ખેડૂતોની માગણીઓ સંતોષવી સરકારની નૈતિક ફરજ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લાંબા સમયની શાંતિ પછી ખેડૂત સંગઠનો ફરી મેદાનમાં આવ્યાં છે અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સહિતના મુદ્દે દિલ્હી કૂચનું એલાન કરીને દિલ્હી સરહદે ધામા નાંખ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને મજૂર સંઘ સહિતનાં સંગઠનોએ શુક્રવારે ભારત બંધનું એલાન પણ આપેલું. આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનોનો પ્રભાવ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો પૂરતો મર્યાદિત છે તેથી એ સિવાય બંધની કોઈ અસર વર્તાઈ નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં તો ભારત બંધનું એલાન છે તેની પણ લોકોને ખબર નહોતી.
મોદી સરકારે આંદોલને ચડેલા ખેડૂતોને મનાવવા માટેની મથામણ શરૂ કરી છે. તેના ભાગરૂપે દિલ્હી કૂચ શરૂ થઈ એ પહેલાં ખેડૂત આગેવાનો સાથે કેન્દ્રીય પ્રધાનોએ મંત્રણા કરેલી. એ મંત્રણામાં કશું ના થયું એટલે ખેડૂતોએ દિલ્હી કૂચ કરીને દિલ્હી સરહદે અડિંગા જમાવી દીધા. સરકાર હજુય ખેડૂતોને મનાવવા મથી રહી છે અને તેના ભાગરૂપે ગુરુવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો વચ્ચે વાતચીતનો વધુ એક રાઉન્ડ થઈ ગયો.
કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, પીયૂષ ગોયલ, નિત્યાનંદ રાય ઉપરાંત પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ બેઠકમાં હાજર હતા ને બધાંએ ખેડૂતોને આંદોલન પાછું ખેંચી લેવા માટે મનાવવા ભરપૂર કોશિશ કરી. રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયેલી વાતચીત રાત્રે બે વાગ્યા સુધી એટલે કે લગભગ છ કલાક સુધી ચાલી પણ કંઈ પરિણામ ના આવ્યું. આ વાતચીતમાં મોદી સરકારે એમએસપી અંગે કાયદો બનાવવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો કે જેમાં ખેડૂતો અને સરકાર બંનેના પ્રતિનિધિઓ હોય. સામે ખેડૂત સંગઠનો મોદી સરકાર ખેડૂત નેતાઓને એમએસપી કાયદો બનાવવાની ગેરંટી આપે એ વાત પર અડી રહેતાં વાટાઘાટોમાં કશું નીપજ્યું નહીં.
જો કે ખેડૂત આગેવાનો અને સરકાર બંનેએ વાતચીત પર પૂર્ણવિરામ મૂક્યું નથી. બંને ફરી વાત કરવા સંમત થયાં છે અને હવે રવિવારે ફરી બેઠક મળશે. ત્યાં સુધીમાં પ્રધાનોએ મોદીને ખેડૂતોની માગણીઓ શું છે ને ખેડૂતો કઈ રીતે માની જશે એ અંગેનો પોતાનો રિપોર્ટ આપશે. તેના આધારે કેન્દ્ર સરકાર પણ કોઈ ને કોઈ નિર્ણય લઈ લેશે તેથી રવિવારની બેઠક ફળદાયી નીવડે એવી આશા રાખી શકાય.
મોદી સરકાર હવે શું નિર્ણય લેશે એ ખબર નથી પણ મોદી સરકાર ખેડૂતોની માગણીઓ અંગે હકારાત્મક પગલાં ભરે એ જરૂરી છે કેમ કે મોદી સરકારે તેનું વચન આપેલું. મોદી સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગણી પંદર મહિના સુધી આંદોલન કરનારા ખેડૂત સંગઠનો સામે મોદી સરકારે ૨૦૨૧માં દેવ દિવાળીના દિવસે ઘૂંટણ ટેકવવા પડેલા. એ વખતે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરવી પડેલી.
મોદીની જાહેરાતના પગલે ખેડૂત આંદોલન સમેટાઈ જશે ને મોદી સરકારને રાહત થશે એવું લાગતું હતું પણ ખેડૂત સંગઠનોએ આંદોલનનો સંકેલો કરીને ઘરભેગા થઈ જવાના બદલે બીજી માગણીઓનું શું એ મુદ્દો ઊભો કરીને આંદોલન ચાલુ રાખવાનું એલાન કરેલું. ખેડૂત સંગઠનોએ સાફ શબ્દોમાં કહેલું કે, સંગઠનોને કૃષિ કાયદા રદ થાય એટલું જ નથી જોઈતું પણ બીજી માગણીઓ સંતોષાય તેમાં પણ રસ છે.
ખેડૂત સંગઠનાએ સરકારને બીજી છ માગણીઓનું લિસ્ટ પકડાવીને અલ્ટિમેટમ આપેલું કે, આ છ માગણીઓ અંગે સરકાર લેખિતમાં ખાતરી આપે પછી જ આંદોલન સમેટાશે. સરકારે ખેડૂતોને ટાળવા કોશિશ કરી પણ ખેડૂતોના તેવર જોયા પછી સરકાર ઢીલી પડી ગઈ હતી.
કિસાન મોરચાએ જે છ માગણી મૂકી હતી તેમાં મુખ્ય માગ લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ-એમએસપી)ને કાયદેસરતા આપીને તેના માટે કાયદો બનાવવાની હતી. ખેડૂતને પાકના ઉત્પાદનમાં થયેલા ખર્ચ પર ૫૦ ટકા નફો મળે એ રીતે એમએસપી નક્કી કરવાની ભલામણ સ્વામીનાથન સમિતિએ કરી હતી. ૨૦૧૧માં મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના પ્રમુખપદે રચાયેલી સમિતિએ પણ આ ભલામણ કરી હતી. મોદી સરકારે સ્વામીનાથન કમિટીની આ ભલામણનો અમલ કરવાની સંસદમાં જાહેરાત કરેલી પણ તેનો અમલ કર્યો નથી.
ખેડૂત સંગઠનોની બીજી માગ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વિદ્યુત અધિનિયમ સંશોધન વિધેયક પાછું લેવાની હતી. ખેડૂતો સાથે મંત્રણા દરમિયાન આ બિલ પાછું લેવાની સંમતિ આપીને સરકાર ફરી ગઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ હતો. દિલ્હીમાં પ્રદૂષણના નિયંત્રણ માટે બહાર પડાયેલા વટહુકમમાં પરાળી બાળનારા ખેડૂતોને સજા આપવાની જોગવાઈ છે તે હટાવી લેવાની પણ મોરચાની માગ હતી. કિસાન મોરચાએ ખેડૂત આંદોલન દરમિયાન હજારો ખેડૂતો સામે ખોટા કેસ થયા હોવાનો દાવો કરીને આ બધા કેસ પાછા ખેંચવાની પણ માગ મૂકી હતી.
મોરચાએ મોદી સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અજય મિશ્રા ટેનીને લખીમપુર ખીરી હત્યાકાંડના ષડયંત્રના મુખ્ય સૂત્રધાર ગણાવીને તેમને તગેડી મૂકવાની માગ પણ કરેલી. ખેડૂત આંદોલન દરમિયાન ૭૦૦ જેટલા ખેડૂતો શહીદ થયા હોવાનો દાવો કરીને તમામ ખેડૂતોના પરિવારોને વળતર અને પુર્નવસવાટની વ્યવસ્થા કરી આપવાની પણ મોરચાની માગણી હતી. આ શહીદ ખેડૂતોની સ્મૃતિમાં શહીદ સ્મારક બનાવવા માટે સિંઘુ બોર્ડર પર જમીન આપવાની પણ માગણી કરાઈ હતી.
ખેડૂતોને મોદી સરકાર પર ભરોસો નહોતો તેથી લેખિતમાં ખાતરી માગેલી. મોદી સરકારે અજય ટેની અને ખેડૂતો માટે સ્મારક સિવાયની બધી માગણીઓ અંગે લેખિતમાં ખાતરી આપવાની તૈયારી બતાવેલી તેથી ખેડૂત સંગઠનોએ મમત છોડીને સરકાર લેખિતમાં જે કંઈ આપે એ લેવાની તૈયારી બતાવીને આંદોલન સમેટી લીધું હતું. મોદી સરકારે એમએસપી અંગે કાયદો બનાવવાની ખાતરી નહોતી આપી પણ એમએસપીને કાનૂની સ્વરૂપ આપવા માટે શું કરવું એ અંગે કમિટી બનાવાની ખાતરી આપી હતી.
આ વાતને બે વર્ષથી વધારે સમય થઈ ગયો પણ કશું થયું નથી. ઘણા કેસોમાં તો ખેડૂતોનાં જપ્ત કરાયેલાં ટ્રેક્ટર અને વાહન પણ પાછાં મળ્યાં નથી તેથી ખેડૂતો પાછા મેદાનમાં આવ્યા છે. ખેડૂતો સાચા છે તેમાં બેમત નથી એ જોતાં મોદી સરકારે તેમની માગણીઓ સંતોષવી જોઈએ. મોદી સરકારની આ નૈતિક ફરજ છે ને આપણા દેશની સરકાર નૈતિક ફરજ ચૂકે તો એ શરમજનક કહેવાય.