લાસ્ટ કોમરેડ યેચુરી સાદગી માટે હંમેશાં યાદ રહેશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં ડાબેરીઓની સૌથી મોટી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના સર્વોચ્ચ નેતા એટલે કે જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીનું ૭૨ વર્ષની વયે નિધન થયું એ સાથે જ ભારતે એક સારો રાજકારણી ગુમાવ્યો. યેચુરીને ન્યુમોનિયા થઈ જતાં ૧૯ ઓગસ્ટે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.
યેચુરીને ભારે તાવ આવતાં એમ્સમાં દાખલ થયા પછી તેમની તબિયત બગડતી જ ગઈ અને તેમને આઈસીયુમાં ખસેડવા પડ્યા હતા. ૨૫ દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી પણ તબિયતમાં સુધારો નહોતો. દરમિયાનમાં સીતારામ યેચુરીને શ્ર્વાસનળીમાં ગંભીર ઈન્ફેક્શન થઈ ગયું હતું ને આ ઇન્ફેક્શન ઘાતક સાબિત થયું. યેચુરી ફરી બેઠા જ ના થઈ શક્યા અને ગુરુવારે અંતિમ શ્ર્વાસ લીધા.
યોગાનુયોગ યેચુરી એઈમ્સમાં દાખલ હતા, ત્યારે પશ્ર્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ગુજરી ગયા હતા. સીતારામ યેચુરીએ ૨૨ ઓગસ્ટે બુદ્ધદેવ ભટ્ટાચાર્યને વીડિયો સંદેશ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. એ વખતે કોઈને કલ્પના પણ નહોતી કે, યેચુરી એઈમ્સમાંથી ફરી પાછા આવવાના જ નથી.
સીતારામ યેચુરી જિંદગીમાં કદી ચૂંટણી લડ્યા નહીં ને રાજ્યસભાના સભ્ય તરીકે જ સાંસદ બન્યા. સીતારામ યેચુરી ૨૦૦૫માં પશ્ર્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા અને બીજી વખત ૨૦૧૧માં ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજી ટર્મમાં ચૂંટાય એ પહેલાં બંગાળમાંથી ડાબેરીઓ જ સાફ થઈ ગયેલા તેથી યેચુરી લટકી ગયા હતા.
ડાબેરીઓનો ભારતમાં પ્રભાવ મર્યાદિત છે ને અત્યારે તો ડાબેરીઓ કેરળમાં સમેટાઈને રહી ગયા છે તેથી ભારતના રાજકારણમાં ડાબેરીઓનું એવું પ્રભુત્વ પણ નથી. આ રીતે યેચુરી દેશના રાજકારણમાં બહુ મોટા નેતા નહોતા ને બહુ લોકપ્રિય પણ નહોતા છતાં તેમના નિધનથી દેશના રાજકારણને ખોટ પડી છે એ સ્વીકારવું પડે. તેનું કારણ એ કે, યેચુરી ડાબેરીઓમાં પણ કદાચ સૌથી છેલ્લા એવા નેતા છે કે જે આજીવન સાદગીથી જીવ્યા અને એક સંઘર્ષમય રાજકીય સફર કરી. વિચારધારાને વફાદાર રહીને યેચુરીએ પોતાનું અલગ સ્થાન બનાવ્યું અને કદી વિવાદોમાં પડ્યા નહીં. યેચુરી કેડર બેઝ્ડ નેતા હતા કે જે સામાન્ય લોકોની વચ્ચે જ રહ્યા અને મોટા થયા. સાવ સામાન્ય કાર્યકર તરીકે શરૂઆત કરીને સીપીએમના સર્વોચ્ચ નેતાપદ સુધી પહોંચ્યા.
સામ્યવાદી નેતાઓ તેમની સાદગી અને વિચારધારા તરફ સમર્પણને કારણે જાણીતા છે પણ બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં સામ્યવાદીઓ પણ બદલાયા છે. સીતારામ યેચુરી કદી બદલાયા નહીં તેથી ઘણાં તેમને લાસ્ટ કોમરેડ પણ કહે છે.
અત્યારે પિનિરાયી વિજયન ડાબેરીઓમાં સૌથી મોટા નેતા છે પણ વિજયન હાઈ-ફાઈ લીડર છે. સોનાની દાણચોરીથી માંડીને મહિલાઓ સુધીના સંબંધો સુધીના મુદ્દે વગોવાઈ ગયેલા વિજયનથી સાવ સામા છેડાના નેતા સીતારામ યેચુરી વિચારધારાને સમર્પિત છેલ્લા કોમરેડ હતા એમ કહીએ તો ચાલે. વિજયન તો પરિવારવાદમાં પણ પૂરા છે. તેમની દીકરી અને જમાઈ પિતા મુખ્ય પ્રધાન હોવાનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે ત્યારે યેચુરીનો પરિવાર ક્યાં છે તેની જ કોઈને ખબર નથી.
યેચુરીએ ઇંદ્રાણી મજૂમદાર સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં અને તેમને બે સંતાન હતાં. એપ્રિલ-૨૦૨૧માં તેમના મોટા દીકરા આશિષ કોરોનાની બીમારીને કારણે ૩૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા જ્યારે પુત્રી અખિલા ઇંગ્લેન્ડની સેન્ટ ઍન્ડ્રુસ યુનિવર્સિટીમાં લેક્ચરર છે. ઇંદ્રાણી સાથે અલગ થયાં બાદ સીતારામ યેચુરીએ પત્રકાર સીમા ચિશ્તી સાથે લગ્ન કર્યાં હતાં.
સીતારામ યેચુરીનો પરિવાર મૂળ અવિભાજિત આંધ્ર પ્રદેશનો હતો પણ તામિલનાડુના મદ્રાસમાં આવીને વસ્યો હતો. ૧૨ ઑગસ્ટ ૧૯૫૨ના રોજ સીતારામનો જન્મ થયો હતો. તેમના પિતા સરકારી એન્જનિયર હતા જ્યારે માતા સરકારી ઓફિસર હતાં. હૈદરાબાદમાં ઉછરેલા સીતારામ દસમા ધોરણ સુધી ઓલ સેન્ટ્સ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. ૧૯૬૯ના તેલંગાણા આંદોલન દરમિયાન હિંસા શરૂ થતાં તેમના પરિવારે તેમને દિલ્હી મોકલી દીધા હતા.
યેચુરીએ દિલ્હીની પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલમાં એડમિશન લીધું અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) હાયર સેક્ધડરી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક વન મેળવ્યો હતો. એ પછી દિલ્હીન સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યું ત્યારે પણ સીતારામ ટોપર હતા. સીતારામ યેચુરીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યું અને પછી પીએચડી માટે જેએનયુમાં એડમિશન લીધું હતું. આ પહેલાં જ યેચુરી વિદ્યાર્થી નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા તેથી ૧૯૭૫માં ઈમરજન્સી દરમિયાન તેમની ધરપકડ થઈ અને પીએચડી અધૂરૂં રહી ગયું.
યેચુરી ૧૯૭૪માં ડાબેરીઓની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા સાથે જોડાયા અને ૧૯૭૫માં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા. સીપીએમમાં જોડાયાના થોડા સમયમાં જ તેમને એસએફઆઈના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ને આ કારણે જ કટોકટી વખતે તેમને જેલભેગા કરાયા હતા. કટોકટી પછી ત્રણ વાર યેચુરી જેએનયુ વિદ્યાર્થીસંઘના પ્રમુખ બન્યા હતા.
જેએનયુમાં યેચુરીને ઈન્દિરા ગાંધીને રાજીનામું આપવાની ફરજ પાડનારા લડાયક નેતા તરીકે હજુ યાદ કરવામાં આવે છે. ૧૯૭૭માં કટોકટી પાછી ખેંચી લેવાઈ એ પછી આવેલી લોકસભાની ચૂંટણી ઇંદિરા ગાંધી હારી ગયાં હતાં. જો કે એ છતાં ઈન્દિરા ગાંધી જેએનયુના ચાન્સેલરપદે ચીટકી રહ્યાં હતાં. એ વખતે સીતારામ યેચુરીના નેતૃત્વમાં લગભગ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઇંદિરા ગાંધીના ઘરની બહાર દેખાવો કર્યા હતા. પોલીસે તેમને ખસેડવા પ્રયત્ન કર્યો પણ યેચુરી ના માનતાં છેવટે ઇંદિરા ગાંધીએ બહાર આવવું પડ્યું. યેચુરીએ ઇંદિરા ગાંધીએ શા માટે જેએનયુના ચાન્સેલરપદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેનું આવેદનપત્ર જાહેરમાં વાંચી સંભળાવ્યું હતું. ઇંદિરાએ બધું સાંભળ્યું અને આવેદનપત્ર સ્વીકારીને અંદર જતાં રહ્યાં. ઈન્દિરાએ થોડાં દિવસ પછી યુનિવર્સિટીના ચાન્સેલરપદેથી રાજીનામું આપી દીધું તેથી તેનો યશ યેચુરીને જાય છે.
યેચુરી એ પછી સીપીએમમાં આગળ વધતા ગયા અને ધીરે ધીરે ટોચના ડાબેરી નેતા બની ગયા. ૧૯૯૬માં કેન્દ્રમાં યુનાઇટેડ ફ્રન્ટની સરકાર રચાઈ ત્યારે સીતારામ યેચુરીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૦૪માં યુપીએની સરકાર બની ત્યારે સીપીએમને કૉંગ્રેસને ટેકો આપવા યેચુરીએ જ સમજાવેલા. યેચુરી ૨૦૧૫માં સીપીઅએમના મહામંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે આશા રખાતી હતી કે, ડાબેરીઓનો દબદબો પાછો આવશે પણ યેચુરી એ ના કરી શક્યા. એક સમયે પશ્ર્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરા એમ ત્રણ ત્રણ રાજ્યોમાં સરકાર ધરાવતા ડાબેરી મોરચાને યેચુરી ફરી પાવરફુલ ના બનાવી શક્યા. એક સમયે ડાબેરીઓ સત્તાનાં સમીકરણોમાં મહત્ત્વના હતા ને કિંગ મેકર ગણાતા. અત્યારે લોકસભામાં સીપીએમની ગણીને ચાર બેઠકો છે.
યેચુરી ભલે ડાબેરીઓનો ભવ્ય ભૂતકાળ પાછો ના લાવી શક્યા પણ વિચારશીલ નેતા તરીકે તેમને હંમેશાં યાદ રખાશે.