ગુજરાતમાં કૉંગ્રેસની અવદશા માટે મોઢવાડિયા જવાબદાર ખરા કે નહીં?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાતમાં કૉંગ્રેસમાંથી જે રીતે ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે એ જોતાં લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભામાં કૉંગ્રેસ સિંગલ ડિજિટમાં આવી જાય એટલે કે તેના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૦ની અંદર આવી જાય એવી પુરી શક્યતા છે. ગુજરાતમાં ૨૦૨૨ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસે માત્ર ૧૭ બેઠકો જીતીને તેના ઈતિહાસનો સૌથી શરમજનક દેખાવ કરેલો. એ પછીના સવા વરસમાં ગુજરાત કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યોમાં કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ગણીને ૧૪ જ રહી ગયેલી ત્યાં સોમવારે સાંજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતાં હવે કૉંગ્રેસ પાસે ૧૩ ધારાસભ્યો જ રહી ગયા છે.
આમ તો લોકસભા ચૂંટણી નજીક આવતાં ગુજરાત કૉંગ્રેસમાં ફરી રાજીનામાનો દોર શરૂ થયો છે ને નાના-નાના નેતા રામ-રામ કરીને કૉંગ્રેસ છોડી રહ્યા છે પણ સોમવાર કૉંગ્રેસ માટે ભારે રહ્યો. સોમવારે એક જ દિવસમાં કૉંગ્રેસના ત્રણ નેતાઓનાં રાજીનામાં પડ્યાં. પહેલાં બપોરે રાજુલાના ભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપ્યું. એ પછી બપોરે નવસારી કૉંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામાં આપી દીધું. કૉંગ્રેસ આ બે આંચકા પચાવે એ પહેલાં સાંજે પોરબંદરના ધારાસભ્ય અને કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કૉંગ્રેસને રામ રામ કરી દીધા.
અર્જુન મોઢવાડિયાના રાજીનામાનો તખ્તો ક્યારે ગોઠવાયો તેની કૉંગ્રેસની નેતાગીરીને તો ખબર હતી જ નહીં પણ ભાજપના નેતાઓને પણ ખબર નહોતી. મોઠવાડિયાએ બારોબાર ભાજપના ટોચના નેતાઓ સાથે મળીને બધું ગોઠવી દીધલું ને સાંજે વિધાનસભા સ્પીકર શંકરભાઈ ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું. વિધાનસભા સ્પીકર શંકરભાઈ ચૌધરીને પણ મોઢવાડિયા રાજીનામું આપવાના છે તેની ખબર નહોતી તેથી થરાદના કાર્યક્રમમાં ગયેલા. ભાજપ હાઈકમાન્ડે મોઢવાડિયાના રાજીનામાની જાણ કરતાં શંકરભાઈ ચૌધરીએ થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર દોડવું પડ્યું. તેના પરથી જ મોઢવાડિયાના રાજીનામાની વાત એકદમ ખાનગી રખાઈ હતી એ સ્પષ્ટ છે.
મોઢવાડિયા અને અંબરીશ ડેર આમ તો ક્યારનાય રાજીનામાં ધરી દેવા થનગનતા જ હતા. જાન્યુઆરીમાં કૉંગ્રેસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા હાજરીને આમંત્રણને નકાર્યું ત્યારે જ બંનેએ નિર્ણય સામે અવાજ ઉઠાવીને સંકેત આપી દીધેલો કે, હવે કૉંગ્રેસમાં રહેવાનો તેમનો મૂડ નથી. આ ઘટનાના લગભગ દોઢ મહિના પછી અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે કૉંગ્રેસને કાયમ માટે રામ રામ કરી દીધા.
આ ત્રણ નેતા પૈકી ધર્મેશ પટેલ બહુ મહત્ત્વના નથી ને તેમના કૉંગ્રેસમાં રહેવાથી કે ના રહેવાથી બહુ ફરક પડતો નથી. ધર્મેશ પટેલ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા પણ તેમનો એવો કોઈ પ્રભાવ નથી તેથી કોઈ તેમની નોંધ ના લે. અંબરીશ ડેર રાજુલાના ભૂતપૂર્વ ધારાસભ્ય છે પણ આ વખતે ચૂંટણી હારી ગયેલા. ડેર આહીર સમાજના અગ્રણી છે તેથી ભાજપમાં જાય તો ભાજપને ફાયદો થાય પણ કૉંગ્રેસને અસલી ફટકો અર્જુન મોઢવાડિયાના રાજીનામાને કારણે પડ્યો છે.
મોઢવાડિયા પણ એવા મોટા નેતા નથી કે જોરદાર જનાધાર ધરાવતા નથી. બલ્કે ૨૦૧૨ અને ૨૦૧૭ એમ બે સળંગ વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપના બાબુભાઈ બોખીરીયા સામે હારી ગયેલા. અર્જુન મોઢવાડિયા ઓબીસી સમુદાયના છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી આવે છે પણ માસ લીડર નથી. આ વખતે પણ માંડ માંડી જીત્યા છે તેથી તેમના જવાથી કૉંગ્રેસને મતબેંકની રીતે મોટો ફટકો નથી પડવાનો પણ ફટકો કૉંગ્રેસની આબરૂને પડ્યો છે. કૉંગ્રેસે છેલ્લા બે-અઢી દાયકામાં જે નેતાઓને બધું આપ્યું અને બરાબર સાચવ્યા, સમયાંતરે હોદ્દા આપ્યા તેમાં એક અર્જુન મોઢવાડિયા પણ હતા.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં કૉંગ્રેસનો ચહેરો ગણાતા હતા. નરેન્દ્ર મોદી સામે આક્રમક બનીને લડનારા નેતાઓમાં મોઢવાડિયા પણ એક હતા. એ માણસ આજે કૉંગ્રેસ છોડીને જાય તેના કારણે એવો મેસેજ ગયો જ છે કે, ગુજરાતમાં હવે કૉંગ્રેસનું અચ્યુતમ કેશવમ્ થઈ ગયું છે અને મોઢવાડિયા જેવા ચુસ્ત કૉંગ્રેસીઓને પણ કૉંગ્રેસની નેતાગીરીમાં ભરોસો રહ્યો નથી.
અર્જુન મોઢવાડિયા મૂળ બિઝનેસમેન છે અને યુવા કાળથી કૉંગ્રેસને સમર્થક હતા પણ સત્તાવાર રીતે ૧૯૯૭માં કૉંગ્રેસમાં જોડાયા હતાં. મોઢવાડિયા પહેલી વાર ૨૦૦૨માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. મોઢવાડિયાએ કૉંગ્રેસમાં આવતાં વેંત જ અહમદ પટેલને પકડી લીધેલા તેથી તેમનો વિકાસ ઝડપથી થયો. મોઢવાડિયા કૉંગ્રેસમાં આવ્યા ત્યારે અમરસિંહ ચૌધરી જીવતા હતા પણ ૨૦૦૪માં એ ગુજરી ગયા પછી અર્જુન મોઢવાડિયાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા હતા.
મોઢવાડિયા ૨૦૦૪થી ૨૦૦૭ સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા. મોઢવાડિયા ૨૦૦૭માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ફરી જીત્યા અને માર્ચ ૨૦૧૧ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા. ૨૦૧૨માં એ હાર્યા છતાં કૉંગ્રેસે તેમને તરછોડ્યા નહોતા ને ૨૦૧૭માં ફરી ટિકિટ આપી. એ વખતે પાછા હાર્યા તો પણ ૨૦૨૨માં ફરી ટિકિટ આપી. મોઢવાડિયાએ ૨૦૨૨માં ભાજપની પ્રચંડ લહેર વખતે ૮૧૮૧ મતે જીતીને આબરૂ સાચવી લીધેલી. એ વખતે જ કદાચ તેમણે તકનો લાભ ઉઠાવીને માનભેર ભાજપમા જવાનું નક્કી કરી લીધેલું પણ યોગ્ય મોકાની રાહ જોતા હતા. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે તેમને અને અંબરીશ ડેર બંનેને એ તક આપી દીધી.
કૉંગ્રેસ છોડ્યા પછી અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમા ડાહી ડાહી વાતો કપીને કહ્યું કે, યુવાકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલ હતો અને કપરા સમયમાં પણ જવાબદારી સંભાળી હતી પણ થોડા સમયથી ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી કૉંગ્રેસમાં આર્થિક અને સામાજિક પરિવર્તન લાવી શકી નથી. મોઢવાડિયાએ એમ પણ કહ્યું કે, કોઇ પાર્ટી જનતા સાથેનો સંપર્ક ગુમાવી દે છે પછી લાંબો સમય ટકી શકતી નથી.
ગુજરાતમાં તો ત્રણ દાયક લગી કૉંગ્રેસ પર અહમદ પટેલનું વર્ચસ્વ રહ્યું. અહમદ પટેલની છત્રછાયામાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા. સિધ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે કૉંગ્રેસનું નેતૃત્વ વહેંચાતું રહ્યું તો ગુજરાતમાં કૉંગ્રેસની અવદશા માટે જવાબદાર કોણ?
મોઢવાડિયાએ આ સવાલનો જવાબ પણ આપવો જોઈએ કે નહીં?