ઓડિશા-બંગાળ રેમલના કેરથી બચે એવી પ્રાર્થના કરીએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારત પર ફરી એક વાર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને ફરી એક વાર પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશા વાવાઝોડાની લપેટમાં આવી શકે છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, બંગાળના અખાતમાં સર્જાયેલા દબાણના કારણે રવિવાર સાંજ સુધીમાં વિનાશક વાવાઝોડું બાંગલાદેશ અને તેની આસપાસના પશ્ર્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે.
બંગાળની ખાડીમાં પેદા થયેલું આ વાવાઝોડું આજે એટલે કે ૨૫ મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ૨૬ મેના રોજ સવારે ચક્રવાતી તોફાન એટલે કે વાવાઝોડામાં ફેરવાઈ જશે કે જેની લપેટમાં આવનારને તબાહ કરી નાંખશે. આ ચક્રવાતને કારણે પશ્ર્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણામાં ભારે અસર પડશે. આ જિલ્લાઓમાં ૨૫મીથી ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને ૨૬મીએ પવનની ઝડપ ૮૦થી ૧૦૦ કિલોમીટરની વચ્ચે રહેશે. રેમલ નામના આ વાવાઝોડાના કારણે રવિવારે જબરદસ્ત પવન ફૂંકાઈ શકે છે કે જેની ગતિ ૧૦૨ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ તોફાન પશ્ર્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી શકે છે. ૨૬મીએ બાંગલાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ર્ચિમ બંગાળમાં ૨૭મી સુધી ભારે વરસાદ અને પવન ચાલુ રહેશે.
આ સિવાય ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૨૬ અને ૨૭ મેના રોજ ભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. હવામાન વિભાગે માછીમારી કરવા ગયેલા માછીમારોને ૨૭ મે સુધી કિનારે પાછા આવી જવા અને હવે પછી બંગાળની ખાડીમાં નહીં જવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે પણ ચેતવણીના કારણે વાવાઝોડાં રોકાઈ જતાં નથી પણ આ વાવાઝોડાં સામે સતર્ક રહેવાની અને લડવાની તૈયારી કરવાનો સમય મળી જાય છે. રેમલ વાવાઝોડા અંગે અપાયેલી ચેતવણીના કારણે બંગાળ અને ઓડિશાને પણ વાવાઝોડા સામે લડવાની તૈયારીનો સમય મળી ગયો છે પણ કમનસીબે અત્યાર સુધીનો ઈતિહાસ કહે છે કે, ભારત વાવાઝોડાં સામે લડવાની તૈયારીમાં નબળું સાબિત થયું છે.
દુનિયાના બીજા દેશોમાં પણ વાવાઝોડાં આવે છે અને ભયંકર તબાહી થાય છે. કુદરતી આફતોથી દુનિયામાં કોઈ બચી શકતું નથી. અમેરિકા જેવા અતિ વિકસિત દેશોમાં પણ કુદરતી આફતો મોટા પાયે આવે જ છે ને એવી તબાહી વેરીને જાય છે કે, આપણે કલ્પના પણ ના કરી શકીએ. અમેરિકા પાસે ટેકનોલોજીથી માંડીને ટ્રાન્સપોર્ટેશન સુધીની સવલતોની જબરદસ્ત તાકાત છે તેથી તેની વાત કરી પણ દુનિયાનો કોઈ દેશ છાતી ઠોકીને એવો દાવો ના કરી શકે કે, કુદરતી આફતો સામે એ સાવ સુરક્ષિત છે. અલબત્ત અમેરિકા સહિતના દેશો જાનમાલના રક્ષણમાં વધારે સતર્ક સાબિત થાય છે તેથી અમેરિકા સહિતના દેશોમાં વાવાઝોડાં આવે તો પણ ત્યાંના વિસ્તારો વરસો લગી બેઠા ના થઈ શકે એવી સ્થિતિ નથી થઈ જતી.
ભારતમાં વાવાઝોડાં આવે પછી તેની અસર મહિનાઓ લગી વર્તાય છે અને આપણને બેઠાં થતાં બહુ લાંબો સમય લાગી જાય છે. તેનું કારણ એ કે, વાવાઝોડાં સહિતની કુદરતી આફતો સામે લડવા ને બચવા માટે એક રાષ્ટ્રવ્યાપી નીતિ નથી. કુદરતી આફતોના કારણે ઓછામાં ઓછું નુકસાન થાય એવી અપેક્ષા સહજ છે, પણ આપણે ત્યાં એવું તંત્ર જ નથી કે જે વાવાઝોડાની અસરોને એકદમ ઓછી કરી શકે.
ભારતમાં કુદરતી આફતોનો ખતરો મોટો છે. તેમાં પણ મહાસાગરોમાં આવતાં વાવાઝોડાનો ખતરો બહુ મોટો છે. તેનું કારણ એ કે, આપણો દેશ મહાસાગરોના કાંઠે વસેલો છે. દેશનાં ત્રીજા ભાગનાં રાજ્યો સમુદ્રકિનારે છે. પશ્ર્ચિમમાં ગુજરાતથી શરૂ કરીને પૂર્વમાં પશ્ર્ચિમ બંગાળ સુધી આપણી દરિયાઈ સીમા વિસ્તરેલી છે. ગુજરાત અને પશ્ર્ચિમ બંગાળ ઉપરાંત દીવ-દમણ, દાદરા અને નગર હવેલી, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશા એટલાં રાજ્યો દરિયાકાંઠે વસેલાં છે.
આ પૈકી દર વર્ષે કોઈ ને કોઈ રાજ્યમાં વાવાઝોડું આવે જ છે. આ વાવાઝોડાંને કારણે અત્યાર લગીમાં કેટલી તબાહી વેરી છે તેની કલ્પના જ કરી શકાય તેમ નથી. પશ્ર્ચિમ ભારતનાં અરબી સમુદ્રના કિનારે વસેલાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં પ્રમાણમાં ઓછાં વાવાઝોડાં આવે છે પણ આંધ્ર પ્રદેશ, તેલંગણા, તમિલનાડુ, કેરળ, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ સહિતનાં રાજ્યો છાસવારે વાવાઝોડાંનો ભોગ બને છે. આ રાજ્યોમાં વાવાઝોડું ત્રાટકે ત્યારે દરેક વાર ભારે તબાહી થાય છે.
ભારતમાં કોઈ પણ રાજ્ય પર વાવાઝોડું ત્રાટકે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી અને સમયસૂચકતા પર રાજ્યનાં કરોડો લોકોનું ભાવિ નિર્ભર હોય છે. મુખ્યમંત્રીમાં દમ હોય તો અગમચેતી વાપરીને આગોતરી વ્યવસ્થા કરીને શક્ય એટલાં લોકોને બચાવી લે. વાવાઝોડાના કારણે થતી તબાહીને તો મોટા ભાગે રોકી નથી જ શકાતી પણ સક્ષમ મુખ્યમંત્રી હોય તો લોકોના જીવ ના જાય એટલું ચોક્કસ કરી શકે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈક છેલ્લાં ૨૫ વર્ષથી મુખ્યમંત્રી છે. નવીન વાવાઝોડાં સહિતની કુદરતી આફતો સામે લડવામાં મજબૂત મુખ્યમંત્રી સાબિત થયા છે. ઓડિશામાં ૨૫ વર્ષમાં ઘણાં વાવાઝોડાં આવી ગયાં ને હવે પહેલાં જેવી તબાહી થતી નથી. નવીન દરેક વાવાઝોડામાંથી કંઈક ને કંઈક શીખે છે ને તેનો અમલ કરીને ઓડિશાનાં લોકોને સલામત રાખે છે. નવીન પોતે મોરચો સંભાળીને પહેલેથી લોકોને સલામત સ્થળે ખસેડવાથી માંડીને તેમના માટે ભોજન-પાણી ને બીજી વ્યવસ્થા કરવા સુધીનો પાકો બંદોબસ્ત કરી નાંખે છે તેના કારણે કમ સે કમ ઓડિશામાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સાવ નીચો આવી ગયો છે.
આ વખતે પણ ઓડિશામાં એ વ્યવસ્થા થશે પણ બીજાં રાજ્યોમાં એ વ્યવસ્થા નથી. રાજ્યો પાસે કુદરતી આફતો સામે લડવા માટે પૂરતા સ્રોત પણ નથી એ સંજોગોમાં વાવાઝોડા સામે લડવાનો મુદ્દો રાજ્યો પર છોડવાના બદલે રાષ્ટ્રીય સ્તરે એક ઓથોરિટી બનવી જોઈએ અને તેના માટે ફંડ હોવું જોઈએ, નુકસાન માટે વળતરની નીતિ હોવી જોઈએ. દરિયાકાંઠાથી કેટલાં દૂર લોકોએ વસવું તેના પણ નિયમ હોવા જોઈએ.
આ ઓથોરિટી ક્યારે રચાશે એ ખબર નથી એ જોતાં અત્યારે તો રેમલના કારણે બંગાળ અને ઓડિશા સહિતનાં રાજ્યોમાં વાવાઝોડું તબાહી ના સર્જે તેવી પ્રાર્થના
કરીએ.