કેજરીવાલના રાજીનામાના દાવે ભાજપને બઘવી દીધો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવી ગયા અને બહાર આવતાં જ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો દાવ ખેલીને સોપો પાડી દીધો. કેજરીવાલે કરેલી જાહેરાત પ્રમાણે બે દિવસ પછી પોતે મુખ્યમંત્રીપદ છોડી દેશે અને નવા મુખ્યમંત્રીની વરણી કરાશે. કેજરીવાલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પોતે કે મનીષ સિસોદિયા મુખ્યમંત્રી નહીં બને. આ કારણે હવે પછી દિલ્હીની ગાદી પર કોણ આવશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આતિશી, સૌરભ ભારદ્વાજ અને અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતાનાં નામ જોરશોરથી ચાલી રહ્યાં છે.
કેજરીવાલ કોના પર કળશ ઢોળશે તેની ખબર બે દિવસમાં પડશે તેથી તેની ચર્ચા ત્યારે કરીશું પણ અત્યારે તો કેજરીવાલે મોટો જુગાર ખેલી નાખ્યો છે એ સ્પષ્ટ છે. કેજરીવાલે એક કાંકરે બે પક્ષી માર્યાં છે. સૌથી પહેલાં તો કેજરીવાલે પોતે સત્તાલાલસુ છે એવી છાપ ઉભી કરવા ભાજપ મથે છે તેની હવા કાઢી નાખી. બીજું એ કે. કેજરીવાલે પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોના મુદ્દે જનતાની અદાલતમાં જવાનો નિર્ણય લઈને જનતા જ પોતાના માટે સર્વોપરિ છે એવો મેસેજ પણ આપી દીધો. ભાજપ શું કહે છે કે કોર્ટ શું કહે છે તે નહીં પણ જનતા શું કહે છે એ પોતાના માટે મહત્ત્વનું છે એવો સ્પષ્ટ મેસેજ કેજરીવાલે આપ્યો છે.
કેજરીવાલના નિર્ણયથી ભાજપ બઘવાઈ ગયો છે એ ચૂંટણી પંચના વલણથી સ્પષ્ટ છે. કેજરીવાલે નવેમ્બરમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી કરાવવાની માગ કરેલી પણ ચૂંટણી પંચે ઘસીને ના પાડી દીધી છે. ચૂંટણી પંચ નરેન્દ્ર મોદી સરકારનું કહ્યાગરું હોવાથી પંચ મહિના પછી ચૂંટણી યોજવા નથી માગતું તેનું કારણ એ છે કે, ભાજપ ચૂંટણી માટે તૈયાર નથી. કેજરીવાલે એ રીતે પણ પોતાનો હાથ ઉપર રાખ્યો છે.
આ દાવ દ્વારા કેજરીવાલે પોતાને મોટા ખેલાડી સાબિત કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન પર મુક્ત કરવા માટે અમુક શરતો રાખી છે. આ શરતો હેઠળ કેજરીવાલ મુખ્યમંત્રીની ઓફિસનો ઉપયોગ નહીં કરી શકે અને કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી નહીં કરી શકે. દિલ્હીમાં રાજ્ય સરકાર પાસે બહુ સત્તાઓ છે જ નહીં અને લેફ્ટનન્ટ ગવર્નર જ બધું નક્કી કરે છે એ જોતાં આ શરતોથી બહુ ફરક ના પડે પણ સામે કેજરીવાલે કશું કરવાનું પણ ના રહે.
કેજરીવાલ એ રીતે શોભાના ગાંઠિયા જેવા મુખ્યમંત્રી બની રહે. દિલ્હીમાં ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી છે તેથી ચૂંટણી પહેલાં કેજરીવાલે પોતાનો એજન્ડા સેટ કરવા માટે ધડાધડ નિર્ણયો લેવા પડે પણ મુખ્યમંત્રી તરીકે નિર્ણય લેવાની સત્તા જ ના હોય તો એ કશું ના કરી શકે. કેજરીવાલે એ સ્થિતિમાંથી એક ધડાકે છૂટકારો મેળવી લીધો છે.
હવે જે કોઈ મુખ્યમંત્રીપદે આવશે એ આમ આદમી પાર્ટીનો એજન્ડા અમલમાં મૂકી શકશે. ઘણાંને લાગે છે કે નરેન્દ્ર મોદી સરકારના ઈશારે કેજરીવાલને રાજીનામું આપવા માટે મજબૂર કરવા આ શરતો રખાઈ છે. આ વાત સાચી હોય તો પણ કેજરીવાલને રાજીનામું અપાવીને ભાજપ ફાયદામાં રહેવાનો નથી.
કેજરીવાલની મુક્તિ સાથે સંકળાયેલા એક મુદ્દાની પણ ચર્ચા કરવી જરૂરી છે. આ મુદ્દો ઈડી અને સીબીઆઈ એ બંને કેન્દ્રીય એજન્સીઓની આબરુનો ધજાગરો છે. ઈડી અને સીબીઆઈ બંનેએ લિકર કેસ અંગે મોટા મોટા દાવા કરેલા પણ કેજરીવાલની મુક્તિ સાથે એક રીતે આ કેસની હવા જ નીકળી ગઈ છે.
સીબીઆઈ અને ઈડી બંનેએ દિલ્હી સરકારે લિકર પૉલિસી નક્કી કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે પણ અત્યાર સુધીમાં સીબીઆઈ કે ઈડી બંને ભ્રષ્ટાચાર સાબિત કરી શકી નથી. ભ્રષ્ટાચાર થયો તો તેનાં નાણાં ક્યાંથી આવ્યાં તેનો ના સીબીઆઈ પાસે જવાબ છે કે ના ઈડી પાસે. ભ્રષ્ટાચારનાં નાણાં ક્યાં ગયાં તેનો પણ ના સીબીઆઈ પાસે જવાબ છે કે ના ઈડી પાસે.
સીબીઆઈ અને ઈડી બંને છેલ્લાં બે વર્ષથી વધારે સમયથી આ કેસની તપાસ કરે છે અને બંનેએ મળીને ૧૮ લોકોને જેલમાં પૂર્યા પણ તેમાંથી કોઈની સામે પણ કોઈ જ નક્કર પુરાવા સીબીઆઈ કે ઈડી રજૂ કરી શકી નથી. આ કારણે અરવિંદ કેજરીવાલને જામીન આપતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇની આકરી ઝાટકણી કાઢીને ‘પાંજરામાં બંધ પોપટ’ સાથે સરખામણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ ઈમેજ બદલવા અને શાસકોનાં તળવાં ચાટતી એજન્સી તરીકેની ઈમેજમાંથી બહાર આવવાની તાકીદ પણ કરી છે. કેજરીવાલની ધરપકડની જરૂરિયાત અને સમય અંગે સવાલ ઉઠાવતાં કોર્ટે ટીપ્પણી પણ કરી કે, લાંબો જેલવાસ સ્થાપિત કાનૂની સિદ્ધાંતો અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટના સ્ટિસ ભુયાને તો સીબીઆઈને ઝાટકતાં ત્યાં સુધી કહ્યું કે સીબીઆઇ દેશની અગ્રણી તપાસ એજન્સી છે. જાહેર હિતમાં તે માત્ર શંકા પર જ ના હોવી જોઇએ પરંતુ સીબીઆઈ શંકાથી પર છે એવું લોકોને લાગવું પણ જોઈએ. કાયદાનું શાસન આપણા બંધારણીય દેશની પાયાની ખાસિયત છે.
આ દેશનું બંધારણ આદેશ આપે છે કે કોઈ પણ તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને ન્યાયપૂર્ણ હોવી જોઈએ. આ અદાલતે વારંવાર એ વાત પર ભાર મૂક્યો છે કે બંધારણની કલમ ૨૦ અને ૨૧ હેઠળ નિષ્પક્ષ તપાસ એ આરોપીનો મૂળભૂત અધિકાર છે પણ સીબીઆઈ તેમાં નિષ્ફળ નિવડી છે.
સુપ્રીમ કોર્ટે બીજું પણ ઘણું કહ્યું છે ને એ બધાની વાત કરતા નથી પણ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પરથી સ્પષ્ટ છે કે, સીબીઆઈ અને ઈડી બંનેની કોઈ વિશ્ર્વસનિયતા નથી એ વાત સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારે છે. બંને એજન્સી માટે આ વાત ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી કહેવાય.
આ કેસ સાથે સંકળાયેલા અધિકારીઓમાં જરાક પણ શરમનો છાંટો હોય તો તેમણે દિલ્હીમાં યમુના નદીમાં ડૂબી મરવું જ જોઈએ. સીબીઆઈ કે ઈડીના અધિકારીઓમાં એટલું આત્મગૌરવ કે સ્વમાન હોય એવી આશા રાખવા જેવી નથી તેથી સુપ્રીમ કોર્ટ કે બીજી કોઈ પણ કોર્ટ ગમે તે કહે એ બધું પથ્થર પર પાણી જ છે. સુપ્રીમ કોર્ટ પહેલાં પણ એ લોકોને તતડાવી ચૂકી છે ને તેમનામાં કોઈ ફરક પડતો નથી ને અત્યારે પણ પડવાનો નથી.