એકસ્ટ્રા અફેર

મૂર્તિની વાતમાં હઈસો હઈસો, માણસ મશીન નથી…..

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં ટોળાશાહી અને ચાપલૂસીનું પ્રમાણ એ હદે વધતું જાય છે કે, સામાન્ય સમજની વાતમાં પણ લોકો બુદ્ધિને કોરાણે મૂકીને હઈસો હઈસોમાં જોડાઈ જાય છે ને ચાપલૂસી શરૂ કરી દે છે. દેશની ટોચની ઈન્ફોર્મેશન ટ ટૅકનોલૉજી (આઈટી) કંપની ઈન્ફોસિસના સહસ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ એક પોડકાસ્ટમાં યુવાનોએ અઠવાડિયા દરમિયાન ૭૦ કલાક કામ કરવું જોઈએ એવું ડહાપણ ડહોળ્યું એ મામલે એવું જ થયું છે.

નારાયણ મૂર્તિની વાતને ટેકો આપવા માટે બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ કૂદી પડ્યા છે. નારાયણ મૂર્તિની વાતને ટેકો આપવાના બહાને સરકારની ચાપલૂસીનો ખેલ પણ શરૂ થઈ ગયો છે. અત્યારે દેશ આર્થિક રીતે જબરદસ્ત પ્રગતિ કરી રહ્યો છે અને ભારત માટે પહેલાં કદી નહોતો એવો સમય આવી ગયો છે તેથી ભારતના યુવાનોઓએ આ તકને ઝડપીને દેશની પ્રગતિ માટે મચી પડવું જોઈએ એ પ્રકારની વાતોનો મારો ચાલી રહ્યો છે.

નારાયણ મૂર્તિએ ડહાપણ ડહોળેલું કે, ભારતના યુવાનોએ રાષ્ટ્ર માટે યોગદાન આપ્યા વિના પશ્ર્ચિમના દેશોની અનિચ્છનિય આદતો અપનાવી છે. આપણા યુવાનોએ કહેવું જોઈએ કે આ મારો દેશ છે અને હું અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવા માગુ છું. જાપાન અને જર્મની જેવા દેશો પાસેથી આપણે શીખવું જોઈએ અને આપણા દેશના યુવાનોએ દરરોજ લગભગ ૧૨ કલાક કામ કરવું જોઈએ કે જેથી દેશ ઝડપથી પ્રગતિ કરી શકે.

મૂર્તિની વાતને ટેકો આપતાં એક યુવા ઉદ્યોગપતિએ ડહાપણ ડહોળ્યું કે, આ ઓછું કામ કરવાનો અને મજા કરવાનો સમય નથી. યુવાનોએ ૧૨ કલાક કામ કરવું જોઈએ. એક બિઝનેસવુમને તો વળી મહિલાઓની વાત ઘૂસાડીને મહિલાઓ વરસોથી ૭૦ કલાકથી વધારે કામ કરે છે પણ તેની કોઈ નોંધ નથી લેતું એવું ડહાપણ ડહોળ્યું છે.

જે લોકો ૭૦ કલાક કામ કરવાની તરફેણ કરે છે એ બધા એર કન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને વાતો કરનારા લોકો છે. આ દેશમાં લોકોએ કેવા સંજોગોમાં ને કેવી હાલતમાં કામ કરવું પડે છે તેનો તેમને અંદાજ નથી. એ લોકો ચીન, જાપાન, જર્મની વગેરેની વાતો કરે છે પણ ત્યાં કેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેવી સવલતો છે તેની વાત કરતા નથી. એ લોકો ભારતના યુવાનો વેસ્ટની અનિચ્છનિય આદતો અપનાવે છે તેની વાતો કરે છે પણ આ દેશના ઉદ્યોગપતિઓ કે બિઝનેસમેન પશ્ર્ચિમના દેશોની સારી બિઝનેસ પ્રેક્ટિસ નથી અપનાવતા તેની પણ વાત કરતા નથી.

નારાયણ મૂર્તિના ૭૦ કલાક કામ કરવાના તુક્કાની તરફેણ કરનારી દરેક વ્યક્તિએ બેંગલૂરુના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિએ નારાયણ મૂર્તિની ટ્વિટના જવાબમાં કરેલી ટ્વિટ વાંચી લેવી જોઈએ. ડો. દીપક કૃષ્ણમૂર્તિ લખે છે કે, મને ખબર છે ત્યાં સુધી દિવસમાં ૨૪ કલાક હોય છે ને તમે અઠવાડિયામાં ૬ દિવસ કામ કરો તો અઠવાડિયાના ૭૦ કલાક લેખે રોજના ૧૨ કલાક કામ કરવું પડે. બાકીના ૧૨ કલાકમાં આઠ કલાક ઉંઘમાં જાય એટલે ચાર કલાક બાકી રહે. બેંગલૂરુ જેવા શહેરમાં બે કલાક રોડ પર જ જતા રહે તેથી તમારી પાસે ૨ કલાક બચે કે જેમાં બ્રશ, સ્નાન, શૌચ, ભોજન વગેરે પતાવવું પડે.

લોકોને હળવામળવાનો એટલે કે સોશિયલાઈઝિંગનો કોઈ સમય ના બચે, પરિવાર સાથે વાત કરવાનો સમય ના બચે, કસરત માટે સમય ના બચે, મનોરંજન માટે સમય ના બચે. કંપનીઓ કામના કલાકો પછી પણ કર્મચારીઓ ઈ-મેલ અને કોલનો જવાબ આપે એવી અપેક્ષા રાખે છે તેની તો વાત જ નથી કરતા. ને પછી પાછા આપણે જ આશ્ર્ચર્ય વ્યક્ત કરીએ છીએ કે, યુવાનોને આટલા બધા પ્રમાણમાં હાર્ટ એટેક કેમ આવે છે?

ડૉ. દીપક કૃષ્ણમૂર્તિ બિઝનેસમેન છે ને એક મોટી કંપની બનાવીને પોતાની જાતને સફળ સાબિત કરી છે. ડૉ. દીપક કૃષ્ણમૂર્તિ બહુ જાણીતા કાર્ડિયોલોટિસ્ટ છે, હૃદયના નિષ્ણાત છે. લોકોની તંદુરસ્તી, લોકોના સ્વાસ્થ્ય વિશે નેચરલી નારાયણ મૂર્તિ કે તેમની ચાપલૂસી કરનારા બીજા કોઈ પણ કરતાં વધારે એ જાણે છે. નારાયણ મૂર્તિ કે બીજા કોઈની પણ જેમ એર કન્ડિશન્ડ ઓફિસમાં બેસીને વાત નથી કરતા પણ લોકોની હૃદયની બિમારીઓનો ઈલાજ કરે છે, લોકોને હૃદય રોગ સહિતની બિમારીઓ કેમ થાય છે એ જાણે છે.

આ સંજોગોમાં લોકોએ કોની વાત માનવી જોઈએ?

જો તમારે ગધેડાની જેમ કામ કરીને હૃદયરોગની બિમારીઓ કે બીજા રોગોને નોતરનારો માંદલો સમાજ જોઈતો હોય તો નારાયણમૂર્તિ અને તેમના ચમચાઓની વાત માનવી જોઈએ પણ એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ જોઈતો હોય તો ડૉ. કૃષ્ણમૂર્તિની વાત માનવી જોઈએ. તમારે માણસોને મશીન બનાવી દેવાં હોય તો નારાયણમૂર્તિ અને બીજા ચાપલૂસોની વાત માનવી જોઈએ ને માણસને સામાજિક પ્રાણી રાખવાં હોય તો ડૉ. કૃષ્ણમૂર્તિની વાત માનવી જોઈએ.

ડૉ. કૃષ્ણમૂર્તિએ તો કામના કલાકોના આધારે સરળ રીતે સમજાવ્યું કે, માણસ મશીનની જેમ કામ કરે તો શું થાય પણ આ વાતને ભારતીય વર્ક કલ્ચરના સંદર્ભમાં પણ સમજવાની જરૂર છે ભારતીયો પરંપરાગત રીતે જ સામાજિક છે ને તેમની તંદુરસ્તીનું રહસ્ય એ છે. એકબીજાને હળતામળતા રહેવું, વાતોનું આદાનપ્રદાન કરવું ને એ રીતે હૃદય પર બોજ નહીં વધવા દેવો એ ભારતીય પરંપરા છે. મશીનની જેમ કામ કર્યા કરવું ને કામ પતે એટલે પોતાના ખોલકામાં ભરાઈ જવું એ ઔદ્યોગિક વિકાસ તથા સામ્યવાદી એ બંને વિચારધારાની દેન છે.

ઉદ્યોગપતિઓએ પોતાના ફાયદા માટે અને સામ્યવાદીઓએ પોતાની સત્તા ટકાવવા માટે આ ઘેટાંનાં ટોળાં ઊભાં કર્યા, બાકી ભારતીયો એવા હતા જ નહીં. ભારતીયો તો ખેતરમાં કામ કરતા ત્યારે પણ બપોરે બધા સાથે હળીમળીને ખાતા-પીતા ને પછી આરામ કરતા. ભારતમાં ગામડાંમાં હજુ એ રીતે જ કામ થાય છે ને એટલે જ ગામડાં આજેય સમૃદ્ધ છે.

૭૦ કલાક કામ કરવાથી રૂપિયા મળશે પણ એ રૂપિયા દવાઓ ને ડૉક્ટર પાછળ ખર્ચવાના થવાના હોય તો તેનો અર્થ નથી. આ વાત સમજજો અને તન તથા મનની દુરસ્તીને મહત્ત્વ આપજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button