એકસ્ટ્રા અફેર

માધવી બૂચને દૂર કરી નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો જાળવવાં જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અમેરિકાની કંપની હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપની કંપનીઓમાં સેબીનાં ચેરપર્સન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચની ભાગીદારી હોવાના દાવાની શૅરબજારમાં ઝાઝી અસર ના થઈ પણ અદાણી ગ્રૂપની મોટા ભાગની કંપનીઓના શૅરમાં ઘટાડો થયો. અદાણી ગ્રૂપ અને માધવી-ધવલ બૂચે હિંડનબર્ગના રિપોર્ટને ખોટો ગણાવીને તેમાં કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા પણ શૅરબજારના રોકાણકારોએ તેમની વાત નથી માની પણ હિંડનબર્ગના રિપોર્ટને સાચો માન્યો છે એ અદાણી ગ્રૂપના શૅરોના ઘટેલા ભાવ પરથી સ્પષ્ટ છે.

શૅરબજારની વાત ક્યારેક કરીશું પણ હિંડનબર્ગના રિપોર્ટના પગલે ભારતીય શૅરબજારમાં ફરી એક વાર વિશ્ર્વાસની કટોકટી ઊભી થઈ ગઈ છે એ સ્પષ્ટ છે. આ કટોકટી ઊભી થઈ તેનું કારણ એ છે કે, આ કેસ સાથે સંકળાયેલાં લોકો જૂઠાણાં ચલાવી રહ્યાં છે અને જેની જવાબદારી આ બધું રોકવાની છે એ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મૌન થઈને બેઠી છે. હિંડનબર્ગ પોતાના ફાયદા માટે ભારતીય શૅરબજારોને અસ્થિર કરવા મથી રહી છે એવું ચિત્ર ઊભું કરવા પ્રયત્ન કરાઈ રહ્યો છે.

હિંડનબર્ગ નફો રળવા બધું કરે છે એ સાચું પણ સામે હિંડનબર્ગ તથ્ય લોકો સામે મૂકી રહી છે એ પણ સાચું છે. આ તથ્યોને ખોટાં સાબિત કરવા જૂઠાણાં ચલાવાઈ રહ્યાં છે. તેમાં એક જૂઠાણું એ પણ છે કે, સંપૂર્ણ તપાસ પછી સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી ૨૦૨૪માં હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપોને ફગાવી દીધા હતા અને અદાણી ગ્રૂપને ક્લીન ચિટ આપી હતી. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે અદાણી સામેના આક્ષેપોને ફગાવ્યા નહોતા કે ક્લીન ચિટ નહોતી આપી પણ સુપ્રીમ કોર્ટે સેબીની તપાસને માન્ય રાખી હતી.

સેબીએ અદાણી ગ્રૂપ સામેના શૅરોના ભાવમાં મેનિપ્યુલેશન એટલે કે કૃત્રિમ રીતે ફેરફારો અને નોન-ડિસક્લોઝર ઓફ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે અદાણી ગ્રૂપના વ્યવહારો અંગેની માહિતી જાહેર નહીં કરવાના આક્ષેપમાં જે તપાસ કરી હતી તેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. આ કેસની તપાસ સેબી પાસેથી લઈને બીજી એજન્સીને સોંપવાની માગણી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ભારત સરકારની સંસ્થા છે અને શૅરબજારના રોકાણકારોનાં હિતોની સુરક્ષા માટે રચાયેલી છે. આ સંસ્થાની વિશ્ર્વસનિયતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેની તપાસને યોગ્ય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે સેબીની તપાસમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને આ તપાસને સાચી દિશાની ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો બરાબર હતો કેમ કે સુપ્રીમ કોર્ટ સામે સેબીએ જે તથ્યો મૂક્યાં તેના આધારે આ ચુકાદો અપાયો હતો.

હવે સ્થિતિ અલગ છે કેમ કે સેબીનાં ચેરમેને પોતે જ સુપ્રીમ કોર્ટથી ઘણી બધી વિગતો છૂપાવી હોવાનું બહાર આવ્યું છે. માધવી બૂચે પોતાનું અદાણી ગ્રૂપના કૌભાંડ સાથે સંકળાયેલી વિદેશી કંપનીઓ અને ફંડમાં રોકાણ હોવાની વિગતો સુપ્રીમ કોર્ટથી છૂપાવી જ નહોતી પણ એવું જૂઠાણું ચલાવેલું કે, હિંડનબર્ગના રિપોર્ટમાં જેમનો ઉલ્લેખ છે વિદેશની કંપનીઓના માલિકો અને રોકાણકારો કોણ છે તેની તપાસ કરવી શક્ય નથી.

સેબીએ કહેલું કે, અદાણી કેસમાં તપાસ એવા મુકામ પર આવીને અટકી ગઈ છે કે જ્યાંથી કોઈ દિશા મળી નથી રહી. સેબીને ઓફ-શોર કંપનીના રોકાણકારોનાં નામ નથી મળતાં અને ૧૩ એફપીઆઈની ૪૨ કંપનીના માલિકોની ખબર નથી પડતી. આ સંજોગોમાં આ કેસની તપાસ દિશાહીન છે અને તેનો કોઈ અંત નથી. તેના આધારે સુપ્રીમ કોર્ટે બે આક્ષેપોમાં સેબીની તપાસને માન્ય રાખી હતી. તેના પગલે આ કેસની તપાસનો વીંટો વાળી દેવાયો હતો અને અદાણીને ક્લીન ચિટ અપાઈ હોવાનું ચિત્ર ઊભું કરાયું હતું.

હવે તો માધવી બૂચ પોતે જ ઓફ-શોર કંપનીઓમાં રોકાણકાર હતાં એ સ્પષ્ટ છે. આ વાત તેમણે પોતે પહેલાં નહોતી સ્વીકારી પણ હવે સ્વીકારી છે કે, સેબીમાં આવ્યાં તેના બે વર્ષ પહેલાં પોતે આ ઓફ-શોર કંપનીઓમાં રોકાણ કરેલું. સવાલ એ છે કે, માધવી બૂચે સુપ્રીમ કોર્ટમાં હિંડનબર્ગના રિપોર્ટ પર સુનાવણી દરમિયાન પોતાના વિદેશમાં રોકાણની વિગતો સુપ્રીમ કોર્ટને કેમ નહોતી આપી ? માધવી બૂચે પતિ ધવલ બૂચ સાથેના સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, અમારું જીવન અને નાણાકીય બાબતો એક ખુલ્લી કિતાબ છે.

સવાલ એ છે કે, આ ખુલ્લી કિતાબ વરસ પહેલાં સુપ્રીમ કોર્ટમાં કેમ નહોતી ખોલાઈ ? આ ખુલ્લી કિતાબ મોદી સરકાર પાસે ખુલ્લી હતી કે નહીં એ પણ સવાલ છે. માધવી અને ધવલ બૂચે દાવો કર્યો છે કે, સેબીને અમારાં રોકાણની જે પણ વિગતો આપવાની હતી એ આપી જ છે. સેબી નાણાં મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે તેથી સેબીને વિગતો અપાઈ એ વિગતો સરકાર સુધી પહોંચી જ હોય.

હિંડનબર્ગના રિપોર્ટ પછી મોદી સરકારે માધવી-ધવલના વિદેશી કંપનીઓમાં રોકાણ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તેનો અર્થ એ થાય કે, માધવી બૂચને સેબીમાં ડિરેક્ટર તરીકે નિમાયાં અને પછી ચેરમેન બનાવાયાં ત્યારે પણ તેમના અને તેમના પતિના અદાણી ગ્રૂપના કેસમાં શંકાસ્પદ વિદેશી કંપનીઓમાં રોકાણ અંગેની વિગતો કેન્દ્ર સરકાર પાસે હતી. મોદી સરકાર પાસે માહિતી હોવા છતાં પણ તેમને કેમ સેબીનાં ચેરમેન બનાવાયાં એ મોટો સવાલ છે.

હિંડનબર્ગ રિપોર્ટે ઘણા સવાલો ઊભા કર્યા છે પણ સૌથી મોટો સવાલ મોદી સરકાર અને સેબીની વિશ્ર્વસનિયતા સામે છે. સેબી અને મોદી સરકાર બંને આ દેશની પ્રજા તરફ વફાદારી બતાવવાના બદલે બીજા કોઈની તરફ વફાદારી બતાવી રહ્યાં હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. આઘાત એ જોઈને લાગે કે, મોદી સરકારને આ મુદ્દે કોઈ ખુલાસો કરવાની તમા પણ નથી. એક શંકાસ્પદ ભૂતકાળ અને વર્તમાન કાળ ધરાવતી વ્યક્તિને સેબી જેવી મોટી સંસ્થાના ચેરમેનપદે કેમ મૂકી દેવાયાં તેનો જવાબ આપવા આ દેશની પ્રજાને આપવા માટે પોતે બંધાયેલી છે એવું પણ મોદી સરકાર માનતી નથી.

આ દેશનાં કરોડો રોકાણકારોનાં હિતોની જાળવણી કરવાની જવાબદારી સેબીના માથે છે. આટલી મોટી સંસ્થાના ચેરમેનપદે બેદાગ અને સ્વચ્છ ઈમેજ ધરાવતી વ્યક્તિને મૂકવી જોઈએ. તેના બદલે માધવી બૂચ જેવી વ્યક્તિને કેમ મૂકી દેવાઈ એ વિશે મોદી સરકાર ચૂપ છે. આ ચૂપકીદી આઘાતજનક છે. નૈતિકતાનાં ઉચ્ચ માપદંડ સ્થાપિત કરવા માટે માધવી બૂચને તાત્કાલિક દૂર કરીને આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ કે જેથી સેબી સામે કોઈ શંકા ના રહે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ