કૉંગ્રેસ ભાજપને ના હરાવી શકે એ ફરી સાબિત થયું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દેશનાં ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં. આ પરિણામોમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે ને કૉંગ્રેસનો ધબડકો થઈ ગયો છે. આ ચાર રાજ્યો પૈકી છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારો હતી પણ લોકોએ બંને સરકારોને ઘરભેગી કરી દીધી છે. મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર હતી તેના કરતાં વધારે બેઠકો જીતીને ફરી સત્તામાં આવી છે.
ભાજપની આ જીત પણ ભારે રસાકસીવાળી નથી પણ જેને આઉટરાઈટ વિક્ટરી કહેવાય એવી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણેય રાજ્યોમાં ભાજપને કૉંગ્રેસ કરતાં દોઢી બેઠકો મળી છે. કૉંગ્રેસ ક્યાંય ચિત્રમાં જ ના હોય એ રીતની જીત ભાજપે મેળવી છે એ જોતાં ભાજપમાં ઉત્સાહ ને કૉંગ્રેસમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.
કૉંગ્રેસ માટે તેલંગાણાની જીત આશ્ર્વાસન છે પણ તેનાથી ભાજપે ફરક પડતો નથી કેમ કે તેલંગાણમાં ભાજપ વિરોધી કે. ચંદ્રશેખર રાવની સરકાર હતી ને તેના સ્થાન કૉંગ્રેસની સરકાર આવી છે. મતલબ કે, એક ભાજપ વિરોધી સરકાર ગઈ ને બીજી આવી છે તેથી કૉંગ્રેસને ભલે ફાયદો થયો પણ ભાજપને નુકસાન નથી.
આ પરિણામોમાં કૉંગ્રેસ માટે સૌથી આંચકાજનક હાર છત્તીસગઢની છે. છત્તીગસગઢમાં કૉંગ્રેસની ભૂપેશ બઘેલ સરકારે જોરદાર કામગીરી કરી હોવાથી સત્તામાં વાપસી કરશે એવી હવા બંધાઈ ગયેલી પણ આશ્ર્ચર્યજનક રીતે કૉંગ્રેસની હાર થઈ છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જીતનું માર્જિન પણ બહુ મોટું છે. ૯૦ બેઠકોની વિધાનસભામાં ભાજપ ૬૦ બેઠકો લગોલગ પહોંચી ગયો છે એ જોતાં ભાજપને લગભગ બે તૃતિયાંશ બહુમતી મળી છે. ભાજપે આવી જીતની અપેક્ષા નહોતી રાખી ને કૉંગ્રેસે આવી હારની અપેક્ષા નહોતી રાખી એ જોતાં છત્તીસગઢના પરિણામ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે આશ્ર્ચર્યજનક છે. ફરક એટલો છે કે, ભાજપ માટે આ સાનંદાશ્ર્ચર્ય છે જ્યારે કૉંગ્રેસ માટે આશ્ર્ચર્યની સાથે આઘાત પણ છે.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ કૉંગ્રેસની હાર થઈ છે પણ આ બંને રાજ્યોમાં કૉંગ્રેસની જીતની બહુ શક્યતા નહોતી. રાજસ્થાનમાં અશોક ગેહલોતની કૉંગ્રેસ સરકારે ધકેલ પંચ્યાં દોઢસો કરીને પાંચ વર્ષ ખેંચી તો કાઢ્યાં પણ સચિન પાયલોટને કોરાણે મૂકીને ગેહલોતને મોટા ભા કરવાની ભૂલ ભારે પડી હોય એવું લાગે છે. રાજસ્થાનમા દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો ઈતિહાસ છે.
ભૈરોસિંહ શેખાવત ૧૯૯૩માં સળંગ બીજી વાર ભાજપને જીતાડી લાવ્યા પછી કૉંગ્રેસ કે ભાજપમાંથી કોઈ મહારથી પોતાના પક્ષને સળંગ બે વાર જીતાડી શક્યો નથી. છેલ્લા અઢી દાયકાથી એક વાર ભાજપ તો એક વાર કૉંગ્રેસની સરકાર આવ્યા કરે છે. રાજસ્થાનના મતદારોએ આ વખતે પણ એ પરંપરા જાળવી છે અને કૉંગ્રેસને ઘરે બેસાડી દીધી છે.
મધ્ય પ્રદેશમાં ભાજપનો જયજયકાર અપેક્ષિત છે કેમ કે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપ ખેંચી ગયો પછી કૉંગ્રેસ પાસે જૂની ફૂટી ગયેલી કારતૂસ જેવા કમલનાથ અને દિગ્વિજયસિંહ બચી ગયેલા છે. કમલનાથ અને દિગ્વિજય બીજા કોઈને ફાવવા જ દેતા નથી. કમનસીબે બંનેમાંથી કોઈને કૉંગ્રેસને જીતાડવાની તાકાત નથી એ વાત વારંવાર સાબિત થયેલી છે. સામે શિવરાજસિંહે ૨૦૧૮માં સ્પષ્ટ બહુમતી ના મળી તેમાંથી બોધપાઠ લઈને લોકોને સીધો લાભ થાય એવી યોજનાઓનો મારો ચલાવી દીધો. ખાસ કરીને લાડલી બહેન યોજના દ્વારા તેમણે મહિલાઓને ખુશ ખુશ કરી દીધેલી. મહિલા મતદારોને આકર્ષવાની શિવરાજસિંહની યોજના ફળી છે ને ભાજપ મધ્ય પ્રદેશમાં ફરી સત્તા પર આવ્યો છે.
તેલંગણામાં કૉંગ્રેસ કે. ચંદ્રશેખર રાવની સર્વોપરિતાનો અંત લાવવામાં સફળ થઈ છે એ કૉંગ્રેસ માટે મોટું આશ્ર્વાસન છે. છેલ્લી બે ટર્મથી તેલંગણામાં સત્તા ભોગવતા કેસીઆરને હરાવવા માટે કૉંગ્રેસે રેવંત રેડ્ડીને તેલંગણા કૉંગ્રેસની કમાન સોપી હતી. રેવંત રેડ્ડી કેસીઆરને ઉખાડી ફેંકવામાં સફળ થયા છે એ મોટી વાત છે. તેલંગણામાં કેસીઆરના પરિવારવાદ અને ભ્રષ્ટાચાર સામે લોકોમાં આક્રોશ હતો. કૉંગ્રેસે આ આક્રોશને પોતાની તરફેણમાં મતદાનમાં ફેરવવામાં સફળતા મેળવી છે.
તેલંગણામાં ભાજપે પણ ભારે મહેનત કરી હતી પણ ભાજપ તેલંગણામાં જીતવામાં સફળ થયો નથી. ભાજપની બેઠકોમાં વધારો થયો છે એ ભાજપ માટે હકારાત્મક બાબત છે. ભાજપે પોતાની બેઠકો લગભગ બમણી કરી છે. ભાજપ તેલંગણામાં હિંદુત્વને મુદ્દે લડી રહ્યો હતો એ જોતાં તેની બેઠકોમાં વધારો હકારાત્મક સંકેત છે. અત્યારે ભવે ભાજપ ના જીત્યો પણ ભવિષ્યમાં ભાજપ તેલંગણામાં હિંદુત્વનો પ્રભાવ વધારીને સત્તા કબજે કરી શકે છે એ આ પરિણામો પરથી દેખાઈ રહ્યું છે.
લોકસભાની ચૂંટણી પહેલાં આ છેલ્લી ચૂંટણી હતી એ જોતાં આ પરિણામોથી ભાજપનો જુસ્સો બુલંદ થઈ જશે ને કૉંગ્રેસમાં હતાશાનો માહોલ હશે એ કહેવાની જરૂર નથી. પહેલાં કર્ણાટક ને હવે તેલંગાણામાં જીત થતાં કૉંગ્રેસનો દક્ષિણમાં દબદબો વધ્યો છે પણ કૉંગ્રેસે કેન્દ્રમાં ફરી સત્તા પર આવવું હોય તો દક્ષિણમા તેનો પ્રભાવ વધે એ જરૂરી નથી પણ ભાજપને હરાવવો જરૂરી છે. દક્ષિણ ભારતમાં તો આમ પણ ભાજપ ચિત્રમાં નથી. ભાજપ કેન્દ્રમા સત્તા પર ઉત્તર ભારત અને પશ્ર્ચિમ ભારતમાં શાનદાર દેખાવ કરીને પહોંચ્યો છે ને વધારે વાસ્તવિક રીતે કહીએ તો કૉંગ્રેસને સાફ કરીને પહોંચ્યો છે.
કૉંગ્રેસ ભાજપને હરાવી શકે તો ફરી બેઠી થઈ શકે પણ આ પરિણામો પરથી એક વાત ફરી સ્પષ્ટ થઈ ગઈ છે કે, કૉંગ્રેસમાં ભાજપને હરાવવાની તાકાત નથી. કૉંગ્રેસ ગમે તેટલું જોર કરે પણ ભાજપ સામે એ ચાય કમ પાની છે. કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ, આંતરિક જૂથબંધી, જૂના ખાઈ-બદેલા નેતાઓની દાદાગીરી સહિતનાં ઘણાં કારણો કૉંગ્રેસની કારમી હાર માટે જવાબદાર છે પણ કારણો મહત્ત્વનાં નથી, હાર મહત્ત્વની છે.
લોકસભાની ચૂંટણી પહેલાંની છેલ્લી મોટી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને ભાજપે જરૂરી આત્મવિશ્ર્વાસ મેળવી લીધો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં શું થશે તેની આગાહી અત્યારથી ના કરી શકાય પણ અત્યારે જે માહોલ છે એ જોતાં ભાજપ જીતની હેટ્રિક કરીને ફરી સત્તા કબજે કરે તેનો તખતો તૈયાર છે.