આતિશીની પસંદગી, કેજરીવાલે પરિવારવાદ ટાળ્યો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દેવાની જાહેરાત કરી ત્યારથી કોના પર કળશ ઢોળાશે તેની અટકળો ચાલી. સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, આતિશી, સુનિતા કેજરીવાલ, કૈલાસ ગેહલોત વગેરે આમ આદમી પાર્ટીના દિગ્ગજ મનાતા નેતાઓનાં નામ ચાલતાં હતાં પણ છેવટે આતિશી પર કળશ ઢોળાયો છે. અનંત ચૌદસના દિવસે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી નાખી કે આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્ય મંત્રી
બનશે.
અરવિંદ કેજરીવાલની સરકારમાં શિક્ષણ, પીડબલ્યુડી સહિત અનેક મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી રહેલા આતિશીની પસંદગીથી મમતા બેનરજીને કંપની મળશે. અત્યાર લગી પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી દેશનાં એક માત્ર મહિલા મુખ્ય મંત્રી હતાં. આતિશી મુખ્ય મંત્રીપદના શપથ લે એ સાથે જ દેશમાં મહિલા મુખ્ય મંત્રીઓની સંખ્યા વધીને બે થશે. યોગાનુયોગ આતિશી દિલ્હીનાં ત્રીજાં મહિલા મુખ્ય મંત્રી છે. આ પહેલાં ભાજપનાં સુષ્મા સ્વરાજ અને કૉંગ્રેસનાં શીલા દીક્ષિત દિલ્હીમાં મુખ્ય મંત્રી રહી ચૂક્યાં છે. શીલા દિક્ષીતે તો સળંગ ૧૫ વર્ષ રાજ કરેલું.
શીલા દિક્ષીત તો આજની તારીખે પણ દેશમાં સળંગ સૌથી લાંબો સમય રાજ કરનારાં મહિલા મુખ્યમંત્રી છે. શીલાનો રેકોર્ડ કદાચ મમતા બેનરજી તોડશે કેમ કે મમતાની પણ આ સળંગ ત્રીજી ટર્મ છે. બીજી તરફ સુષ્મા સ્વરાજ બહુ થોડો સમય મુખ્ય મંત્રીપદે રહેલાં. દિલ્હીમાં પહેલાં મદનલાલ ખુરાના ને પછી સાહિબસિંહ વર્માએ ભાજપનું તપેલું ચડાવી દીધું ત્યારે ભાજપને બચાવવા છેલ્લે છેલ્લે સુષ્મા સ્વરાજને ગાદી સોંપાયેલી પણ સુષ્મા ભાજપને જીતાડી નહોતાં શક્યાં. સુષ્મા માંડ ૫૦ દિવસ ગાદી પર રહેલાં.
આતિશી સુષ્મા કરતાં થોડોક લાંબો સમય સત્તા ભોગવશે પણ એ હંમેશાં સુષ્માની કેટેગરીમાં જ રહેશે કેમ કે આમ આદમી પાર્ટી ફરી જીતશે તો પાછા અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રી બનશે ને આપ હારી જશે તો બધાં ઘરભેગાં થશે. અરવિંદ કેજરીવાલે ગયા રવિવારે પોતે મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપી દેશે અને દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા લોકો વચ્ચે જશે એવું એલાન કર્યું ત્યારે કહેલું જ છે કે, હવે ફરી જનાદેશ લઈને જ દિલ્હીનો મુખ્ય મંત્રી બનીશ. આ સંજોગોમાં આતિશી સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ છે એ કહેવાની જરૂર નથી.
જો કે ભલે વચગાળાની ગોઠવણના ભાગરૂપે ગાદી પર બેઠાં પણ આતિશી મુખ્ય મંત્રી બનવા લાયક છે તેમાં બેમત નથી. દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ભણેલાં આતિશીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. એ પછી રહોડ્સ સ્કોલર તરીકે ઓક્સફર્ડમાંથી શિક્ષણ સંશોધનમાં બીજી માસ્ટર ડિગ્રી મેળવી છે આતિશીએ મધ્ય પ્રદેશના એક નાના ગામમાં સાત વર્ષ સુધી ઓર્ગેનિક ફાર્મિંગ અને એજ્યુકેશન સિસ્ટમ પર કામ કર્યું છે અને વ્યાપક સમાજ સેવા કરી છે.
આતિશી આમ આદમી પાર્ટીની રચનાથી તેની સાથે જોડાયેલાં છે. ૨૦૧૩માં આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે આતિશી મેનિફેસ્ટો મેકિંગ કમિટીમાં હતાં. આતિશી પૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર રહી ચૂક્યાં છે અને દિલ્હીની સરકારી સ્કૂલોની કાયાપલટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આતિશી ટીવી ચેનલો પર આમ આદમી પાર્ટી તરફથી આક્રમક રજૂઆતો કરવા માટે પણ જાણીતાં છે એ જોતાં આમ આદમી પાર્ટીએ યોગ્ય પસંદગી કરી છે.
આતિશીની પસંદગીમાં કેજરીવાલ રાજકીય દાવપેચના ખેલાડી સાબિત થયા છે. કેજરીવાલે રાજીનામું આપ્યું પછી દિલ્હીના મુખ્ય મંત્રીપદે કોણ આવશે તેની અટકળો ચાલતી હતી ત્યારે અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલનું નામ પણ ચાલતું હતું. ઘાસચારા કૌભાંડમાં ફસાયેલા લાલુ પ્રસાદ યાદવે જેલમાં જવાનું આવ્યું ત્યારે પોતાનાં પત્ની રાબડીદેવીને મુખ્ય મંત્રી બનાવી દીધાં હતાં તેથી કેજરીવાલ પણ એ જ ખેલ કરશે એવું ભાજપવાળા પણ કહેતા હતા.
સુનિતાની પસંદગી કેમ કરાશે એ માટે કારણો પણ અપાતાં હતાં. અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા પછી સુનિતા કેજરીવાલ અત્યંત સક્રિય થઈ ગયાં હતાં અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તથા અરવિંદ કેજરીવાલ વચ્ચેનો સંપર્ક સેતુ બન્યાં હતાં. સુનિતા કેજરીવાલે રાજકીય સક્રિયતા પણ બતાવવા માંડી હતી અને વીડિયો મેસેજ બહાર પાડીને તથા બીજી રીતે લોકો સાથે સંવાદ કરીને તેમણે ખાસ્સી ચર્ચા જગાવી હતી. લોકસભાની ચૂંટણી વખતે સુનિતા મેડમે રોડ શો પણ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે સુનિતા કેજરીવાલ બેઠકો પણ કરતાં હતાં. તેના કારણે એવી ચર્ચા જાગેલી કે, કેજરીવાલ પોતાનું સ્થાન લેવા માટે પત્નીને તૈયાર કરી રહ્યા છે. આ કારણે જ અરવિંદ કેજરીવાલના સ્થાને સુનિતા કેજરીવાલ મુખ્ય મંત્રી બનશે એવું મીડિયાનો એક વર્ગ કહેતો હતો પણ કેજરીવાલ સંયમી સાબિત થયા. સત્તાની લાલચમાં આવીને પત્નીને ગાદી પર બેસાડીને ભાજપને પરિવારવાદનો નવો મુદ્દો આપવાના બદલે તેમણે એવી વ્યક્તિને પસંદ કરી કે જેની સામે કોઈ આંગળી ના ચીંધી શકે.
સુનિતા કેજરીવાલ ઉચ્ચ શિક્ષિત છે અને ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ)માં હતાં. ઈન્કમટેક્સ કમિશ્નર રહી ચૂકેલાં સુનિતા રાબડીદેવી નથી એ જોતાં તેમને મુખ્ય મંત્રીપદે બેસાડાયાં હોત તો એટલી હોહા ના થઈ હોત પણ કેજરીવાલે કોઈ પણ પ્રકારનો વિખવાદ ટાળવાનું પસંદ કરીને રાજકીય પરિપક્વતા બતાવી છે.
આતિશીની પસંદગી કરીને કેજરીવાલે આમ આદમી પાર્ટી બીજી પ્રાદેશિક પાર્ટીઓની જેમ જ્ઞાતિવાદના ચક્કરમાં નથી પડતી એ ઈમેજ પણ જાળવી છે. આતિશી સામાન્ય રીતે આતિશી માર્લેના તરીકે ઓળખાય છે તેથી ઘણાંને આતિશી ક્રિશ્ર્ચિયન લાગે છે પણ વાસ્તવમાં આતિશી હિંદુ છે અને પંજાબી રાજપૂત છે.
આતિશીના પિતા વિજયસિંહ અને માતા ત્રિપ્તા વાહી બંને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આતિશીના પતિ વિજયસિંહ પણ પંજાબી રાજપૂત છે તેથી આતિશી હિંદુ જ છે પણ બહુ મોટી મતબેંક ધરાવતી કોઈ ચોક્કસ જ્ઞાતિમાંથી નથી આવતી. પંજાબી રાજપૂતોનું પંજાબમાં જ બહુ રાજકીય વજન નથી ત્યારે દિલ્હીમાં તો ન જ હોય પણ કેજરીવાલે એ વાતની પરવા કરી નથી.
અત્યારે દેશમાં રાજકીય રીતે તમામ નિર્ણયો જ્ઞાતિવાદને ધ્યાનમાં રાખીને જ લેવાય છે. કોઈ પણ વ્યક્તિ કેટલી ટેલેન્ટેડ કે કાબેલ છે તેના આધારે નહીં પણ કઈ જ્ઞાતિની છે તેના આધારે તેનું રાજકીય મહત્ત્વ નક્કી થાય છે. કેજરીવાલ કમ સે કમ અત્યાર સુધી તો એવી માનસિકતા નથી બતાવી રહ્યા એ સારું છે.