એકસ્ટ્રા અફેર

રાહુલની વાતથી જયશંકર નારાજ કેમ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્ર ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને વારંવાર અમેરિકા મોકલ્યા છતાં નરેન્દ્ર મોદીને ટ્રમ્પના શપથવિધિના સમારોહમાં નિમંત્રણ ના અપાવી શક્યા. રાહુલના કહેવા પ્રમાણે, આપણા દેશમાં સારી મેન્યુફેક્ચરિગ સિસ્ટમ હોત, આપણે ટેકનોલોજી પર કામ કરતા હોત તો ટ્રમ્પે ભારતમાં આવીને આપણા વડાપ્રધાનને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હોત.

જયશંકર આ વાતથી નારાજ થયા. જયશંકરે રાહુલ ગાંધી પોતાના ગયા વર્ષના અમેરિકા પ્રવાસ અંગે લોકસભામાં ખોટું બોલ્યા હોવાનો આક્ષેપ મૂકી દીધો. જયશંકરના કહેવા પ્રમાણે, પોતે ડિસેમ્બર 2024માં બાઈડન વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળવા ગયા હતા અને આ દરમિયાન મોદીને ટ્રમ્પની શપથવિધિમાં આમંત્રણ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી.

જયશંકરે કરેલી વાત સાચી છે કે રાહુલે કહ્યું એ સાચું છે એ ખબર નથી પણ જયશંકરે આપેલું રીએક્શન જોઈને આશ્ચર્ય થાય છે. લોકસભામાં નેતાઓ મનફાવે તેમ બોલતા હોય છે ને રાજકીય આક્ષેપો કરતા હોય છે. રાહુલે પણ એ રીતે આક્ષેપો કર્યા ને તેને અવગણવાની જરૂર હતી પણ જયશંકર નારાજ થયા તેનું કારણ મોદી અને ટ્રમ્પની દોસ્તી અંગે ભાજપે ઊભું કરેલું ચિત્ર છે. ટ્રમ્પે મોદીને નોંતર્યા નહીં તેમાં આ ચિત્ર ધૂંધળું થઈ ગયું તેથી રાહુલની વાતથી જયશંકરને લાગી આવ્યું છે.

મોદી ટ્રમ્પને માય ડિયર ફ્રેન્ડ તરીકે જ સંબોધતા અને ટ્રમ્પ તેમના બાળપણના દોસ્ત હોય એવું ચિત્ર ઊભું કરી નાંખેલું. બે દેશના વડા કદી મિત્ર ના હોઈ શકે એ રાજનીતિનો મુખ્ય સિદ્ધાંત જ મોદીને ખબર નહોતી. બે દેશના વડા પોતપોતાના દેશનાં હિતો સાચવવા માટે પરસ્પર સારપ બતાવતા હોય છે ને મોદી તેને દોસ્તી માની બેઠા. બાકી ટ્રમ્પે તો એ વખતે પણ કોઈ કસર બાકી નહોતી રાખી. ભારતને જનરલ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી બહાર કાઢીને નિકાસને કરોડોનો ફટકો મારવાથી માંડીને એચ-વન બી વિઝાના નિયમો આકરા કરવા સહિતના નિર્ણયો દ્વારા ટ્રમ્પે આપણને બૂચ મારેલો જ પણ મોદીની આંખો નહોતી ઉઘડતી.

આ કહેવાતી દોસ્તીના ઉત્સાહમાં 2020ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વખતે મોદીએ ખુલ્લેઆમ ટ્રમ્પનો પ્રચાર કરેલો. પહેલાં અમેરિકામાં હાઉડી મોદીનો કાર્યક્રમ કરીને અમેરિકામાં રહેતા ભારતીયોને ભેગા કરીને મોદીએ અબ કી બાર ટ્રમ્પ સરકારના નારા લગાવેલા ને પછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રમ્પને નોંતરીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરીને પાછો ટ્રમ્પનો ચૂંટણીપ્રચાર કરેલો.

નરેન્દ્ર મોદીનું વર્તન ગરિમાપૂર્ણ નહોતું. ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે અને દુનિયાની સૌથી મોટી અને મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે. આ દેશના વડા પ્રધાન બીજા દેશના પ્રમુખની ચૂંટણીમાં ઘેલા થઈને પ્રચાર કરે કે સ્ટેજ પર ઊભા રહીને સામાન્ય કાર્યકરની જેમ નારા લગાવે એ શોભાસ્પદ ના કહેવાય. આવી હરકતો ટૂણિયાટ નેતાઓ કરે, 140 કરોડની વસતી ધરાવતા દેશના વડા પ્રધાન ના કરે. ભારતના વડા પ્રધાનનું કંઈ ગૌરવ હોય કે નહીં? મોદી 2020માં એ ગૌરવ ચૂકી ગયેલા. બીજું એ કે, એક દેશના વડા પ્રધાન બીજા દેશની ચૂંટણીમાં દખલગીરી કરે એ પણ શરમજનક કહેવાય. અમેરિકામાં કે બીજા કોઈ દેશમાં આપણને માફક આવે એવી સરકાર આવે તેના માટે પાછલા બારણે મથવું એ મુત્સદીગીરી કહેવાય ને આ રીતે જાહેરમાં સ્ટેજ પર જઈને નારા લગાવવા એ છિછરાપણું કહેવાય. આ વાત સાંભળીને ભક્તજનોના પેટમાં દુ:ખશે પણ આ વાસ્તવિકતા છે.

મોદીને આ વાત સમજાઈ હશે કે પછી બીજા ગમે તે કારણોસર 2024ની ચૂંટણીમાં મોદી ગૌરવપૂર્ણ રીતે વર્ત્યા ને અમેરિકાની ચૂંટણીના પ્રચારથી દૂર રહ્યા. અમેરિકાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલતો હતો ત્યારે જ મોદી અમેરિકા ગયેલા. ટ્રમ્પ ઈચ્છતા હતા કે, મોદી ફરી તેમનો પ્રચાર કરે ને 2020ની જેમ સ્ટેજ પર ઊભા રહીને પોતાને મત અપાવવા માટે અપીલ કરીને નારા લગાવે.ટ્રમ્પે મોદીને પૂછ્યા વિના જ જાહેર પણ કરી દીધેલું કે, માય ડીયર ફ્રેન્ડ મોદી મને મળવા આવવાના છે, પણ મોદી ના ગયા. મોદીનું વર્તન યોગ્ય હતું કેમ કે ભારતના વડા પ્રધાન તરીકે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં સામેલ નહીં થઈને તેમણે દેશનું અને પોતાનું પણ ગૌરવ જાળવી લીધેલું.

ડોનલ્ડ ટ્રમ્પ બિઝનેસમેન છે ને આપણી ભાષામાં કહીએ તો બિલ્ડર છે. એ તો બધું નફા-નુકસાનના ત્રાજવે તોલવા ટેવાયેલો છે તેથી મોદીએ તેને ફાયદો ના કરાવ્યો તેમા તેને લાગી આવ્યું. ટ્રમ્પે એ પછી ભારત માટે ખરાબ શબ્દો વાપર્યા, ભારતને એબ્યુઝર ગણાવ્યું, અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયો વિશે પણ ટિપ્પણીઓ કરી ને ભારતના માલ પર ટેરિફ લાદવાની ધમકીઓ પણ આપી.

ટ્રમ્પને પોતાના દેશ માટે જે સારું લાગતું હતું એ કરવાની વાતો તેમણે કરી પણ ટ્રમ્પના વલણના કારણે સ્પષ્ટ હતું કે, મોદી તેમની ગુડ બુકમાં નથી. આ કારણસર મોદીને ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં નિમંત્રણ ના મળે એ અપેક્ષિત હતું પણ તેનાથી મોદીને કોઈ ફરક ના પડવો જોઈએ. ટ્રમ્પે ના નોંતર્યા તેમાં દુનિયા થોડી પતી ગઈ છે?

ભાજપ મોદી અને ટ્રમ્પ વચ્ચે જોરદાર દોસ્તી છે એવું સાબિત કરવા જ મથ્યા કરે છે. હમણાં 27 જાન્યુઆરીએ ટ્રમ્પે મોદીને ફોન કર્યો તેમાં તો ભાજપે દુનિયા જીતી લીધી હોય એવો હરખ બતાવેલો. મોદીએ પણ ટ્રમ્પનો ઉલ્લેખ માય ડિયર ફ્રેન્ડ તરીકે કરેલો. અત્યારે ટ્રમ્પે મોદીને વ્હાઈટ હાઉસમાં બોલાવ્યા છે એવી વાત છે. સત્તાવાર રીતે નથી અમેરિકાએ આ વાતને સમર્થન આપ્યું કે નથી વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી પણ ચાપલૂસ મીડિયાના એક વર્ગમાં આ પ્રકારની વાતો ચલાવાઈ છે. આ બધું કરવાની શું જરૂર છે?

મોદી 145 કરોડની વસતી ધરાવતા દેશના વડા પ્રધાન છે ને તેમણે એ રીતે વર્તવાની જરૂર છે. રાહુલ ગાંધી કે બીજું કોઈ રાજકીય આક્ષેપો કરે તો તેને અવગણવાની હિંમત પણ તેને બતાવવી જોઈએ ને કોઈ ટીકા કરે તો તેને પચાવવાની તાકાત પણ બતાવવી જોઈએ. અમેરિકા ભારત માટે મહત્ત્વનું સાથી છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ ટ્રમ્પ અમેરિકા નથી ને ભારત રેંજીપેંજી દેશ નથી. એક તોતિંગ માર્કેટ ધરાવતો દેશ છે ને જેટલી ગરજ આપણને અમેરિકાની છે એટલી જ ગરજ અમેરિકાને આપણી છે. ટૂંકમાં દોસ્તી-ફોસ્તી બાજુ પર ને આ દેશનાં હિતો પહેલાં આવવાં જોઈએ. ટ્રમ્પ ડિયર ફ્રેન્ડ નહીં બને તો ચાલશે પણ ટ્રમ્પ દોસ્ત બનીને આ દેશને લૂંટવાનો એજન્ડા અમલમાં મૂકે એ નહીં ચાલે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button