જસ્ટિસ ગંગોપાધ્યાયે ન્યાયતંત્રને શંકાના દાયરામાં લાવી દીધું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણી જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે કોલકત્તા હાઈ કોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે હાઈ કોર્ટના જજ તરીકે રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપે ગુરુવારે જસ્ટિસ ગંગોપાધ્યાયને વાજતેગાજતે ભાજપમાં સામેલ કરી લીધા અને લોકસભાની ચૂંટણી લડાવવાની જાહેરાત પણ કરી નાંખી. જસ્ટિસ ગંગોપાધ્યાય કઈ બેઠક પરથી લડશે તેનો ફોડ હજુ પડાયો નથી પણ મોટા ભાગે ભાજપની ટિકિટ પર તામલુક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે એવું મનાય છે.
તામલુક લોકસભા બેઠક મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસનો ગઢ ગણાય છે અને ૨૦૦૯થી તૃણમૂલ કૉંગ્રેસ આ બેઠક પર જીતે છે. અલબત્ત ૨૦૦૯થી અત્યાર સુધીમાં થયેલા ત્રણ સામાન્ય ચૂંટણી અને એક પેટાચૂંટણીમાં અધિકારી પરિવારના સભ્ય આ બેઠક પરથી જીત્યા છે. આ કારણે આ ગઢ તૃણમૂલ કૉંગ્રેસનો છે કે અધિકારી પરિવારનો છે એ સવાલ છે. જસ્ટિસ ગંગોપાધ્યાયને પોતાના પરિવારના ગઢ જેવી બેઠક ઓફર કરીને શુભેન્દુ અધિકારી પોતાની અંગત પ્રતિષ્ઠા દાવ પર મૂકી રહ્યા છે એમ કહી શકાય.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તામલુક બેઠક પરથી તૃણમૂલ કૉંગ્રેસના દિબ્યેન્દુ અધિકારીએ ભવ્ય જીત મેળવી હતી. દિબ્યેન્દુ અધિકારી એ પહેલાં ૨૦૧૬માં થયેલી પેટાચૂંટણીમાં પણ જીતેલા. એ પહેલાં ૨૦૦૯ અને ૨૦૧૪માં તૃણમૂલ કૉંગ્રેસ છોડીને ભાજપમા ગયેલા ને અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી તામલુક બેઠક પરથી જીતેલા. દિબ્યેન્દુ અધિકારી શુભેન્દુ અધિકારીના ભાઈ છે તેથી આ વખતે તૃણમૂલ કૉંગ્રેસ તેમને રિપીટ કરશે એ નક્કી નથી.
દિબ્યેન્દુ પોતે પણ તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પરથી ઊભા રહેવાનું પસંદ ના કરે એવું બને. સામે ભાજપ પરિવારવાદના આક્ષેપો ના લાગે એટલે દિબ્યેન્દુને કોરાણે મૂકવા વિચારી રહ્યો એ શક્ય છે કેમ કે શુભેન્દુ અને દિબ્યેન્દુના પિતા શિશિર અધિકારી પણ કાંઠી લોકસભા બેઠક પરથી સાંસદ છે. શિશિર અધિકારી ૮૨ વર્ષના છે પણ ફરી ટિકિટ મેળવવા થનગની રહ્યા છે તેથી તેમને ટિકિટ અપાવવા માટે શુભેન્દુ પરિવારના ગઢ જેવી બેઠકનો અને ભાઈની રાજકીય કારકિર્દીનો ભોગ આપવા તૈયાર થઈ ગયા હોય એ શક્ય છે.
જસ્ટિસ ગંગોપાધ્યાયનો હાઈ કોર્ટ છોડીને ચૂંટણી લડવાનો નિર્ણય અણધાર્યો છે કેમ કે ૨૦૨૪ના ઑગસ્ટમાં તો એ કોલકાત્તા હાઈ કોર્ટમાંથી નિવૃત્ત થઈ જવાના હતા. નિવૃત્તિ પછી એ રાજકારણમાં આવી શક્યા હોત પણ કદાચ તેમનામાં એ ધીરજ ન રહી તેથી નિવૃત્તિના છ મહિના પહેલા જ તેમણે રાજીનામું ધરી દીધું. અલબત્ત ભાજપમાં જોડાવાનો તેમનો નિર્ણય અણધાર્યો પણ નથી ને આશ્ર્ચર્યજનક પણ નથી.
કોલકાત્તા હાઈ કોર્ટના જજ તરીકે એ જે રીતે વર્તતા હતા એ જોતાં એ ગમે ત્યારે ભાજપમાં જોડાશે એ નક્કી જ હતું. મમતા બેનરજી સરકારની સતત ટીકા અને ભાજપને માફક આવે એવા નિર્ણયો લઈને તેમણે પોતાના પર ભાજપના માણસ હોવાનું લેબલ જાતે જ લગાવી દીધું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને તેમણે હાઈ કોર્ટના જજ તરીકેની ગરિમાને પણ સાવ કોરાણે મૂકી દીધેલી એ જોતાં ભાજપમાં જોડાવાનો તેમનો નિર્ણય જરાય આંચકાજનક નથી.
જસ્ટિસ ગંગોપાધ્યાયને ભારતના નાગરિક તરીકે પોતાને ગમે એ કરવાનો અધિકાર છે, એ રાજકારણમાં પણ જોડાઈ શકે. રાજકારણી તરીકે એ શું ઉકાળશે એ ખબર નથી પણ રાજકારણમાં જોડાવાના નિર્ણયના કારણે તેમણે ન્યાયતંત્રને શંકાના દાયરામાં લાવી દીધું છે. ચોક્કસ રાજકીય પક્ષ તરફ સહાનુભૂતિ ધરાવતા હાઈ કોર્ટના જજે પોતાને ગમતા રાજકીય પક્ષના વિરોધી પક્ષ અંગે આપેલા ચુકાદા ખરેખર તટસ્થ હતા કે રાજકીય વિચારધારા અને સહાનુભૂતિથી પ્રેરિત હતા એ સવાલ થઈ રહ્યો છે. ભાજપ પણ જસ્ટિસ ગંગોપાધ્યાય પર આટલો મહેરબાન થઈ રહ્યો છે તેનું કારણ મમતા બેનરજી સરકાર અને તેના પ્રધાનો સામે તપાસના આપેલા આદેશો તો નથી ને એ સવાલ પણ ઉઠ્યો છે. જસ્ટિસ ગંગોપાધ્યાય તો ખંખેરીને ઊભા થઈ ગયા છે પણ ન્યાયતંત્રની પ્રતિષ્ઠા અને વિશ્ર્વસનિયતાને શંકાના દાયરામાં લાવી દીધી છે.
છેલ્લાં બે વર્ષમાં જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે વારંવાર મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસ અને પશ્ર્ચિમ બંગાળમાં મમતાના શાસનની આકરી ટીકા કરી હતી. તેમણે ભાજપનો ફાયદો કરાવે એવા સખ્યાબંધ ચુકાદા પણ આપ્યા ને તેમાં ઘણા ચુકાદા એવા હતા કે જે પછીથી હાઈ કોર્ટની જ ડિવિઝન બેંચે કે પછી સુપ્રીમ કોર્ટે રદ કર્યા હોય. ૨૦૨૨માં ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે પશ્ર્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આદેશ આપ્યો હતો અને ૩૨ હજાર શિક્ષકોની ભરતી રદ કરી દીધેલી.
હાઈ કોર્ટની ડિવિઝન બેંચે પછીથી આ ચુકાદા પર સ્ટે આપેલો. જસ્ટિસ ગંગોપાધ્યાયે મમતા બેનરજી સામેના અને તેમના પ્રધાનમંડળને લગતા ભ્રષ્ટાચારના ૧૬ કેસોની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સીબીઆઈને સોંપવા આદેશ આપેલો. આ આદેશ હવે શંકાના દાયરામાં છે કેમ કે જસ્ટિસ ગંગોપાધ્યાય ભાજપમાં છે.
જસ્ટિસ ગંગોપાધ્યાયે શિક્ષકોની ભરતી કૌભાંડ સાથે જોડાયેલા એક પેન્ડિંગ કેસમાં એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપીને મમતા બેનરજી સરકારની ટીકા કરી હતી. તેના કારણે તેમણે સુપ્રીમ કોર્ટની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે જસ્ટિસ ગંગોપાધ્યાયની વર્તનની ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસે કોલકત્તા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને ભરતી કૌભાંડને લગતા કેસોને અન્ય ન્યાયાધિશોને આપવાનો આદેશ પણ આપવો પડ્યો હતો.
જસ્ટિસ ગંગોપાધ્યાયે તૃણમૂલ કોંગ્રેસને ભ્રષ્ટ ગણાવીને કહેલું કે, તૃણમૂલ કોંગ્રેસ સામે માત્ર ભાજપ જ લડી શકે છે. હાઈ કોર્ટના જજને આ પ્રકારનાં નિવેદનો શોભે નહીં. જસ્ટિસ ગાંગોપાધ્યાયે પોતાના રાજકારણમાં પ્રવેશને પણ અહમનો મુદ્દો બનાવ્યો છે. તેમનું કહેવું છે કે, બંગાળના શાસક તૃણમૂલ કૉંગ્રેસના કટાક્ષના કારણે મને આ પગલું ભરવાની ફરજ પડી છે. તેમના મહેણાં-ટોણાં અને નિવેદનોએ મને રાજકારણમાં આવવા માટે પ્રેર્યો છે. તૃણમૂલ કૉંગ્રેસે મારું ઘણી વાર અપમાન કર્યું છે, તેમના પ્રવક્તાઓએ મારી સામે અસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
રાજકારણીઓ આ રીતે વર્તે તેની નવાઈ નથી. કમનસીબે હાઈ કોર્ટના જજ હોવા છતાં જસ્ટિસ ગંગોપાધ્યાય પણ એ રીતે જ વર્તી રહ્યા છે.