એકસ્ટ્રા અફેર

મહુઆ મોઈત્રા માટે સાંસદપદ બચાવવું મુશ્કેલ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઈત્રાએ નાણાં લઈને સંસદમાં સવાલો પૂછ્યા હોવાનો મુદ્દો ચગ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગયા અઠવાડિયે સનસનાટીભર્યા આક્ષેપો કરેલા કે, મહુઆ મોઇત્રાએ મુંબઈના બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસેથી મોંઘી મોંઘી ભેટો અને રોકડ રકમ પણ લીધી હતી. બદલામાં દર્શન હીરાનંદાનીને પોતાનું પાર્લમેન્ટનું લોગ-ઈન જ આપી દીધું હતું કે જેના પર દર્શન પોતાને ફાવે એ સવાલો પૂછતો હતો. આ પૈકી મોટા ભાગના સવાલો અદાણી જૂથને લગતા હતા. મહુઆ મોઇત્રાએ સંસદમાં ગૌતમ અદાણી પર આક્ષેપો કર્યા હતા જેથી તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈમેજને બગાડી શકે.

દુબેએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મહુઆ સામે પગલાં ભરવા માટે પણ વિનંતી કરી હતી. નિશિકાંતે ૧૫ ઑક્ટોબરે લોકસભા સ્પીકરને પત્ર લખીને ફરિયાદ કરી પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ મામલો એથિક્સ કમિટીને મોકલી દીધો હતો.

મહુઆએ આ આક્ષેપોને ખોટા ગણાવીને દુબે બકવાસ કરી રહ્યા છે એવું કહ્યા કરતાં હતાં ત્યાં બિઝનેસમેન દર્શન હિરાનંદાનીની એફિડેવિટ બહાર આવી ગઈ છે. આ એફિડેવિટમાં દર્શને દાવો કર્યો છે કે, મહુઆ મોઇત્રાએ મને પોતાનું સંસદનું લોગ-ઈન આઈડી અને પાસવર્ડ આપ્યાં હતાં કે જેથી હું તેમના વતી પ્રશ્ર્નો પોસ્ટ કરી શકું.

આ એફિડેવિટની વિશ્ર્વસનિયતા સામે મહુઆ મોઇત્રાએ સવાલ ઉઠાવ્યા છે. મહુઆએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે કે, આ એફિડેવિટ કોરા કાગળ પર છે અને દર્શનની કંપનીના સત્તાવાર લેટરહેડ પર પણ નથી. નોટરી કરાવેલી પણ નથી તેથી શંકાસ્પદ છે. મહુઆએ કોમેન્ટ કરી છે કે, ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને શિક્ષિત ઉદ્યોગપતિઓમાંથી એક કોરા કાગળ પર ત્યારે જ સહી કરે જ્યારે તેમના લમણા પર પિસ્તોલ મૂકવામાં આવી હોય. મહુઆનું કહેવું છે કે, પીએમઓ દ્વારા દર્શન હીરાનંદાનીને ધમકાવીને સહી લેવામાં આવી છે અને મને બદનામ કરવા માટે પીએમઓમાં કેટલાક મંદબુદ્ધિ લોકોએ આ એફ્ડેવિટ બનાવડાવી છે.

મહુઆએ એવો સવાલ પણ કર્યો છે કે, દર્શન હિરાનંદાનીને હજુ સુધી સીબીઆઈ કે એથિક્સ કમિટી કે કોઈ તપાસ એજન્સી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું નથી. આ સંજોગોમાં તેમણે આ એફિડેવિટ કોને આપી છે? મહુઆએ પોતાના એક્સ બોયફ્રેન્ડ અને સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઈ સામે પણ આક્ષેપો કર્યા છે.

સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઈ અને મહુઆ મોઇત્રા બંને પહેલાં મિત્રો હતાં. મહુઆએ પોતે જયનો ઉલ્લેખ પોતાના એક્સ બોયફ્રેન્ડ તરીકે કર્યો છે તેથી બંને વચ્ચે સંબંધો હતા તેમાં શંકા નથી. આ સંબંધોમાં પછીથી ખટાશ આવી ગઈ અને બંને વચ્ચે ઝઘડો થયો પછી સામસામી ફરિયાદો શરૂ થઈ.

મોઇત્રાએ છેલ્લા છ મહિનામાં દેહાદ્રાઈ સામે ચોરી, અશ્ર્લીલ સંદેશા મોકલવા અને ગેરવર્તન કરવા સહિતની ઘણી બધી પોલીસ ફરિયાદો નોંધાવી છે. જય પણ સીબીઆઈમાં મોઇત્રા સામે ફરિયાદ કરી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેને પણ જયે જ પુરાવા આપ્યા છે અને એ પછી દુબેએ લોકસભા સ્પીકરને ફરિયાદ કરી હતી.

જય અને મહુઆ વચ્ચેની લડાઈ પાછો અલગ વિષય છે પણ અત્યારે તો આ વિવાદના કારણે મહુઆનું સંસદસભ્યપદ જોખમમાં છે. લોકસભાની એથિક્સ કમિટીએ આ કેસમાં કામ શરૂ કરી દીધું છે. એથિક્સ કમિટીએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને વકીલ જય અનંત દેહાદ્રાઈને મૌખિક પુરાવા આપવા માટે ગુરુવાર, ૨૬ ઑક્ટોબરે હાજર થવા માટે કહી પણ દીધું છે. આ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરાશે.

એથિક્સ કમિટીને લાગે કે, મહુઆ સામેના આક્ષેપો સાચા છે તો તેમને સમન્સ આપીને બોલાવાશે અને તેમનો પક્ષ રજૂ કરવાની તક અપાશે. એથિક્સ કમિટી પૂછપરછ કરશે અને સંપૂર્ણ તપાસ બાદ એથિક્સ કમિટી પોતાનો રિપોર્ટ લોકસભાના અધ્યક્ષને સોંપશે. આ રિપોર્ટમાં ક્યા પ્રકારની સજા કરવી તેની ભલામણ કરવામાં આવશે. આ રિપોર્ટ સંસદમાં મૂકાય પછી બહુમતીના આધારે મોઈત્રા સામે કાર્યવાહી થઈ શકે છે. સત્ર ચાલુ ન હોય તો કાર્યવાહી અંગે નિર્ણય લેવાનો અધિકાર સ્પીકરને પણ છે.

લોકસભામાં ભાજપ પાસે બહુમતી છે અને સ્પીકર પણ ભાજપના છે એ જોતાં મહુઆ મોઈત્રાનો ઘડોલાડવો થઈ જશે એ નક્કી છે. મહુઆએ જેલમાં જવાનો વારો પણ આવી શકે કેમ કે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો કેસ કરવા માટે જય દેહાદ્રાઈએ સીબીઆઈને અરજી આપી છે. વિપક્ષના નેતા હોય એટલે ઈડી અને સીબીઆઈ વધારે પડતી સ્ફૂર્તિ બતાવે છે તેથી મહુઆને જેલભેગાં કરવામાં પણ ઈડી અને સીબીઆઈ વાર નહીં જ કરે.

આ કેસમાં તપાસનો રેલો કૉંગ્રેસના નેતાઓ લગી પણ પહોંચી શકે. કેટલાક પત્રકારોના ફરતે પણ ગાળિયો કસાઈ શકે કેમ કે દર્શન હીરાનંદાનીએ પોતાની એફિડેવિટમાં કહ્યું છે કે, મહુઆ મોઇત્રાને સુચેતા દલાલ, શાર્દુલ શ્રોફ અને પલ્લવી શ્રોફ જેવા અન્ય લોકોની મદદ મળી રહી હતી. આ તમામ લોકો અદાણી અને તેની કંપની સાથે સંબંધિત તપાસ કર્યા વિનાની માહિતી આપતા હતા. કૉંગ્રેસના નેતાઓ પણ તેમાં સાથ આપી રહ્યા હતા. આ આખું ટોળું ફાઈનાન્સિયલ ટાઈમ્સ, ન્યૂયોર્ક ટાઈમ્સ, બીબીસી જેવી મીડિયા સંસ્થાઓના પત્રકારોના સંપર્કમાં હતા અને અદાણી વિશે માહિતી મેળવીને અલગ-અલગ પ્લેટફોર્મ પર ઉઠાવતા હતા. આ વાતોને આધાર બનાવીને ઘણાંના ફરતે ગાળ્યો કસાય એ શક્ય છે.

મહુઆનો કેસ એ વાતનો પુરાવો છે કે, ભારતમાં રાજકારણીઓ ભરોસાપાત્ર નથી ને તેમની નીતિમત્તા પર વિશ્ર્વાસ મૂકી શકાય તેમ નથી. મહુઆ મોઈત્રા અને નિશિકાંત દુબે બંને રાજકારણી છે ને બંને એકબીજા સામે આક્ષેપો કરી રહ્યાં છે. બંનેમાંથી સાચું કોણ એ કળવું મુશ્કેલ છે પણ બેમાંથી કોઈ તો ખોટું છે જ એ નક્કી છે. મહુઆએ દર્શને કરેલી કબૂલાત પ્રમાણે તેની પાસેથી લક્ઝરીયસ ચીજોની માગણી કરી હોય કે દિલ્હીમાં પોતાના બંગલાના રિનોવેશનમાં મદદ લીધી હોય તો એ ભ્રષ્ટાચાર જ છે. દુબેએ પણ માત્ર મહુઆને ફસાવવા આ ત્રાગડો કર્યો હોય તો એ પણ ભ્રષ્ટાચાર જ છે એ જોતાં કોઈ ને કોઈ તો ભ્રષ્ટાચારી છે જ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button