હેઠળ ઇચ્છે તે કાયદા મુજબ ભરણપોષણની માગણી કરી શકે છે.

સીઆરપીસીની કલમ 125 નિરાધાર લોકોના અધિકારોનું રક્ષણ કરે છે. બાળકો, માતા પિતા, પત્ની વગેરેને કોઈ આવક ના હોય તો તેમને ઘરના પુષે ભરણપોષણ આપવું પડે. કલમ 125 પ્રમાણે, કોઈ પુષે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હોય કે છૂટાછેડા લઇ લીધા હોય પણ પત્નીએ બીજા લગ્ન ના કર્યા હોય અને પોતાનું ગુજરાવ ચલાવી શકે તેમ ના હોય તો તેવી સ્થિતિમાં આ કલમ હેઠળ છૂટાછેડા લીધા હોય તેની પાસેથી ભરણપોષણની માગણી કરી શકે છે. આ કેસમાં અબ્દુલની પત્ની મુસ્લિમ મહિલાએ આ કાયદાની આ જોગવાઇનો ઉપયોગ કરીને છૂટાછેડા બાદ પણ ભરણપોષણની માગ કરી હતી પણ અબ્દુલ 1986ના કાયદાનું પૂંછડું પકડીને બેઠો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ દેશમાં કોઈ ધર્મ વિશેષનો નહીં પણ સેક્યુલર કાયદો જ ચાલશે.

આ કેસ શાહબાનો કેસ જેવો જ છે. શાહબાનોને તેમના વકીલ પતિએ 44 વર્ષના લગ્નજીવન પછી 1977માં ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. શાહબાનોએ પણ સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણપોષણ માગતી અરજી કરી હતી. 1985માં સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં ઐતિહાસિક ચુકાદો આપેલો કે, કલમ 125 ધર્મનિરપેક્ષ છે, અને તમામ મહિલાઓ માટે છે તેથી છૂટાછેડા લીધેલી મુસ્લિમ પત્ની પણ ભરણપોષણ માગી શકે.

આ ચુકાદા સામે મુસ્લિમ સમાજના ઠેકેદારો ઉકળ્યા અને ચુકાદાનો વિરોધ કરતાં 1986માં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, 1986 બનાવીને આ ચુકાદાને પાછલી અસરથી રદબાતલ કરી દીધો. આ નવા કાયદામાં પણ ભરણપોષણની પણ જોગવાઇ કરવામાં આવી પણ આ ભરણપોષણ આજીવન નહોતું. આ કાયદા પ્રમાણે મુસ્લિમ મહિલાને છૂટાછેડા બાદ ઇદ્દતના 90 દિવસ સુધી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. સાથે સાથે પતિએ મેહરની રકમ પણ આપવાની રહેશે. એ પછી પણ મુસ્લિમ મહિલા પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ ના હોય તો કોર્ટ મહિલાના પતિ, પરિવારજનો કે વકફ બોર્ડને ભરણપોષણ માટે આદેશ આપી શકે છે.

રાજીવ ગાંધી સરકારે આ કાયદો બનાવીને મુસ્લિમ મતોના ઠેકેદારોના પગોમાં આળોટવાનું પસંદ કર્યું તેમાં કૉંગ્રેસ સામે મુસ્લિમોના તુષ્ટિકરણના આક્ષેપો શરૂ થયા. ભાજપે તેનો ભરપૂર લાભ લીધો. 1980ના દાયકામાં હિંદુત્વની લહેર ઊભી કરવામાં શાહબાનો કેસના ચુકાદાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આજે ભાજપ કેન્દ્રમાં સત્તા પર છે તેમાં શાહબાનો કેસના ચુકાદાનો પણ ફાળો છે.

1985માં શાહબાનો કેસના ચુકાદા વખતે હોહા કરી મૂકનારા મુસ્લિમ મતોના ઠેકેદારો અને રાજકારણીઓ અત્યારે ચૂપ છે તેનું કારણ ભાજપને મળેલો રાજકીય ફાયદો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી ને માંડ માંડ ભાજપ જમીન પર આવ્યો છે ત્યારે તેને ફરી હિંદુત્વનો મુદ્દો ચગાવવાની તક ના મળે એટલે બધાંની બોલતી બંધ છે ને એ બરાબર પણ છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા ત્યારે મુસ્લિમોએ હોહા કરી મૂકેલી. કૉંગ્રેસના નેતા પણ તેમાં હતા. તેના કારણે હિંદુઓ તો ભાજપ તરફ વળ્યા જ પણ મુસ્લિમ મહિલાઓ પણ ભાજપ તરફ ઢળી ગઈ. મુસ્લિમ મતોના ઠેકેદારો અને નેતાઓ તેમાંથી બોધપાઠ શીખ્યા એ સાં છે કેમ કે તેના કારણે કમ સે કમ મુસ્લિમ મહિલાઓનું તો ભલું થશે જ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button