ઉમરની તાજપોશી, કાશ્મીર ફરી ૨૦૧૪ પહેલાંની સ્થિતિમાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરમાં ફરી ઉમર અબ્દુલ્લાની મુખ્ય મંત્રીપદે તાજપોશીનો તખ્તો તૈયાર છે. વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે બહુમતી મેળવી પછી ઉમર અબ્દુલ્લા મુખ્ય મંત્રી બનશે એ નક્કી જ હતું. ૯૫ સભ્યો ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે ૪૨ બેઠકો જીતી છે જ્યારે તેના સાથી પક્ષ કૉંગ્રેસે ૬ બેઠકો જીતી છે તેથી ૪૮ બેઠકો સાથે બંને પાસે સ્પષ્ટ બહુમતી હતી. હવે ઉમરને ૪ અપક્ષ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે.
નેશનલ કોન્ફરન્સના સાથી પક્ષ એવા સીપીએમે પણ એક બેઠક જીતી છે. આમ નેશનલ કોન્ફરન્સને કુલ ૫૩ ધારાસભ્યોનો ટેકો છે તેથી ઉમરની તાજપોશીનો તખ્તો તૈયાર જ હતો ને ચૂંટાયેલા ધારાસભ્યો ઉમરને નેતા તરીકે ચૂંટે એ ઔપચારિકતા બાકી હતી. ગુરુવારે નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષની બેઠક તેમાં તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને પોતાના નેતા તરીકે પસંદ કર્યા એ સાથે જ એ ઔપચારિકતા પણ પૂરી થઈ ગઈ.
નેશનલ કોન્ફરન્સ પાસે વિધાનસભામાં બહુમતી હોવાથી પોતાના જોરે જ સરકાર રચી શકે તેમ છે પણ ઓમર અબ્દુલ્લા કૉંગ્રેસના સમર્થન પત્રની રાહ જોઈ રહ્યા હતા. શુક્રવારે કૉંગ્રેસનો સમર્થન પત્ર પણ મળી જતાં ઉમરે રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો ને લેફ્ટનન્ટ ગવર્નરે નિમંત્રણ આમંત્રણ આપતાં હવે ઉમરની તાજપોશી નક્કી જ છે.
ઉમરની તાજપોશી સાથે જમ્મુ અને કાશ્મીરનું રાજકારણ પાછું ૨૦૧૪ પહેલાંના સમયમાં આવી ગયું છે. મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી પછી ભાજપ છવાઈ જશે અને વંશવાદી રાજકારણ ચલાવતા પરિવારો ફેંકાઈ જશે એવું કહેવાતું પણ એવું થયું નથી. કમ સે કમ અબ્દુલ્લા પરિવારના કિસ્સામાં તો એવું નથી જ થયું. અબ્દુલ્લા પરિવાર વરસોથી કાશ્મીરના રાજકારણમાં અડિંગો જમાવીને બેઠેલો છે ને સત્તા ભોગવે છે. દેશ આઝાદ થયો ત્યારે ફારૂકના પિતા શેખ અબ્દુલ્લાએ પાકિસ્તાનની સામે પડીને ભારતને મદદ કરેલી.
અબ્દુલ્લા અઠંગ ખેલાડી હતા ને લાભ વિના લોટે એમ નહોતા. કાશ્મીરના રાજા હરિસિંહ સામે તેમને વાંધો હતો એટલે દેશ આઝાદ થયો એ પહેલાંથી એ હરિસિંહને તગેડવા મથ્યા કરતા હતા. કાશ્મીરમાં તેમણે પહેલાં જ લોકોને હરિસિંહ સામે ભડકાવી રાખેલા. પાકિસ્તાને અચાનક આક્રમણ કર્યું તેમાં જવાહરલાલ નહેરૂ બઘવાઈ ગયેલા ને દોડતા થઈ ગયેલા.
સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહ મંત્રી ને નાયબ વડા પ્રધાન હતા પણ એ ઠંડે કલેજે બેઠેલા હતા. રાજા હરિસિંહ હિંદુ હતા પણ ભારત સાથે ગદ્દારી કરેલી. દેશના મોટા ભાગના હિંદુ રાજા ભારત સાથે ભળી ગયેલા પણ હરિસિંહને કાશ્મીરને અલગ દેશ બનાવીને તેના પર રાજ કરવાના અભરખા હતા તેથી ભારત સાથે નહોતા ભળ્યા. કાશ્મીરની મોંકાણ મંડાઈ તેના મૂળમાં રાજા હરિસિંહ છે. આપણે ત્યાં હિંદુવાદીઓ ને બીજા બધા પાકિસ્તાનને ગાળો આપે છે, જવાહરલાલ નહેરૂને ચોપડાવે છે પણ કાશ્મીર સમસ્યાના અસલ વિલન હરિસિંહ છે. તેમના પાપે આપણા માથે કાયમનો કકળાટ લખાઈ ગયો.
પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે સરદાર પહેલાં કશું ના કર્યું કેમ કે તેમને ખબર હતી કે હરિસિંહના બાપનો પણ આપણા પગ પકડ્યા વિના છૂટકો નથી. હરિસિંહ સત્તાલાલસુ હતા પણ મૂરખ નહોતા કે પાકિસ્તાન કાશ્મીર પર કબજો કરી લે એટલે પોતે નવરા થઈને બેસી રહેવું પડશે એ ના સમજે. તેમણે તરત સરદારના પગ પકડ્યા. સરદારે કાશ્મીરનું જોડાણ ભારત સાથે કરવાના કરાર પર સહી કર્યા પછી ભારતીય લશ્કર મોકલ્યું પણ ત્યાં લગીમાં પાકિસ્તાનના પીઠ્ઠુ અંદર લગી ઘૂસી આવેલા.
આપણા લશ્કરે પાકિસ્તાનના પીઠ્ઠુઓને ખદેડવા માંડેલા. નહેરૂએ યુનાઈટેડ નેશન્સમાં જવાની મૂર્ખામી ના કરી હોત તો આખું જમ્મુ અને કાશ્મીર આપણા કબજામાં હોત. એ વખતે શેખ અબ્દુલ્લા તક જોઈને આપણા પડખામાં ઘૂસી ગયેલા તેથી નહેરૂ તેમના પર ફિદા હતા. તેમણે અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીરના વઝીર એ આઝમ એટલે કે વડા પ્રધાન બનાવી દીધા. ત્યારથી અદુલ્લા પરિવાર જમ્મુ અને કાશ્મીર તેમના બાપની મિલકત છે ને તેના પર રાજ કરવાનો હક તેમના સિવાય કોઈને નથી એમ માનીને વર્તતો રહ્યો છે.
શેખ અબ્દુલ્લાએ હરિસિંહ સામેના આંદોલનનું નેતૃત્વ કરેલું તેથી લોકપ્રિયતા હતી. તેના કારણે જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં કેન્દ્રસ્થાને રહ્યા અને વરસો લગી તેમણે રાજ કર્યું. કાશ્મીરમાં વચ્ચે વચ્ચે બીજા પક્ષો સત્તામાં આવી જાય છે ખરા પણ પછી પાછું અબ્દુલ્લા પરિવારનું જ રાજ આવી જાય છે ને અત્યારે પાછું એ જ થયું છે. શેખ અબ્દુલ્લા ગયા પછી તેમનો દીકરો ફારૂક આવ્યો ને પછી ઉમર અબ્દુલ્લા આવ્યો. એ રીતે અબ્દુલ્લા પરિવારની ત્રણ પેઢીએ કાશ્મીર પર રાજ કર્યું છે અને ફરી પાછું તેમનું રાજ આવી ગયું.
અબ્દલ્લા પરિવાર ફરી બેઠો થયો તેમાં ભાજપનું યોગદાન મોટું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી દેશભરમાં સ્થિતિ બદલાઈ. તેની અસર કાશ્મીર પર પણ પડી હતી. કાશ્મીર કાશ્મીર ખીણ, જમ્મુ અને લેહ-લદાખ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. આ પૈકી જમ્મુમાં હિન્દુઓની બહુમતી હોવાથી ભાજપે ખિલા ઠોકી દીધા છે પણ માત્ર જમ્મુના જોરે ભાજપ કાશ્મીર પર રાજ ના કરી શકે તેમ હોવાથી ભાજપે મહેબૂબા મુફતીની પીડીપી સાથે જોડાણ કર્યું.
પીડીપી અને ભાજપ બંનેએ કાશ્મીરના વિકાસને પ્રાધાન્ય આપવાની જરૂર હતી પણ તેના બદલે બંને પોતપોતાના રાજકીય એજન્ડાને વળગી રહ્યાં. મહેબૂબા મુફતીને મુસ્લિમ મતબેંક અને કાશ્મીર ખીણની ભાજપ વિરોધી માનસિકતા ધરાવતાં પરિબળોને સાચવવામાં રસ હતો જ્યારે ભાજપને પોતાની હિંદુ મતબેંક સાચવવામાં રસ હતો તેથી એ પ્રમાણે નિર્ણય લીધા તેમાં જોડાણ તૂટ્યું.
મોદી સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરીને કાશ્મીરનું વિભાજન કર્યું પણ તેના કારણે જમ્મુ અને કાશ્મીરનાં રાજકીય સમીકરણો ના બદલાયાં. આ કારણે અબ્દુલ્લા પરિવારને ફરી બેઠા થવાની તક મળી ગઈ. કાશ્મીર ખીણમાં મહેબૂબાનો પ્રભાવ વધારે હતો પણ ભાજપ સાથે જોડાણ કર્યું તેમાં મહેબૂબા અપ્રિય થયાં અને અબ્દુલ્લા પરિવાર સિવાય બીજા કોઈ વિકલ્પ કાશ્મીર ખીણના કારણે ના રહ્યો. કાશ્મીરમાં પીડીપી ને ભાજપનું જોડાણ હતું ત્યારે લાગતું હતું કે, ફારૂક કે ઉમર ફરી ગાદી પર આવી શકે એમ નથી પણ મહેબૂબાના ભાજપ સાથેનો જોડાણે એ તક આપી દીધી ને ઉમર ફરી મુખ્ય મંત્રીપદે બેસે તેનો તખ્તો તૈયાર છે.