એકસ્ટ્રા અફેર

બિહારના જ્ઞાતિવાદી રાજકારણમાં પી.કે.ચાલે ખરા?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે દેશભરમાં જે ૪૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થવાની છે તેમાં બિહારમાં પણ ચાર બેઠકોની પેટાચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ બેઠકો પર ૧૩ નવેમ્બરે મતદાન થવાનું છે. બિહાર વિધાનસભાની આ ચાર બેઠકો ભાજપ-જેડીયુ અને કૉંગ્રેસ-આરજેડી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ત્યારે રાજકીય વિશ્ર્લેષક પ્રશાંત કિશોર પણ મેદાનમાં આવતાં જંગ રસપ્રદ બની ગયો છે.

પ્રશાંત કિશોર રાજકીય નિવેદનબાજી કર્યા કરે છે અને બધા પર પ્રહાર કર્યા કરે છે ત્યારે બિહારની જનતા તેમને સ્વીકારે છે કે નહીં તેની પહેલી કસોટી આ પેટાચૂંટણીમાં થવાની છે કેમ કે પ્રશાંત કિશોરે રાજકીય પક્ષ જન સુરાજ પાર્ટી બનાવ્યા પછી પોતાના પ્રથમ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પ્રશાંત કિશોરે તરારી વિધાનસભા મતવિસ્તારમાંથી નિવૃત્ત આર્મી ઓફિસર લેફ્ટનન્ટ જનરલ શ્રી કૃષ્ણ સિંહને જન સુરાજ પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. એક ઉમેદવાર તરીકે લેફ્ટનન્ટ જનરલ શ્રી કૃષ્ણ સિંહમા કશું કહેવાપણું નથી કેમ કે કૃષ્ણ સિંહને અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

ભારતીય લશ્કર માટે ગૌરવરૂપ ઓપરેશન મેઘદૂત, રક્ષક અને પરાક્રમ જેવી મોટી લશ્કરી કામગીરીમાં સામેલ રહી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ કૃષ્ણ સિંહ ઘણાં ઓપરેશનોનું નેતૃત્વ કરી ચૂક્યા છે. સિયાચિન, કુપવાડા, લેહ વગેરેમાં લશ્કરી કમાન્ડ સંભાળી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિંહે ૪૧ વર્ષ સુધી સેનામાં સેવા આપી છે. ૨૦૧૩માં નિવૃત્તિ પછી તેમણે સશસ્ત્ર દળો ટ્રિબ્યૂનલમાં વહીવટી સભ્ય તરીકે કામ કર્યું છે.
લેફ્ટનન્ટ જનરલ શ્રી કૃષ્ણ સિંહનાં પત્નીનું અવસાન થયું છે અને બંને પુત્રો અમેરિકામાં સારી નોકરીમાં છે તેથી શ્રી કૃષ્ણ સિંહ સંપૂર્ણપણે સમાજસેવાને સમર્પિત છે પણ સવાલ તેમના મતવિસ્તારનાં લોકો તેમને સ્વીકારે છે કે નહીં તેનો છે. લેફ્ટનન્ટ જનરલ સિંહ કે પ્રશાંત કિશોરની પાર્ટીનો એકાદ ઉમેદવાર પણ આ ચૂંટણીમાં જીતશે તો બિહારના રાજકારણમાં નવો અધ્યાય શરૂ થશે એ જોતાં આ ચૂંટણી પી.કે. અને બિહાર માટે મહત્ત્વની છે. રાજકીય વિશ્ર્લેષક પ્રશાંત કિશોરે બે ઓક્ટોબર ને ગાંધી જ્યંતીના દિવસે સત્તાવાર રીતે રાજકીય પાર્ટી લોન્ચ કરી હતી. પી.કે.એ પોતાની પાર્ટીનું નામ જન સુરાજ પાર્ટી રાખ્યું છે અને રાજકીય પક્ષની સ્થાપના કરતાં પહેલાં તેઓ બે વર્ષ સુધી જન સુરાજ યાત્રા દ્વારા બિહારના ગામોમાં, શહેરોમાં પદયાત્રા કરી ચૂક્યા છે.

પી.કે. બિહારના જ નહીં પણ દેશના રાજકારણમાં પણ હાઈ પ્રોફાઈલ નામ છે. નરેન્દ્ર મોદીથી માંડીને મમતા બેનરજી સુધીના ધુરંધરોની ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરી ચૂકેલા પ્રશાંત કિશોર પોતાની પાર્ટી માટે કેવી વ્યૂહરચના તૈયાર કરે છે તેના પર સૌની નજર છે. પ્રશાંત કિશોર પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પોતે પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા લોકોમાં રહેશે નહીં પણ તેનો અર્થ નથી.

આ પાર્ટીની ઓળખ પી.કે.ની પાર્ટી તરીકેની છે તેથી તેની સફળતા કે નિષ્ફળતા પ્રશાંત કિશોરની જ નિષ્ફળતા કહેવાય. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ રાજ્યમાં પદયાત્રા કરી ચૂક્યા છે. તેમની પદયાત્રા ૧૭ જિલ્લામાંથી પસાર થઈ હતી અને બે વર્ષમાં તેમણે લગભગ પાંચ હજાર કિલોમીટર ચાલીને ૫૫૦૦થી વધુ ગામડાંની મુલાકાત લીધી હતી. આ વ્યૂહરચના કેટલી અસરકારક નિવડે છે તેની પણ કસોટી થશે.

પ્રશાંત કિશોર સફળ થશે તો બિહારનું રાજકારણ બદલાઈ જશે કેમ કે બિહારનું રાજકારણ છેલ્લાં બે દાયકાથી નીતીશ કુમાર કેન્દ્રિત રહ્યું છે. નીતીશે બિહારમાં જ્ઞાતિવાદનાં એવાં સમીકરણ ગોઠવ્યાં છે કે, તેમને કોઈ પછાડી શકતું નથી. ભાજપ અને આરજેડી બંને મથ્યા કરે છે પણ નીતિશને હટાવી શકતા નથી ને પોતાનો મુખ્યમંત્રી બેસાડી શકતા નથી.

પ્રશાંત કિશોર માટે સૌથી મોટો પડકાર બિહારનું જ્ઞાતિવાદી રાજકારણ છે. બિહારનું આખું રાજકારણ જ્ઞાતિવાદના ગંદવાડ પર જ ચાલે છે ને હંમેશાં બિહારની ચૂંટણી જ્ઞાતિવાદનાં સમીકરણો પર લડાય છે. એક જમાનામાં બિહારના રાજકારણમાં બ્રાહ્મણો અને ઠાકુરોની બોલબાલા હતી પણ વિશ્ર્વનાથ પ્રતાપસિંહે મંડળનું રાજકારણ ચલાવ્યું ને સામે ભાજપે કમંડળ બહાર કાઢ્યું પછી બિહારનું રાજકારણ દલિત, મુસ્લિમ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) પર કેન્દ્રિત થઈ ગયું છે. બિહારમાં સૌથી મોટી મતબેંક ઓબીસીની છે.

બિહારના મતદારોમાં ઓબીસીનો હિસ્સો ૫૧ ટકા છે. આ ૫૧ ટકામાં યાદવો ૧૪ ટકા અને કુર્મી ચાર ટકા છે. યાદવો લાલુની અને કુર્મીઓ નીતીશ કુમારની મતબેંક ગણાય છે. ઓબીસીમાં પણ ઈબીસી નામનો અલગ ફાંટો છે. આપણે ત્યાં ઈબીસી એટલે ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ છે જ્યારે બિહારમાં ઈબીસી એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ છે. મતલબ કે પછાતોમાં પણ પછાત. આ ઈબીસીમાં પણ ૧૩૦ જેટલી જ્ઞાતિઓ છે પણ તેમાં કોરી, કુશવાહા અને તેલી મુખ્ય છે. આ પૈકી કોરી ૮ ટકા છે ને એ મતબેંક વહેંચાયેલી છે. કુશવાહા, તેલી ૪-૪ ટકા છે. ગુજરાતમાં જેમને ઘાંચી કહે છે એ ઉત્તર ભારતમાં તેલી કહેવાય છે. ઘાણી ચલાવીને તેલ કાઢવું એ આ જ્ઞતિનો મુખ્ય વ્યવસાય છે.

બિહારમાં દલિતોની વસતિ ૧૬ ટકા છે. નીતીશ કુમારે ચાલાકી બતાવીને દલિતોમાં પણ મહાદલિતનો ફાંટો પડાવી દીધો છે. નીતીશે બિહારની ૨૩ દલિત જ્ઞાતિઓમાંથી ૨૧ જ્ઞાતિને મહાદલિત જાહેર કરાવી દીધી છે. નીતીશના આ દાવ પછી પાસવાન અને દુસાધ બે જ જ્ઞાતિ દલિતમાં રહી ગઈ છે. તેમની વસતિ ૬ ટકાની આસપાસ છે. મહાદલિતમાં મુશહર, ભૂઈયાન, ડોમ, ચમાર, ધોબી અને નટ જ્ઞાતિઓ મુખ્ય છે. જીતનરામ માંઝી મુશહર જ્ઞાતિના છે. એ સિવાય ગોંડ, સંથાલ અને થારૂ આદિવાસીઓ દોઢેક ટકા છે. એ લોકો પણ મહાદલિતની સાથે રહે છે તેથી નીતીશનો માંઝી પર મોટો મદાર છે. નીતીશે તેમાં પણ ફાટફૂટ પડાવવાનો દાવ તો ખેલ્યો જ છે. અત્યંત પછાત વર્ગમાં આવતી મલ્લાહ (નિષાદ) અને નોનિયા એ બે જ્ઞાતિને નીતીશે એસસી-એસટી કેટેગરીમાં મૂકી દીધી હતી કે જેથી તેમને સરકારી નોકરીઓમાં વધારે ફાયદો થાય.

નીતીશે એસસી-એસટી અને ઓબીસીને પોતાની તરફ વાળવા માટે સરકાર દ્વારા અપાતા ૧૫ લાખ રૂપિયા સુધીના કોન્ટ્રાક્ટમાં પણ અનામત દાખલ કરીને પચાસ ટકા કોન્ટ્રાક્ટ એસસી, એસટી, ઈબીસી અને ઓબીસીને આપવા એવું ફરમાન બહાર પાડ્યું હતું. તેના કારણે આ જ્ઞાતિઓ નીતીશ તરફ ઢળેલી છે. બિહારમાં મુસ્લિમોની વસતિ ૧૭ ટકાની આસપાસ છે. આ મતબેંક નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે વહેંચાઈ જાય છે.

પી.કે. ભાજપની બી ટીમ કહેવાય છે એ જોતાં આ જ્ઞાતિવાદનાં સમીકરણોમાં એ કેટલું કાઠું કાઢશે એ સવાલ છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker